Sensex

વિગતવાર સમાચાર

નગરમાં વિકાસકામોની સાથે મૂળભૂત સુવિધાઓનું ધ્યાન રાખજો... પ્રિ-મોન્સુન કામગીરીમાં વેઠ ન ચાલે હો....!

                                                                                                                                                                                                      

રાજકોટમાં સામાન્ય વરસાદ થતા જ ત્યાંની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ અને ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ, એટલું જ નહીં, કેટલાક વસાહતી વિસ્તારો જળબંબાકાર થઈ ગયા અને લોકોના ઘરોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા, તે પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અને વિવિધ સરકારી વિભાગો તથા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા હાલારના નગરો-ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલી પ્રિ-મોન્સુન કામગીરી વ્યવસ્થિત, ગુણવત્તાસભર અને યોગ્ય રીતે થઈ રહી છે કે કેમ ? તેવા સવાલો ઉઠે એ સ્વાભાવિક છે.

અત્યારે જામનગરમાં વિકાસના કામોની જાણે આંધી આવી હોય તેમ ફ્લાય ઓવરબ્રીજ અને તેના સંલગ્ન કામો, ભૂગર્ભ ગટરના તથા પાણીપૂરવઠાના કામો અને કેટલાક સ્થળે માર્ગ-મરામત તથા અન્ય કામો ચાલી રહ્યા હોવાથી અવાર-નવાર જાહેરનામાઓ પ્રસિદ્ધ કરીને કેટલાક માર્ગો બંધ કરીને તેના વૈકલ્પિક માર્ગો સૂચવાઈ રહ્યા છે, તો કેટલાક માર્ગો ડાયવર્ટ કરાઈ રહ્યા છે અથવા અડધા બંધ કરીને કામ ચલાવાઈ રહ્યું છે. આ કાર્યોની સાથે સાથે ચાલતી પ્રિ-મોન્સુન કામગીરીઓ કેટલી વ્યવસ્થિત થાય છે અને કયાં લાપરવાહી રખાઈ રહી છે, તેના પર ઉચ્ચ અધિકારોઓ અને જવાબદાર નેતાગીરી ઉપરાંત હવે જાગૃત નાગરિકો પણ નજર રાખી રહ્યા છે અને લોલંલોલ કે ગરબડ જણાય, ત્યાં વીડિયો ઉતારીને કે ફોટા પાડીને તેને ઉજાગર કરવાની પ્રવૃત્તિ પણ વિકસી રહી છે, તેથી ઈજારદારો તથા તંત્રોએ પણ વધુ જાગૃત રહેવું પડી રહ્યું હોય તેમ જણાય છે. જો કે, આ પ્રકારની પ્રવૃત્તિ વિશુદ્ધ ઢબે અને તદૃન લોકલક્ષી માનસિકતા સાથે જ થવી તત્યંત જરૂરી છે અને કદાચ તેવું જ થઈ રહ્યું  છે. તંત્રો પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી તથા પુરાવા સાથે થતી નક્કર રજૂઆતો પરત્વે તત્કાલ લક્ષ્ય આપીને જે ગરબડ થતી હોય કે કચાશ રહી જતી હોય તો તે અટકાવે અને મૂળમાંથી જ સુધારે તેવું મેકેનિઝમ વધુ વ્યાપક અને ઝડપી બનાવે તે અનિવાર્ય છે.

વિકાસના માચડા ઊભા કરી દેવામાં આવે, પરંતુ તે પૂરેપૂરા ઉપયોગી ન બને, તો જંગી ખર્ચાઓનો કોઈ અર્થ નથી. દૃષ્ટાંત તરીકે જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીમાં નગરમાં નવા બનેલા ત્રણ સી.એચ.સી. ના ઓપરેશન મેન્ટેનન્સના કામોની દરખાસ્તો પેન્ડીંગ રાખીને કેટલીક અનિવાર્ય પૂર્તતાઓ કરવામાં આવી રહી હોવાની ચર્ચા થઈ હતી, અને નવા બનેલા ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પૈકી માત્ર બેડીબંદર રીંગ રોડ પર અધકચરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અપૂરતી સાધન-સામગ્રી સાથે એક સી.એચ.સી. ચાલુ થયું હોવથી તમામ સી.એચ.સી. તબીબો તથા કાયમી અથવા વીઝીટીંગ નિષ્ણાંત તબીબો (સ્પેશ્યાલિસ્ટો), જરૂરી દવાઓ તથા પૂર્ણ કક્ષાના ઓ.ટી. સહિતની વ્યાવસ્થાઓ સાથે તત્કાલ કામ કરતા થઈ જાય, તેવી અપેક્ષા નગરજનો રાખી રહ્યા છે, અને આ અત્યંત જરૂરી સેવાઓમાં થઈ રહેલા અસહ્ય વિલંબનો ખુલાસો પણ થવો જોઈએ, તેવી ગુપસુપ થવા લાગી છે.

સમર્પણ હોસ્પિટલથી દિગ્જામ મીલ થઈને બેડીબંદર તરફ જતા રીંગરોડ અને બેડીબંદરને ગાંધીનગર રેલવેસ્ટેશનને જોડતા રીંગરોડના નવીનીકરણ, વિસ્તૃતિકરણ અને આધુનિકરણની વાતો થતી રહે છે અને મહાનગરપાલિકાની ચંૂટણીઓ સમયે વાયદાઓ થતા રહે છે, પરંતુ આ કામ પૂરું થતું જ નથી, અને પ્રોસિઝર તથા પૂર્તતાના નામે વિલંબ થતો જ રહે છે. આ અંગે જે -તે વિસ્તારોના કોર્પોરેટરો પણ ભેદી ચૂપકીદી સેવી રહ્યા હોય તેમ જણાય છે.

નગરમાં નવા-નવા "ડ્રીમ પ્રોજેકટો" ના પ્લાન બને, ટ્રાફિક સમસ્યા નિવારવાના હેતુથી નિર્માણાધિન ફ્લાય ઓવરબ્રીજનું ચોમાસા પહેલા લોકાર્પણ થઈ જાય કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના જંગી કામો થતા રહે, તે આવકારદાયક છે, પરંતુ લોકોની મૂળભૂત જરૂરિયાતોના કામો ખોરંભે ન પડે અને ધીમી ગતિએ ચાલતા જનજરૂરી વિકાસકામો ગુણવત્તાસભર બને અને તત્કાળ સંપન્ન થાય તે પણ જરૂરી છે...સામર્થ્યવાનોના સપનાઓની જેમ જ સામાન્ય લોકોની પ્રાથમિક સુવિધાઓનું પણ ચિંંતન થાય, તો જ પ્રજાલક્ષી સુશાસનના દાવાઓ સાચા પડે,....સમજદાર કો ઈશારા બહોત....?

સમર્પણ હોસ્પિટલ પાસે અત્યારે જાણે પરિવહનનું જંકશન રચાયુ હોય તેમ ત્યાંથી ખંભાળીયા, પોરબંદર, દ્વારકા, ઓખા, બેટદ્વારકા, રાવલ, ભાણવડ, લાલપુર તરફ જતા સેંંકડો પેસેન્જરો અને માલવાહક વાહનો પસાર થાય છે, અને આ એક રિકવેસ્ટ બસ સ્ટોપ હોવાથી અહીંથી એસ.ટી., ટ્રાવેલ્સ અને ખાનગી વાહનો પેસેન્જરોને ચડાવવા-ઉતારવા માટે થોભે છે, પરંતુ ત્યાં સેનિટેશનની કોઈ જ વ્યવસ્થા નહીં હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાય છે અને જાહેરમાં પાસવોટર કરવા મજબુર બને છે, એટલું જ નહીં મહિલાઓ તો ક્ષોભજનક સ્થિતિ અનુભવે છે, તેથી ત્યાં સેનિટેશનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવી જરૂરી છે, પરંતુ એરકન્ડીશન ગાડીઓમાંથી સ્વાર્થ વગર નીચે પગ નહીં મુકતા સંબંધિત હોદ્દેદારો કે ઉચ્ચ અધિકારીઓને લોકોની આ મૂળભૂત સમસ્યા કદાચ દેખાતી જ નહીં હોય ને...?

લોકોમાં તો એવી ચર્ચા હતી કે સમર્પણ સર્કલને સુવિધાસંપન્ન કરવા અને ડેવલપ કરવા માટે રિલાયન્સ કંપનીએ તૈયારી બતાવી છે અને મનપાની મંજુરીથી તેનો જયારે વિકલ્પ થશે, ત્યારે માત્ર સેનિટેશન જ નહીં સર્કલની ચો-તરફ છાપરાઓ-બેન્ચો-પંખા-પીવાનું પાણી તથા સેનિટેશન-શૌચાલયોની વ્યવસ્થા સાથેના બસસ્ટેન્ડ, ફુવારો, રિક્ષાસ્ટેન્ડ, એ.ટી.એમ. ફર્સ્ટએઈડની સુવિધા તથા શોપીંગ કોમ્પ્લેકસ, સાથેનું સંકુલ ઊભું થશે, પરંતુ હવે જ્યારે રિલાયન્સના સહયોગથી ટાઉનહોલ સર્કલના વિકાસની જાહેરાત થઈ ગઈ છે, તેથી સમર્પણ સર્કલના વિકાસની વાતો કાં તો હવામાં ઉડી ગઈ હશે, અથવા તો નયારા જેવી અન્ય ખાનગી કંપનીઓ, રાજ્યસરકાર અને કેન્દ્રસરકારના સંકલનથી સમર્પણ સર્કલનો વિકાસ થશે, એવી આશાવાદી ચર્ચા પણ થવા લાગી છે. બીજી તરફ લોકોમાં એવી ચર્ચા પણ છે કે કેન્દ્રસરકારની નવી નીતિઓની અસર કદાચ નગર સુધી પહોંચી ગઈ છે. એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે કરોડોના પબ્લિક મનીથી રિપેર કરાયેલા મ્યુનિ. ટાઉનહોલનું ખાનગીકરણ તો થવાનું નથી ને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial