નાથુલા અને ચો લાના ઘર્ષણ પછી ચીનને સમજાઈ ગયું હતું કે ભારતની સૈન્ય તાકાત વધી રહી છે
શું તમે જાણો છો કે આઝાદી પછી ભારત અને ચીનના કેટલા યુદ્ધ થયા? આપણે વર્ષ ૧૯૬ર નું ભારત-ચીનનું યુદ્ધ, વર્ષ ૧૯૬પ નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ અને વર્ષ ૧૯૭૧ નું ભારત-પાકિસ્તાનનું યુદ્ધ તથા બાંગલાદેશના સર્જનનું વિહંગાવલોકન કર્યું. સામાન્ય રીતે મુખ્ય મુખ્ય યુદ્ધોમાં ભારત અને ચીન વચ્ચે વર્ષ ૧૯૬ર ના યુદ્ધનો જ ઉલ્લેખ થતો હોય છે, પરંતુ તે પછી પણ ભારત અને ચીન વચ્ચે બે-ત્રણ લિમિટેડ યુદ્ધ લડાયા છે, અને સરહદી છમકલા તો થતા જ રહ્યા છે. આજે ભારત અને ચીન વચ્ચેના વર્ષ ૧૯૬૭ ના યુદ્ધની થોડી વાત કરીએ...
વર્ષ ૧૯૬૭ નું ભારત-ચીન યુદ્ધઃ ભારતની જીત
શું તમે જાણો છો કે વર્ષ ૧૯૬પ માં પાકિસ્તાનને પછાડ્યા પછી ભારત સાથે બે વર્ષ પછી જ ચીનનું નાનકડું યુદ્ધ થયું હતું? જો કે ઘણાં લોકોએ યુદ્ધને સરહદી અથડામણ માને છે, પરંતુ તે યુદ્ધનું સ્વરૂપ મિનિવોર અથવા લઘુ યુદ્ધ જેવું જ હતું.
નાથુ લા અને ચો લાનું લઘુયુદ્ધ
ભારત આઝાદ થયા પછી ચીન સાથેનું આ બીજુ યુદ્ધ ગણાય છે. આ યુદ્ધ વર્ષ ૧૯૬૭ ની ૧૧ મી સપ્ટેમ્બરથી ૧૪ મી સપ્ટેમ્બર સુધી નાથુ લા અને પહેલી ઓક્ટોબરે ચો લામાં લડાયું હતું.
નાથુ લા સંઘર્ષ- ચો લા ઘર્ષણ
ભારતે સરહદે વાડ બાંધવાનું શરૂ કર્યા પછી ચીને ૧૧ મી સપ્ટેમ્બર ૧૯૯૬ ના દિવસે ચીનની પીએલએ એટલે કે પિપલ્સ લિબરેશન આર્મીએ ભારતની સરહદી ચોકીઓ પર હુમલો કરી દીધો હતો, જેનો ભારતીય સેનાએ મક્કમ પ્રતિકાર કર્યો હતો. આ યુદ્ધ ૧૧ મી સપ્ટેમ્બરથી ૧૪ મી સપ્ટેમ્બર સુધી ચાલ્યું હતું, અને ૧પ મી સપ્ટેમ્બરે સંઘર્ષ વિરામ થયો હતો. તે પછી પહેલી ઓક્ટોબરે ચો લા ની સરહદે પણ બન્ને દેશોની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું, પરંતુ તે સંઘર્ષ તે જ દિવસે સમી ગયો હતો. આ લઘુયુદ્ધમાં ભારતનો હાથ ઊંચો રહ્યો હતો અને ચીનને પીછેહઠ કરવી પડી હતી, તે પ્રકારનું ગૌરવગાન દાયકાઓથી થતું રહ્યું છે.
સિક્કિમનો ભારતમાં વિલય
સિક્કિમનો ઈતિહાસ ૧૪ મી સદીથી શરૂ થાય છે, પરંતુ તે પછી કાળક્રમે નેપાળી અને ભૂટાનના શાસનમાં રહ્યા પછી ભારતમાં બ્રિટિશરોનું સામ્રાજ્ય સ્થપાયા પછી બ્રિટિશરોના સમર્થનથી સિક્કિમે વર્ષ ૧૮૧૪ માં નેપાળ પર હુમલો કર્યો, તે પછી વર્ષ ૧૮૬૧ માં તુમલોંગ સમજુતિ થઈ અને સિક્કિમ બ્રિટિશ ભારત સંરક્ષિત સ્ટેટ બન્યું. તે પછી સિક્કિમના રક્ષણ માટે બ્રિટિશ ભારત અને તિબેટ વચ્ચે સૈન્ય સંઘર્ષ પણ થયો. બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાના સહયોગથી સિક્કિમના શાસક (નવમા ચોગ્યાલ) દ્વારા રાજનૈતિક પ્રભાવ વધ્યો.
દાયકાઓ પછી ભારત બ્રિટિશરોથી આઝાદ થયું, પરંતુ સિક્કિમમાં ચોગ્યાલના મહેલને ઘેરી લીધો. વિવિધ અભિપ્રાયો તથા માન્યતાઓ મુજબ તે પછી જનમતસંગ્રહ થયો અને સિક્કિમની જનતાએ રાજાશાહીની વિરૂદ્ધમાં જનાદેશ આપ્યો. તે પછી કાજી લેન્ડુપ દોરજીના નેતૃત્વમાં સિક્કિમની નવી સંસદ બની, જેમાં સિક્કિમનો ભારતમાં વિલય કરવાનો ઠરાવ થયો, અને સિક્કિમ ભારતનું સ્ટેટ બની ગયું.
દલાઈ લામાને ભારતમાં રાજકીય આશ્રય
દલાઈ લામા તિબેટના બૌદ્ધ ધર્મગુરુની ગાદીનું નામ છે, જે મંગોલના શાસકે વર્ષ ૧પ૭૮ માં સ્થાપી હતી. તે પછી બૌદ્ધધર્મના ફેલાવો વધ્યો હતો. દલાઈ લામાઓ પેઢી દર પેઢી ૧૭ મી સદીથી વર્ષ ૧૯પ૦ સુધી તિબેટનું શાસન સંભાળતા રહ્યા હતાં, પરંતુ વર્ષ ૧૯પ૯ માં ચીનની સરકાર સામે વિદ્રોહ થયા પછી ૧૪ મા દલાઈ લામાને ભાગીને ભારતમાં રાજ્યાશ્રય લેવો પડ્યો હતો, તે સમયથી તેનજિન ગ્યાત્સે નામના વર્તમાન દલાઈ લામા ભારતમાં છે. તેઓને શાંતિનું નોબેલ પારિતોષિક મળ્યું છે, અને વૈશ્વિક આદરણીય ધર્મગુરુ ગણાય છે, પરંતુ દલાઈ લામાને ભારતે રાજ્યાશ્રય આપ્યો હોવાથી પણ ચીન ભારત સામે ચીડાયેલું રહે છે. ચીન અને ભારત વચ્ચેની શત્રુતા અને મડાગાંઠો પૈકીનું એક કારણ દલાઈ લામાને ભારતે આપેલો રાજ્યાશ્રય પણ મનાય છે, જો કે તે અંગે પણ ભિન્ન ભિન્ન માન્યતાઓ છે, પરંતુ દલાઈ લામાને ભારતે આપેલો રાજ્યાશ્રય યુદ્ધો પછી પણ ભારતે પાછો ખેંચ્યો નથી.
ભારત ચીન સીમાવિવાદ
ભારત અને ચીન વચ્ચે લાંબી સરહદ છે અને તેના જુદા જુદા વિસ્તારોમાં અલગ-અલગ સ્થિતિ છે. વર્ષ ૧૯૬ર ના યુદ્ધનો બદલો ભારતીય સેનાએ વર્ષ ૧૯૬૭ માં લઈ લીધો હોવાનો દાવો પણ થતો રહ્યો છે. એ યુદ્ધમાં ભારતીય સેના કરતા ચીનની સેનાને ઘણુ બધું નુક્સાન થયું હતું, અને ભારતીય સેનાએ ભારતીય ભૂમિ પરથી પાછળ ધકેલી દીધી હતી. આ યુદ્ધમાં પ્રારંભિક હાથાપાઈ પછી મશીનગનો તથા તોપોનો ઉપયોગ પણ થયો હતો.
યુદ્ધમાં નુક્સાનના બન્ને દેશના દાવા
યુદ્ધ સમાપ્ત થયા પછી બન્ને દેશોએ સામા પક્ષને કરેલા નુક્સાનના અલગ-અલગ દાવા કર્યા. ભારતીય રક્ષામંત્રાલયે જાહેર કર્યું હતું કે, યુદ્ધમાં ભારતના ૮૮ લોકો માર્યા ગયા હતાં, જેમાં શહીદ સૈનિકોનો પણ સમાવેશ થાય છે, જ્યારે ચીનના સૈનિકો સહિત કુલ ૩૪૦ લોકો માર્યા ગયા હતાં અને ૪પ૦ લોકો ઘાયલ થયા હતાં. બીજી તરફ ચીને એવો દાવો કર્યો હતો કે આ લઘુયુદ્ધમાં ચીનના માત્ર ૩પ સૈનિકો માર્યા ગયા હતાં, અને ભારતના ૬પ સૈનિકો માર્યા ગયા હતાં, જ્યારે ચો લા ના ઘર્ષણમાં ૩૬ ભારતીય સૈનિકો માર્યા ગયા હતાં, અને 'અજ્ઞાત' સંખ્યામાં ચીનના સૈનિકો માર્યા ગયા હતાં. હકીકતે ૩૪૦ નો આંકડો ચીને છૂપાવ્યો હતો. આપણે તો ચીનના દાવાને સાચો માનવાની મૂર્ખાઈ ન જ કરીએ ને? આપણે તો આપણી સેનાની વાતને જ માનવી જોઈએ, કારણ કે ભારતીય સેના ક્યારેય ખોટું બોલતી નથી, જો કે ઓપરેશન સિંદૂર પછી સી.ડી.એસ. દ્વારા પણ એવો ઈશારો કરવામાં આવ્યો છે કે, વર્તમાન ઈન્ટરનેટ યુગમાં ઈન્ફર્મેશન વોર માટે પણ ભારતીય સેનામાં એક તદ્વિષયક મિકેનિઝમ અથવા બ્રિગેડ ઊભી કરવી પડે તેમ છે.
ચુમ્બી ઘાટીની વિવાદિત ભૂમિ
ભારત-ચીન સંબંધો અને યુદ્ધના જુદા જુદા નિષ્ણાતોના તારણો અલગ-અલગ હોય છે, તથા તેમાં કેટલીક તથ્યગત હકીકતો પણ હોય છે, પરંતુ એકંદરે વર્ષ ૧૯૬૭ ના લઘુયુદ્ધે ચીનને લપડાક આપી હતી, તે નક્કર હકીકત સાથે બધા સહમત હોય છે.
ચુમ્બી ઘાટીની વિવાદિત ભૂમિ પર વર્ચસ્વ માટે થયેલી ખેંચતાણમાંથી વર્ષ ૧૯૬૭ નું લઘુયુદ્ધ ઉપજ્યું હોવાનું મનાય છે. વર્ષ ૧૯૬ર ના યુદ્ધ પછી ભારતે પાકિસ્તાનને જે રીતે વર્ષ ૧૯૬પ ના યુદ્ધમાં પછડાટ આપી અને ભારતીય સેનાની તાકાત અને શસ્ત્ર-સરંજામ વધ્યો, તે પછી ચીને પણ ભારતીય સરહદે પોતાની સેનાઓને મજબૂત કરવાની હિલચાલ શરૂ કરી દીધી હતી. વિશ્લેષકો એવું પણ માને છે કે, વર્ષ ૧૯૬૭ માં ચીને સરહદ પર જે ઘર્ષણ શરૂ કર્યું, તેને પ્રારંભમાં ચીનની સેનાના કેન્દ્રિય આયોગનું સમર્થન પ્રાપ્ત નહોતું, પરંતુ ચીનના તત્કાલિન વડાપ્રધાન ઝોઉ એનલાઈએ ડાયરેક્ટ સેનાને ભારતીય સેના દ્વારા ગોળીબાર થાય, તો જવાબી ગોળીબાર કરવાની સૂચના આપી હતી.
ચીન દ્વારા સરહદો પર આ પ્રકારની હરકતો દાયકાઓથી થતી રહી છે, અને ભારતે મક્કમ જવાબ આપ્યો છે, પરંતુ ચીનની મેલી મુરાદ તથા દગાબાજ દિમાગના કારણે તેની વૈશ્વિક વિશ્વસનિયતા તળિયે પહોંચી છે, તેમ કહી શકાય.
કોના સમયગાળામાં થયું હતું ૧૯૬૭ ના ભારત-ચીનનું યુદ્ધ?
ભારત-ચીન વચ્ચે વર્ષ ૧૯૬૭ નું યુદ્ધ થયું ત્યારે ભારતના રાષ્ટ્રપતિ ડો. ઝાકીર હુશેન હતાં અને વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી હતાં. ભારતીય સેનાના પ્રમુખ જનરલ પી.પી. કુમારમંગલમ્ હતાં, અને લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા હતા, જેની સાથે મેજર જનરલ સગતસિંહ અને બ્રિગેડિયર રાયસિંહ યાદવ હતાં. ચીનના સીપીસીના વડા માઓ-ત્સે તુંગ હતાં અને મેજર જનરલ વાંગ ચેંગહાન ચીનના તિબેટ ક્ષેત્રના વડા હતાં. ચીનના વડાપ્રધાન તે સમયે ઝોઉ એનલાઈ હતાં, જ્યારે ઉપકમાન્ડર મેજર જનરલ પૂ. ઝિકવાન હતાં. ભારતીય સેના અને ચીનની સેનાની ગ્રાઉન્ડ ફોર્સ (પીએલએ) વચ્ચે યુદ્ધ થયું હતું.
ભારતની ૧૧ર મી ઈન્ફેન્ટ્રી બ્રિગેડમાં ૩૧ મી ઈન્ફ્રેન્ટી રેજિમેન્ટ, ચાર રાયફલ કંપની, બે મશીન કંપની ઉપરાંત આર્ટિલરી કંપની, ૭પ મી આર્ટિલરી બટાલિયન, ૩૦૮ મી આર્ટિલરી બ્રિગેડ તથા ત્રણ આર્ટિલરી રેજીમેન્ટ સામેલ હતી.
ભારત-ચીન વચ્ચે યુદ્ધ અને સીમા સમજુતિઓ
ભારત અને ચીન વચ્ચે ૩૪૮૮ કિલોમીટર લાંબી લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ એટલે કે એલએસી છે, અને ચીનની સરહદે ભારતના જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશ વગેરે રાજ્યો આવેલા છે. કેટલાક સમાક્ષેત્રો અંગે વિવાદ પણ છે. આખી સરહદે કેટલાક ક્ષેત્રો એવા છે, જ્યાં ચોક્કસ સરહદ નક્કી થઈ શકી નથી, તેથી વિવાદ જિવંત રહે છે. ચીને ભારતના લદ્દાખનો અક્સાઈ ચીનનો વિસ્તાર પચાવી પાડ્યો છે. ભારત આઝાદ થયું, તે પછી ચીને દગાબાજીથી ત્યાંથી તિબેટ જતો માર્ગ બનાવી લીધો હતો, જેની ભારત સરકારને મોડેથી ખબર પડી હતી. વર્ષ ૧૯૬ર ના યુદ્ધમાં ચીને એ વિસ્તાર સંપૂર્ણપણે કબજે કર્યો. ભારત-ચીન વચ્ચે વર્ષ ૧૯પ૪ માં પંચશીલ સમજુતિ થઈ, જેનો ચીને ભંગ કર્યો, તે પછી નાની-મોટી લડાઈ તથા પૂર્ણકક્ષાના યુદ્ધો પછી ઘણી સમજુતિઓ થઈ છે, પરંતુ ચીનની આડોડાઈના કારણે સમયાંતરે ભારત-ચીન સરહદે છમકલા થતા રહે છે, તેથી એ સમજુતિઓનું બહુ મહત્ત્વ રહ્યું નથી, તેમ પણ કહી શકાય.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial