આજે ઈદ-ઉલ-અઝહા, ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશીનો ત્રિવેણી સંગમ છે, અને તેની સાથે-સાથે નગરમાં સેવા અને સુવિધાઓને સાંકળતા સમારોહો અને કાર્યક્રમોનું પણ અદ્ભુત સંયોજન થયું છે, નગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન થયું છે અને તેઓ જનસુવિધાઓ તથા વિકાસના કામોના સામૂહિક લોકાર્પણો અને ખાતમુહૂર્તના કાર્યક્રમો સંપન્ન કરીને હવે જિલ્લાના વહીવટીતંત્ર તથા પદાધિકારીઓ સાથે બેઠકો યોજી રહ્યાં છે, ત્યારે નગરના આગેવાનો તથા શહેર-જિલ્લાના હોદ્દેદારો તથા ઉચ્ચ અધિકારીઓ શહેર અને જિલ્લાનું ફૂલગુલાબી ચિત્ર રજૂ કરવાની સાથે-સાથે શહેર અને જિલ્લાના લાંબા સમયથી અણઉકેલ પ્રશ્નો, સાંપ્રત અને શાશ્વત બની ચૂકેલી સમસ્યાઓ તથા વિવિધ લોકમાંગણીઓ પણ રજૂ કરીને તથા ચર્ચા-પરામર્શ કરીને શક્ય તેટલા વધુ સ્પોટ ડિસિશન એટલે કે સ્થળ પર નિર્ણયો લેવડાવશે, તેવી આશા રાખીએ.
જામનગરની ગઈકાલે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પણ મુલાકાત લીધી અને ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારોહમાં હાજરી આપી, ત્યારે તેઓની સમક્ષ પણ કેટલાક વ્યાપાર-ઉદ્યોગ અને બંદરોને લગતા પ્રશ્નો અનૌપચારિક રીતે રજૂ થયા હશે, અને તે પછી તેમણે બંદરોના વિકાસ તથા વ્યાપાર-ઉદ્યોગને સંબંધિત પ્રતિભાવો વ્યક્ત કર્યા, તે જોતા નગરજનો અને વ્યાપાર જગતને નવો આશાવાદ જન્મ્યો હશે.
આજે ઈદ-ઉલ-અઝહા નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસના તહેવારોનો ત્રિવેણી સર્જાયો છે, ત્યારે આ ત્રણે તહેવારોનું મહાત્મ્ય સમજાવાઈ રહ્યું છે, અને કેટલાક સ્થળોએ કોમી એખલાસના ભાવુક દૃશ્યો ખડા થઈ રહ્યાં છે, તો પરસ્પર સદ્ભાવ અને સન્માનને સંબંધિત સંદેશાઓ પણ અપાઈ રહ્યાં છે.
મીડિયાના અહેવાલો મુજબ આજે ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડાએ ડો. ઉમર અહેમદ ઈલ્યાસીએ જે માર્મિક અને પ્રેરક સંદેશ આપ્યો છે, તે સાંપ્રત સ્થિતિમાં ઘણો જ પ્રસ્તૂત અને સુસંગત છે. આ તહેવારને સમર્પણ, આજ્ઞાપાલન અને ત્યાગનો તહેવાર ગણાવીને તેઓએ વિવિધ ધર્મોના સામૂહિક સહવાસનો ઉલ્લેખ કરીને એકબીજાનું સન્માન કરવા અંગે જે વિશ્વવ્યાપી સંદેશ આપ્યો, તે બધાએ સાંભળવા અને અનુસરવા જેવો છે.
એવી જ રીતે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશીનું પણ વિશેષ મહત્ત્વ છે. ભીમ અગિયારસ આવે, એટલે ખેડૂતો ખેતીકામ માટે સુસજ્જ થઈ જાય. આ દિવસે લોકો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું પૂજન કરે છે. ભીમ અગિયારસને નિર્જળા એકાદશી પણ કહે છે. ભીમ અગિયારસ તથા નિર્જળા એકાદશીના અલગ-અલગ મહાત્મય પણ ચર્ચાતા હોય છે અને તેના સંદર્ભે વિવિધ ઘણી કથાઓ પણ પ્રચલીત છે. એવું કહેવાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણે પોતે પાંડવોને જેઠ સુદ અગિયારસના વ્રતનું મહાત્મય સમજાવ્યુ હતું. બીજી પ્રચલિત કથા વેદવ્યાસ સાથે સંકળાયેલા છે. એવી કથા છે કે, ભીમના પેટમાં પ્રજ્જવલિત રહેતો વૃક નામનો અગ્નિ એટલોે તીવ્ર હતો કે, ભીમ ભૂખ્યો રહી શકતો નહીં હોવાથી દરેક અગિયારસનું વ્રત કરી શકતો નહોતો, તેથી શ્રીકૃષ્ણે વર્ષમાં એક જ અગિયારસ (જેઠ સુદ) કરવાનું કહ્યું હતું, તેથી ૫ાંડવ-ભીમ અગિયારસ કહેવાય છે, તેવી જ રીતે નિર્જળા એકાદશીની વાર્તા સાથે વ્રત કરવાનું મહાત્મય પણ પ્રચલિત છે.
ટૂંકમાં જેઠ સુદ અગિયારસના દિવસે મનાવાતી ભીમ અગિયારસના અને નિર્જળા એકાદશી એક જ સિક્કાની બે બાજુની જેમ પરસ્પર સંકળાયેલી છે.
જામનગરમાં આ ત્રિવેણી સંગમ સેવા-સુવિધાઓની સરવાણી સાથે સંયોજન થયું હોય તેમ આજે કરોડો રૂપિયાના વિકાસકામો તથા સુવિધાઓના લોકાર્પણો અને ખાતમુહૂર્તો થયા છે, હવે જેનું ખાતમુહૂર્ત થયું છે, તે બન્ને રેલવે ઓવરબ્રિજ ઝડપથી બની જાય અને નગરનો ફલાયઓવર બ્રિજ પણ નિર્ધારીત સમયમાં સંપન્ન થઈ જાય, અને ઉતાવળમાં કામ નબળું ન રહી જાય તેવું ઈચ્છિએ, અને તેનું લોકાર્પણ કરવા પણ રાજય કે કેન્દ્રના કોઈ મહાનુભાવોની 'તારીખ' સમયોચિત રીતે મળી જાય, તેવી આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial