Sensex

વિગતવાર સમાચાર

મોબાઈલ મેનિયા...

ચિન્ટુ કોલેજના એડમિશનનું ફોર્મ ભરતો હતો. ફોર્મ ભરતા ભરતા અચાનક તે અટકી ગયો. ચિન્ટુને મુંઝાતો જોઈને પપ્પાએ પૂછ્યું, *કેમ અટકી ગયો બેટા ? કોઈ પ્રોબ્લેમ ?*

ચિન્ટુ બોલ્યો, *આ જોને ફોર્મમાં પૂછ્યું છે, -- તમારા શરીર પરની કોઈ પરમેનન્ટ નિશાની જણાવો. શું લખવું મારે ત્યાં?*

પપ્પા કશું કહે તે પહેલા જ રસોડામાંથી ઘાંટો પાડીને મમ્મીએ કહ્યું, *લખ, ડાબા હાથમાં મોબાઈલ..!*

વાત તો બિલકુલ સાચી છે. ડાબા હાથમાં સ્માર્ટ ફોન હોય એ તો આજની યુવા પેઢીની આગવી ઓળખાણ છે. અને માણસની કાયમી ઓળખાણ જેવા શરીર પરના કોઈપણ નિશાન તો આજકાલ પ્લાસ્ટિક સર્જરીની મદદથી દૂર કરી શકાય છે કે બદલી શકાય છે. પરંતુ આજની યુવા પેઢીના ડાબા હાથમાંથી મોબાઇલ છોડાવી શકાતો નથી.

અને શાણા મા-બાપ પણ કદી મોબાઈલ છોડવાનું કહેતા નથી, કારણ કે જે બાળકના હાથમાં સ્માર્ટફોન છે તે કદી પોતાના મા-બાપને ડિસ્ટર્બ કરતા નથી.

જો કે આ સ્માર્ટફોનના ફાયદા પણ અનેક છે. શું તમારે ફેમસ થવું છે? પૈસાદાર થવું છે? શું તમે ઈચ્છો છો કે લાખો અજાણ્યા માણસો તમને જોયા કે જાણ્યા વગર તમારા ગઈકાલના લંચના વખાણ કરે ? બસ, તો પછી તમારે હવે એક જ કામ કરવાનું છે, તમારા સ્માર્ટફોન માટે એક ફાઈવ-જી કનેક્શન લઈ લો, અને બની જાવ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર. પછી તો સફળતા અને સંપત્તિ તમારા કદમ ચૂમતી આવશે.

એક સફળ ઇન્ફ્લુએન્સર  બનવા માટે જરૂરી છે એક સ્માર્ટફોન, ફાઈવ-જી કનેક્શન અને તમારી જાતમાં અતુટ આત્મવિશ્વાસ. તમારે અહીં કોઈ જ કળા કૌશલ્ય કે ડિગ્રી ડિપ્લોમાની જરૂર નહીં પડે. અહીં તો કોઈપણ જાતનું કૌશલ્ય ન ધરાવનાર દરેક વ્યક્તિ એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, અને તેણે લીધેલી એક એક સેલ્ફી, એ જ સૌથી મોટી આર્ટ છે.

ઇન્ફ્લુએન્સરની દુનિયામાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું હોય છે. સૌ પ્રથમ તો તમારે તમારૃં એક ફિલ્ડ પસંદ કરવાનું રહેશે, એવું ફિલ્ડ કે જેમાં તમે કશું જ નથી જાણતા.

તમે બ્યુટી કેરમાં એક્સપર્ટ છો...? નહીં... એ તો બહુ સરસ. તો પછી બ્યુટી કેરનું પેજ ચાલુ કરો. અથવા તો જો તમે ફિટનેસમાં રસ ધરાવતા હો, પછી ભલેને તમે છેલ્લા દસ વર્ષમાં ક્યારેય એક પણ જીમમાં ન ગયા હો, અથવા તો તમે કોઈ એક્સરસાઇઝ ન કરી હોય, તમે બોડી બિલ્ડીંગનું પેજ પણ શરૂ કરી શકો છો.

અહીં તમને તમારી કોઈ લાયકાત નહીં પરંતુ તમારો આંધળો આત્મવિશ્વાસ જ તમને સફળતા અપાવશે. અહીં એક વાત યાદ રાખવાની કે તમે જેટલું જાણો છો તેનાથી પણ વધુ આત્મવિશ્વાસથી કહેવાનું, એકદમ પ્રચલિત શબ્દોમાં કહેવાનું, દા.ત. સિક્સ પેક બોડી બિલ્ડીંગ, હેલ્થ ગુરૂ, ફિટનેસ ફંડા, વગેરે વગેરે.

પછી તમારે એક જ કામ કરવાનું, ઓનલાઇન ગ્રુપ ઊભું કરવાનું, એવું ગ્રુપ કે જેને તમારી રીયલ લાઈફ સાથે કશી લેવાદેવા ન હોય. બધું ઓથેન્ટિક હોય તેવો દેખાવ કરવાનો અને બોડી બિલ્ડિંગ કરતો તમારો સેલ્ફી ફોટો મુકવાનો. પછી તમારા માટે મેક્સિમમ લાઇક અને સબસ્ક્રાઇબ મેળવી લેવાની.  જો ન મળે તો ઓનલાઇન ખરીદી લેવાની પણ તૈયારી રાખવાની.

તો પછી હવે કોની રાહ જુઓ છો ?

*યા હોમ કરીને પડો, ફતેહ છે આગે *

વિદાય વેળાએ : જજને ત્યાં આટલી ટાઈટ સિક્યુરિટી હોવા છતાં કરોડો રૂપિયા કોણ મૂકી ગયું એ ખબર નથી...

અમારે ત્યાં કોઇ સિક્યુરિટી નથી તોય કોઇ  મૂકી જતુ નથી...

ઘોર કળિયુગ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial