ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં ગઈકાલે ઝમાઝમ વરસાદ પડ્યો અને બાળકો આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, જેવો કિલ્લોલ કરતા કરતા પહેલા વરસાદમાં પલળવાનો લહાવો લેતા જોવા મળ્યા. પ્રથમ વખત મેઘાના મસ્ત માહોલમાં વરસાદથી પલળવાની મજાની સાથે સાથે મોટેરાઓ પણ ભીની માટીની મીઠી મહેંક માણતા જોવા મળ્યા, જ્યારે જગતનો તાત ધરતીમાંથી અન્ન સ્વરૂપી સોનુ ઉગાડવા વાવણીની તૈયારીમાં લાગી ગયો...ચો તરફ ઠંડક પ્રસરી અને માહોલમાં પ્રસન્નતા વ્યાપી ગઈ.
જો કે, કેટલાક સ્થળે જલભરાવ થયો, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ તો તલગાજરડા જેવા ગામમાં શાળાના બાળકો પૂરના પાણીમાં સપડાઈ જતા તંત્ર દ્વારા ખાસ રેસ્ક્યુ કરાયું, તો કેટલાક સ્થળે પરિવહન ખોરવાયુ અને જનજીવન પર વિપરીત અસર પણ પડી, ઘણાં સ્થળે વિકટ પરિસ્થિતિ પણ સર્જાઈ.
ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેઠું અને આ વરસાદે આહ્લાદક ઠંડક આપી, અબાલવૃદ્ધ, તમામ વયજૂથના તથા તમામ વર્ગના લોકોને આ વરસાદે આનંદિત તો કરી જ દીધાં છે...હવે, આ ઠંડક જળવાઈ રહે અને સંતોષકારક વરસાદ સમયસર પડતો રહે તેવું ઈચ્છીએ.
હવામાન વિભાગે પણ આજથી ત્રણ દિવસ માટે ભારે થી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે., ગઈકાલે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલોએ જન-જનમાં ખુશીની લહેર દોડાવી દીધી છે., જ્યારે આજે પણ ઘણાં વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યવ્યાપી વરસાદ પડ્યો અને કેટલાક સ્થળે તો ૧૦ થી ૧૧ ઈંચ જેવો વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી. જામનગરમાં પણ ગઈકાલે રાત્રે ઝરમરીયો વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરી ગઈ હતી. આજે પણ વાદળછાયું વાતાવરણ છે. હાલારમાં ઘણાં સ્થળે મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા બે દિવસમાં શ્રીકાર વરસાદ પડ્યો છે.
ગઈકાલે હાલાર, ઝાલાવાડ, ગીર, સોરઠ, ગોહિલવાડ એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હોવાથી રાજ્યમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો. જો કે, કેટલાક સ્થળે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી, તો કેટલાક શહેરોમાં થોડાક વરસાદમાં પણ પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. કેટલાક સ્થળે પૂરમાં ફસાયેલા લોકો તથા પશુઓનું રેસ્ક્યુ પણ કરાયું હતું. તથા કિસાનો માટે અમૃતવર્ષા લઈને આવ્યો છે, અને વરસાદ આવતો હોય તો કેટલીક તકલીફો વેઠવા લોકો તૈયાર હોય છે.
ઘણાં સ્થળે ભારે વરસાદ થતા પરિવહન ખોરવાઈ જતા લોકોને હાલાકી પણ પડી રહી છે. કેટલાક સ્થળે થાંભલા અને વૃક્ષો ધરાશયી થઈ જતા પણ જનજીવન પ્રભાવિત થયું હતું. લોકો આ તમામ મુશ્કેલીઓથી ટેવાઈ ગયેલા છે અને પગાર લઈને પોતાની ફરજો બજાવતા તંત્રો પબ્લિસિટી કરીને તાગડધિન્ના કરી રહ્યા છે. ઘણી નદીઓમાં ભારે પૂર આવતા વિકટ સ્થિતિ પણ ઊભી થઈ ગઈ છે.
જો કે, ૧૨મી જૂને અમદાવાદમાં થયેલી ગમખ્વાર વિમાન દુર્ઘટના અને સ્વ. વિજયભાઈ રૂપાણીના નિધનનો આઘાત ખમી જઈને લોકો મોન્સુન અથવા ચોમાસાના પડઘમ એવા વરસાદને વધાવી રહ્યા છે, અને સદ્ગતની સ્મૃતિઓને સાંકળીને જીવનમાં આગળ વધવાની હિંમત દાખવી રહ્યા છે. કુદરતની ઘટમાળને સ્વીકારીને તથા ફરીથી આવી ગમખ્વાર દુર્ઘટના ન બને તેવી તકેદારીની તરફદારી કરીને લોકો હાવે એ ગોઝારી દુર્ઘટના થવાના સાચા કારણો બહાર આવે, અને સિસ્ટમ ધરમૂળથી સુધરે, તેવું ઈચ્છી રહ્યા છે. બીજી તરફ છેલ્લા બે દિવસમાં એર ઈન્ડિયાની બે-ત્રણ ફ્લાઈટો ટેકનિકલ ખામીના કારણે રદ કે લેઈટ થઈ છે. આજે પણ કોલકાતામાં એવું જ થયું છે.
આ વખતે ચોમાસુ વહેલું બેસી જશે, એવી આગાહીઓ તથા વચ્ચે ચોમાસુ અટવાયુ હોવાના કારણે જે અનિશ્ચિતતાઓ ઊભી થઈ હતી, તે હવે સમાપ્ત થઈ ગઈ છે અને ચારેબાજુથી વરસતા વરસાદના સમાચારો આવી રહ્યા છે., અને કેટલાક સ્થળે ભારે વરસાદના કારણે વિકટ સ્થિતિના અકળાવનારા અહેવાલો પણ આવી રહ્યા છે. હવામાન ખાતાએ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી હોવાની વિધિવત જાહેરાત કર્યા પછી તંત્રો હવે પ્રિ-મોન્સુનની માનસિકતામાંથી બહાર આવીને વાસ્તવિકતાનો સામનો કરે અને ભૂલો સુધારે, તે જરૂરી છે.
નૈઋત્યનું ચોમાસુ આ વખતે વહેલું આવ્યું અને મુંબઈમાં ૨૬મી મે ના આગમન પછી ત્યાં જ અટવાઈ ગયું હતું, પરંતુ હવે ચોમાસાએ ગુજરાતમાં ધમાકેદાર પ્રવેશ કર્યો હવોના અહેવાલો પણ લોકોના દિલોદિમાગ અને તન-મનને ઠંડક પહોંચાડી રહ્યા છે. દક્ષિણ ગુજરાત પર જ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું અને લો-પ્રેશર ના કારણે વરસાદની ગઈકાલની હવામાન ખાતાની આગાહી યથાર્થ ઠરી છે, અને આ સિસ્ટમ હવે પવન અને ગાજવીજ સાથે ઉત્તર અને પશ્ચિમ તરફ આગળ વધતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદના સોહામણા સંજોગો સર્જાયા છે.
જામનગરમાં વરસાદનું પાણી લાખોટા તળાવમાં લાવતી કેનાલોની પૂરેપૂરી સફાઈ થઈ નથી, ગઈકાલ સુધી અનેક સ્થળે આ કેનાલોમાં ગંદકી જોવા મળી હોવાની ચર્ચા વચ્ચે સોશ્યલ મીડિયાના માધ્યમથી તમામ વીડિયો વાયરલ કરીને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલવાના અભિયાનની આહટ પણ સંભળાઈ હતી. વોર્ડ નં.૬ તો જાણે અણમાનીતો હોય, તેમ અહીંથી નીકળતી આ કેનાલોની સફાઈ તો ભાગ્યે જ થતી હોય છે, તેમાં પણ વામ્બે આવાસ પાછળ તથા યાદવનગરના વિસ્તારમાં તો પારાવાર ગંદકીનું સામ્રાજ્ય કાયમ માટે જોવા મળતું હોય છે., આ કેનાલો તથા ગટરો તો કચરાના ડમ્પીંગ પોઈન્ટ હોય, તેવા દૃશ્યો કાયમ માટે જોવા મળતા હોય છે. આ વિસ્તારોમાં તો સામા પ્રવાહે ચાલીને લોકોએ મહાનગરપાલિકામાં વિપક્ષને મજબૂત રાખવા માટે મહત્તમ વિપક્ષના કોર્પોરેટોને જનાદેશ આપ્યો હોવા છતાં તેઓ પણ આ વરવી વાસ્તવિકતાના મુદ્દે ચુપકીદી સેવી રહ્યા છે, અને બહુ બહુ તો એકાદ-બે નિવેદનો કે પ્રદર્શનો યોજીને ગૂપચુપ બેસી જાય છે, તે નવાઈની વાત છે. અહીંના મતદારોમાં એવી ચર્ચા થતી રહે છે કે શું શાસકો સાથે "સેટીંગ" કરવા સામા પ્રવાહે ચાલીને વિપક્ષને આપણે "સાહસિક" જનાદેશ આપ્યો હતો ?
માત્ર વોર્ડ નં.૬ જ નહીં, અન્ય વોર્ડ તથા વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે. અત્યારે પણ જો જુદા-જુદા વિસ્તારોમાં ઈજારેદારો મંથર ગતિથી પ્રિ-મોન્સુન કામગીરી કરી રહ્યા હોય તો કહી શકાય કે આગેવાન આંધળો તેનું કટક કૂવામાં !
"ચાર છાંટા પડે ને લાઈટ જાય" તેવી માન્યતા પણ ભાગ્યે જ ખોટી પડતી હોય છે. ગઈકાલે રાત્રે જામનગરમાં ઝરમરીયો વરસાદ શરૂ થતા જ ઘણાં વિસ્તારોમાં વીજપુરવઠો અવારનવાર ખોરવાઈ ગયો હતો. હાલારના બાકીના વિસ્તારોમાં પણ એવી જ સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલો વીજતંત્રની પોલ પણ ખોલે જ છે.
પ્રારંભિક વરસાદમાં જ જલભરાવની સમસ્યા ઊભી થાય, ગંદી ગટરો છલકાઈ જાય, નદી-નાળાં ચેકડેમો છલકાતા કોઈ સ્થળે લોકો ફસાઈ જાય, તો તેના રેસ્ક્યુ માટે કલાકો સુધી રાહ જોવી પડે, તેવી સ્થિતિ ઈચ્છનીય નથી, અને તેના કાયમી ઉકેલો શોધવા પડે. કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે હવે જિલ્લાવાર દેશવ્યાપી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પ્રોજેક્ટ અથવા પ્રબંધો કરવાની જાહેરાત કરી છે, તેથી આવતા ચોમાસા સુધીમાં પ્રિ-મોન્સુન કામગીરીનું સમર્યાદિત, પારદર્શક, અને પ્રામાણિક આયોજન થાય, અને તેમાં થતા કરપ્શન સામે કડક કદમ ઉઠાવાય, તેવું ઈચ્છીએ.!
ચોમાસાના રૂડા આગમનને વધાવીએ, અને મેઘાવી માહોલની મજા માણીએ, તથા પોતપોતાના વિસ્તારોમાં ઊભરાતી ગટરો, ઉકરડાઓવાળી કેનાલો, ગંદો જલભરાવ કે સ્વાસ્થ્યને હાનિકર્તા ગંદકી દેખાય, તો તેના વીડિયો ઉતારીને સોશ્યલ મીડિયાનો સદ્બુદ્ધિથી સદુપયોગ કરીએ...વેલકમ...મેઘરાજા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial