Sensex

વિગતવાર સમાચાર

વારંવાર ભૂલો કરવી, એ ઈરાદાપૂર્વકનો ગુન્હો ગણાય...

સવારનો ભૂલ્યો સાંજે ઘેર આવે તો ભૂલ માફ પણ...

                                                                                                                                                                                                      

પહલગામ આતંકી હુમલા પછી દેશ સ્તબ્ધ અને શોકગ્રસ્ત છે. પડોશી પાકિસ્તાન સામે જનભાવનાઓ ઉકળી રહી છે. પહલગામ આતંકી હુમલા પછીના દિવસોમાં દેશ એકજુથ દેખાયો અને વિશ્વના મહત્તમ દેશોએ ભારતની પડખે ઊભા રહેવાનો કોલ આપ્યો, તે પછી પ્રપંચી પાકિસ્તાન એકલું-અટુલુ પડી ગયું અને ભારત સરકારે હુમલાના બીજા અને ત્રીજા દિવસે જ કેટલાક કદમો એવા ઊઠાવ્યા હતાં, જથી પાક. સરકાર અને ત્યાંના વિપક્ષોની હવા નીકળી ગઈ હતી, અને મનફાવે તેવા નિવેદનો કરવા લાગ્યા હતાં. તેવા સમયે આપણા દેશના હિન્દુ-મુસ્લિમ, શિખ-ઈસાઈ સૌએ જે એકજુથતા દર્શાવી, તેથી પાકિસ્તાનમાં વધુ ભય ફેલાયો હતો.

આઝાદી પછી અવારનવાર થતી હરકતો હવે માફીને લાયક નથી

ભારત અને પાકિસ્તાન બન્ને આઝાદ થયા, તે સમયે પાકિસ્તાને તો રાષ્ટ્રીય ધર્મ તરીકે ઈસ્લામનો સ્વીકાર કર્યો, અને પાકિસ્તાનને ઈસ્લામિક રિપબ્લિક ગણાવાયું, પરંતુ ભારતમાં તે સમયના રાષ્ટ્રવાદી અને હિન્દુસ્તાનને જ પોતાનો દેશ માનતા મુસ્લિમ આગેવાનો, નેતાઓ તથા સમૂહોએ ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું અને ભારતની તે સમયની નેતાગીરીને પણ 'સર્વધર્મ સમભાવ'ની બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે ભારતની ઓળખ સ્વીકારી, અને તે સમયનું જ ભારતનું બંધારણ ઘડાયું.

બંધારણના આમુખમાં બિનસાંપ્રદાયિક (સેક્યુલર) અને સમાજવાદ વિગેરે શબ્દો ભલે દાયકાઓ પછી ઉમેરાયા હોય, પરંતુ આજે ભારત સેક્યુલર રાષ્ટ્ર છે અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત અપનાવાયો છે, તે પણ હકીકત છે, પરંતુ આઝાદી મળી, તેવા સમયે જ દગાબાજીથી ભારત સાથે જોડાયેલા કાશ્મીરમાં ઘૂસીને અમુક વિસ્તારોમાં કબજો જમાવ્યા પછી પાકિસ્તાને આજ સુધી જે હરકતો કરી છે, તે હવે પરાકાષ્ટા ઓળંગી ગઈ છે અને ભારત દ્વારા હવે આર-પારની રણનીતિ અપનાવાઈ રહી હોય, તો તે યોગ્ય અને સમયોચિત કદમ છે, કારણ કે પાકિસ્તાને અવારનવાર કરેલી હરકતો અને ભૂલો નથી, પરંતુ ઈરાદાપૂર્વકનો ગુન્હો છે અને તેમાં પણ પ્રત્યક્ષ યુદ્ધોમાં ચાર-પાંચ વખત ખરાબ રીતે હાર્યા પછી છેલ્લા પાંચેક દાયકાથી પાકિસ્તાને જે સીમાપાર અતંકવાદની નીતિરીતિ અપનાવી છે, અને તેના દ્વારા ભારતમાં સંખ્યાબંધ આતંકવાદી હુમલા કરાવીને અને નિર્દોષ લોકોનો નરસંહાર કરાવીને તો પાકિસ્તાને માનવતા વિરોધી, ક્રૂર અને અનૈતિક અપરાધો જ કર્યા છે, જે કોઈપણ રીતે માફીને લાયક જ નથી.

દેશ મહાન-નેતા નહીં

 દેશ આઝાદ થયો, તે પછી ઘણાં દિગ્ગજોએ દેશનું સૂકાન સંભાળ્યું, અને ગાંધીજી, વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણથી લઈને અન્ના હજારે સુધીના ઘણાં પથદર્શકોએ સત્તામાં ભાગ (કે લાભ) લીધા વગર દેશની જે સેવા કરી અને જે ત્યાગ, કરૂણા અને કોઈપણ ભેદભાવ વિનાનું આજીવન યોગદાન આપ્યું, તેનું કોઈ મૂલ્ય થઈ શકે તેમ નથી. આ તમામ દિગ્ગજોએ સ્વયં હંમેશાં દેશને મહાન ગણ્યો અને દેશ તથા દેશવાસીઓના હિતો માટે પોતાના જીવન સમર્પિત કરી દીધા હતાં. આપણાં દેશમાં આઝાદીથી આજપર્યંત ઘણાં બધા નેતાઓનું દેશના વિકાસ, કલ્યાણ અને સાર્વભૌમત્વની સુરક્ષા માટે યોગદાન રહ્યું છે, પરંતુ કોઈપણ નેતાએ પોતે દેશથી મહાન કે કોઈપણ જનસમૂહે પોતે બંધારણથી પર છે, તેવો દાવો કર્યો હોય, તેવું મારી જાણમાં નથી. કોઈપણ વ્યક્તિ કે જનસમૂહ પોતાને દેશ કે બંધારણથી પર માની જ શકે નહીં. આપણા દેશમાં નફરતને પણ કોઈ સ્થાન નથી, અને આપણાં દેશને નબળો પાડવા કે દેશમાં વિખવાદ જગાડવા માંગતા દ્વેષભાવના ધરાવતા પરિબળો દ્વારા ઘણી વખત એ પ્રકારના પ્રયોગો થયા છે, પરંતુ આપણા દેશની શાણી જનતાએ હંમેશાં તેવા પ્રયોગને નિષ્ફળ બનાવ્યા છે, તેનો ઈતિહાસ પણ આપણી સામે જ છે ને?

પડોશી દેશના પ્રપંચો

આઝાદી મળી ત્યારથી આજપર્યંત કાશ્મીરનો રાગ આલાપીને પાકિસ્તાન પ્રપંચો કરતું રહ્યું છે, અને ભારતમાં બનાવટી ચલણી નોટો મોકલી, ડ્રગ્સ મોકલાવી, સુસાઈડ બોમ્બર મોકલીને તથા દારૂગોળા-હથિયારો સાથે તાલીમબદ્ધ આતંકીઓને મોકલવા અને કાશ્મીર મુદ્દે દુનિયાભરમાં ખોટી ખોટી કાગારોળ કરવા જેવી કાયરતાપૂર્ણ હરકતો કરતું રહ્યું છે, તેમ છતાં આપણો દેશ આઝાદીકાળથી જ અવિરત પ્રગતિ કરતો રહ્યો અને પાકિસ્તાન પછડાતું રહ્યું છે. ભારતમાં લોકતંત્ર વધુને વધુ મજબૂત થતું રહ્યું છે, જ્યારે પાકિસ્તાનમાં અનેક વખત ચૂંટાયેલી સરકારોને હટાવીને ત્યાંની સેનાએ તખ્તાપલટ કર્યા છે. પાકિસ્તાનમાં લોકતંત્ર માત્ર નામનું જ છે, અને ત્યાંની સત્તા આઈએસઆઈ, સેના અને આતંકવાદીઓને પોષણ આપતા પરિબળોના જ હાથમાં રહી છે, લાદેન, ડોન જેવા આતંકીને આશ્રય આપ્યો હતો, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?

આઝાદી પછી કમનસીબે આપણાં દેશમાં એક એવી લોબી પણ ઊભી થઈ ગઈ છે, જે કોઈપણ પક્ષ કે ગઠબંધનની સરકાર હોય, તો પણ ભારત વિરોધી નીતિ-રીતિ સાથે આઝાદી પછી આજપર્યંત કામ કરી રહી છે, અને પડોશી દેશના પ્રપંચો તથા ભારતને તોડવાના ષડ્યંત્રોને એન્ટરટાઈન કરી રહી છે. પડોશીના પ્રપંચોમાંથી મનોરંજન મેળવતી અને પોતાનો એજન્ડા સિદ્ધ કરવાના પ્રયાસો કરતી રહેતી આ લોબીને હવે દેશની જનતા ઓળખી ગઈ છે.

દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી જેટલી સરકારો આવી, તે તમામ સરકારોએ પાકિસ્તાનના પ્રપંચોને મચક આપી નથી અને યુદ્ધો, સંઘર્ષ, તંગદિલી કે આતંકી હુમલાઓ સમયે આપણાં દેશની જનતા, રાજકીય પક્ષો અને તમામ વર્ગોના લોકોએ પ્રથમ દેશભાવના સાથે જે એકજુથતા દેખાડી છે, તેનો પ્રભાવ એવો છે કે પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાન બેકફૂટ પર છે અને ભારતે ફરીથી એક વખત જવાબદાર લોકાતાંત્રિક દેશની ભૂમિકા અદા કરી છે.

ઘરની વાત ઘરમાં...દુશ્મનને લાભ નહીં

ભારતની લોકતાંત્રિક અને પોલિટિકલ સિસ્ટમ હંમેશાં એવી રહી છે કે ઘર આંગણાના મતભેદો, વિવિધ વિચરધારાઓ, રાજકીય સ્પર્ધા અને સત્તા માટેના સંઘર્ષનો લાભ ક્યારેય પણ દુશ્મન દેશોને લેવા દીધો નથી. ઘરના મતભેદો ઘરમાં જ નિપટાવ્યા છે અને કોઈપણ મુદ્દે દુનિયાભરના મતભેદો અને પડકારો વચ્ચે પણ ભારતે એક્તા, અખંડિતતા અને મક્કમતા જાળવી રાખ્યા છે.

પહલગામ આતંકી હુમલો થયા પછી તેમાં તંત્રો, સરકાર કે જવાબદારોની ક્યાં ક્ષતિ હતી, ક્યાં લાપરવાહી થઈ હતી અને કોણ જવાબદાર હતું, તે મુદ્દે ઘરમાં જ ચર્ચાઓ થશે, તપાસો થશે અને જરૂર પડ્યે કદમ પણ લેવાશે, પરંતુ તેનો ફાયદો કોઈ રીતે દેશના દુશ્મનો લઈ શકે નહીં, તે માટે સતર્કતા પણ લેવાઈ રહી છે. એટલું ચોક્કસ છે કે હવે આવી બેદરકારી થવી જ ન જોઈએ. તેવો લોકમત ઘડાઈ ચૂક્યો છે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial