
ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે, *વહુ અને વરસાદને જશ ન હોય..!*
કહેવત એ તો ભાષાનું ઘરેણું છે, કહેવતના ઉપયોગથી ભાષાનું સૌંદર્ય વધી જાય છે. વળી કહેવત એ તો પેઢીઓથી સચવાઈ રહેલા આપણા જ્ઞાનનો ભંડાર છે. માટે જ હું કહું છું કે અહીં કહેવતમાં કહેલી વાત બિલકુલ સાચી છે.
જો કે આજે હું આ કહેવત વિશે ફક્ત ૫૦ ટકા જ બોલીશ. કારણ કે લગ્ન પછી મને ફક્ત વરસાદ વિશે જ બોલવાની છૂટ છે...!
અને વરસાદ વિશે તો હું એક જ વાત કહીશ કે વરસાદને કદી જશ મળતો જ નથી. જો વધુ વરસાદ પડે અને પૂર આવે તો જાન માલની નુકસાની થાય, અને દોષ વરસાદને અપાય. અને જો વરસાદ ઓછો પડે તો આખું વર્ષ આપણે પાણીની તંગી વેઠવી પડે, અને દોષ વરસાદને અપાય.
અને વરસાદ જો માફકસર પડે, તો નેતાઓને અને અમલદારોને તકલીફ પડે ! ન તેઓને પુર નિયંત્રણ કામના કોન્ટ્રાક્ટ મળે કે ન તેઓને દુકાળમાં રાહત આપવાના નામે ચાલતા ખાડા ખોદવાના અને પુરવાના કોન્ટ્રાક્ટનો લાભ મળે ! અને આવી વિષમ પરિસ્થિતિમાંથી રાહત મેળવવા માટે નેતાઓ અને અધિકારીઓ સાથે મળીને મનરેગા જેવું કોઈ કૌભાંડ કરે છે, કે જેમાં કોઈ જ કામ કર્યા વગર કરોડો રૂપિયાના બિલ પાસ થઈ જાય છે.
વળી રાજકીય નેતાઓનો તો બિઝનેસ જ લોકોની તકલીફ ઉપર ચાલે છે. જો વરસાદ નિયમિત અને માફકસર આવે, અને લોકોને સુખ શાંતિ હોય તો આ નેતાઓનો ભાવ જ કોણ પૂછે...?
આવી પરિસ્થિતિમાં લોકોને ચોમાસું આવતા જ અંબાલાલ પટેલ યાદ આવે છે. આ વર્ષે ચોમાસામાં ક્યાં વધુ વરસાદ આવશે અને ક્યાં ઓછો, ક્યારે પૂર આવશે અને ક્યારે વરસાદના અભાવે, ઉગેલા મોલ પણ બળી જશે, આ બધું જ જાણવા માટે લોકો અંબાલાલ પટેલને યાદ કરે છે.
અને અંબાલાલ પટેલ પણ આપણને કદી નિરાશ નથી કરતા. તેઓ સતત વરસાદ વિશેની નવી નવી આગાહીઓ કરતા રહે છે અને ગુજરાતી છાપાઓ તેની આગાહી પહેલા પાને છાપતા રહે છે.
એવું નથી કે ભારત સરકારના હવામાન ખાતાની ઓફિસને તાળા લાગી ગયા છે. હવામાન ખાતું પણ તેની રીતે કામ કરે છે અને વરસાદની આગાહી પણ કરે છે, પરંતુ મેઘરાજા ધરારથી હવામાન ખાતાની બધી આગાહીઓને ખોટી પડે છે. અને પછી થાય છે એવું કે ધોધમાર વરસાદમાં જ્યારે સામાન્ય માણસ છત્રી કે રેઇનકોટના સહારે રસ્તા ઉપર ફરતો હોય છે ત્યારે હવામાન ખાતાના અધિકારી છત્રી કે રેઇનકોટ વગર વરસાદમાં ભીંજાતા હોય છે. - કારણ કે તેમણે જ આગાહી કરી હોય છે કે આજે આખો દિવસ સૂર્યપ્રકાશ રહેશે, વરસાદ બિલકુલ આવશે નહીં.
પછી તો બીજી દિવસે જ્યારે આ બધા કર્મચારીઓ પોતાની, એટલે કે હવામાન ખાતાની કચેરીમાં ભેગા થયા ત્યારે વરસાદ પછીના ભજીયાની લિજ્જત માણતા માણતા એકબીજાને એક જ પ્રશ્ન પૂછી રહ્યા હતા કે, *અંબાલાલ પટેલ શું કહે છે ?*
વિદાય વેળાએ : ચૂંટણી વખતે ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધી દરેક જગ્યાએ કહેતા રહ્યા કે *મોહબ્બત કી દુકાન -- મોહબ્બત કી દુકાન*.
અને રાજકારણમાં તેમના જ સહયોગી લાલુ પ્રસાદ યાદવે મોહબ્બતની વાત આવતા જ પોતાના સુપુત્ર તેજ પ્રતાપ યાદવને ઘરમાંથી અને પાર્ટીમાંથી પણ કાઢી મૂક્યા. અને શાનમાં સમજાવી દીધું કે *મોહબ્બત કી દુકાન* રાજકારણમાં ભલે હિટ હોય, પરંતુ ઘરના રાજકારણમાં તેના માટે કોઈ જગ્યા નથી..!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial