જામનગરના બક્ષી પરિવાર ના દીકરી જમાઈ અને રાજકોટમાં રહેતા પૂર્વ મુખ્યમંત્રી સહિત વિમાનમાં સવાર ૨૪૧ લોકો ઉપરાંત પ્લેન ક્રેશ થયું, તેની આજુબાજુના પચાસ થી વધુ રહીશોને ભરખી જતી ગોઝારી દુર્ઘટનાથી ગઈકાલે બપોરે અરેરાટી સાથે દેશ-દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અને ૨૪૨માંથી બચી ગયેલા એક મૂસાફરને નિહાળીને એ સુત્ર યાદ આવી ગયું કે રામ રાખે તેને કોણ ચાખે અથવા જાકો રાખે સાઈયાં...માર શકે ના કોઈ...
રંગુનમાં જન્મેલા, રાજકોટમાં રહીને રાજ્યની રાજધાની ગાંધીનગર સહિત દેશભરમાં સેવારત રહેલા અને અમદાવાદના આકાશમાંથી જે સ્વર્ગે સિધાવ્યા, તેવા મૃદુભાષી રાજનેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ અંતિમયાત્રા બની ગઈ, તેથી રાજકોટ અને ચણાકા સહિત સૌરાષ્ટ્રમાં ગમગીની છવાઈ ગઈ, તેવી જ રીતે જામનગરથી અમદાવાદ થઈને લંડન જવા રવાના થયેલા નેહલબેન અને શૈલેષભાઈ પરમારના નિધનથી જામનગરમાં પણ શોકનો માહોલ છે. ઈશ્વરને પ્રાર્થીએ કે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોના આત્માને ઈશ્વર ચિર શાંતિ બક્ષે અને તેઓના પરિવારજનોને આ કઠુરાઘાત સહન કરવાની શક્તિ અર્પે...
આ વિમાન દુર્ઘટનામાં જુદા-જુદા ક્ષેત્રોના દિગ્ગજો અને કેટલાક અગ્રગણ્ય નાગરિકોના સ્વજનોની આ આખરી યાત્રાની વિવિધ ખબરો આવી રહી છે અને આટલી ભીષણ આગ લાગી હોવા છતાં તત્કાળ કુદકો મારનાર એક વ્યક્તિ બચી ગઈ, તેની પણ અલગથી ચમત્કારિક એંગલ તથા સાયન્ટિફિક સ્થિતિ વર્ણવતી ચર્ચાઓ થઈ રહી છે, તો બીજી તરફ એર ઈન્ડિયાના સંચાલક ટાટા ગ્રુપે મૃતકોના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયા સહાય ઉપરાંત અન્ય મદદની જાહેરાત કરી છે. આ દુર્ઘટનાથી શેર બજારમાં કડાકો બોલ્યો, તેના અહેવાલો વચ્ચે આ વિમાન ટેક-ઓફ થતાં જ ક્રેશ થયું જ કેવી રીતે ?... તેવા પ્રશ્નો સાથે તેના કારણો અને અનુમાનિત તારણોની ચર્ચા પણ ગઈકાલથી જ થઈ રહી હતી, પરંતુ અસલ કારણો તો મળી આવેલા બ્લેકબોક્સને તપાસ્યા પછી જ બહાર આવશે...
એર ઈન્ડિયાનું બોઈંગ એ-૧-૧૭૧ આ વિમાન એ હકીકતમાં ૧૨ વર્ષ જુની એવી ફ્લાઈટ હતી, જેને ડબલ એન્જિનવાળી ખૂબ જ સુરક્ષીત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે એર ઈન્ડિયાના ફ્લાઈટો આ પહેલા પણ અવાર-નવાર એટલા માટે કેન્સલ કે રિશિડ્યુલ કરવી પડતી હતી કે તેમાં છેલ્લી ઘડીએ ખામી હોવાનું માલુમ પડતું હતું, તેમાં પણ બોઈંગ કંપનીના ડ્રીમલાઈનર વિમાનોમાં ખામીઓ દેખાયા પછી પણ ધ્યાન અપાતું નહીં હોવાની વાતો પણ થવા લાગી છે. જો કે, આ બધી અટકળો અને અનુભવીઓ કે તદ્વિષયક તજજ્ઞોના તારણોનો જવાબ તો બ્લેકબોક્સના તથ્થો મળ્યા પછી જ સામે આવશે, જેનો ઈન્તેજાર કરવો રહ્યો...
એર ઈન્ડિયા પાસે જૂના બોઈંગ વિમાનોનો મોટો કાફલો હોવા છતાં ટાટા ગ્રુપે વધુ સેંકડો વિમાનોનો ઓર્ડર આપ્યો છે, તેવા રિપોર્ટ ને સાંકળીને હવે આ સોદાઓ રદ થશે કે પછી ખામીરહિત અને વધુ સુરક્ષીત વિમાનો તથા એરબસના નિર્માણ માટે કડક શરતો રખાશે, તે અંગે હવે એર ઈન્ડિયાના મેનેજમેન્ટે નવેેસરથી વિચારવું પડશે, તેમ જણાય છે.
આ દુર્ઘટના પછી દેશ-દુનિયાના દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યું હતું તો અમિતભાઈ શાહે આ વિમાનમાં ઈંધણના જંગી જથ્થાનો આ દુર્ઘટના પછી પોતાની અમદાવાદની મુલાકાત દરમ્યાન ઉલ્લેખ કર્યો, તેને સાંકળીને એવી ચર્ચા પણ થવા લાગી છે કે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનની એરસ્પેસ ભારત માટે બંધ હોવાથી ઘણાં વિમાનોને ફરીને જવું પડે, અને તેથી વધુ ઈંધણ ભરવું પડે છે, તે પણ આ પ્રકારની દુર્ઘટનાનું કારણ બની રહ્યું છે, વગેરે...
બોઈંગ એ-૧-૧૭૧ની આ દુર્ઘટના પછી ઘણાં લોકો જામનગરથી જુદા જુદા સ્થળે જવા માટે ઉપડતી ફ્લાઈટોમાં કઈ કઈ ઉડાનો માટે બોઈંગ વિમાનોનો ઉપયોગ થાય છે, તેનું સંશોધન પણ કરવા લાગ્યા છે અને તેથી કદાચ બોઈંગનો ઉપયોગ થતો હોય, તેવી ફ્લાઈટોથી મુસાફરો અંતર રાખશે અને તેમાં જવાનુ ટાળશે, તેવી વાતો પણ વહેતી થઈ હતી., જ્યારે મોટા ભાગના લોકો બોઈંગ એ-૧-૧૭૧ની દુર્ઘટનાની તપાસ પછી તેના તથ્યાત્મક કારણો ઝડપથી બહાર આવી જાય, તેવું ઈચ્છી રહ્યા છે.
ગઈકાલે પ્લેન ક્રેશ થતા અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના કેટલાક તબીબો સહિત જે સ્થાનિક લોકોના મૃત્યુ થયા છે, તેઓને પણ પૂરતી મદદ, નાણાકીય સહાય તથા હોસ્ટેલના પુનઃનિર્માણ કે રિનોવેશન જેવી ખાતરીઓ કંપની તરફથી આપાઈ રહી છે, પરંતુ જે જિંદગીઓ ગઈ, તેની ખોટ કેમ પૂરાશે ? તેનો જવાબ કોઈ પાસે નથી. જો ખામી ભરેલા વિમાનો પેસેન્જર સેવાઓ માટે લાપરવાહી પૂર્વક કે આંખ આડા કાન કરીને ચલાવતા હોય, તો તેના માટે સંચાલક કંપની, તેના તંત્રો ઉપરાંત કેન્દ્રના નાગરિક અને ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત કાર્યરત સંબંધિત તંત્રો પણ એટલા જ જવાબદાર ગણાય ને ?
જો એક મહિના પહેલા પણ આ વિમાનમાં ક્ષતિ ઊભી થતાં ઉડાન ભરી શકાઈ નહી હોવાની ખબરો સાચી હોય અને છેલ્લા બે દિવસથી આ જ વિમાન અમદાવાદના એરપોર્ટ પર રિપેર થવા માટે પડ્યુ હતુ, તેવા અહેવાલોમાં તથ્ય હોય, તો આ પ્રકારની તમામ ઘટનાઓને સાંકળીને ઊંડી તપાસ થવી જ જોઈએ, કારણ કે જો તેવું જ લોલંલોલ ચલાવાયુ હોય, તો તે ગંભીર લાપરવાહી જ નહીં, પણ ગૂન્હાહિત કૃત્ય પણ ગણાય... જો કે, હવે તો બ્લેકબોક્સ વગેરેની તપાસ થયા પછી સાચા કારણો જાહેર થાય, તેની રાહ જ જોવી રહી...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial