કમલ હસનની ફિલ્મ "ઠગલાઈફ" ને સુપ્રિમકોર્ટે લીલીઝંડી તો આપી, પરંતુ તેની સાથે સાથે કમલ હસનને કોઈની માફી માંગવાનું દબાણ ન કરી શકાય, તેવું વલણ લઈને કર્ણાટક હાઈકોર્ટના વલણ સામે પણ સવાલો ઊભા કર્યા, તે જોતા અભિવ્યક્તિની આઝાદી અને કલા નિર્દેશનને દાદાગીરી, ધમકીઓ કે લોકલાગણી દુભાવવાના બહાને અટકાવી શકાય નહીં, તેવો દૂરગામી સંદેશ પણ આપી દીધો, એ કારણે આપણા દેશમાં અવાર-નવાર કોઈને કોઈ ફિલ્મ, નાટક કે અન્ય કલાનિદર્શન સામે વિરોધ કરવા માટે હિંસક અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ કે હરકતો થતી રહેતી હોય છે, તેની સામે રક્ષણ મળશે. સિનેમાઘરો કે ફિલ્મ સ્ટુડિયોમાં તોડફોડ કરવી, આગજની કરવી અને કલાકારો કે નિર્માતાઓને ધાક-ધમકી આપીને કાયદો હાથમાં લેવાની અવાર-નવાર થતી હરકતો સામે સુપ્રિમકોર્ટે લાલબત્તી ધરી છે, એટલું જ નહીં કોઈપણ રાજ્યની હાઈકોર્ટ કે રાજ્ય સરકાર પણ આ પ્રકારની હરકતો અટકાવવાના બદલે લોકલાગણીઓને ધ્યાનમાં લઈને કોઈપણ વ્યકિત કે કલાકારને માફી માંગવાની સલાહો આપે, કે પછી નિદર્શન પર પ્રતિબંધો મૂકવાના સરકારી કદમને યથાર્થ ઠરાવાય, તેની સામે પણ સખ્ત નારાજગી દર્શાવી છે અને ઉક્ત મામલામાં કર્ણાટક સરકારનો જવાબ પણ માંગ્યો છે. સુપ્રિમકોર્ટના આ નિર્દેશો દેશવ્યાપી અને દૂરગામી અસરો ઊભી કરવાના છે.
આપણા દેશમાં લોકલાગણીઓનું પણ મહત્ત્વ છે અને કોઈની પણ લાગણી દુભાતી હોય તો તેની સામે કાનૂની ધોરણે પગલાં લેવા જોઈએ, પરંતુ જેને વાંધો હોય, તેવા લોકો ટોળાબંધી કરીને કાયદો હાથમાં લઈ લ્યે, અને કોઈપણ પ્રકારના હૂમલા કે હિંસા કરે, ધાક-ધમકી આપે કે તોડફોડ, આગજની કરે તો, તે અન્ય નાગરિકોના બંધારણીય હક્કોનું હનન ગણાય, અને તે કોઈપણ રીતે સ્વીકૃત નથી, તેવી સુપ્રિમકોર્ટની સ્પષ્ટ ટિપ્પણી કર્ણાટક સરકાર માટે ચાબુક જેવી પૂરવાર થઈ હશે.
આપણો દેશ સહિયારા અસ્તિત્વ અને સમભાવના સંસ્કારો ધરાવતો હોવાથી લોકલાગણીઓ અને બંધારણીય જોગવાઈઓ વચ્ચે સમન્વય અને સમતુલન જાળવવું અત્યંત જરૃરી હોય છે. લોકોની જ સુવિધા માટે થતા વિકાસના કામો માટે બંધારણીય જોગવાઈઓ મુજબ જયારે જ્યારે કોઈની ખાનગી જમીનનું સંપાદન કરવામાં આવે, ત્યારે ત્યારે જેની જમીન કે ખાનગી મિલકત સંપાદન કરવામાં આવે, તેઓની પ્રવર્તમાન સ્થિતિ, તેઓના બંધારણીય હક્કો અને સંલગ્ન ધારા-ધોરણો તથા નીતિ નિયમોનું પાલન થવું પણ એટલું જ જરૃરી હોય છે. બીજી તરફ જો સરકારી જમીન પર દબાણ થયેલા હોય, તો તેને હટાવવાનો તંત્રોનો અધિકાર વાપરતી વખતે પણ માનવીય અને નૈતિક દૃષ્ટિએ વિચારતું હોય છે. પરંતુ અવાર નવાર નોટીસો અને કાનૂની કાર્યવાહીને પણ દાદ ન દેતા હોય તેવા ચંડોલા તળાવ ફેઈમ જમીન માફિયાઓ કે ડોન-દબંગો સામે અત્યંત કડક કદમ ઉઠાવવા પણ પડતા હોય છે., આમ, સંવેદના, સહાનુભૂતિ, સમતુલન અને સમજદારી સાથે કદમ ઉઠાવવું જોઈએ, જેથી અસલ ઉદૃેશ્ય પણ સિદ્ધ થઈ જાય, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને વિકાસપ્રક્રિયા પણ વિના વિરોધે અથવા વિના અવરોધે ચાલતા રહે...
આવો જ એક અદાલતી ચૂકાદો આજે જામનગરમાં "ટોક ઓફ ધ ટાઉન" બન્યો છે. તાજેતરમાં ડી.પી. કપાતને લઈને થયેલા ડિમોલિશનના મુદૃે હાઈકોર્ટે કરેલો આદેશ આજે જામનગરમાં તો ચર્ચાનો વિષય બન્યો જ છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટના આ નિર્દેશો રાજવ્યાપી અસરો ઊભી કરનારા છે.
જામનગર મનપાએ પૂરેપૂરી પ્રક્રિયાને અનુસરીને ૧૨ મીટરના ડીપી રોડ કાઢવા ડિમોલિશન કર્યું, પરંતુ હવે હાઈકોર્ટ આ મુદ્દે ૫૩ અસરગ્રસ્ત અરજદારોને જીપીએમસીના કાયદા મુજબ વળતર ચૂકવવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો આવ્યા પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે જામનગર મનપાને આ વળતર ચૂકવવું મોંઘું પડી જવાનું છે, કારણ કે આ ડિમોલિશનમાં ૩૩૧ બાંધકામો તૂટ્યા હોવાથી હવે જંગી રકમનું વળતર ચૂકવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવું કહેવાય છે કે ૨૦૦ જેટલા અસરગ્રસ્તોએ તો વળતર માટે ગઈકાલ સુધીમાં અરજીઓ પણ કરી દીધી છે.
ગુજરાત હાઈકોર્ટ જીપીએમસી એટલે કે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ એકટની કલમ-૨૧૬ હેઠળ અસરગ્રસ્ત અરજદારોને મળવાપાત્ર વળતર ચૂકવવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો પછી અદાલતના આદેશનો વિગતવાર અભ્યાસ ઉભય પક્ષે થઈ રહ્યો હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ એકટ-૧૯૪૯ના એકસઆઈવી ચેપ્ટરમાં કલમ-૨૦૨થી મ્યુનિસિપાલિટી દ્વારા રસ્તાઓના વિકાસ માટે જમીન કે મિલકત સંપાદનની સમગ્ર પ્રક્રિયાઓની જોગવાઈઓ છે.
આ જોગવાઈઓમાં કલમ ૨૧૬ હેઠળ વળતરનો હૂકમ હાઈકોર્ટે કર્યો હોવાથી તેના તરફ સૌનું ધ્યાન ખેંચાયુ છે.
અહીં એક એવું સૂચન પણ થઈ રહ્યું છે કે આ પ્રકારના ડિમોલિશન પહેલા નોટીસો આપવાની શરૃઆત થાય, ત્યારે જ સંબંધિત ખાનગી જગ્યા-મિલકતનું નિયમાનુસાર વળતર આપવાની કામની કાર્યવાહી પણ એડવાન્સમાં થઈ જવી જોઈએ, અને વળતર પણ ડિમોલિશન પહેલા જ અપાઈ જાય, તો પોતાની જમીન-મિલકત વિકાસ કે લોકહિત માટે સરકારની નિયમો મૂજબ સુપ્રત કરતા તેના માલિકો માટે સુગમ રહે અને નિરર્થક વિવાદ પણ ઘટી જાય, વિચારવા જેવું ખરૃં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial