"ગોલમાલ"ને સાંકળીને ફિલ્મો પણ બની છે અને ટી.વી. સિરીયલો પણ બની છે, તથા ઘણી જ પ્રચલીત થઈ છે. તેમાં પણ "ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ" જેવી ફિલ્મી પંક્તિઓ સૌથી વધુ પ્રચલીત છે અને ગરબડ ગોટાળા થતા હોય, ખોટું થતું હોય કે પછી રાજરમતો રમાતી હોય, તમામ ક્ષેત્રોમાં "ગોલમાલ હૈ" વાળુ ગીત આબેહુબ લાગુ પડે છે. અત્યારે દેશ-દુનિયામાં "ગોલમાલ" અત્ર-તત્ર-સર્વત્ર વધી રહી છે, અને ગોલમાલ હવે ગ્લોબલ બની ગઈ છે, ત્યારે એવું કહી શકાય કે હળહળતા કળીયુગે પણ કદાચ "ગોલમાલ"ને જ પોતાનું અમોઘ અને અજેય શસ્ત્ર માની લીધું હશે !
કોઈ ફરિયાદ નોંધાય અને તપાસ શરૂ થાય ત્યારથી જ "ગોલમાલ" શરૂ થઈ જતી હોય છે, અને ઘણી વખત તો હેરાન નહીં કરવા કે લોક-અપમાં નહીં રાખવા માટે લાંચ લેવાની શરૂઆત થતી હોય છે અને આ સીલસીલો લાંબા સમય સુધી ચાલતો રહેતો હોય છે. જામનગરમાં એ.સી.બી.ની ટ્રેપ સફળ થઈ અને બે પોલીસકર્મી રંગેહાથ ઝડપાયા હોવાના અહેવાલો આવ્યા., તે પછી લાંચ-રૂશ્વત અને ભ્રષ્ટાચારની વિવિધ તરકીબો, જુદાજુદા સ્વરૂપો અને વ્યાપકતા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને આ ઓપન સિક્રેટ અંગે ઘણાં લોકો "ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ...!"
અત્યારે ભ્રષ્ટાચારની બોલબાલા એટલી વ્યાપક છે કે ગામડાથી ગ્લોબ અને નગરથી નેશન સુધીના લગભગ તમામ ક્ષેત્રોમાં આ ઉધઈ ફેલાય ગઈ છે, અને ઘણાં મોટા માથાઓ આ ઉધઈના પહેરેદાર હોય છે. ગુજરાતમાં મનરેગાના કોભાંડમાં પકડાયેલા બે મંત્રીપુત્રોનો બચાવ કરતા તેના પિતા જ્યારે એવો બચાવ કરે કે તેમના ૫ુત્રો પાસે માત્ર સપ્લાઈ એજન્સી છે, અને તેઓ નિર્દોષ છે, તથા તેઓ પોતે સચિવાલયમાંથી એટલા માટે ગાયબ હતા કે તેઓ વડાપ્રધાનના કાર્યક્રમ માટે જનમેદની એકઠી કરવાના આયોજનોમાં વ્યસ્ત હતા, ત્યારે પણ જરૂર એવા પ્રતિઘાતો પડે કે ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ...
દેશની જનતાને હવે સરકાર શાસન-પ્રશાસન પર બહુ જ ભરોસો રહ્યો નથી, પરંતુ ન્યાયતંત્ર માટે પણ લોકોની આ વિશ્વનિયતા ટકાવી રાખવાની જવાબદારી છે. થોડા મહિના પહેલાં દિલ્હી હાઈકોર્ટના એક જજનું ઘર સળગી ગયા પછી ત્યાંથી અડધી સળગેલી ચલણી નોટો સહિત જંગી રોકડ રકમ મળી હતી. આ પછી સુપ્રિમ કોર્ટે સંબંધિત જજની અન્યત્ર બદલી કરીને ત્રણ સભ્યોની તપાસ સમિતિ નિમી હતી. આ સમિતિએ સંબંધિત જજનો જવાબ લીધો અને તપાસ પૂરી કરીની તેનો રિપોર્ટ સુપ્રિમકોર્ટને સોંપ્યો, અને એવું કહેવાય છે કે આ રિપોર્ટ સુપ્રિમકોર્ર્ટં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સોંપ્યો છે. આ રિપોર્ટ મળ્યા પછી હવે તે સાર્વજનિક (જાહેર) થાય છે કે કેમ? રિપોર્ટમાં શું છે? રિપોર્ટમાં સંબંધિત જજ દોષિત હશે, તો તેની સામે કેવા કાનૂની કદમ ઉઠાવાશે? જો તેઓ નિર્દોષ ઠરશે, તો તે જંગી રોકડ રકમ કોની હતી, અને ત્યાં કેવી રીતે પહોંચી હતી? તે તમામ પ્રશ્નોનો જવાબ નહીં મળે ત્યાં સુધી લોકો કહેતા જ રહેવાના છે કે "ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ...!"
અત્યારે ઠેર-ઠેર દબાણ હટાવ ઝુંબેશો ચાલી રહી છે, અને તેના સંદર્ભે થતી ચર્ચાના તારણો એવા નીકળી રહ્યા છે કે આટલી વિશાળ જમીનો પર હજારો ગેરકાયદે બાંધકામો થઈ ગયા, દાયકાઓથી લોકો તેમાં રહેતા હતા, તે સમયે તંત્રો-શાસન-પ્રશાસનો શું કરી રહ્યા હતા?
અમદાવાદના ચંડોલા તળાવના દબાણ કૌભાંડે તો દાયકાઓથી ચાલી રહેલી ગોલમાલ અને તેની સાથે તંત્રો અને નેતાઓની સર્વપક્ષીય સાંઠગાંઠને પણ ખૂલ્લી પાડી દીધી છે. આટલા દાયકાઓ સુધી ઘણાં અધિકારીઓ બદલ્યા, શાસકો બદલ્યા, સરકારો બદલી છતાં દબાણો "અટલ" રહ્યા, તેનું કારણ શું? આ પ્રકારના દબાણો શરૂ થયા તે પછી પણ ગુજરાતમાંતો મોટેભાગે ભાજપની જ સરકાર સત્તામાં રહી હતી, તેમ છતાં આ ગેરકાનૂની પ્રવૃત્તિ પનપતી રહી હતી, અને સ્થાનિક નેતાઓ તથા જનપ્રતિનિધિઓ પણ રહસ્યમય ચુપકીદી સેવી રહ્યા હતા, તેથી એવું કહી શકાય કે "ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ...!"
પહલગામ આતંકી હૂમલા પછીના ઓપરેશન સિંદૂરનો આડ ફાયદો એ થયો કે દેશમાં ગેરકાયદે રહેતા અને ગુનાખોરી આચરતા બાંગ્લાદેશીઓની હકાલપટ્ટી તો થઈ, પરંતુ સાથે-સાથે દાયકાઓથી સરકારી જમીન કે પંચાયત પાલિકા - મહાપાલિકાઓની જમીનો દબાવીને બેઠેલા લલા બિહારી જેવા ભૂમાફિયાઓ પર પણ અંકુશ આવ્યો અને કેટલી ગોલમાલ ચાલતી હતી તે પણ બહાર આવી ગયું. ઓપરેશન સિંદૂર કેન્દ્ર સરકાર માટે પણ 'મોકડ્રીલ' જેવું પુરવાર થયું છે. જો યુદ્ધ થાય તો કેટલા દેશો ભારતની પડખે ઊભશે અને કેટલા દેશો ડબલ ઢોલકી વગાડશે, તેમજ કેટલા દેશો દુશ્મન દેશની પડખે ઊભા રહેશે, તે પણ પરખાઈ ગયું છે, બીજી તરફ ટ્રમ્પે જે રીતે દ.આફ્રિકાના પ્રમુખ રામાફોસા સાથે રકઝક કરીને પણ ટ્રમ્પના મગનજની ગોલમાલ જ દર્શાવે છે ને?
પાકિસ્તાને વાપરેલા ચીની શસ્ત્રો, તૂર્કીયેના ડ્રોન અને ચાઈનીઝ મિસાઈલોનો ભાંડો પણ ફૂટી ગયો અને હવે તેનો માર ચીનના રક્ષા ઉત્પાદનો કરતી કંપનીઓને પાડવાનો જ છે. ચીનના તકલાદી સાધનો જે રીતે નિષ્ફળ ગયા, તે સાબિત કરે છે કે ચીનની ચીજો પણ ગોલમાલ જ ગોલમાલ છે...
હજુ થોડા દિવસો પહેલા પાકિસ્તાન સાથે દુશ્મનાવટ જેવો વ્યવહાર હતો, તેવામાં અચાનક જ અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર પણ ચીન-પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આર્થિક કોરિડોર માટે સહમત થઈ ગઈ, તે આપણા દેશ માટે મોટો ઝટકો છે, પરંતુ તેની બહુમત થશે નહીં, કારણ કે વૈશ્વિક રાજકરણ તથા આપણી વિદેશનીતિમાં પણ કયાંકને કયાંક ગોલમાલ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial