વરસાદના આગમન, આગાહીઓ અને તોફાની પવનોના સુસવાટાઓ વચ્ચે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, અને વર્ષ ૨૦૧૯-૨૦માં આ મહામારીની શરૂઆત પછી કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, અને તે પછી લોકડાઉન, ઉભરાતી હોસ્પિટલો, ઓક્સિજનની તંગીથી તરફડતા દર્દીઓ અને ટપોટપ થતાં મૃત્યુની બિહામણી યાદ તાજી થવા લાગી છે. આ પહેલા અચાનક લોકડાઉન લાગ્યું હતું, તે સમયે ઊભા થયેલા ભયના માહોલને યાદ કરીનેે આજે પણ લોકો ગભરાટ અનુભવી રહ્યા છે. તે સમયે પણ વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓના પ્રચાર પ્રસાર તથા મેળાવડાઓનો ધમધમાટ અને તે પછી અમેરિકામાં યોજાયેલા "હાઉડી મોદી"ના કાર્યક્રમને સાંકળીને ડોનાલ્ડ ટ્રમ્પ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચર્ચાઓ થતી હતી, જે અત્યારે અન્ય સ્વરૂપમાં થાય છે.
અત્યારે માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે. આ વખતે નવા લક્ષણોવાળો વાયરસ, તંત્રોની સજ્જતા, નવી વેક્સિનની ઉપલબ્ધિ, ઓક્સિજનની ઉપલબ્ધિ, હોસ્પિટલોની વ્યવસ્થાઓ, કેટલાક સ્થળે જીવલેણ બનતી બીમારી અને રોજ-બરોજના આંકડાઓને સાંકળીને જિલ્લાઓથી દેશની રાજધાની સુધી થઈ રહેલી ચર્ચાઓ-મિટિંગો તથા કોરોના વોરિયર્સની તૈયારીઓ જોતા એવું જણાય છે કે એક વખત ફરીથી ચોમાસું અને કોરોનાના પડકારને એક સાથે ઝીલવા આપણે બધાએ તૈયાર રહેવું પડશે.
એશિયાની સાઉથ કન્ટ્રીઝમાં કોરોનાના કેસો વધવા લાગ્યા છે, અને ભારતમાં તો એક અઠવાડીયામાં જ કોરોનાના કેસો એક હજારના આંકડાને ઓળંગીને ઝડપભેર વધવા લાગ્યા છે, તે ચિંતાજનક ગણાય.
અમેરિકાના સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન ડિપાર્ટમેન્ટના આંકડાઓ મુજબ અમેરિકામાં દર અઠવાડીયે પોણા ચારસો જેટલા લોકોનો ભોગ કોરોના લઈ રહ્યો છે, તો વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ મુજબ દુનિયામાં કોરોનાથી થયેલા મૃત્યુનો નવો આંકડો ત્રણ હજારને આંબવા જઈ રહ્યો છે.
એક તરફ કોરોના ને લઈને નવી માર્ગદર્શિકા તૈયાર થઈ રહી હશે, તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કોરોનાની બીમારી હવે સિઝનલ ફલૂ જેવી હોવાથી ગભરાવાની જરૂર નહીં હોવાનું નિવેદન આપ્યા પછી તેના મિશ્ર પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે, અને તેણીએ જ વિક ઈમ્યુનિટી ધરાવતા લોકોને સતર્ક રહેવા ચેતવ્યા અને આગમચેતી ખાતર દિલ્હીની તમામ હોસ્પિટલો પણ એલર્ટ હોવાનો દાવો પણ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીની જેમ જ અન્ય કેટલાક નેતાઓના કોરોનાની બીમારી ને લઈને જે અભિપ્રાયો સામે આવી રહ્યા છે, તેનું તારણ એવું નીકળે કે આપણા દેશમાં હજુ કોરોનાએ વર્ષ ૨૦૧૯-૨૦-૨૧ જેવું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું નથી, તેમ છતાં જે રીતે કોરોનાનો વ્યાપ દેશ અને દુનિયામાં વધી રહ્યો છે, તે જોતા માત્ર તંત્રો જ નહીં, કોરોના વોરિયર્સ, સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ સ્વયં પણ સતર્ક રહેવું જોઈએ અને જરૂરી પ્રબંધો કરવા જોઈએ.
ગલકાલ સુધીમાં જામનગરમાં પણ દસ જેટલા કેસો નોંધાયા પછી તંત્ર દોડતું થયું છે અને દર્દીઓની હિસ્ટ્રી મેળવવા ઉપરાંત દર્દીઓના વિસ્તારોમાં જરૂરી આગમચેતીના કદમ ઉઠાવાઈ રહ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. જિલ્લા કલેકટરે પણ આ અંગે એક વિશેષ બેઠક બોલાવીને અને સ્થિતિની સમીક્ષા કરીને સંબંધિત તંત્રોને જરૂરી સૂચનાઓ આપી છે.
ગુજરાતમાં પણ ત્રિપલ ડિઝિટમાં કોરોનાનો આંકડો પહોંચ્યા પછી દર્દીઓની વધી રહેલી સંખ્યા જોતા રાજ્યનું આરોગ્યતંત્ર કામે લાગ્યું છે, અને આરોગ્યમંત્રીએ પણ રાજ્યમાં કોરોના વિષયક આગમચેતીના કદમ ઉઠાવવા અંગેની આગમચેતીની પ્રક્રિયા હાથ ધરી હોવાનું કહેવાય છે. મુખ્યમંત્રી પણ કોરોનાનો વ્યાપ વધવા લાગતા તેના તરફ લક્ષ્ય આપવા લાગ્યા હશે, અને વડાપ્રધાન તો બે દિવસનો ગુજરાત પ્રવાસ સંપન્ન થયા પછી તેઓ હવે કોરોના અને ચોમાસાને લઈને રાજ્યના સંબંધિત તંત્રોને સુસજ્જ રાખવા વધુ ધ્યાન આપી શકશે, તેવો કટાક્ષ પણ થઈ રહ્યો છે.
વડાપ્રધાનનો પ્રવાસ હોય અને જાહેરસભાઓ યોજાવાની હોય ત્યારે સેંકડો એસ.ટી. બસો બે-ત્રણ દિવસ માટે સરકાર એસ.ટી. નિગમ પાસેથી ભાડેથી લઈ લેતી હશે, પરંતુ એ કારણે એસ.ટી.ના રોજીંદા સંખ્યાબંધ રૂટ રદ્દ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોને તાલુકા-જિલ્લા સાથે અથવા મોટા કેન્દ્રો સાથે જોડતી બસો રદ્દ થઈ જતા ખેડૂતો, મિહલાઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ, શ્રમિકો અને નોકરિયાતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. મોટા શહેરોને તો લાંબા અંતરના પ્રવાસ માટે રેલવેનો વિકલ્પ તથા અદ્યતન ખાનગી ટ્રાવેલ્સનો વિકલ્પ પણ મળી રહે છે, પરંતુ ગામડાના લોકોને તો ભગવાન ભરોસે જ રહેવું પડે છે. જેથી સરકારે પી.એમ. પ્રોગ્રામ જેવા મેગા કાર્યક્રમો માટે પણ કોઈ "માતબર કોન્ટ્રાક્ટ્સ" રાખવો જોઈએ, તેમ નથી લાગતું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial