Sensex

વિગતવાર સમાચાર

વાવાઝોડા-વરસાદની આગાહીઓ વચ્ચે કોરોના રિટર્નસ...હવે શું ?

                                                                                                                                                                                                      

દેશમાં કોરોનાનો વ્યાપ ફરીથી વધી રહ્યો છે અને અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૧ કેસ નોંધાયા છે, અને ગઈકાલે કોરોનાના નવા પડકારનો સામનો કરવા તંત્રોમાં દોડધામ જોવા મળી હતી. કારણ કે મે મહિનામાં એકલા અમદાવાદમાં જ કુલ ૩૧ કેસ નોંધાયા, તેમાંથી મહત્તમ કેસ એકટિવ છે, મોટા ભાગના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રખાયા છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના રાજકોટ સહિતના બે-ત્રણ જિલ્લામાં પણ કોરોનાએ દેખા દેતા રાજ્યભરના ઓરોગ્યતંત્રો તથા સરકારી હોસ્પિટલો આરોગ્યકેન્દ્રોને સતર્ક કરાયા છે. લોકોને ગભરાય નહીં, પરંતુ સતર્ક રહે, તે પ્રકારની અડવાઈઝરી પણ આપવામાં આવી રહી છે. જામનગર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વધુ કેસો નોંધાયા હોવાના અહેવાલો પછી તંત્રો અને સરકાર વધુુ સતર્કતા દાખવશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

દેશની રાજધાની દિલ્હીમાં પણ કોવિડ-૧૯ના ૨૩ કેસની પુષ્ટિ થયા પછી તા. ૨૨મી મે થી જ નવા પડકારનો સામનો કરવાની તૈયારી થવા લાગી હતી., અને હોસ્પિટલોને એલર્ટ કરાઈ હતી, તથા દિલ્હીવાસીઓ માટે ગાઈડલાઈન્સ તથા હોસ્પિટલો તથા આરોગ્યકેન્દ્રો માટે એડવાઈઝરી પણ જાહેર કરી દીધી હતી.

દિલ્હી સરકારની આ એડવાઈઝરીને અનુસરીને કેટલાક અન્ય રાજ્યો પણ નવી એડવાઈઝરી જાહેર કરી શકે છે. ગુજરાત સરકાર દ્વારા પણ હવે લોકો માટે નવી ગાઈડલાઈન્સ તથા સરકારી-ખાનગી હોસ્પિટલો તથા આરોગ્યકેન્દ્રો, લેબોરેટરીઝને એલર્ટ કરવાની સાથે-સાથે નવી અડવાઈઝરી પણ તબક્કાવાર જાહેર કરી શકે છે.

દિલ્હી સરકારની એડવાઈઝરીમાં કોરોના વોરિયર્સની ટીમોની પુનઃરચના કરવા અને આરોગ્યકર્મચારીઓને ફરીથી ટ્રેનિંગ આપવાની મહત્ત્વપૂર્ણ સલાહ આપવામાં આવી છે. તે ઉપરાંત હોસ્પિટલોમાં જરૂરી બેડ અને આઈસોેલેશન વોર્ડ, ઓક્સિજનનો અંદાજીત અને પર્યાપ્ત પુરવઠો, જરૂરી દવાઓ એન્ટિબાયોટિક્સ અને સંલગ્ન દવાઓની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા જણાવાયું છે. હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ, બાય-એપ, પીએસએ, ઓક્સિજન કોસન્ટ્રેટર તથા કોરોનાના ટેસ્ટીંગ માટેની કીટ્સ વગેરેની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા, લેબોરેટરીઝને અદ્યતન અને સુસજ્જ રાખવા તથા વેક્સિનની ઉપલબ્ધિ અંગે અપાયેલી સૂચનાઓ તથા એડવાઈઝ વગેરે જોતાં જરૂર પડ્યે વેક્સિનેશન ઝુંબેશનો રાઉન્ડ ફરીથી શરૂ થાય, તેવા પણ સંકેતો નોંધપાત્ર છે.

ગુજરાતમાં જામનગર સહિત સાત જિલ્લાઓમાં જેએન-૧ વેરિયેન્ટના નવા કેસો જોવા મળ્યા પછી તંત્રો તો સાબદા થઈ જ ગયા છે, સાથે-સાથે લોકોને પણ જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે, તે માટે વધુ સચોટ, સમયબદ્ધ અને નિયમિત વિશ્વસનિય વ્યવસ્થા ઝડપભેર થાય, તે પણ અત્યંત જરૂરી છે. બિનજરૂરી ગભરાટ પણ ન ફેલાય, અને બાળકો, સગર્ભા અને બીમાર રહેતા વડીલો સહિતના ચોક્કસ વયજૂથ કે સિમ્ટમ્સની સ્થિતિ મુજબ લોકો સતર્ક રહે અને ગાફેલ પણ ન રહે, તે માટે હવે કોરોનાકાળ અન્વયે જે રીતે દૈનિક એડવાઈઝરી તથા ઈન્ફોર્મેશન અપાતી હતી, તેવી વ્યવસ્થાઓ અને કેસો વધવા લાગે, તો વિશેષ કંટ્રોલરૂમ પણ હવે શરૂ કરી જ દેવા જોઈએ.

કોવિડ-૧૯નો પુનઃપ્રસાર વધવા લાગતા હવે લોકો પણ વિવિધ સવાલો ઉઠાવવા લાગ્યા છે, જેનો સંતોષજનક જવાબ મળી રહે, તેવું જિલ્લાવાર મિકેનિઝમ તત્કાળ કાર્યરત થઈ જવું જોઈએ. લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું માસ્ક પહેરવું જરૂરી છે ? ભીડભાડવાળા વિસ્તારોમાં જવાથી બચવું જોઈએ ? બહારગામ કે ઘરે પહોંચીએ ત્યારે હાથ ધોવાની ટેવ તો કોરોનાકાળથી  લોકોને પડી જ ગઈ છે, પરંતુ સોશ્યલ ડિસ્ટન્સની જરૂર અત્યારે ખરી ? શું ફરીથી વેક્સિનેશનના બે-ત્રણ રાઉન્ડ આવશે ? શંકાસ્પદ કેસ જણાય, તેને હોમ આઈસોલેશનમાં રખાશે કે હોસ્પિટલમાં દાખલ કરી દેવાશે, વગેરે સંખ્યાબંધ સવાલો ઉઠી રહ્યા છે, જેના અધિકૃત, વિશ્વસનિય અને કોન્સ્ટન્ટ જવાબો મળી રહે તે જરૂરી છે.

જો કે અત્યારે તબીબીક્ષેત્રના નિષ્ણાતો અને પ્રેસ-મીડિયા-સોશ્યલમીડિયાના માધ્યમથી લોકોને ગભરાયા વગર કઈ-કઈ સાવચેતીઓ રાખવી જોઈએ, તેનું છુટુછવાયું માર્ગદર્શન મળી રહ્યું છે, અને કેટલાક જિલ્લાઓમાં અકાદ-બે પ્રેસનોટ્સ કે સોશ્યલમીડિયાના માધ્યમથી પણ લોકોને સતર્ક રહેવા જણાવાઈ રહ્યું છે, પરંતુ અફવાઓ ફેલાતી  અટકાવવા, પબ્લિક પેનિક અટકાવવા અને શંકા જણાય ત્યારે જરા પણ ગાફેલ નહીં રહેવા લોકોને રોજીંદુ માર્ગદર્શન મળી રહે, તેવું મિકેનિઝમ ઊભું થવું જરૂરી છે

એક તરફ કોરોનાનો ફરીથી ફેલાવો થઈ રહ્યો હોય અને બીજી તરફ વાવાઝોડા સાથે વરસાદની આગાહીઓ થઈ રહી હોય, ત્યારે આ બેવડા પડકારનો સામનો કરવા તંત્રોએ પણ તૈયાર રહેવું પડશે. હવે હોતી હૈ, ચલતી હૈ, જેવી માનસિકતા જરાયે ચાલે તેમ નથી અને લોકોએ પણ શાણપણ અને સમજદારી દાખવવી પડે તેમ છે. કોરોનાકાળમાં સતર્ક રહેતા હતા તેવી જ રીતે થોડા-ઘણાં પણ સિમ્ટમ્સ (લક્ષણો) જણાય કે તેવી શક્યતા જણાય, તો પણ તરતજ તબીબ માર્ગદર્શન મેળવીને જરૂર પડ્યે ટેસ્ટીંગ કરાવી લેવું જોઈએ.

સરકારે ખાસ એ વાત સ્પષ્ટ કરવી પડે તેમ છે. જો કોરોનાના કેસો વધવા લાગે તો ભાડભીડ થાય, તેવા મોટા કાર્યક્રમો, પ્રસંગો કે મેળાવડાઓ પર નિયંત્રણ, નિયમન કે પ્રતિબંધ લગાવવાની વિચારણા જો સરકારી તંત્રો કરી રહ્યા હોય તો તેની જાણ પણ લોકોને સમયસર કરી દેવી જોઈએ, જેથી લોકો બિનજરૂરી કે પાછળ ઠેલી શકાય તેમ હોય, તેવા કાર્યક્રમો હાલ તુરંત મોકુફ રાખીને તેનું પુનઃઆયોજન વિચારી શકે, અને અનિવાર્ય હોય તેવા પ્રસંગોમાં જરૂરી સાવચેતીઓ રાખી શકે.

જો કોરોનાનો વ્યાપ વધે તો, રાજકીય પક્ષોએ પણ રોડ-શો, જાહેરસભાઓ કે રેલીઓ યોજવાના કાર્યક્રમો પર સ્વયંભૂ અંકુશ લગાવવો જોઈએ તેમ નથી લાગતું ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial