Sensex

વિગતવાર સમાચાર

પાકિસ્તાનની દગાબાજી... એક દૃષ્ટિપાત

                                                                                                                                                                                                      

પાકિસ્તાનની મેલી મુરાદની વાતો હંમેશાં થઈ રહી છે, અને જ્યારે જ્યારે આતંકી હુમલો થાય કે પાકિસ્તાન સાથે સંબંધો વધુ વણશે, ત્યારે ત્યારે પાકિસ્તાનની દગાબાજીનો ઈતિહાસ વર્ણવાતો હોય છે. કેટલીક મુખ્ય દગાબાજીઓનો ઈતિહાસ આ રહ્યો...

 વર્ષ ૧૯૪૭ માં આઝાદી મળ્યા પછી તરત જ કબાઈલોમાં વેશમાં પોતાની સેનાને ભારતમાં વિલિન થઈ ચૂકેલા કાશ્મીરમાં મોકલીને કેટલોક પ્રદેશ કબજે કર્યો... વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ સાથે આ પ્રથમ દગાબાજી હતી.

 કાશ્મીરમાં વિદ્રોહ ઊભો કરવાના ષડ્યંત્રો તે પછી સતત થતા રહ્યા અને ભારત-ચીન વચ્ચેના યુદ્ધ સમયે પણ પાકિસ્તાનની ભૂમિકા ચર્ચામાં રહી જે લાલબહાદુર શાસ્ત્રીના શાસન સુધી ચાલુ રહી.

 વર્ષ ૧૯૭૧ માં પૂર્વ પાકિસ્તાનમાં પોતાના જ દેશ (હાલના બાંગલાદેશ) ની જનતાની કત્લેઆમ કરીને પોતાના જ દેશવાસીઓ સાથે દગાબાજી કરી.

 વર્ષ ૧૯૭૧ માં ભારતના સહયોગથી બાંગલાદેશ સ્વતંત્ર થયું અને હજારો પાકિસ્તાની સૈનિકોને ભારતે કેદ કરી લીધા, અને ઉદારદિલે છોડી મૂક્યા હતાં. તે પછી પાકિસ્તાનની મેલીમુરાદ બદલી નહીં. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ઉદારતા પછી પણ દગાબાજી ચાલુ રહી.

 કાશ્મીર ખીણમાં કાશ્મીરીઓને ભંભેરીને વિદ્રોહ માટે તૈયાર કર્યા અને વિદ્રોહીઓને આર્થિક અને શસ્ત્રો વગેરેની સહાય કરી, તે પછી ભારત-પાક. વચ્ચેના સંબંધો વધુ વણસ્યા. તે પછી રાજીવ ગાંધી, વી.પી. સિંહ, નરસિંહરાવથી લઈને વાજપેયીના શાસનકાળ સુધીમાં આતંકવાદી હુમલાઓના સ્વરૂપમાં પાકિસ્તાને છદ્મે યુદ્ધ શરૂ કરી દીધું હતું.

 સ્વતંત્ર બાંગલાદેશ સાથે કરેલા વાયદા મુજબ પાક.નું યુદ્ધ જ્હાજ પીએનએસ-અસલાત નહીં આપીને બાંગલાદેશ સાથે દગાબાજી કરી.

 વડાપ્રધાન વાજપેયીએ નવાઝ શરીફના શાસનકાળમાં ઉદારદિલી દાખવીને ટ્રેન-બસ વ્યવહારો શરૂ કરીને સંઘર્ષ ટાળવાની પહેલ કરી, પરંતુ તે સમયે પણ પાકિસ્તાને દગાબાજી કરી અને કારગીલ યુદ્ધ થયું. આ દગાબાજીની કબુલાત પાકિસ્તાનના તત્કાલિન સૈન્ય વડા અને પછીથી રાષ્ટ્રપતિ બનેલા પરવેઝ મુશર્રફે દેશનિકાલની તેને સજા થયા પછી કરી હતી અને તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પણ આ કબુલાત કરી હતી. શિયાળાની સિઝનમાં કારગીલમાં પણ ઘૂસણખોરોના સ્વરૂપમાં પાકિસ્તાનના સૈનિકો જ ઘૂસ્યા હતાં, જે વર્ષ ૧૯૪૭ માં કબાઈલોના વેશમાં સૈનિકો મોકલ્યા હતાં, તેવી જ મોડસ ઓપરેન્ડી હતી.

 કારગીલમાં કારમી હાર પછી પણ વાજપેયી સરકાર અને મનમોહન સરકારના સમયે પાકિસ્તાને સીમાપારથી આતંકીઓ મોકલીને ભારતમાં હુમલાઓ કરાવવાનું ચાલુ રાખ્યું, જે આજપર્યંત પૂરેપૂરૂ સમ્યું નથી. ભારત સરકારે (તમામ સરકારોએ) પાકિસ્તાનને સુધરવાની ઘણી તકો આપી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે.

 હવે મોદી સરકારે પાકિસ્તાન સામે જે વ્યૂહ અપનાવ્યો છે, અને ભારતના તમામ રાષ્ટ્રીય પક્ષોએ કેન્દ્ર સરકાર આ આતંકવાદ સામે જે પગલાં લ્યે અને પાકિસ્તાન સામે જે કદમ ઊઠાવે તેને સમર્થન આપ્યું છે, ત્યારે હવે પાકિસ્તાન સાથે આર યા પારની રણનીતિ સમગ્ર ભારતની જનભાવનાઓનો જ પડઘો છે, તે પણ હકીકત છે.

 નવી પેઢીને અને ખાસ કરીને વર્ષ ૧૯૮૦ અને ૧૯૯૦ ના દશકામાં જન્મ થયો હોય, તેવા ચાલીસ-પિસ્તાલીસ વર્ષ સુધીની વયજુથના ભારતીયોને કદાચ પાકિસ્તાનના પ્રપંચોની ખબર નહીં હોય, અને અહીં રજૂ થયેલી યાદી ઉપરાંત પણ પાકિસ્તાનની દગાબાજીની યાદી લાંબી છે.

 પાકિસ્તાને ભારતના અપરાધી ડોન દાઉદ ઈબ્રાહીમ, વિમાનના અપહરણના ષડ્યંત્રકાર અને ભારતમાં આતંકી હુમલા કરાવનાર હાફિઝ સઈદ સહિતના ઘણાં આતંકીઓને પનાહ આપી છે, અને અમેરિકાના દુશ્મનો ઓસામા-બિન-લાદેન સહિતના આતંકીઓ પણ પાકિસ્તાનમાં જ હતાં, તેથી પાકિસ્તાન હવે દગાબાજ આતંકિસ્તાન બની ગયું હોવાના તારણો નીકળી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial