'ઓપરેશન સિંદૂર' એ પાકિસ્તાન સામે યુદ્ધ નથી, પરંતુ આતંકવાદીઓ સામેનું યુદ્ધ છે, પણ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ થયો, પરંતુ ત્રણ-ચાર દિવસના યુદ્ધે જિંદગીના ૬ દાયકા વિતાવી ચૂકેલા વયોવૃદ્ધ લોકોને વર્ષ ૧૯૭૧ના ભારત-પાક. યુદ્ધ સમયે થતા બ્લેક આઉટ અને અન્ય સ્મૃતિઓ તાજી કરાવી દીધી હતી, તો ત્રીસ-ચાલીસ વર્ષના યુવાવર્ગે અભ્યાસ કે ઈત્તર વાચન અથવા ફિલ્મો દ્વારા જોયેલા યુદ્ધને નાના સ્વરૂપમાં અનુભવ્યું. કારગીલનું યુદ્ધ અઢી દાયકા પહેલાં થયું હતું પરંતુ તે જમ્મુ કાશ્મીર તથા પડોશી રાજ્યને પૂરતું મર્યાદિત રહ્યું હતું અને આપણે તેની પ્રયત્ક્ષ અનુભૂતિ થઈ નહોતી.
'ઓપરેશન સિંદૂર' એ કાંઈ બે દેશો વચ્ચેનું યુદ્ધ નથી, પરંતુ માત્ર આતંકવાદીઓ પર તેના ઘરમાં ઘૂસીને ખતમ કરવાનું અભિયાન છે પરંતુ પોતે જ પાળેલા પાકિસ્તાને આતંકી અડ્ડાઓનો ખુરદો બોલ્યા પછી ભારત પર આક્રમણનો નિષ્ફળ પ્રયાસ કર્યાે, તેથી મીની વોર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. પાક.ને આ નાનકડુ યુદ્ધ પણ મોંઘુ પડી ગયું અને સંઘર્ષ વિરામ કરાવવા ભારતને આજીજી કરવી પડી. જો કે, હવે ભારતે તેનું સ્પષ્ટ વલણ માત્ર પાક.ને નહીં પરંતુ આખી દુનિયાને જણાવી દીધુ છે કે હવે ભારતમાં એક પણ પાક. પ્રેરિત આતંકી હુમલો થશે તો તેને એક્ટ ઓફ વોર ગણીને ભારત વળતો પ્રહાર કરશે, તેટલું જ નહીં આતંકવાદીઓની સાફસુફી સુધી ઓપરેશન સિંદૂર અને કાશ્મીરનું ઓપરેશન ઓલ આઉટ ચાલતું જ રહેશે. પાક. સાથે વાતચીતનો તો સવાલ જ ઉઠતો નથી અને જો વાત થશે તો પણ પીઓકે ખાલી કરવા અને આતંકવાદનો ખાત્મો કરવા માટે જ થશે. તે ઉપરાંત પાક. સાથે કોઈ જ વ્યવહારો પુનઃ સ્થાપિત થશે નહીં વગેરે... વગેરે...
યુદ્ધ જેવી આ સ્થિતિ પછી દેશમાં આઝાદીકાળથી થયેલા નાના મોટા યુદ્ધો અંગે ચર્ચા થવા લાગી અને જૂની પેઢીને એ યુદ્ધોની યાદ તાજી થવા લાગી તો નવી પેઢીને એ યુદ્ધો અંગે વધુને વધુ જાણવાની ઉત્કંઠા જાગી. આવો, આપણે પણ ભૂતકાળમાં આઝાદી પછી થયેલા યુદ્ધો અંગે થોડું જાણીએ...
વર્ષ ૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ
આજે આપણે વર્ષ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધની થોડી વાતો કરીશું અને તે માટે વર્ષ ૧૯૬૨માં થયેલા યુદ્ધની પૃષ્ઠભૂમિની વાત કરવી અત્યંત જરૂરી છે.
પંચશીલનો સિદ્ધાંત
ભારત આઝાદ થયું તે પછીના દાયકામાં ભારતના ચીન સાથેના પ્રારંભિક સંબંધો સારા રહ્યા હતા પરંતુ તે પછી ચીને પોત પ્રકાશ્યું અને જે દગાબાજી કરી તેથી ભારતને ઘણો જ ધક્કો પહોંચ્યો હતો. આ દગાબાજીને સમજવા માટે પંચશીલનો સિદ્ધાંત શું હતો તે પણ સમજવું પડે.
ભારત અને ચીન વચ્ચેની સરહદનો ઈતિહાસ તો સદીઓ જૂનો છે, પરંતુ આઝાદી પછી ભારત-ચીન વચ્ચે એક સમજૂતિ થઈ તેને પંચશીલની સમજૂતિ અથવા પંચશીલના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે.
ભારત-ચીન વચ્ચે શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ માટે ર૯મી એપ્રિલ, ૧૯૫૪ના દિવસે આ સમજૂતિ થઈ હતી જેના પર ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ અને ચીનના વડાપ્રધાન ચાઉ-એન-લાઈએ હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતિ વૈશ્વિક શાંતિ, સદ્ભાવ અને સહયોગની ભાવનાથી કરવામાં આવી હતી.
આ પંચશીલ સમજૂતિમાં પાંચ સિદ્ધાંતો સામેલ હતા. તે મુજબ (૧) બંને દેશ એકબીજાની ક્ષેત્રિય અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરશે (ર) બંને દેશ એકબીજા પર આક્રમણ નહી કરે (૩) બંને દેશ એકબીજાના આંતરીક માળખાઓમાં હસ્તક્ષેપ નહી કરે (૪) બંને દેશ સમાનતા અને એકબીજાના હિતો માટે કામ કરશે અને (પ) રાજનૈતિક, આર્થિક કે સામાજિક મતભેદો હોય તો પણ શાંતિપૂર્વક સહ-અસ્તિત્વને જાળવી રાખીને એકબીજાનું સન્માન રાખશે, તેવું નક્કી થયું હતું.
હિન્દી-ચીની ભાઈ-ભાઈ
તે પછી હિન્દી-ચીની ભાઈ-ભાઈનો નારો લગાવાયો હતો, જે ૬૦-૬૫ વર્ષની ઉંમરના લોકોને ઝાંખુ ઝાંખુ યાદ હશે. સ્કૂલોમાં આ નારો લગાવાતો હતો અને તે સમયના અખબારોમાં પણ ભારત અને ચીન વચ્ચેની મિત્રતાના વિશેષ અહેવાલો પ્રસિદ્ધ હતા તથા આકાશવાણી-રેડિયોમાં હિન્દી-ચીની ભાઈ-ભાઈના સુત્રો સાથેના અહેવાલો પણ પ્રસારિત થયા હતા.
મેક મોહન રેખાને માન્યતા
બ્રિટિશ ભારતના સમયગાળામાં વર્ષ ૧૯૧૪માં શિમલામાં યોજાયેલા સંમેલન દરમિયાન તે સમયના બ્રિટિશ અધિકારી સર હેનરી મેકમોહને પૂર્વીય હિમાલય ક્ષેત્રમાં ભારત અને તિબેટ વચ્ચે એક સીમા રેખા નક્કી કરાઈ હતી તેથી તે સીમા રેખાને મેકમોહન રેખા તરીકે ઓળખવામાં આવે છે. સર હેનરી મેક મોહન બ્રિટિશ ભારતના વિદેશ સિચવ હતા.
ભારતે મેક મોહન સીમારેખાને માન્ય રાખી હતી પરંતુ ભારત આઝાદ થયા પછી ચીને મેક મોહન સીમારેખાને માન્યતા તો આપી નહીં પરંતુ ભારતના કેટલાક વિસ્તારને ચીનમાં જોડી દેવાની માગણી કરી અને ભારત-ચીન વચ્ચેની પંચશીલની સમજુતિનો ભંગ કરી વર્ષ ૧૯૬૨માં ભારત પર આક્રમણ કરી દીધું હતું.
ભારત-ચીન વચ્ચેનું યુદ્ધ
ભારત-ચીન વચ્ચે યુદ્ધ થયું અને તેમાં ભારતીય સેનાને પીછેહઠ કરવી પડી, કારણ કે ચીને દગાબાજી કરી હતી અને ભારતને યુદ્ધની તૈયારી કરવાની પણ તક આપી નહોતી. વર્ષ ૧૯૫૯ના તિબેટના વિદ્રોહ અને દલાઈલામાને ભારતમાં રાજકીય આશય અપાયો હોવાથી ચીને આ યુદ્ધ કરીને ભારતની પીઠમાં ખંજર ભોંક્યું હતું. વર્ષ ૧૯૬૨ની ૨૦ ઓકટોબરે શરૂ થયેલુ આ યુદ્ધ વર્ષ ૧૯૬૨ની ૨૧મી નવેમ્બરે ચીને યુદ્ધવિરામ જાહેર કર્યા પછી આ ભારત-ચીન વચ્ચે સમજૂતિ વિવાદ શમ્યો નથી અને બંને દેશો વચ્ચેની વર્તમાન સરહદને લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ થવા એલએસી કહેવામાં આવે છે.
વર્ષ ૧૯૬૨નું જમીની યુદ્ધ
ભારત-ચીન વચ્ચે ૧૪ હાર ફૂટની ઉંચાઈએ હિમાલયમં આવેલી સરહદો પર આ ભિષણ યુદ્ધ ખેલાયું હતું, જેમાં માત્ર ભૂમિયુદ્ધ ખેલાયું હતું અને બંને દેશોએ વાયુદળ કે નૌકાદળનો ઉપયોગ કર્યાે નહોતો.
કોમ્૫લીકેટેડ બોર્ડર
ભારત-ચીન વચ્ચેની બોર્ડર ઘણી જ કોમ્પલીકેટેડ છે અને તે ભૂતાન, નેપાળ, પાક. અને બર્મા સુધી લંબાયેલી હતી. અરૂણાચલ પ્રદેશ, અકસાઈ ચીન, નેફા વગેરે એવા સરહદી વિસ્તારો છે જેને લઈને ચીને વિવાદો ઊભા કર્યા હતા. તે પહેલાં વર્ષ ૧૮૪૨ના શીખસંઘથી માંડી વર્ષ ૧૮૬૫ની જોનસન લાઈન સુધીનો ઈતિહાસ છે. વર્ષ ૧૮૯૨માં ચીને ઝિન્જીયાન્ગ અને લદાખ વચ્ચેના પ્રાચીન માર્ગે કારાકોરમ ઘાટ પાસે સરહદના ચિન્હો ઊભા કર્યા તેની સામે બ્રિટિશ હિન્દ સરહદે વાંધો નોંધાવ્યો હોવાનો ઉલ્લેખ તે સમયના સાહિત્યમાં જોવા મળે છે.
ચીનમાં ઝિન્હાઈ ક્રાંતિ અને રશિયામાં બાલ્શેવિક ક્રાન્તિ
વર્ષ ૧૯૧૧માં ચીનમાં ઝિન્હાઈ ક્રાન્તિ પછી સત્તા પરિવર્તન થયું તો વર્ષ ૧૯૧૮માં રશિયામાં થયેલી બાલ્શેવિક ક્રાન્તિના કારણે મેકકર્ટની-મેકડોનલ્ડ લાઈન તરીકે ઓળખાતી સરહદને બ્રિટિશરોએ નવી જોન્સન લાઈન તરીકે દર્શાવી પરંતુ સીમાંકન નહીં થતા આ સરહદ નામવિહોણી રહી ગઈ હતી. તે સમયે બ્રિટિશરોએ ખૂબ જ લાંબી ભારત-ચીન સરહદની ગુંચવણ ઉકેલવાના બદલે વધુ ગુંચવી અને ડઝનેક સરહદી વિસ્તારોનો ઉપયોગ કરી નકશા દર્શાવ્યા હોવાનું કહેવાય છે.
ભારત આઝાદ થયું ત્યારે જોન્સન લાઈન ભારતની સત્તાવાદ પશ્ચિમી સરહદ બની ગઈ હતી અને વર્ષ ૧૯૫૪માં ભારતે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યાે અને અકસાઈ ચીનને ભારતના લદાખનો હિસ્સો ગણાવ્યો હતો.
વર્ષ ૧૯૫૦ના દાયકામાં ચીને અકસાઈ ચીનમાં તિબેટ અને ઝિન્જીયાન્ગને જોડતો માર્ગ બનાવ્યો જેની જાણ ભારતને ૧૯૫૭ સુધી થઈ નહોતી અને ત્યાંથી જ કદાચ ચીનની દગાબાજી શરૂ થઈ હતી. ચીને તિબેટને સ્વતંત્ર રીતે વાટાઘાટોનો અધિકાર નહીં હોવાનું જણાવ્યું. તે પછી તિબેટના વર્ષ ૧૯૫૯ના વિદ્રોહ પછી ભારતે ૧૪મા દલાઈ લામાનો રાજ્યાશ્રાપ આપ્યા પછી અકસાઈ ચીનની એક અથડામણમાં ભારતનો સરહદે ફરજ બજાવતા નવ પોલીસ જવાનો શહીદ થયા હતા. ચીનના તે સમયના સર્વેસર્વા માઓ ઝેદોન્ગની નારાજગી સાથે બંને દેશો વચ્ચેના સંબંધો કસોટીની એરણે ચડ્યા હતા.
આમ તો ભારત-ચીન વચ્ચેની લાંબી સરહદ અને લડાઈનો લાંબો ઈતિહાસ છે અને ઘણી બધી બાબતો અસ્પષ્ટ અને ગુંચવાયેલી રહી છે અને કેટલાક ઘટનાક્રમો તથા હિસ્ટ્રી અંગે મત-મતાંતરો પણ પ્રવર્તે છે પરંતુ ભારતને આઝાદી મળી તે પછી પ્રથમ યુદ્ધ પાક. સાથે થયંુ તે પછી દગાબાજ ચીને ભારત પર શુદ્ધ થોપ્યું હતું અને તેમાં ભારત ભલે જીત્યુ નહી પરંતુ તે પછી તત્કાલિન સરહદ અને સેનાએ તેમાંથી ઘણું બધું શિખ્યું હતું તેવા ઉલ્લેખો પણ તદવિષયક સાહિત્ય અને તવારીખમાં જોવા મળે છે.
ભારત-ચીન યુદ્ધ સમયે ભારતીય સેનાના ઘણાં જ પરાક્રમો, દુશ્મનોના દાંત ખાટા કરીને શહીદી વહોરી લેનાર નરબંકાઓ અને શૂરવીરોની ઘણી બધી વીરકથાઓ ખૂબજ પ્રચલિત છે અને ઈતિહાસના પાને ગરિમામય રીતે લખાયેલી છે.
ભારત-ચીન યુદ્ધની વ્યાખ્યા-તવારીખ
ભારત-ચીન વચ્ચે અકસાઈ ચીનથી આસામ યુદ્ધની લાંબી પર્વતીય સરહદે થયું હતું. ચીનના વડા માઓ ઝેડોન્ગ હતા અને સેનાધ્યક્ષ ઝોન એનલાઈ હતા તો ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ હતા અને સેનાનું નેતૃત્વ વી.કે. કૃષ્ણમેનન અને વૃજમોહન કૌલે સંભાળ્યું હતું. આ યુદ્ધમાં ભારત અને ચીને એકબીજાના કેટલા સૈનિકો હણ્યા હતા તેના જુદા જુદા દાવાઓ કર્યા હતા પરંતુ સંખ્યાબંધ સૈનિકોના જીવ ગયા હતા અને હજારો લોકોના મૃત્યુ થયા હતા, ઘણાં લોકો ઘાયલ થયા હતા. તે સમયે અમેરિકાએ ભારતને સૈન્ય સહાય આપી હતી. વર્ષ ૧૯૬૨ના યુદ્ધવિરામ પછી ભારત અને ચીન વચ્ચે ૧૯૬૭માં સિક્કિમમાં અથડામણ થઈ ત્યારથી વર્ષ ૨૦૨૩-ર૪ સુધીમાં ભારત-ચીન સરહદે નાની મોટી અથડામણો થતી રહી છે અને કેટલીક સમજૂતિઓ પણ થઈ છે.
ચીનની ચાલાકીથી ચેતવા જેવું
રશિયા અને ચીન વચ્ચે સારા સંબંધો છે. રશિયા અને અમેરિકા વચ્ચે પરંપરાગત રીતે સંબંધો સારા નથી. રશિયાએ ઓપરેશન સિંદૂર પછીના નાનકડા યુદ્ધ પછી કહ્યું છે કે અમેરિકા ટ્રેડવોર અને શાંતિની ડ્રાયેબાજી કરીને ચીન અને ભારતના સંબંધો વધુ વણશે તેવી રણનીતિ અપનાવી રહ્યું છે. બીજી તરફ ભારતને ચીને વારંવાર દગો આપ્યો છે તેથી ચીનથી ચેતવા જેવું હોવાનો અભિપ્રાય પણ ધ્યાને લેવો પડે તેમ છે. ભારતે અત્યારે પોતાની તાકાત વધારીને પહેલાં તો પાક.ને પાઠ ભણાવવાની જરૂર છે અને ચીનથી પણ ચેતવા રહેવું પડે તેમ છે તેથી ખૂબજ સાવધાનીપૂર્વક આગળ વધવું પડે તેમ છે.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial