Sensex

વિગતવાર સમાચાર

પ્રતિમા વિનાના મંદિર જેવી આરોગ્ય સેવાઓ અને જળ વિહોણું જળાશય... સરકારી તંત્રોની બલિહારી...

                                                                                                                                                                                                  

કોઈ પણ મંદિર ભલે ગમે તેટલું ભવ્ય હોય, પ્રાચીન કે અર્વાચીન હોય, અદ્યતન ઢબે બંધાયેલું હોય કે વિશાળ હોય, પરંતુ તેમાં જયાં સુધી પ્રતિમા ન હોય, ત્યાં સુધી તેનું ધાર્મિક, આધ્યાત્મિક કે ભાવનાત્મક મહત્વ હોતું નથી. ગુજરાતમાં આરોગ્ય અને તબીબી સેવાઓની કાંઈક એવી જ દશા છે. રાજયમાં રસરકાર સંચાલિત સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા પંચાયતો દ્વારા સરકારની ગ્રાન્ટથી સંચાલિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ગ્રામ્ય કક્ષાએ હેલ્થ સેન્ટરો, કેટલાક સ્થળે સરકારી દવાખાનાઓ, શહેરોમાં સરકાર સંચાલિત હોસ્પિટલો તથા પાલિકા કે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આરોગ્ય સેવાઓ તથા અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત છે. જિલ્લા કક્ષાએ તથા મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલો, મહિલા હોસ્પિટલો ઉપરાંત કેન્સર, ટી.બી., પ્રસુતિગૃહો વગેરે તબીબી સારવારની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે, શહેરોમાં સરકારી જનરલ હોસ્પિટલો અથવા રેફરલ હોસ્પિટલોમાં તબીબી સારવાર, લેબોરેટરી, નિદાન માટે ઓ.પી.ડી., જરૂરી દવાઓ તથા જૂદાજૂદા મહત્વપૂર્ણ રિપોર્ટ કરાવવા માટેના મશીનો તથા સાધનસામગ્રી વગેરે સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ઘણી વખત સી.એચ.સી. અને પી.એચ.સી.માં એક પણ તબીબ હોતા નથી અને એક જ મેડિકલ ઓફિસર પાસે બે-ત્રણ કે ચાર-ચાર આરોગ્યકેન્દ્રોનો ચાર્જ હોય છે, તો સરકારી રેફરલ હોસ્પિટલો, જનરલ હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલોમાં પણ નિષ્ણાત તબીબોની ઘટ હોવાથી અદ્યતન સાધનો હોવા છતાં તેનો સદુપયોગ થઈ શકતો હોતો નથી. એવી જ રીતે ટેકનિકલ, ક્લેરિકલ, નર્સીંગ અને પેરા-મેડીકલ સ્ટાફની ઘટ ના કારણે દર્દીઓની યોગ્ય સારવાર કે નિદાન થઈ શકતા હોતા નથી.

જામનગરમાં અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત છે, અને તાજેતરમાં જ ત્રણેક નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રોના સંકુલોનું નિર્માણ થયું છે. આ યુ.એચ.સી. અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પૈકી જે સંપૂર્ણપણે  સેવારત છે, તેમાં પણ નિષ્ણાત તબીબો, લેબટેકનીશિયનો, નર્સીંગ સ્ટાફ તથા અન્ય સ્ટાફ ઉપરાંત સાધન-સામગ્રીની ઉણપ તથા સંકલનના અભાવે દર્દીઓને તફલીફો ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. જ્યારે નવનિર્મિત સી.એચ.સી.માં તો અદ્યતન સંકુલ તથા કેટલાક સાધનો અને સુવિધાઓ હોવા છતાં હજુ પુરેપુરી આરોગ્ય અને તબીબી સેવાઓ ઉપલબ્ધ થતી ન હોવાની ફરિયાદો ઉઠતી હોય તો આ કેેન્દ્રો મૂર્તિ વગરના મંદિર જેવા જ ગણાય ને ? ભાજપ સરકાર હોસ્પિટલોને આરોગ્ય મંદિરો ગણાવે છે, અને સ્કૂલોને વિદ્યામંદિરો અથવા સરસ્વતી મંદિરો ગણાવે છે, ત્યારે તેમાં પૂરતો સ્ટાફ, સુવિધાઓ, સેવાઓ અને સૌજન્યતા સાથે સારવાર અને શિક્ષણની પૂરતી વ્યવસ્થા પણ થવી જ જોઈએ ને ?

આ સ્થિતિ માત્ર જામનગરની નથી, જામનગરનું તો માત્ર દૃષ્ટાંત જ આપ્યુ છે, અને નગરમાં જી.જી. હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટરોમાં હજુ પણ દર્દીઓ મોટા ભાગે કાંઈક ઠીક-ઠીક સારવાર અને આરોગ્ય સેવાઓ મળી રહે છે, પરંતુ હાલારના કેટલાક અર્બન હેલ્થ સેન્ટરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ હેલ્થ સેન્ટરોમાંતો આરોગ્ય અને તબીબી સેવાઓ એટલી બધી કથળી ગઈ છે કે ન પૂછો વાત..

ગઈકાલે જ સમાચાર સંભળાયા કે ખંભાળીયાની જનરલ સરકારી હોસ્પિટલમાં મહત્વના લેબ રિ૫ોર્ટ માટે બબ્બે દિવસસુધી ટોકન અપાતા નહીં હોવાથી દર્દીઓ હેરાન-પરેશાન થાય છે, અને ખાસ કરીને પ્રસુતાઓ વધુ મુશ્કેલીમાં મુકાઈ જતી હોય છે. સ્થાનિક વસ્તી ઉપરાંત રોજીંદા પ્રવાસીઓની સંખ્યા મુજબની તબીબી સુવિધાઓ યાત્રાધામ દ્વારકા અને બેટદ્વારકામાં પણ ક્યાં ઉપલબ્ધ છે  ? આવું બખડજંતર ચાલતું હોવા છતાં શ્રેષ્ઠ આરોગ્ય અને તબીબી સેવાઓ ઉપલબ્ધ હોવાના દાવાઓ ભલે થતા હોય પરંતુ યે પબ્લિક હૈ...યે સબ જાનતી હૈ...!

મૂર્તિ વિનાના મંદિર જેવા જ જળ વિહોણા જળાશયો ગણાય. તળાવ હોય કે સરોવર, નદી હોય કે નાળુ, ચેકડેમ હોય કે મોટો ડેમ, કુવો હોય કે બોર, તેમાં જળ હોય તો જ તેનું મહત્વ ગણાય. ઊનાળામાં સૂકાઈ જતી નદીઓ, ખાબોચીયા જેવા બની જતા તળાવો, જળવિહોણા ચેકડેમો અને મોટા ડેમોમાં તો ફરીથી જ્યારે વરસાદ આવે, ત્યારે પાણી ભરાઈ જાય, પરંતુ તંત્રોના પાપે ત્રણ-ચાર વર્ષથી તોડી પડાયેલા સાની ડેમના પૂનઃનિર્માણની મંથર ગતિના કારણે આ વર્ષે પણ સાની ડેમ ભરાશે નહીં, અને માત્ર કેટલાક ફૂટ સુધી પાણી ભરાતા ડેમનું માત્ર તળીયું જ ભીંજાશે, તેવા અહેવાલો આવ્યા પછી સ્વાભાવિક રીતે જ દ્વારકા, કલ્યાણપુર અને ખંભાળીયા, ભાણવડ તાલુકાઓને સ્પર્શતા અન્ય જળાશયો તરફ પણ લોકોનું ધ્યાન ખેંચાયું છે.

સાની ડેમ તો દ્વારકા અને કલ્યાણપુર તાલુકાઓના લોકો માટે જીવાદોરી સમાન છે, અને અહીંથી બન્ને તાલુકાઓના ગામો તથા નગરોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવાતું હતું, તે ઉપરાંત સાની ડેમની આજુબાજુના ચારેય તાલુકાઓને આ ડેમનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ થતો હતો, તથા ખેડૂતોને સિંચાઈનો બારેય મહિના લાભ મળતો હતો, તે સુવિધાઓ ઝુંટવાઈ ગઈ છે.

પીવાના પાણી માટે તો આ જ નેટવર્કનો ઉપયોગ કરીને નર્મદાના નીર પહોંચાડવાનો વિકલ્પ મળે છે, પરંતુ  ખેડૂતોની સિંચાઈની સુવિધા ઝુંટવાઈ જતા તેઓને મોટો આર્થિક ફટકો પણ પડે છે, તે ઉપરાંત પશુપાલનના સેક્ટરને તો ઘણો જ ઝટકો લાગી રહ્યો છે.

સાની ડેમના તકલાદી નિર્માણના કારણે કદાચ ગેઈટમાં લીકેજ થતું હતું, અને તેની મરામત છતાં દર વર્ષે ફરિયાદ યથાવત રહેતી તેથી આ ડેમના પૂનઃનિર્માણનું કામ હાથ ધરાયું અને તેને વર્ષો વિતી ગયા છતાં આ કામ પુરૃં જતું જ નથી. ખંભાળીયા અને દ્વારકાના ધારાસભ્યો ઘણાજ જાગૃત છે, અને મુળુભાઈ તો કેબિનેટ મંત્રી છે, તે ઉપરાંત સાની ડેમની સ્થિતિથી સાંસદ પૂનમબેન માડમ પણ પુરેપુરા વાકેફ છે, એટલુંજ નહીં સાની ડેમનો કમાન્ડ એરિયા રાજકીય રીતે ભાજપનો ગઢ ગણાય છે, તેથી લોકો હવે પબુભા સહિતના તમામ જનપ્રતિનિધિઓ હસ્તક્ષેપ કરીને સાની ડેમનું કામ ઝડપથી પુરૃં કરાવે તેમ ઈચ્છે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial