Sensex

વિગતવાર સમાચાર

દુનિયામાં દુર્ઘટનાઓ-આફતોની ઘટમાળ... પ્રચંડ પ્રલય નો સંકેત ?

                                                                                                                                                                                                      

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના દિગ્ગજ નેતા દિવંગત વિજયભાઈ રૂપાણીની આજે રાજકોટમાં અતિમક્રિયા થનાર છે, ત્યારે આજે રાજ્યમાં, રાજકીય શોક જાહેર કરાયો છે., તે પછી રાજકોટ અને ગાંધીનગરમાં પ્રાર્થનાસભાઓ યોજાનાર છે, અને આ ગોઝારી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ યાત્રીઓ તથા સ્થાનિકોને શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે.

આ વિમાન દુર્ઘટના પછી એક તરફ તો એક રહસ્યમય સવાલો ઊઠી રહ્યા છે અને વિશ્વવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો બીજી તરફ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે, એક રાજનેતાએ તો વિમાન, રેલવે-પુલ અને રેલવે દુર્ઘટનાઓને સાંકળીને ત્યાં સુધી કહી દીધું કે ભાજપના રાજમાં કોઈપણ પ્રકારનો પ્રવાસ સલામત રહ્યો નથી. આ પ્રકારના આક્ષેપોના જવાબમાં ભૂતકાળની સરકારોમાં થયેલા અકસ્માતો અને અન્ય દુર્ઘટનાઓ યાદ કરાવાઈ રહી છે, તો વિમાનમાં પોર્ટુગલ, કેનેડા અને બ્રિટનના યાત્રિકો પણ સવાર હોવાથી વિદેશની ટીમો પણ ઈન્વેસ્ટીગેશનમાં જોડાઈ હોવાનું જાણવા મળ્યું. હવે બ્લેકબોક્સ તથા અન્ય રેકોર્ડીંગ પરથી અંતિમ તારણો પરથી દુર્ઘટના થવાના સાચા કારણો બહાર ન આવે, ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જોવી રહી...

અમદાવાદની વિમાન દુર્ઘટના પછી પણ હેલિકોપ્ટર ક્રેશ, ક્યાંક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંંગ તો ક્યાંક ટેકનિકલ કારણોસર ફ્લાઈટ મોડી થવાની ઘટનાઓ તથા દુર્ઘટનાઓ બનતી રહી છે, તો બીજી તરફ દુનિયામાં અશાંતિ, આક્રમણો અને વિદ્રોહની ઘટનાઓ વચ્ચે ભૂકંપ, અતિવૃષ્ટિ, આકાશીય વીજળી અને પુલ ધરાશાયી થવા અને ગમખ્વાર અકસ્માતોના કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યો હોવાના અહેવાલો આવી રહ્યા છે., કોરોનાનો વધી રહેલો વ્યાપ પણ હવે ધીમે-ધીમે ચિંતાજનક બની રહ્યો છે, તો તકરારમાં કોઈ જવાન પોતાના સિનિયર સાથીદારને જ ગોળીઓથી વિંધી નાંખે, તેવી ઘટનાઓ પણ વિચલિત કરી રહી છે. નાઈઝીરીયામાં તો ૧૦૦ લોકોને જીવતા સળગાવી દેવાયા છે...શું આ પ્રલય કે કયામતની આહટ છે ?

એ ઉપરાંત ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી વિશ્વની શાંતિ ફરી એક વખત જોખમમાં મુકાઈ ગઈ છે, અને રશિયા-યુક્રેન યુદ્ધ તથા નવા યુદ્ધો શરૂ થઈ જતા ક્યાંક વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ તો ધકેલાઈ રહ્યું નથી ને ? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે.

પડોશી દેશ પાકિસ્તાનમાં પણ બ્લુચ વિદ્રોહીઓ પાકિસ્તાનની સેનાનો ખુરદો બોલાવી રહ્યો છે, અને સિંધ તથા પીઓકેમાં થતો સળવળાટ જોતા એમ લાગે છે કે પોતાની પ્રજાને ભૂખે મારીને આતંકવાદીઓને પોષણ આપતા આ પ્રપંચી દેશના પાપનો ઘડો ભરાઈ ગયો છે, અને ગમે ત્યારે આંતરિક વિદ્રોહથી જ તૂટી પડશે, આ એક દેશ એવો છે કે, જે દુનિયાભરના આતંકવાદીઓનું કાં તો જન્મસ્થળ છે, અથવા તો આશ્રયસ્થાન છે. આ દેશ એટલો પરાવલંબી છે કે તેને હંમેશા વૈશ્વિક સંસ્થાઓ પર આધાર રાખવો પડે છે. આ દેશ હંમેશા ચીન, અમેરિકા અને કેટલાક ખાડીના દેશોનું પ્યાદુ બનતો રહ્યો છે, અને ત્યાંની સેના, જાસૂસી સંસ્થા તથા રાજનેતાઓ ત્યાંની પ્રજાને ભરમાવીને છેતરતા રહ્યા છે, અને ત્યાંના યુવાવર્ગને વૈજ્ઞાનિક કે બ્યુરોક્રેટ બનાવવાના બદલે આઈએસઆઈ અને આતંકી સંગઠનોના ઈશારે જેહાદી આતંકવાદી બનાવવાના ત્યાંની સેનાના કાવતરાઓમાં સામેલ થતા રહ્યા છે.

પાકિસ્તાનની સેના પણ હવે બિઝનેસમેન ગ્રુપ જેવી બની ગઈ છે, અને ત્યાંની સેનાના મોટા-મોટા અધિકારીઓ મોટા-મોટા વ્યાપાર-ઉદ્યોગો ધરાવતા હોવાનું કહેવાય છે, ત્યારે ભારત સાથે જ આઝાદ થયેલા પાકિસ્તાનની બરબાદી હવે નક્કી છે અને પોતાના જ ભાર થી આ દેશ વેરવિખેર થઈ જશે, તેવા સંકેતો પણ વર્તાઈ રહ્યા છે. ભારતે હવે પડોશી દેશોમાં બેલેન્સ બનાવવું પડશે, કારણ કે એક કહેવત છે ને કે, પહેલો સગો પડોશી...

જો કે, પડોશી વાયડો હોય તો તેને પહેલા સમજાવવો પડે, અને પછી જરૂર પડ્યે પાઠ ભણાવવો પડે, પરંતુ એકાદ-બે પડોશી સાથે સંબંધો સારા ન હોય, ત્યારે આજુ બાજુના અન્ય પડોશીઓ, મહોલ્લા કે સોસાયટીના લોકો સાથે સંબંધો વધુ શુદૃઢ બનાવવા પડે...એક બીજી કહેવત પણ છે કે તમે આખી દુનિયાને એક સાથે ખુશ રાખી શકતા નથી, કે એક સાથે આખી દુનિયાને હરાવી પણ શકતા નથી.

અત્યારે વૈશ્વિક રાજનીતિ જાણે ટ્રમ્પની આજુબાજુ ઘુમી રહી હોય, તેમ અમેરિકાની રણનીતિ જેમ બદલે, તેમ વૈશ્વિક રિ-એકશન આવી રહ્યું છે. ટ્રમ્પના મનઘડંત નિર્ણયોથી ત્યાંની પ્રજા પણ પરેશાન છે. અમેરિકામાં પણ અત્યારે ગૃહયુદ્ધ ફાટી નીકળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કેટલાક રાજ્યોમાં ટ્રમ્પ વિરોધી પ્રદર્શનો થઈ રહ્યા છે, જ્યારે કેટલાક સ્થળે તો લોકો સડક પર ઊતરી પડ્યા છે, અને ત્યાંની સ્ટેટ ગવર્નમેન્ટ અથવા શહેરોના મેયર પણ ટ્રમ્પની નીતિઓ સાથે સહમત નથી, તેથી ત્યાંનું ફેડરલ સ્ટ્રક્ચર પણ જોખમમાં જણાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવવાના દાવા કરતા ટ્રમ્પ ઈરાનને પરમાણુશક્તિ બનતુ અટકાવવા ઈઝરાયલ મારફત હૂમલા કરાવીને અને તેને ખૂલ્લેઆમ પ્રોત્સાહિત કરીને બેવડા ધોરણો અપનાવી રહ્યા છે., બીજી તરફ ચીન જૈવિક ઝેરી શસ્ત્રો દ્વારા દુશ્મન દેશોની ખેતી અને જિંદગીઓ બરબાદ કરવાની ફિરાકમાં છે, અને ચો તરફ હાહાકાર મચ્યો છે; શું આ પ્રલયનો પ્રારંભ છે ? તેવા સવાલો નો જવાબ કોઈ પાસે નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial