ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ થયો, અને ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે બન્ને દેશોના ડીઆરએનઓ વચ્ચે સંઘર્ષ વિરામ જાળવી રાખવાની હજુ સમજૂતિ થઈ જ હતી, ત્યાં ગઈકાલે રાત્રે સાંબા અને જલંધરમાં ફરીથી ડ્રોન દેખાયા, જેને ભારતની ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા. પંજાબના હોશિયારપુરમાં પણ ધમાકા જેવા અવાજો સંભળાયા પછી ફરીથી બ્લેકઆઉટની ફરજ પડી અને હજુ ગઈકાલે જ એરસ્પેસ ખોલીને હવાઈ સેવાઓ પૂર્વવત કરાઈ હોવાની જાહેરાત કરાઈ હતી, તે પૈકીની કેટલીક સેવાઓ આજ પૂરતી રદ્દ કરાઈ હોવાના અહેવાલો પણ આવ્યા. આથી પાકિસ્તાન ક્યારેય નહીં સુધરે અને કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી... તેવી કોમેન્ટો પણ થવા લાગી. જો કે, તે પછી ફરીથી કોઈ ડ્રોન્સ દેખાયા નહીં, પરંતુ પાકિસ્તાને પુરવાર કરી દીધું કે હમ નહીં સુધરેંગે...
ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન થાય તે પહેલા જ ફરીથી ટ્રમ્પે એવું નિવેદન કર્યુ, જેથી તેની હાંસી પણ ઉડી અને ભારતે તેનો રદિયો પણ આપ્યો, ટ્રમ્પે કહ્યું કે, તેમણે ભારત અને પાકિસ્તાન સાથે વ્યાપાર બંધ કરી દેવાની ચિમકી આપીને યુદ્ધ વિરામ કરાવ્યું છે, જેનું મોદીએ સંબોધનમાં આડકતરો જવાબ આપ્યો હોવાનો દાવો થયો, અને ટ્રમ્પની હાંસી પણ ઉડી. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સંબોધનમાં ક્યાંય ટ્રમ્પનું નામ લીધુ નહીં, તેની પણ અલગથી ચર્ચા થઈ રહી છે, પરંતુ તેઓએ ટેરર, ટ્રેડ અને ટોક એક સાથે નહીં ચાલે, પાણી અને લોહી એક સાથે નહીં વહે અને હવે પાકિસ્તાન સાથે પીઓકે પરત લેવા તથા આતંકવાદને સમાપ્ત કરવા સિવાયના કોઈ મુદ્દે વાત નહીં થાય, તેમ જણાવીને ઓપરેશન સિંદૂર હજુ ખતમ નથી થયું અને ભારત ગમે ત્યારે સ્થગિત થયેલી સૈન્ય કાર્યવાહી ફરીથી શરૂ કરી શકે છે, તથા ભારત - પાકિસ્તાનની દરેક હરકત પર નજર રાખશે, તેવી સ્પષ્ટ વાત કરી, તે પછી કોઈનું નામ લીધા વિના ઘર આંગણેથી વિશ્વ સમુદાય સુધીના તમામ પ્રશ્નોના જવાબ આપી દીધા હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યાં છે.
જો કે, પાકિસ્તાનના સાંસદે ભારતના પી.એમ. નરેન્દ્ર મોદીના ભાષણને માત્ર પોતાની શાખ બચાવવાનો પ્રયાસ ગણાવીને ભારત બરબાદ થઈ ગયું હોવાની શેખી મારી અને બીજી તરફ સાંજે થયેલી સમજૂતિનો રાત્રે જ ભંગ કરાયો તે જોતા પાકિસ્તાની ક્યારેય સુધરે તેમ લાગતું નથી.
હજુ તો ઓપરેશન સિંદૂર ખતમ થયું નથી, ભારતીય સેનાની ત્રણેય પાંખો પાકિસ્તાનની હરકતો પર નજર રાખીને બેઠી છે અને સિઝફાયરનો ભંગ કરવાની હરકતો સંપૂર્ણપણે બંધ થઈ નથી, ત્યાં જ એક તરફ યુદ્ધવિરામ (સંઘર્ષ વિરામ) નો લિંબડજશ ખાટવાના ટ્રમ્પ ફેઈમ પ્રયાસો ઘર આંગણે પણ શરૂ થઈ ગયા છે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પછી પણ કેટલાક સવાલોના સ્પષ્ટ જવાબો મળ્યા નહીં હોવાની ચર્ચા થઈ રહી છે. દેશની સુરક્ષા, યુદ્ધ જેવી સ્થિતિ અને આતંકવાદ જેવા વિષયોને સાંકળીને રાજકીય લાભો લેવાના પ્રયાસો થતા હોય, અને ચૂંટણીઓ કે પરિણામો સાથે સાંકળીને કોમેન્ટો પોસ્ટ કરાતી હોય અને પછીથી ડિલીટ કરી દેવાતી હોય, તો કહી શકાય કે "હમ નહીં સુધરેંગે..."
ગઈકાલે ફરીથી સરહદે ડ્રોન દેખાયા પછી પ્રપંચી અને દગાબાજ પાકિસ્તાનનો ભરોસો થઈ શકે તેમ નથી, અને એટલે જ આજે જામનગર સહિત કેટલાક સરહદી શહેરોમાંથી ઉડનારી ફલાઈટો અટકાવી દેવામાં આવી હશે. પાકિસ્તાન સાચી-ખોટી સમજૂતીઓ કરે, અને થોડા જ કલાકોમાં તેનો ભંગ કરે, અને ભારત તેનો "જડબાતોડ" જવાબ આપ્યા જ રાખે, તેવું ક્યાં સુધી ચાલશે...? આ કાયમી પળોજણનો હવે કાયમી ઈલાજ કરવો જ પડે તેમ છે, અને હવે પછી જો ગયા સપ્તાહ જેવી તક મળે, તો ચૂકવા જેવી નથી, અન્યથા કેન્દ્ર સરકાર સામે પણ લોકોનો આક્રોશ વધી જશે અને વિશ્વસનિયતા ઘટી જશે, તે નક્કી છે. પીઓકે પાછું ક્યારે લેશો અને આતંકવાદ હકીકતે ખતમ થશે ખરૂ...?, તેવા જનપ્રશ્નોના જવાબો તો હવે આપવા જ પડે તેમ છે, અને તે માટે આખો દેશ સરકાર અને સેનાની પડખે અડીખમ ઊભો જ છે.
યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ, ત્યારે પાકિસ્તાન સાથે જળસીમાથી જોડાયેલા હાલારે પણ સુરક્ષા એજન્સીઓ અને તંત્રને સ્વયંભૂ અને અડીખમ સહયોગ પૂરો પાડ્યો છે. ઠેરઠેર અંધારપટ, પોતાના કામ-ધંધા બાદ રાખીને તથા સામાજિક, ધાર્મિક, પારિવારિક પ્રસંગો, પ્રવાસ-પર્યટન તથા મહત્ત્વના કામોના ભોગે પણ તંત્રની સૂચનાઓ ઉપરાંત સ્વયંભૂ સ્વયંશિસ્ત અને સંખ્યાબંધ બ્લડ ડોનેશન કેમ્પો યોજીને જંગી સંખ્યામાં રક્તદાન કરીને હાલારની જનતાએ દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો જે પરિચય આપ્યો છે, તે ગૌરવપ્રદ અને પ્રશંસનિય છે...
તમામ પ્રકારની તકેદારીઓ તથા સ્વયંભૂ બ્લેકઆઉટની સાથેસાથે લોકોને મદદરૂપ થવાની પ્રવૃત્તિઓમાં તમામ સમાજો, વર્ગો અને અબાલવૃદ્ધ સૌ કોઈએ આપેલો જિવંત સહયોગ અવિસ્મરણીય રહેવાનો છે, અને તે જ આપણા દેશની તાકાત છે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial