એક તરફ કોંગી નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર અને તેના સંઘર્ષ-વિરામ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સાંકળતા નિવેદનમાં "નરેન્દર...સરેન્ડર" જેવા શબ્દો પ્રયોગ કરીને જે વ્યંગ કર્યો હતો, અને તેના સંદર્ભે ભાજપ તથા એનડીએના નેતાઓ દ્વારા જે તીખા-તમતમતા નિવેદનો આવ્યા, તેની ચર્ચા હજુ ઠંડી પડી નથી, ત્યાં છેલ્લા બે દિવસથી ભારતીય ચૂંટણીપંચને સાંકળીને રાહુલ ગાંધીએ લખેલા લેખને લઈને દેશભરમાં વાદ-વિવાદનો વંટોળીયો ઉઠ્યો છે અને ચૂંટણીપંચની શંકાસ્પદ ભૂમિકા તથા ભૂતકાળમાં મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદાન પછી અલગ-અલગ ડેટા અપાયા હોવાની બાબતે શાસકપક્ષો તથા વિપક્ષો વચ્ચે બરાબરની શાબ્દિક લડાઈ શરૂ થઈ ગઈ છે.
તાજેતરમાં ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણીપંચના આક્ષેપોને ચૂંટણીપંચે પણ પરોક્ષ રીતે નકાર્યા પછી રાહુલ ગાંધીએ એક લેખ લખીને ચૂંટણીપંચને કેટલાક પ્રશ્નો પૂૂછયા, અને પુરાવા માંગ્યા, તેના જવાબમાં ચૂંટણીપંચે પણ રાહુલ ગાંધીને મીડિયાના માધ્યમથી વારંવાર ચૂંટણીપંચ નિરાધાર આક્ષેપો કરવાના બદલે ચૂંટણીપંચને વિધિવત પત્ર લખીને રજૂઆત કરવાનું કહેતા મામલો વધુ ગરમાયો છે અને અત્યારે આખી પોલિટિકલ જમાત ચૂંટણીપંચની તરફેણ તથા વિરોધમાં વહેંચાઈ ગઈ હોય, તેમ જણાય છે જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું છે કે છુપાવવાથી વિશ્વસનિયતા નહીં વધે, સત્ય બોલવાથી જ વધશે. વિગેરે...
ચૂંટણીપંચના વર્તુળો એવો દાવો કરી રહ્યા છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી આ જ પ્રકારના સવાલ કોંગ્રેસે ઉઠાવ્યા હતા, જેના વિસ્તૃત અને આધારભૂત જવાબો ચૂંટણીપંચે ૨૪મી ડિસેમ્બર ૨૦૨૪ના દિવસે કોંગ્રેસને આપી દેવામાં આવ્યા છે. ચૂંટણીપંચના અધિકારીને ટાંકીને મીડિયાના માધ્યમથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમામ જવાબો આપી દીધા પછી પણ એ જ નિરાધાર પ્રશ્નોના જવાબ માંગવા ચૂંટણીપંચ સાથે પત્રવ્યવહાર કરવાના બદલે મીડિયા સમક્ષ જઈ રહ્યા છે અને લેખ લખી રહ્યા છે, તે યોગ્ય નથી. ચૂંટણીપંચે રાજકીય ૫ક્ષોને વાતચીત માટે બોલાવ્યા તેમાંથી પાંચ પક્ષોએ વાતચિત કરી અને કોંગ્રેસે ૧૫મી મે ની પ્રસ્તાવિત બેઠક રદ કરી દીધી, તેથી ચૂંટણીપંચ સાથે પત્રવ્યવહાર કરવાથી તેઓ કેમ દૂર ભાગી રહ્યા છે ?
હકીકતે બિહારની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાહુલ ગાંધીએ પહેલા તો "બિહારમેં ભી મહારાષ્ટ્ર વાલા ખેલા હોને વાલા હૈ" જેવું નિવેદન કર્યું છે પછી સોશ્યલ મીડિયાના માધ્યમથી ચૂંટણીપંચને મહારાષ્ટ્ર સહિત તાજેતરમાં થયેલી રાજ્યો અને લોકસભાની ચૂંટણીના ડિજિટલ મતદાર યાદી જાહેર કરવા અને મતદાન કેન્દ્રો પરથી સાંજના પાંચ વાગ્યા પછી થયેલા મતદાનના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની ચૂંટણીપંચ સમક્ષ માંગણી કરી તે પછી વાદ-વિવાદ શરૂ થઈ ગયો છે, અને ભારતીય જનતાપક્ષને પણ પ્રશ્નો પુછવામાં આવી રહ્યા છેઃ એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે ભાજપબ્રિગેડ ચૂંટણીપંચના બચાવમાં આટલી બધી આક્રમકતાથી કેમ તૂટી પડી છે ? આખી દાળ જ કાળી છે ?
ચૂંટણીપંચનું કહેવાનું એવું છે કે નિરાધાર આક્ષેપોના વિસ્તૃત જવાબો અપાયા પછી પણ જો ચૂંટણીપંચની છબિ ખરડવાનો પ્રયાસ થતો રહેતો રાત-દિવસ મહેનત કરીને પડકારરૂપ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરતા ચૂંટણીકર્મીઓનું મનોબળ તૂટે છે, તો રાહુલ ગાંધીએ કથિત અનિયમિતતા વર્ણવી તેના પુરાવા છુપાવી દેવાયાનો આક્ષેપ કર્યો, કેટલાક વિશ્લેષકોએ સવાલ ઉઠાવ્યો કે જો ચૂંટણીપંચને છુપાવવા જેવું કંઈ જ નથી, તો રાહુલ ગાંધીએ જે માંગણીઓ કરી છે, તે સંતોષે, ચૂંટણીપંચ કહે છે કે તેઓ મીડિયા રિપોર્ટીંગના આધારે કાર્યવાહી ન કરી શકે, પરંતુ આ અંગે પહેલા કોંગ્રેસની રજૂઆતનો જવાબ અપાઈ જ ગયો છે, અને હજુ પણ રાહુલ ગાંધી ચૂંટણીપંચને લેખિત રજૂઆત કરી શકે છે. અન્ય કેટલાક વિશ્લેષકો કહે છે કે મહારાષ્ટ્રની ચૂંટણી યોજાઈ ગઈ, તેની સામે સવાલો ઉઠાવ્યા હતા, તેના ચૂંટણીપંચે ડિસેમ્બરમાં જવાબો અપાઈ ગયા, તે પછી તો અડધું વર્ષ વીતી ગયું છે, અને હવે ચૂંટણીપંચ સમક્ષ વૈધાનિક રીતે માંગણી કરવાના બદલે મીડિયા માધ્યમથી બન્ને તરફથી જે વાદ-વિવાદ થઈ રહ્યો છે, તે બિહારની ચૂંટણી માટે ફાયદો ઉઠાવવા માટે જ છે.
રાહુલ ગાંધી પરોક્ષ રીતે એવું કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં જે રીતે ગરબડ ગોટાળા કરીને એનડીએનું સ્થાનિક ગઠબંધન જીત્યું, તેવી જ રીતે બિહારમાં થઈ શકે છે, અને તેવું નહીં થાય, તો ભાજપ અને એનડીએનો પરાજય નિશ્ચિત છે. બીજી તરફ જયાં-જયાં વિપક્ષો ચૂંટણી જીતીને સત્તામાં આવે છે, ત્યાં જે ચૂંટણીપંચે ચૂંટણી કરાવી હોય, તેે જ ચૂંટણીપંચ પર જે રાજ્યોમાં વિપક્ષો હારી જાય, ત્યાં આક્ષેપો લગાવવાની રાજનીતિને ઘણાં લોકો અયોગ્ય ગણાવે છે., ત્યારે રાહુલ ગાંધી કહે છે કે જયાં ભાજપ હારવાનું હોય, ત્યાં આ પ્રકારના ગોટાળા થાય છે. હવે જનતાએ નક્કી કરવાનું રહે છે કે કૌન સચ્ચા...કૌન જૂઠા !હમણાંથી એનડીએ સામે પડકારો વધી રહ્યા છે. બરાબર ચૂંટણી ટાણે પલટી મારી જતા નિતીશકુમારનો કોઈ ભરોસો થાય તેમ નહીં હોવા છતાં ભાજપે ત્યાં ગણતરીપૂર્વકની ચાલ ચાલીને ચિરાગ પાસવાનને ઊભા કર્યા છે, પરંતુ હવે ચિરાગે પણ બિહારમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવાનો સંકેત આપીને ભાજપને ભીંસમાં લીધો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થઈ જાય, તેવા સંકેતો છે, અને શરદ પવાર સાથે અજય પવારની નજદીકી વધી રહી છે, તેથી ફડણવીસ સરકાર પર પણ તલવાર લટકી રહી છે, દક્ષિણ ભારતમાં પણ ભાજપના પ્રયત્નો એળે જઈ રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, ત્યારે જો બિહારની ચૂંટણીમાં પછડાટ ખાવી પડે, કે બરાબર ચૂંટણી ટાણે પલટી મારવાના વ્યસની થઈ ગયેલા નિતીશકુમાર નવાજૂની કરે કે પછી ચિરાગ પાસવાન વિદ્રોહ કરે તો બિહારની ચૂંટણીની સાથે સાથે કેન્દ્રની એનડીએ સરકારના પાયા પણ હચમચવા લાગે તેવા સંજોગો ઊભા થઈ રહ્યા છે, ત્યારે થોભો અને રાહ જૂઓ...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial