આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે કોઈ શ્રમિક કે સામાન્ય વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં અચાનક કરોડો રૂપિયા જમા થઈ ગયા, તો કેટલીક વખત તદ્ન ગરીબ વ્યક્તિને મોટી રકમની વસુલાત કે ટેકસ બાકી હોવાની નોટીસ મળે, તો ક્યારેક દસ્તાવેજી ઓનલાઈન કાર્યવાહી દરમિયાન ગરબડ થઈ જવાના કિસ્સા પણ નોંંધાતા હોય છે, તેનું કારણ અદ્યતન ટેકનોલોજી તથા ઈન્ટરનેટ આધારિત ડિજિટલ, કોમ્પ્યુટરાઈઝ અને ઓનલાઈન સિસ્ટમોમાં થતી ગરબડ હોય છે.
ઝડપી, ચોક્કસ અને પારદર્શક પ્રક્રિયાઓ માટે ડિજિટલ અને ઈન્ટરનેટ આધારિત કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ ઘણીજ ઉપયોગી છે, પરંતુ આ જ સિસ્ટમો જયારે બગડી જાય, ખોટવાઈ જાય કે "ડાઉન" થઈ જાય ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓનો ભોગ તંત્ર તથા સામાન્ય લોકો બને છે, તેથી આ પ્રકારની ખામીઓ ઊભી જ ન થાય, તેવી ફૂલપ્રૂફ અદ્યતન સુધારણાઓ ન થાય, ત્યાં સુધી સામાન્ય લોકોને સંબંધિત, ધન-સંપત્તિ કે બેન્કીંગ સેવાઓને લગતી સેવાઓ માટે જયારે ડિજિટલ, ઈન્ટરનેટ અને સર્વર આધારિત સિસ્ટમો બગડી જાય, ત્યારે મેન્યુલ સિસ્ટમોની વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ જિવંત (યથાવત) રાખવી જોઈએ, તેવી એડવાઈઝ અપાતી રહેતી હોય છે, પણ....?
ઘણી વખત સર્વર ડાઉન થઈ જતા કલાકો સુધી લાઈનોમાં ઊભેલા અરજદારોના મહત્વના કામો અટકી પડતા હોય છે, તે ઘણી વખત સર્વર ડાઉનની બહાનાબાજી હેઠળ કામચોરી, લાપરવાહી કે ટેબલ નીચેથી વ્યવહારો કરવાની માનસિકતા પણ પનપતી હોય છે. જો સર્વર ડાઉન થાય તેવા સંજોગોમાં કોઈ એવો વિકલ્પ રાખવામાં આવે, કે શક્ય હોય તો અરજદારનું કામ મેન્યુલી કરી આપવામાં આવે, અથવા તો અરજદારે ફરીથી ધક્કો ન થાય, અને તેનું કામ તે પછી તંત્ર દ્વારા જ થઈ જાય, અથવા અરજદાર સાથે સેલફોન-ઈન્ટરનેટના માધ્યમથી ઘરબેઠાં પેન્ડીંગ કામ થઈ જાય, તેવો કોઈ વિકલ્પ વિચારવો જોઈએ. જો કે, બધા કિસ્સામાં તેવું ન થઈ શકે, પરંતુ કેટલાક રોજીંદા ટેકનિકલ અને નાના-મોટા સુધારા-વધારા કે ટેકસ પેમેન્ટ, રજીસ્ટ્રેશન અને પ્રક્રિયાત્મક કામો માટે આવું કોઈ ઓપ્શન તો વિચારવું જ જોઈએ.
એક તાજુ દૃષ્ટાંત જોઈએ, તો આર.ટી.ઓ. દ્વારા રાજ્યમાં નવ હજારથી વધુ વાહનોને માત્ર ત્રણ દિવસોમાં રૂ.૧.૯૪ કરોડ કરતા વધુ રકમનાં ઈ-ચલણ ઈસ્યુ થયા અને તેમાં અડધો અડધ ઈ-ચલણ ખોટી રીતે ઈસ્યુ થઈ જતા રાજ્યની તમામ આર.ટી.ઓ. કચેરીને તપાસના આદેશ આપવાના અહેવાલો વહેતા થયા છે.
એવું કહેવાય છે કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા તાજેતરમાં નિયમ-કાયદાઓનાં મોનીટરીંગ તથા ટેક્સિસને લગતી જોગવાઈઓનો ચૂસ્ત અમલ થાય, તે માટે રાજ્યના ટોલનાકાઓ પર ઈ-ડિટેક્શન પ્રોજેકટ હેઠળ ઈ-ચલણ મોકલવાની સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે, આ સિસ્ટમમાં ક્ષતિ ના કારણે ત્રણ દિવસમાં નવ હજાર કરતા વધુ વાહનોને રૂ. બે હજારના ઈ-ચલણ ઈસ્યૂ થઈ ગયા છે. તા. ૧૫ થી ૧૭ એપ્રિલ વચ્ચે ઈસ્યૂ થયેલા આ ઈ-ચલણો "સિસ્ટમની દગાબાજી"ના કારણે અપાયા અને તેમાં અડધો અડધ ઈ-ચલણો ખોટી રીતે અપાયા હોવાથી તપાસ શરૂ થઈ હોવાના અહેવાલો પછી પ્રત્યેક ડિજિટલ અથવા ઈન્ટરનેટ આધારિત ઓનલાઈન સેવાઓને વધુ ફુલપ્રૂફ બનાવવા અને સિસ્ટમ પર આધારિત રહેવાના બદલે ઈ-ચલણોથી પણ એક વખત મેન્યુલ કે સિસ્ટોમિક કે મેન્યુલ પુનઃચકાસણી થઈ જાય, તે અત્યંત જરૂરી હોવાના જન-પ્રતિભાવો પણ વ્યકત થવા લાગ્યા છે.
જે વાહનચાલકો કે વાહનધારકો પાસે તમામ જરૂરી ડોક્યુમેન્ટ હોય, તેમ છતાં તેને ઈ-ચલણ મળે, ત્યારે તેને કેટલી તફલીફ પડતી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી, પરંતુ નિંંભર તંત્રો પાસેથી સંવેદનશીલતાની અપેક્ષા રાખવી નકામી છે. કેટલાક વાહનધારકો એટલા પ્રામાણિક હોય છે કે તેઓ ઈ-ચલણ મળતા જ ચુકવણી કરી દેતા હોય છે, જ્યારે કેટલાક વાહનધારકો સિસ્ટમના જાણકાર નહીં હોવાથી કે અલ્પજ્ઞાનના કારણે પણ તરત પેમેન્ટ કરી દેતા હોય છે, અને તેના દ્વારા ભરપાઈ થયેલા વધારના નાણા સરભર થાય છે કે કેમ, તેની તેઓને ખબર હોતી નથી કે તંત્રને પડી હોતી નથી. જો કે, આ પ્રકારના ગરબડ ગોટાળા અંગે અહેવાલો વહેતા થયા પછી પણ મૌન રહેલા રાજ્યકક્ષાના સંબંધિત તંત્રોએ આ અંગે સ્પષ્ટતા પણ કરવી જોઈએ, અને હવે પછી આ જ ક્ષતિ ફરીથી દહોરાવાય નહીં, તેની કાળજી પણ લેવી જોઈએ, શું રાજ્યનો માર્ગં વાહનવ્યવહાર વિભાગ આ પ્રકારની ગેરંટી આપી શકશે ખરૃં ?
ટૂંકમાં ઈ-સેવાઓમાં થતી ગરબડો જોતા તંત્રોએ માત્ર ને માત્ર ઈ-સિસ્ટમો પર આધારિત રહેવાના બદલે ઈ-સેવાઓમાં પણ ખામી ઉત્પન્ન થાય, સર્વરો ડાઉન થાય કે પછી વીજ પૂરવઠો કે સંચાર વ્યવસ્થા ખોરવાઈ જાય, તેવા સંજોગોમાં જેમાં શક્ય હોય તેવી જનલક્ષી સેવાઓ માટે મેન્યુલ સિસ્ટમનો વિકલ્પ ખુલ્લો રાખવો જોઈએ.
બેન્કીંગ સિસ્ટમમાં ઘણી બેન્કો આ પ્રકારનો મેન્યુલ વિકલ્પ રાખે છે, અને "સિસ્ટમ" કોઈ પ્રક્રિયામાં જયારે આગળ વધવા ન દ્યે કે પછી ખામી સર્જાય, તો પહેલાની જેમ મેન્યુલ પ્રક્રિયાનો વિકલ્પ વાપરીને કસ્ટમરનું કામ કરી આપતી હોય છે, ત્યારે માત્ર બેન્કીંગ સિસ્ટમ જ નહીં, પરંતુ તમામ ઈ-સેવાઓમાં મેન્યુલ સિસ્ટમનો વિકલ્પ રાખવો જોઈએ, કારણકે મશીનો કે સિસ્ટમ ક્યારેય "પ્રેક્ટિકલ" બની શકતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial