Sensex

વિગતવાર સમાચાર

અમેરિકાની બદલતી ચાલ... ગૂડ ટેરેરિઝમ...બેડ ટેરેરિઝમ... શું કરશે મોદી સરકાર ? કોંગ્રેસનો સવાલ...

                                                                                                                                                                                                      

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક અને શૈક્ષણિક ડીલ થઈ હોવાના અહેવાલો, પ્રત્યાઘાતો તથા અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંનેને સમાન કેટેગરીમાં મૂક્યા પછી અમેરિકાની બદલતી ચાલ અને ભારતની વર્તમાન વિદેશનીતિને લઈને ગ્લોબલ ડિબેટીંગ થઈ રહ્યું છે.

બીજી તરફ પાકિસ્તાન સૈન્યના વિવાદાસ્પદ વડા અને ભારતમાં આતંકીઓને મોકલવાના કાવતરા ઓ ના માસ્ટર માઈન્ડ જેવા મુનિરને અમેરિકામાં સત્તાવાર રીતે આમંત્રણ આપીને બોલાવાયા હોવાથી આ પ્રકારની ગતિવિધિ મોદી સરકાર માટે રણનૈતિક અને રાજનૈતિક પડકાર સમી ગણાવાઈ રહી છે. અમેરિકન સૈન્યના વડા માઈકલ કુરિલ્લાએ તો પાકિસ્તાનને અમેરિકાનું "અસાધારણ ભાગીદાર" ગણાવીને જે નિવેદન આપ્યું છે, તે ભારતીય નીતિનિર્ધારકો અને રક્ષાવિભાગ માટે આંચકા સમાન છે, અને અમેરિકા સાથેના રક્ષાસંબંધો અંગે પૂનર્વિચારણા  તથા મનોમંથન કરવાની જરૂર જણાવે છે. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ સંભાળતા જનરલ માઈકલ કુરિલ્લાના આ કથિત નિવેદનને લઈને ભારતમાં વિપક્ષે પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે.

પાકિસ્તાન કેવી રીતે આતંકી અડ્ડાઓ ચલાવી રહ્યું છે, અને ભારતને ઓપરેશન સિંદૂર ચલાવવાની ફરજ કેમ પડી, તે અંગે ભારતે વિદેશમાં સર્વપક્ષિય ડેલિગેશનો મોકલ્યા અને પાકિસ્તાનનો નકાબ ચિર્યો, એ ખરૃં, પરંતુ તેની કોઈ જ અસર ટ્રમ્પ પ્રશાસન પર પડી નથી, પરંતુ ઉલટાના પાકિસ્તાનના સેનાધ્યક્ષને અમેરિકામાં આમંત્રણ આપવાની સાથે-સાથે પાકિસ્તાનને પણ અમેરિકાનું પરમ મિત્ર ગણાવાઈ રહ્યું હોય, અને ચીન સાથે પણ અમેરિકા ભારતની સરખામણીમાં વધુ ઉદાર થઈ રહ્યું હોય અને ટેરિફના મુદ્દે ડીલ કરી રહ્યું હોય, તો ભારતે પણ અમેરિકા સાથેના સંબંધો અંગે પૂનર્વિચારણા કરવી જોઈએ, એટલું જ નહીં, અમેરિકાને કાઉન્ટર કરવા રશિયા અને તેના સાથીદાર દેશો સાથે ઘનિષ્ટતા વધારવી જોઈએ, તેવા સૂચનો થવા લાગ્યા છે, જે મોદી સરકારે ગંભીરતાથી વિચારવા જેવા છે, પણ...!?

જનરલ માઈકલ કુરિલ્લાએ યુએસ હાઉસ આર્મ્ડ સર્વિસ કમિટી સમક્ષ પોતાનું નિવેદન આપ્યું તેમાં તેમણે કહ્યું કે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન સાથેના સંબંધોથી સકારાત્મકતા પર વિચાર કરવો પડશે. તેમણે આઈએસઆઈએસ (ખુરાસાન) ના ડઝનેક આતંકીઓને ઠાર કર્યા અને ૨૬ ઓગષ્ટ-૨૦૨૧ના કાબુલના એરપોર્ટ પર થયેલા પ્રચંડ વિસ્ફોટના એક આતંકી જાફરને ઝડપી લેવાયો, તથા આઈએસઆઈએસ ખુરાસાન ના પાંચ કમાન્ડરને ઝડપવામાં આવ્યા, તેમાં પાકિસ્તાનની સેનાએ મદદ કરી હતી અને તેમાં અસીમ મુનિરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી, તેમ જણાવી કુરિલ્લાએ ત્યાં સુધી કહી દીધું કે પાકિસ્તાન આતંકવાદ વિરોધી લડાઈ લડી રહ્યું છે !!

અમેરિકાને નુકસાન પહોંચાડ્યું હોય તેવા બે-ચાર આતંકવાદીઓને પાકિસ્તાનની સેનાની મદદથી ઝડપી લવાય કે ઠાર કરાય, તો તેને અમેરિકા આવકારે અને અમેરિકાને નુકસાન કરતા આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠનોને ટેરેરિસ્ટ ગણે, જ્યારે પાકિસ્તાનની જ સેના પાસે તાલીમ મેળવીને દાયકાઓથી ભારતમાં અસંખ્ય ઘાતકી હૂમલા કરતા રહેલા સેંકડો-હજારો આતંકવાદીઓ પ્રત્યે આંખ આડા કાન કરે કે, આ પ્રકારના હૂમલાઓને જ ભારત-પાકિસ્તાન વચ્ચેનો માત્ર આંતરિક વિખવાદ ગણાવે, તે અમેરિકાની વિદેશનીતિ તથા રક્ષાનીતિના ડબલ સ્ટાન્ડર્ડ દર્શાવે છે, અને આતંકવાદને પણ ગુડ ટેરેરિઝમ અને બેડ ટેરેરિઝમમાં વહેંચે છે.

જો ચીનની સાથે દોસ્તી કરીને અમેરિકા તેના વિદ્યાર્થીઓ માટે લાલ જાજમ બિછાવવાનું હોય, અને ભારતીય ઈલિગલ ઈમિગ્રેન્ટોને હાથકડી પહેરાવીને અને ઊંધા સુવડાવીને અપમાન કરતું હોય, તો તેને ટ્રમ્પ-મોદીની દોસ્તીની ફલશ્રૂતિ ગણવી કે હિસ્ટોરિકલ બ્લન્ડર ગણવું, તે સમજાતું નથી, એ જ ટ્રમ્પ ભારત-પાક. વચ્ચે ઓપરેશન સિંદૂરના મીની યુદ્ધ દરમ્યાન ભારત અને પાકિસ્તાનની પહેલાં જ સોશ્યલ મીડિયા દ્વારા સંઘર્ષ વિરામની જાહેરાત કરે, એ જરા વિચિત્ર નથી લાગતું ? શું આ પી.એમ. મોદી, જયશંકર, રાજનાથસિંહની ત્રિપુટીની ડિપ્લોમેટિક વ્યૂહરચના અથવા રણનીતિ સામે પ્રશ્ન ચિન્હ ઊભા કરે તેવો મુદ્દો નથી ?

આ મુદ્દે ભારતમાં રાજકીય ક્ષેત્રે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે અને મીડિયાના માધ્યમથી પ્રત્યાઘાતો પણ આવવા લાગ્યા છે. કોંગ્રેસે આને મોદી સરકારની ડિપ્લોમેટિક વિફળતા ગણાવી છે, અને આ અંગે મોદી સરકાર હવે શું કરશે ? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે. અહેવાલો મુજબ કોંગ્રેસના જયરામ રમેશે સણસણતો પ્રશ્ન કર્યો છે કે આ મામલે મોદી સરકારનું શું કહેવું છે ? આગામી ૧૪મી જૂનથી પાકિસ્તાની સૈન્યના વડા અસીમ મુનિર અમેરિકાના સૈન્ય દ્વારા મળેલા આમંત્રણ પર વોશિંગ્ટન જવાના છે, જે ભારત સરકાર માટે બીજો ડિપ્લોમેટિક ઝટકો હશે.

જોઈએ, હવે કેન્દ્ર સરકાર કે ભારતીય સેના તરફથી આ મુદ્દે કોઈ નિવેદન આવે છે કે નહીં તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial