ગુજરાતમાં ગામડાઓ હોય કે શહેરો હોય, ગંદકી, રખડુ ઢોર, આવારા કૂતરા અને સેનિટેશનની સમસ્યા એક સરખી જ રહે છે. જામનગર સહિત રાજ્યના શહેરોમાં ઘણાં સ્વચ્છતા અભિયાનો યોજાયા, પરંતુ ગંદકી અને ફૂટપાથ તથા ટ્રાફિકને અવરોધતા હરતા-ફરતા દબાણોની સમસ્યા એવી ને એવી જ રહી છે, હવે જ્યારે ફ્લાય ઓવરબ્રિજની નીચે પબ્લિક પાર્કીંગનો પ્લાન ઘડાઈ રહ્યો છે, ત્યારે તેની સાથે-સાથે પબ્લિક સેનિટેશન (જાહેર શૌચાલયો) ની ખૂટતી વ્યવસ્થાઓ ઊભી કરવી જરૂરી છે, અને વર્તમાન ગંદી-ગોબરી અને સુગ ચડે તેવી વ્યવસ્થાઓની ધરમૂળથી સુધારણા કરવી પણ જરૂરી છે.
તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને સાંકળીને હાલાર સહિત રાજ્યમાં સફાઈ અભિયાનો યોજાયા. દ્વારકા બીચ પર યોજાયેલા સફાઈ અભિયાનમાં તો અધધધ...૬૦૦૦ કિલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત થયો અને તેનો અલગ રીતે નિકાલ કરવાનું આયોજન કરવાના અહેવાલો આવ્યા. અહીં સવાલ એ પણ ઊઠે છે કે શું કચરો નાખવા માટે બીચ પર ઠેર-ઠેર લીલા અને સુકા કચરા માટે અલગ-અલગ કચરાપેટીઓ (ડસ્ટબિન્સ) પૂરતા પ્રમાણમાં મુકવામા આવી હતી ખરી ? શું કચરો ડસ્ટબિનમાં જ નાખવા યાત્રિકોને સતત સૂચના અપાતી રહે તેવી કોઈ વ્યવસ્થા થઈ હતી ખરી ? દરિયાકાંઠે પર્યાવરણને નુકસાનરૂપ થાય, તે પ્રકારની બેદરકારી સામે કડવી દવા આપવી પડે અને દંડ ફટકારવાની તથા વસુલવાની વ્યવસ્થા કરવી પડે, તેવું કોઈ મિકેનિઝમ સ્થાનિક તંત્રો પાસે છે ખરૃં ?
દ્વારકામાં તો ગોમતીજી અને દરિયાના સતત ભરતી-ઓટ ધરાવતા પાણીમાં સ્નાન કરતા લોકો તણાઈ જાય કે ડૂબવા લાગે, ત્યારે તેને બચાવવા અદ્યતન બોટ તથા તરવૈયાઓની ત્રણ શીપમાં ટીમ સાથે રાઉન્ડ ધ ક્લોક વ્યવસ્થા ઊભી કરવાની જરૂર ઘણાં સમયથી જણાઈ રહી છે, પરંતુ માત્ર વોર્નિંગનું બોર્ડ મૂકીને તથા જરૂર પડે ત્યારે હડીયાપટ્ટી કરાવીને કામ ચલાવાઈ રહ્યું છે. વિકાસ સંકુલો પાછળ કરોડો રૂપિયા ખર્ચતી સરકાર અને તેના તાબાના તંત્રોએ માનવજિંદગીઓ બચાવવા માટે પણ કાયમી મિકેનિઝમ ઊભુ કરવું જ જોઈએ. આ પ્રકારની માનવજિંદગીઓ બચાવવાની વ્યવસ્થા પણ જ્યાં થતી ન હોય, ત્યાંથી હજારો કિલો કચરો દરિયાકાઠે કે નદીકાંઠેથી ભેગો થઈ જાય, તો તેમાં નવાઈ પામવા જેવું નહીં, પરંતુ પીડાદાયક છે. આ પીડા શાસન પ્રશાસન સમજશે અને લોકો પણ પ્લાસ્ટિકનો કચરો હોય કે બીજો કરચો હોય, તે ડસ્ટબિનમાં જ નાખવાની ટેવ રાખે, તે પણ અત્યંત જરૂરી છે.
આ વખતે ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં પણ ગંદકી અને સ્વ્ચ્છતા તથા માળખાકિય સુવિધાઓ, હેલ્થ ઉપરાંત સ્થાનિક માર્ગો અને વીજ-નિયમિતતા જેવા મુદ્દા પ્રચારના કેન્દ્રમાં રહેવાના છે. ગઈકાલે રાજ્યના ચૂંટણીપંચે રાજયની ૮૩૨૬ ગ્રામપંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેતા ગ્રામ્ય વિસ્તારો માટે આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. આ ચૂંટણીઓ માટે ૨૨મી જૂને બેલેટપેપર્સથી મતદાન થશે અને ૨૫મી જૂને પરિણામો આવી જશે. લગભગ અઢી વર્ષથી આ ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી અને વહીવટદારોનું શાસન હતું. જો કે, ૮૩૨૬ ગ્રામપંચાયતો પૈકી ૪૬૮૮ પંચાયતોમાં પેટા ચૂંટણી છે, જયારે અન્ય ગામોમાં જનરલ ઈલેકશન છે.
ગઈકાલે ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર થઈ અને આચારસંહિતા લાગુ થઈ, ત્યારથી જ આગામી પૂર્વનિર્ધારિત શાળા પ્રવેશોત્સવને આચારસંહિતા લાગુ પડે છે કે નહીં, તેની ચર્ચા થવા લાગી હતી. શાળા પ્રવેશોત્સવમાં ગામડાઓમાં મંત્રી-મહોદયો, સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ, તાલુકા-જિલ્લાપંચાયતોના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેતા હોય છે. અને વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા અભ્યાસ કીટ ઉપરાંત સરકાર તરફથી પણ સ્કોલરશીપ સહિતની યોજનાના લાભો અપાતા હોય છે. આથી શાળા પ્રવેશોત્સવ અંગે સરકાર આજે શું નિર્ણય કરે છે, તેના પર સૌની મીટ મંડાયેલી જ હતી.
ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં રાજકીય પ્રત્યક્ષ રીતે ભાગ લેતા હોતા નથી અને સ્થાનિક સેવાનિષ્ઠ લોકો પેનલ બનાવતા હોય છે, તથા સરપંચની ચૂંટણી પણ લોકો દ્વારા થતી હોય છે, અને ઘણી ગ્રામપંચાયતો બિનહરિફ થતા "અમરસ" પણ જાહેર થતી હોય છે. જો કે, હવે ગ્રામપંચાયતની ચૂંટણીઓ રાજ્ય-કેન્દ્રના શાસકપક્ષ તથા વિપક્ષના પ્રભાવવાળી પેનલો ઊભી કરીને પરોક્ષ રીતે રાજકીય પક્ષો ઘુસી જતા હોય છે, પરંતુ કેટલાક ગામોમાં ત્રીજી તટસ્થ પેનલ પણ ઊભી થતા ત્રિપાંખિયો કે બહુપાંખિયો જંગ ખેલાતો હોય છે. જોઈએ, શું થાય છે તે ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial