Sensex

વિગતવાર સમાચાર

ભારત-પાકિસ્તાનનું ૧૯૭૧ નું યુદ્ધ અને બાંગલાદેશની આઝાદી... પછી શિમલા કરાર...

વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં ભારતની શરણે આવેલું પાકિસ્તાન એવું ને એવું જ રહ્યું છે

                                                                                                                                                                                                      

ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ ૧૯૭૧ માં થયેલા યુદ્ધમાં પાકિસ્તાન બૂરી રીતે હાર્યું હતું, અને પાકિસ્તાનના બે ટૂકડા થઈ ગયા હતાં. પૂર્વ પાકિસ્તાન એક સ્વતંત્ર દેશ બન્યો અને પાકિસ્તાનની સેનાના ૯૦ થી ૯૩ હજાર જેટલા સૈનિકોએ ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું, અને એ પછી શિમલા કરાર થયા, જેમાં પણ ભારતે ઘણી જ ઉદારદિલી દર્શાવી હતી, તે તો ઘણી જ પ્રચલિત અને બહુચર્ચિત હિસ્ટ્રી છે, પરંતુ તે યુદ્ધની ઘણી વાતો એવી છે, જેની બહું ચર્ચા થઈ નથી, તે ઉપરાંત એ યુદ્ધની વૈશ્વિક અને આંતરિક અસરો તથા તે પછી ભારત અણુશક્તિ બન્યા પછી પાકિસ્તાન અને ચીનની ભારત સાથે પ્રત્યક્ષ યુદ્ધ કરવાના બદલે ઘૂસણખોરી, સ્મગલીંગ અને ભારતની એક્તા તોડીને તથા અર્થતંત્રને નકલી ચલણ વિગેરે દ્વારા ખોખલું કરીને તથા યુવાપેઢીને ગેરકાનૂની માર્ગે વાળવાના કાવતરા ક્યારથી શરૂ થયા, તે જાણવાની નવી પેઢીની ઉત્કંઠા પણ સંતોષવી જરૂરી છે, ખરૃં ને?

અત્યારે હજુ એવી એક વયસ્ક પેઢી મોજુદ છે, જેમને ૧૯૬ર, ૧૯૬પ, ૧૯૭૧ અને ૧૯૯૯ ના કારગીલ યુદ્ધ સુધીની અનુભૂતિઓ તથા તે સમયની સ્થિતિની સ્મૃતિઓ હશે.

જો કે, વર્ષ ૧૯૬ર અને ૧૯૬પ ના યુદ્ધો સમયે તેઓનું બાળપણ હશે, પરંતુ વર્ષ ૧૯૭૧ માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ સમયે યુવાવસ્થામાં પ્રવેશી ચૂક્યા હોય, તેવા ઘણાં વડીલો તે સમયની યાદ તાજી કરીને અનુભૂતિઓ વર્ણવતા સંભળાતા હોય છે, અને વાચકોએ પણ એ ગરિમામય કહાનીઓ વડીલોના મૂખે સાંભળી જ હશે.

વર્ષ ૧૯૭૧ નું યુદ્ધ એ ભારતીય સેનાની શૂરવીરતા, દુરંદેશી, પરાક્રમો અને તેની સાથે સાથે સૌજન્યતા, સમજદારી અને શાણપણનું ગૌરવભર્યું સોપાન છે, અને તે સમયની પોલિટિકલ યુનિટી તથા મજબૂત લીડરશીપનું પણ દૃષ્ટાંત છે. કોઈપણ યુદ્ધમાં પહેલાના યુદ્ધોના અનુભવો કામ લાગતા હોય છે, તેથી જ વર્ષ ૧૯૬ર અને ૧૯૬પ ના ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધોના અભુવોના આધારે વર્ષ ૧૯૭૧ નું ભારત-પાકિસ્તાન યુદ્ધ લડાયું હતું, તેમાં ભૂતકાળમાં રહેલી ઉણપો પૂરી કરવાનો પ્રયાસ કરાયો હતો અને થયેલી ભૂલો સુધારીને આયોજનપૂર્વક યુદ્ધ કરાયું હતું, અને એ યુદ્ધ પહેલા લગભગ ૬ મહિના અગાઉથી તૈયારીઓ કરાઈ હતી.

વર્ષ ૧૯૭૧ નું એ યુદ્ધ પાકિસ્તાને વ્હોરી લીધું હતું તેમ પણ કહી શકાય. પૂર્વ પાકિસ્તાનની જનતા આઝાદ થવા માંગતી હતી અને તેની કત્લેઆમ પાકિસ્તાનની સેનાએ શરૂ કર્યા પછી ભારતે માનવતાના ધોરણે તેને મદદ કરી હતી, પરંતુ પાખંડી અને ઘમંડી પાકિસ્તાને ભારત સાથે પૂર્ણ કક્ષાનું યુદ્ધ કરીને ભારે પછડાટ ખાધી હતી. તે સમયે પણ પરાજય થયો હોવા છતાં યુદ્ધ દરમિયાન જ વિજયના દાવા થતા રહ્યા હતાં, પરંતુ અંતે પૂર્વ પાકિસ્તાન ગુમાવ્યું અને બાંગલાદેશનો ઉદય થયો હતો, જેના પ્રથમ નાયક હતાં, શેખ મુજીબુર રહેમાન...

ભારત-પાકિસ્તાન યુદ્ધની તવારીખ

બાંગલાદેશ મુક્તિ યુદ્ધ (સ્વાતંત્ર્ય ચળવળ) દરમિયાન ભારતે બાંગલાદેશના સ્વાતંત્ર્યસેનાનીઓને મદદ કરતા ચીડાયેલા પાકિસ્તાને શરૂ કર્યું હતું, અને ત્રીજી ડિસેમ્બર ૧૯૭૧ ના દિસે પ્રારંભમાં ભારતીય વાયુ સેનાના આઠ મથકો પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ભારતે આક્રમણ કરતા યુદ્ધ જાહેર થયું હતું. તે પહેલા પાકિસ્તાની સેનાએ ઓપરેશન સર્ચલાઈટ શરૂ કરીને બંગાળીઓના વર્ચસ્વવાળી સ્વાતંત્ર્ય ચળવળને દબાવવા કત્લેઆમ શરૂ કરી, ત્યારે તેનાથી બચવા લાખો બાંગલાદેશી શરણાર્થીઓને ભારતમાં આશ્રય અપાયો અને તેના માટે ભારતની પૂર્વિય સરહદો ખોલી નાંખી. શરણાર્થીઓના હિતાર્થે ભારત સરકારે તે સમયની ટપાલોમાં નિશ્ચિત દરે વધારાની ટિકિટ લગાવીને પણ ફંડ એકત્રિત કર્યું હોવાનું પણ ઘણાંને યાદ હશે.

મુક્તિવાહિનીઓને મદદ

બાંગલાદેશની આઝાદી માટે ચળવળ કરતી મુક્તિવાહિનીઓને ભારતે મદદ કરી અને સૈન્ય મોકલ્યું, જે પૂર્ણકક્ષાના યુદ્ધમાં પલટાયા પછી માત્ર ૧૩ દિવસ ચાલ્યું હતું, અને તે સમયે પણ ભારતની જાંબાઝ સેનાની ત્રણેય પાંખે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી, અને બાંગલાદેશને આઝાદી અપાવી હતી, અને ૧૬ મી ડિસેમ્બરે પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કરી દીધું હતું.

વર્ષ ૧૯૭૧ માં યુદ્ધ પૂરૃં:

૧૯૭૧ માં શાંતિકરારને સ્વીકૃતિ

વર્ષ ૧૯૭૧ ના યુદ્ધના હીરો જનરલ માણેકશાને માનવામાં આવે છે. એ યુદ્ધ ડિસેમ્બરમાં જ પૂરૃં થયું હતું, પરંતુ તેના પછી બન્ને દેશો વચ્ચે શાંતિકરારને વર્ષ ૧૯૭ર માં માન્યતા મળી હતી, તેથી ઈતિહાસમાં આ યુદ્ધને વર્ષ ૧૯૭૧-૭ર ના યુદ્ધ તરીકે પણ વર્ણવવામાં આવે છે. પૂર્વ પાકિસ્તાનમાં ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોડા સમક્ષ પાકિસ્તાનની સેનાના હજારો સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું, જેની દરખાસ્ત પર પાક. સેના તરફથી જનરલ જીયાજીએ સહીઓ કરી હતી, તે તસ્વીરો ઘણી જ પ્રચલિત છે, અને પ્રસ્તુત છે.

સોવિયેટ યુનિયનની ભૂમિકા

વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં સોવિયેટ યુનિયન ભારતની પડખે ઊભું હતું, જ્યારે અમેરિકાએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો. સોવિયેટ યુનિયન તે સમયે અમેરિકાની સમકક્ષ મહાસત્તા હતું, અને તેની ભૂમિકાએ અમેરિકાને અંકુશમાં રાખ્યું હતું.

શિમલા સમજુતિ

બીજી જુલાઈ ૧૯૭ર ના દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા સમજુતિ થઈ, જેને શિમલા કરાર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૭૧ ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બાંગલાદેશ સ્વતંત્ર થયા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપિત કરીને સંબંધો સામાન્ય બનાવવા માટે આ સમજુતિ થઈ હતી. વર્ષ ૧૯૭૧ ની ૧૬ મી ડિસેમ્બરે યુદ્ધવિરામ થયા પછી ૧૭ મી ડિસેમ્બરે પાક. સેનાના આત્મસમર્પણ પછી આ સમજુતિ ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને ત સમયના પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકારઅલી ભૂટ્ટો વચ્ચે થઈ હતી. ભારતની શરણે આવેલા ૯૦ હજારથી વધુ સૈનિકોએ આત્મસમર્પણ કર્યા પછી અને બાંગલાદેશને માન્યતા મળ્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી આ સમજુતિને ભારતે હંમેશાં માન આપ્યું, પરંતુ પાકિસ્તાને આજ સુધી અવારનવાર ખુલ્લેઆમ સમજુતિનું ઉલ્લંઘન કર્યું છે.

શિમલા સમજુતિમાં ત્રીજા દેશના હસ્તક્ષેપ કે મધ્યસ્થી વગર બન્ને દેશો દ્વિપક્ષિય વાટાઘાટો કરીને તમામ મતભેદો ઉકેલશે અને એકબીજા દેશના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ નહીં કરે, તેવો નિર્ધારત કરાયો હતો. આ સમજુતિ મુજબ સંયુક્ત રાષ્ટ્રના અધિકારપત્ર મુજબ બન્ને દેશ એકબીજાના સાર્વભૌમત્વનું માન જાળવશે અને પરસ્પર બળપ્રયોગ કે તેની ધમકીઓ આપવાથી બચશે, તેવું નક્કી થયું હતું. વ્યાપાર, હવાઈ સેવાઓ, પત્રવ્યવહાર વગેરે પુનઃસ્થાપિત કરીને સંબંધો સામાન્ય કરવાની કટીબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સમજુતિમાં સીમાઓનું સન્માન, એલઓસી પર શાંતિ તથા સરહદે યથાસ્થિતિ જાળવવા સહિતના ઘણાં એવા સંકલ્પો લેવાયા હતાં, જે ભારતે કાયમ માટે માન્યા, અમલી બનાવ્યા પણ પાકિસ્તાને તેની દરકાર ક્યારેય કરી નહીં, અને પરોક્ષ યુદ્ધની તરકીબો અજમાવતું રહ્યું.

ભારતની ઉદારતા અને પાક.ની નફ્ફટાઈ

વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં ભારતીય સેનાઓ છેક લાહોર સુધી પહોંચી ગઈ હતી અને ઘણાં પાકિસ્તાની પ્રદેશો જીતી લીધા હતાં, જે વિસ્તારો શિમલા સમજુતિ હેઠળ ભારતે પરત સોંપી દઈને ઉદારતા દાખવી, જેની તે સમયે આલોચના પણ થઈ હતી. ભારતની આ ઉદારતાને હંમેશાં દુશ્મનાવટ રાખીને જ વાળ્યો, અને ભારતને ખોખલુ કરવા માટે નકલી ચલણ, ડ્રગ્સ, સ્મગલીંગ, જાસૂસી નેટવર્ક, સીમાપાર આતંકવાદ અને ભારતીય સમુદાયમાં ધર્મના આધારે ભાગલા પાડવાના કાવતરા રચતું રહ્યું. ભારતમાં ખાલિસ્તાનવાદ તથા કોમવાદ ઉપરાંત અન્ય મુદ્દાઓ ઉછાળીને ભારતમાં કોઈપણ સરકાર હોય, તો પણ વિવાદો તથા અરાજક્તાઓ ઊભી કરીને નુક્સાન પહોંચાડતી આંતરરાષ્ટ્રીય લોબીનું પાકિસ્તાન હંમેશાં નેતૃત્વ કરતું રહ્યું, જેને ચીનનું પણ પીઠબળ મળતું રહ્યું.

બીજી શિમલા સમજુતિ

વર્ષ ૧૯૭ર ની શિમલા સમજુતિ અગાઉ આઝાદી પહેલા પણ એક શિમલા સમજુતિ થઈ હતી, જેને શિમલા સમ્મેલન-૧૯૪પ ની ફલશ્રૂતિ પણ ગણાવાતી હતી. ભારતના તે સમયના વાઈસરોય લોર્ડ વેવલ દ્વારા પ્રસ્તાવિત 'વેવલ' યોજના પર ચર્ચા કરવા માટે આ સંમેલન બોલાવાયું હતું. આ યોજનાનો ઉદ્દેશ્ય કાંઈક અલગ જ હતો, જેને વર્ષ ૧૯૭ર નો શિમલા સમજુતિ સાથે કોઈ સીધો સંબંધ નથી. તે બ્રિટીશ સલ્તનત દ્વારા ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના નેતાઓ વચ્ચે વાટાઘાટો કરીને ભારતને શાસન તરફ આગળ વધારીને બ્રિટીશના વર્ચસ્વવાળી મર્યાદિત સ્વતંત્રતાની સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ હતો, તેવું કહેવાય છે.

આજના સંદર્ભમાં પાકિસ્તાન અને બાંગલાદેશ

આજના સંદર્ભમાં પાકિસ્તાનના પ્રપંચો અને શેખ હસીનાના તખ્તાપલટ તથા પલાયન પછી બાંગલાદેશની વચગાળાની સરકારના ભારત વિરોધી વલણના કારણે આપણો દેશ વર્ષ ૧૯૭૧ પહેલાની સ્થિતિમાં પહોંચી ગયો હોય, તેમ જણાય છે. વર્ષ ૧૯૭૧ પહેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે આપણો દેશ બન્ને તરફથી ઘેરાયેલો હતો, અને આજે પાકિસ્તાન સામે લડીને સ્વતંત્ર થયેલો બાંગલાદેશ જ પાકિસ્તાનની દોસ્તી કરીને ભારતની વિરૂદ્ધ મોરચો ખોલી રહ્યો છે, જો કે બાંગલાદેશની વચગાળાની સરકાર ઓક્સિજન પર જણાય અને પાકિસ્તાનમાં બલૂચ ચળવળ તથા સિંધમાં શરૂ થયેલા આંદોલનોના કારણે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે, તો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર યથાવત્ રાખતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હાલમાં જણાય છે.

ભારત-પાકિસ્તાન યુદ્ધ ઊડતી નજરે...

ભારત અને પાકિસ્તાન વચ્ચે પૂર્ણકક્ષાનું યુદ્ધ તા. ત્રીજી ડિસેમ્બર ૧૯૭૧ ના શરૂ થયું હતું, અને ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ ના પાકિસ્તાની સેનાએ શરણાગતિ સ્વીકારી લીધી હતી.

ભારતના લેફટનન્ટ જનરલ જગજીતસિંહ અરોડાની ઉપસ્થિતિમાં પાકિસ્તાનના પૂર્વિય કમાન્ડર લેફટનન્ટ જનરલ એ.એ. નિયાઝીએ ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ ના દિવસે શરણાગતિ સ્વીકારી હતી. તે સમયે ભારતીય નૌકાદળના વાઈસ એડમીરલ નિલકાંત કૃષ્ણન, ભારતીય વાયુ સેનાના એરમાર્શલ હરિચન્દ દિવાન, ભારતીય ભૂમિ દળના લેફ્ટ. જનરલ સગતસિંહ અને મેજર જનરલ જે.આર. જૈકબ સહિતના ભારતીય સેનાના જવાનો પણ ઉપસ્થિત હતાં.

શરણાગતિ પછી બાંગલાદેશ સ્વતંત્ર થતા પાકિસ્તાનના બે ટૂકડા થઈ ગયા હતાં, અને ભારતીય સેનાનો જયજયકાર થયો હતો.

ભારતીય સેનાએ પશ્ચિમ પાકિસ્તાન (હાલના પાકિસ્તાન) ની ૧પ હજાર વર્ગ કિલોમીટર જેટલી જમીન જીતી લીધી હતી, પરંતુ તે શિમલા કરાર અંતર્ગત 'ઉદારતા'થી પરત કરી દીધી હતી. આ ઉદારતાને તે પછીની પાકિસ્તાનની હરકતોના સંદર્ભે હિસ્ટોરિકલ બ્લન્ડર અથવા ઐતિહાસિક ભૂલ તરીકે પણ ઘણાં ઈતિહાસકારો તથા નિષ્ણાતો વર્ણવતા હોય છે.

ભારત-પાકિસ્તાનનું વર્ષ ૧૯૭૧ નું યુદ્ધ થયું, ત્યારે ભારતના રાષ્ટ્રપતિ વી.વી. ગીરી હતાં અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હતાં. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ યાહયા ખાન હતાં અને સેના નાયક પણ હતાં. પાકિસ્તાનના વડાપ્રધાન નરૂલ-ઉલ-અમનનું કાંઈ ઉપજતું નહોતું અને યુદ્ધ પૂર્ણ થયા પછી રાષ્ટ્રપતિ બનેલા મુલ્ફીકારઅલી ભૂટ્ટોના ભાગે હારેલું, તૂટેલું, ફૂટેલું પાકિસ્તાન આવ્યું હતું.

વિવિધ આંકડાઓ મુજબ ભારતીય સેના પાકિસ્તાન સેના કરતા ઘણી જ શક્તિશાળી હતી.

બન્ને તરફ ભારે નુક્સાન થયું હતું, અને એકબીજાના યુદ્ધ જ્હાજોને તોડી પાડવાના દાવાઓ પણ થયા હતાં.

ભારતીય વાયુસેનાના અનેક યુદ્ધ વિમાન તોડી પાડવાનો દાવો પાકિસ્તાને કર્યો હતો, જેની કોઈ પુષ્ટિ થઈ નહોતી. ભારતે પાકિસ્તાનને કરેલા નુક્સાનથી પાકિસ્તાન ભાંગી ગયું હતું.

વર્ષ ૧૯૭૧ ના યુદ્ધ પછી પણ ભારતે ધાર્યું હોત તો બાંગલાદેશને ભારતમાં સમાવી શક્યું હોત, પરંતુ ભારતનો ઉદ્દેશ્ય ઢાકા પર કબજો કરવા કે સામ્રાજ્ય વધારવાનો હતો જ નહી. ભારતે તો પૂર્વ પાકિસ્તાનના લોકોની કત્લેઆમ અટકાવવા સૈન્ય હસ્તક્ષેપ કર્યો હતો અને માત્ર પૂર્વ પાકિસ્તાનની નિર્દોષ જનતાની કત્લેઆમ અટકાવવાનો જ ઉદ્દેશ્ય રહ્યો હતો.

વર્ષ ૧૯૭૧ નું યુદ્ધ અને વર્ષ ૧૯૭ર નો શિમલા કરાર- એ વિસ્તૃત વિષયો છે, અને ઘણાં મતમતાંતરો પણ છે, પરંતુ સાંપ્રત સમયને અનુલક્ષીને ખાસ કરીને નવી પેઢીને વર્ષ ૧૯૭૧ ના યુદ્ધ અને વર્ષ ૧૯૭ર ની શિમલા કરારની માત્ર ઝાંખી કરાવવાનો આ માત્ર નમ્ર પ્રયાસ હતો.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial