Sensex

વિગતવાર સમાચાર

ઈંગ્લીશ મીડિયમમાં શિક્ષણ અને વર્તમાન પ્રાથમિક શિક્ષણ... ટોક ઓફ ધ ટાઉન

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓની ચહલ-પહલ વચ્ચે જામનગર શહેરમાં બે ઈગ્લીશ મીડિયમ  સ્કૂલ શરૂ થવા જઈ રહી હોવાના અહેવાલો સ્થાનિક કક્ષાએ ચર્ચાના કેન્દ્રમાં છે, એવું જાહેર થયું છે કે ટૂંક સમયમાં જામનગર મહાનગરપાલિકાના નગર શિક્ષણ સમિતિ કોર્પોરેટ ક્ષેત્રની કંપની સાથે સંકલન કરીને ઈગ્લીશ મીડિયમની બે સ્કૂલો શરૂ થશે, જેમાં અદ્યતન સાધન-સુવિધાઓ સાથે અંગ્રેજી માધ્યમમાં બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અપાશે.

આ સ્કૂલોમાં પ્રિ-પાયમરી તથા પ્રારંભિક પ્રાયમરી કક્ષાનું બાલવાટિકાથી ધોરણ-૨ સુધીનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં આપવાનું શરૂ કરાશે. લગભગ સાડાચાર કરોડના ખર્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની બે સ્કૂલોને અદ્યતન બનાવવામાં આવી છે, જેમાં દિગ્જામ સર્કલ પાસેની શાળા નં. ૩૧ અને એસ.ટી. રોડ પર આવેલી દેવરાજ દેપાળ શાળા નં. ૫૩નો સમાવેશ થાય છે. આ બંને રનીંગ સ્કૂલ્સનું રિનોવેશન તથા અપગ્રેડેશન (આધુનિકરણ) કરીને સ્માર્ટ સ્કૂલ્સ બનાવાઈ છે. ખાનગી કંપની તથા મહાનગરપાલિકાના ફંડમાંથી આ શાળાઓનું સંચાલન થશે. આ સ્માર્ટશાળામાં આધુનિક સાધન-સામગ્રી, કોમ્પ્યુટર લેબ, ખેલ-કૂદના સાધનો, સાયન્સ એન્ડ ટેકનોલોજીના સાધનો સહિતના વર્ગખંડો તથા મીની થિયેટર વગેરે ઈન્ટરનેટ યુગને અનુરૂપ અદ્યતન સુવિધાઓ આ સ્માર્ટ સ્કૂલમાં ઊભી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્કૂલોનું સંચાલન નયારા જેવી કંપનીને સોંપાયુ હોવાથી બાળકોને કોર્પોરેટ એજ્યુકેશન સિસ્ટમથી શિક્ષણ મળી રહેશે. આ માટે એડમિશન પ્રક્રિયા અને જરૂર પડ્યે લક્કી ડ્રો યોજીને બાળકોને પ્રવેશ અપાશે, તેવું જાહેર થયા પછી આ નૂતન અભિગમ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

આ અંગેના પ્રતિભાવોમાં મુખ્યત્વે આવકાર મળી રહ્યો છે, સાથે સાથે કેટલાક સૂચનો પણ થઈ રહ્યા છે. સંપૂર્ણ અંગ્રેજી માધ્યમમાં ભલે શિક્ષણ અપાય પરંતુ બાળકો માતૃભાષા ગુજરાતી ભૂલી ન જાય અને રાષ્ટ્રભાષા હિન્દીથી પણ પરિચિત રહે, તેવી રીતે આ અંગ્રેજી માધ્યમની શિક્ષણ સિસ્ટમ વિકસાવવી જોઈએ. આ પ્રયોગ સફળ થાય તો આ પદ્ધતિથી અનુભવો, સુધારા-વધારા કરીને વધુ સ્માર્ટ સ્કૂલો શરૂ થાય, અને પ્રતિવર્ષ એક-એક વર્ગનો વધારો થતો જાય, તેમ તેમ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ-૫ અને ધોરણ-૮ સુધી અંગ્રેજી માધ્યમની આ જ સ્કૂલો વિસ્તરે, તેવો તબક્કાવાર પ્રોગ્રેસ પ્રોજેક્ટ અત્યારથી જ વિચારાયો હશે, તેવા ફિડબેક પણ ચર્ચાઈ રહ્યા છે.

અત્યારના ઈન્ટરનેટ યુગમાં ઈન્ટરનેશનલ કક્ષાની પ્રચલિત અંગ્રેજી ભાષામાં કૌશલ્ય વધે એ અત્યંત જરૂરી છે, અને તેની સાથે-સાથે જાપાન, રશિયા અને ચીન જેવા વિકસિત દેશોની જેમ માતૃભાષાઓ તથા રાષ્ટ્રભાષાનું જ્ઞાન પણ જળવાઈ રહે અને આંતરિક વ્યવહારો માટે તેનો જ મહત્તમ ઉપયોગ થતો રહે, તેવું સંયોજન થવું જોઈએ, તેવો જનસામાન્ય અભિપ્રાય જોવા મળી રહ્યો છે.

એક વર્ગ એવો પણ છે કે તેઓને જયાં સુધી પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા જ ખામી ભરી જણાય છે. કેટલાક નગરજનો એવો વ્યંગ પણ કરી રહ્યા છે કે પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની અન્ય તમામ સ્કૂલોની ખૂટતી કડીઓ પૂરી કરીને તેને તો વ્યવસ્થિત કરો,...!

જો કે, સ્માર્ટ સ્કૂલોનો આ અભિગમ એક નાનકડી પહેલ જ છે, અને આ પ્રયોગની સફળતાના આધારે સ્માર્ટ સ્કૂલોની ઈંગ્લીશ મીડિયમની સ્કૂલોમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી અંગ્રેજી માધ્યમમાં હાઈસ્કૂલનું શિક્ષણ મેળવવાની કોઈ ચોક્કસ વ્યવસ્થા રાજ્ય સરકારની કક્ષાએ પણ વિચારાઈ જ હશે, અને અત્યારે બાલવાટિકાથી ધોરણ-૨ સુધીની સ્કૂલો શરૂ થઈ, તેના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા જાય, તેમ તેમ આ જ પ્રકારની શાાળાઓને અપગ્રેડ કરીને હાયર પ્રાયમરી સુધીનું શિક્ષણ મનપા દ્વારા મળે, અને તે પછી હાઈસ્કૂલના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પણ વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણની વ્યવસ્થા રાજય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા થાય, તેવો માસ્ટર પ્લાન અથવા રોડ-મેપ ઘડાયો જ હશે, તેવી આશા પણ વાલીઓ રાખી રહ્યા હશે, આ માટે નયારા જેવી ખાનગી કંપનીઓના સીઆર ફંડ ઉપરાંત સોશ્યલ સર્વિસીઝ અંતર્ગત મોર્ડન એજ્યુકેશન સિસ્ટમની સેવાઓ પણ વિસ્તરતી રહે, તે દિશામાં પણ વિચારાયુ જ હશે, તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે વિસ્તૃત અને વિગતવાર જાણકારી પણ ટૂંક સમયમાં સંબંધિત તંત્રો પબ્લિકને આપશે, તેવી જનધારણા છે.

આ પ્રકારની ચર્ચાઓ એટલા માટે શરૂ થઈ છે કે ઘણી વખત આરંભે શૂરાની જેમ કેટલીક યોજનાઓ પાછળથી અદ્ધરમાં લટકી પડતી હોય છે અને અંગ્રેજીને ગુલામીની ભાષા માનનારા એક વર્ગને પણ તદ્દન અવગણી શકાય તેમ નથી, અને તેથી જ માતૃભાષા અને રાષ્ટ્રભાષાના સંયોજન સાથે આ પ્રિ-પ્રાયમરી અને પાયાના ઈંગ્લીશ મીડિયમ શિક્ષણના સૂચનો થયા હશે, અને તેવી જ સિસ્ટમ પણ અપનાવાશે. હવે જોઈએ, આ પ્રયોગ સફળ થયા પછી નગરમાં તેનો કેટલો વ્યાપ વધે છે, અને બાકીની તમામ સ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તા અને સુવિધાઓ અદ્યતન બને છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial