Sensex

વિગતવાર સમાચાર

યુવાનોને વ્યવસાયલક્ષી તાલીમ આપીને ઉદ્યોગોમાં રોજગારીની વિપુલ તકો પૂરી પાડતી રાજ્ય સરકારની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ

બ્લુ કોલર જોબ્સ ઈચ્છતા ધો. ૧૦-૧૨ના વિદ્યાર્થીઓને આગળની કારકિર્દી માટે આઈટીઆઈના કોર્સ એક સારો વિકલ્પ

                                                                                                                                                                                                      

વર્તમાન સમયમાં રાજય તથા રાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રોના ઔદ્યોગિકરણનો વ્યાપ વધી રહૃાો છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ દેશમાં ઉદ્યોગો સ્થાપી રહી છે, નવા નવા ક્ષેત્રો ઉભરી રહૃાા છે. આથી, વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી વ્યવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરનાર ઉમેદવાર માટે રોજગારી / સ્વરોજગારી મેળવવાની ઉજળી તકો રહેલી છે. રાજય સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નેજા હેઠળ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ રાજયના તમામ તાલુકાઓમાં કાર્યરત સરકારી/ગ્રાન્ટ-ઈન-એઈડ/સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં વ્યવસાયલક્ષી તાલીમ ઉપલબ્ધ કરાવવા માટે વિસ્તૃત અને વ્યાપક તાલીમ માટેની  સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આઇ.ટી.આઈ. એટલે ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા. આ સંસ્થાએ ધોરણ ૧૦ કે ૧૨ સુધી ભણેલા વિદ્યાર્થીઓ માટે રોજગારની અનેક તકો પ્રાપ્ત કરાવતી સંસ્થા તરીકે રાજ્યના લોકોમાં ઓળખ મેળવી છે. ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટમાં ઔદ્યોગિક એકમોમાં કામ આવતા વિવિધ કૌશલ્ય માટે વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. આઈ.ટી.આઈ.ની ખાસિયત એ છે કે તેમાં ધો.૧૦,૧૨ કે તેથી ઓછું ભણેલા યુવાનો પણ જરૂરી કૌશલ્ય પ્રાપ્ત કરી રોજગાર મેળવી શકે છે. વધુમાં માત્ર થિયરીટીકલ કોર્સની જગ્યાએ આઈ.ટી.આઈ.માં ઉદ્યોગોની હાલની જરૂરિયાત અનુસારની પ્રેક્ટિકલ સ્કિલ પર ભાર આપવામાં આવે છે. વિવિધ ટ્રેડમાં આવી તાલીમ પામેલ યુવાનોની નાના- મોટા ઔદ્યોગિક એકમોમાં મોટા પ્રમાણમાં કાયમી જરૂર હોય છે, આથી આઈ.ટી.આઈ. યુવાનોને ખુબ ઓછી ફીમાં તાલિમબદ્ધ કરીને સ્થાનિક ઉદ્યોગોમાં રોજગારી અને કારકિર્દી ઘડતર માટેના દ્વાર ખોલી આપે છે.

આઈ.ટી.આઈ.માં બે પ્રકારના તાલીમ તાલીમ સર્ટિફિકેટ કોર્સ ઉપલબ્ધ છે. ભારત સરકારની એન.સી.વી.ટી એટલે નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગના કોર્સ સમગ્ર દેશમાં માન્યતા પ્રાપ્ત હોય છે અને કોર્સ અંગ્રેજીમાં હોય છે. જી.સી.વી.ટી એટલે અને ગુજરાત સરકારની ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગના કોર્સ પણ એન.સી.વી.ટી. જેટલી જ યોગ્યતા ધરાવે છે પરંતુ ગુજરાત રાજ્યમાં આવા કોર્સિસના માધ્યમથી રોજગાર સ્વરોજગાર પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે.

ગુજરાત રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહૃાું છે. તેને ધ્યાનમાં લેતાં આઈ.ટી.આઈ.ના ટ્રેડ જેવા કે ફીટર, ટર્નર, વેલ્ડર, મશીનિસ્ટ, ડીઝલ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન,આર.એફ.એમ તેમજ અન્ય કેટલાક ટ્રેડ જેવા કે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, કોમ્પ્યુટર પ્રોગામિંગ, સ્ટેનોગ્રાફીની લાયકાતવાળા અનેક કોર્સિસ રોજગાર ઈચ્છુકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આ  એન્જીનિયરીંગ અને નોન એન્જીનિયરીંગ પ્રકારના કોર્સિસ ૬ મહિનાથી લઈને ૨ વર્ષ સુધીનાં હોય છે. આવાં લગભગ ૧૦૦થી વધુ અલગ- અલગ કોર્સ રાજ્યની વિવિધ આઈ.ટી.આઈ.માં ઉપલબ્ધ છે. 

આમ, આઈ.ટી.આઈ. ઝડપથી રોજગારી મેળવવા માટે ઇચ્છતા યુવાનોને આકર્ષી રહી છે. ગુજરાતમાં આઈ.ટી.આઇ.એ રોજગાર મેળવવા માટે સૌથી લોકપ્રિય સર્ટિફિકેટ કોર્સ બનવા પામ્યું છે. રાજયમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ મારફતે અપાતી વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા કૌશલ્ય પ્રાપ્ત કરનાર ઘણા બધા ઉમેદવારો આજે માત્ર રાષ્ટ્રમાં જ નહીં પણ વિદેશમાં પણ સારી એવી રોજગારી મેળવી રહૃાા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા એમ ચારેય તાલુકામાં આઈ.ટી.આઈ. કાર્યરત છે. વધુ માહિતી તેમજ એડમિશન માટે આપની નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરીને અથવા વેબસાઈટ દ્વારા માહિતી મેળવી શકાશે. 

આઈ.ટી.આઈ. ની જેમ અનેક વિકલ્પો ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને આગળની કારકિર્દી માટે ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને અવનવાં કોર્સિસ અને વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી અંગે પરિચય મળે, એડમિશન પ્રક્રીયા તેમજ અન્ય પ્રમાણભૂત માહિતી અને મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક પ્રકાશિત કરવામાં આવે છે. વિદ્યાર્થી સમગ્ર વિકલ્પોનો અભ્યાસ કરીને સમજદારીપૂર્વક પોતાની રુચિ અને આવડત અનુસાર કારકિર્દી પસંદ કરે તે માટે આ અંક એક ઉપયોગી પ્રકાશન છે. 'કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫' ગુજરાતના માહિતી માધ્યમ પ્રકાશન વિભાગની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે, તેને દરેક વિદ્યાર્થીએ કારકિર્દીની પસંદગી કરતા પહેલા જરૂર વાંચવો જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial