Sensex

વિગતવાર સમાચાર

વિસાવદરમાં ભાજપને ઝટકો, કડીમાં ખિલ્યું કમળ..... ચૂંટણીનો ચક્રવ્યૂહ... પરિણામોનું પોસ્ટમોર્ટમ... જગતનો તાત ખૂશ... જીવલેણ જોખમ સામે લાલબત્તી

                                                                                                                                                                                                      

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે ગઈકાલે મતદાન સંપન્ન થયું અને તેની મતગણતરી ૨૫મી જૂને થવાની છે, પરંતુ ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીની મતગણતરી આજે થઈ છે. તે ઉપરાંત ગુજરાતમાં ઘણાં જિલ્લાઓમાં વરસાદ થયો છે, અને હજૂ પણ વરસાદની જૂદી-જૂદી આગાહીઓ સાથે વિવિધ એલર્ટ અપાઈ રહ્યા છે. આ તમામ પોઝિટિવ ન્યૂઝની વચ્ચે ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવીને ઈરાનના ત્રણ પરમાણૂ મથકો પર હૂમલો કર્યા પછી ઊભી થયેલી સ્થિતિએ વૈશ્વિક ચિંતા ઊભી કરીને નેગેટિવીટી ફેલાવી દીધી છે., તેવા સમયે ભારે વરસાદથી ઘણાં સ્થળે પૂર આવ્યા, તો કેટલાક સ્થળે તણાઈ કે ડૂબી જવાથી કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હોવાના સમાચારોએ પણ ગ્લાનિ ઉત્પન્ન કરી દીધી છે. ગામડાઓની ગતિવિધિથી લઈને ગ્લોબલ ગોલમાલની અપડેટેડ આંધી વચ્ચે ચૂંટણીઓના ચક્રવ્યૂહની ચર્ચા પણ આજે ગામડાઓના ચોરે અને ગાંધીનગરના ગલિયારાઓમાં થઈ રહી છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી જૂદા-જૂદા વિસ્તારોમાં ઝાપટાં થી લઈને ભારે વરસાદ વરસી રહ્યો હતો, અને ગઈકાલે સાર્વત્રિક વરસાદ વરસતા ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો હોવાથી ખેડૂતો વાવણીના કામે લાગી ગયા છે, તો બીજી તરફ કેટલાક જળાશયોમાં નવા નીર આવ્યા, તો કેટલાક ડેમો ઓવરફ્લો થવાના અહેવાલો આવવા લાગ્યા છે, અને રાજ્યમાં અત્યાર સુધીમાં જુદા-જુદા જિલ્લાઓમાં સરેરાશ ૧૪ થી ૨૧% વરસાદ પડી ગયો હોવાથી હવે કિસાનજગત માટે ખરીફ સિઝનની શરૂઆત સારી થઈ છે, તેમ કહી શકાય. જામનગરના રણજીતસાગર અને વાગડીયા ડેમ છલોછલ ભરાઈ ગયા છે, તથા ઓવરફલો થયા છે. હાલાર સહિત સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજ્યમાં ૨૦૦થી વધુ ડેમોમાં જળસ્તર વધ્યું છે, તો ૧૫ જેટલા જળાશયો છલોછલ ભરાઈ જતાં હાઈ એલર્ટ પર છે, અને આજે પણ મેઘાડંબર વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, તેથી ઘણાં ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે, તો ઘણાં સ્થળે ગમખ્વાર ઘટનાઓ પણ બની છે.

કેટલાંક સ્થળોએ સોશ્યલ મીડિયા માટે વીડિયો ઉતારવા અને સેલ્ફી લેવાની લ્હાયમાં કેટલાક લોકોએ જીવનું જોખમ વ્હોરી લીધું છે, અને યુવાવર્ગ જ નહીં, હવે તો નાના-નાના બાળકોથી લઈને કેટલાક બુઝુર્ગો પણ આ પ્રકારના જોખમો લેવા લાગ્યા હોવાથી હવે આ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે, એટલું જ નહીં, આ પ્રકારના જોખમો વ્હોરી લેનાર પર કાનૂની સકંજો વધુ કસાય, અને લોક શિક્ષણ તથા કાયદાનાં ડર હેઠળ આ જીવલેણ શોખ સામે જંગ લડવાનો સમય હવે પાકી ગયો છે, ખરૃં ને ?

ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં એવરેજ ૭૦% થી વધુ મતદાન થયું અને કેટલાક સ્થળોએ તો ઘણું જ જંગી મતદાન થયું, એ મતદારોનો લોકતંત્રમાં વિશ્વાસ દર્શાવે છે, પરંતું ગ્રામ પંચાયતોમાં સ્થાનિક જાગૃતિ વધુ રહેતી હોવાથી આગામી સમયમાં ૯૦ કે ૯૫%થી વધુ મતદાન થાય, તેવા પ્રયાસો જાહેર જીવનમાં પડેલા નેતાઓ, આગેવાનો તથા રાજ્યના ચૂંટણીપંચે પર કરવા જોઈએ.

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં પણ કેટલાક સ્થળે ફેર મતદાન કરાવવું પડી રહ્યું છે, જે વિચારવા જેવો મુદ્દો છે. જો મર્યાદિત મતદાન તથા સીમિત મતક્ષેત્ર માટે પણ કોઈપણ કારણે ફેર મતદાન કરાવવુ પડતું હોય, તો તેના કારણોનું વિશ્લેષણ કરીને જરૂરી સુધારાત્મક કદમ ઉઠાવવા જોઈએ.

હવે મતગણતરી થઈ જાય, તે પછી ઉભયપક્ષે જ નહીં, ગ્રામજનોમાં પણ અત્યારે ચૂંટણી સમયે હતી, તેવી જ જાગૃતિ જળવાઈ રહે, અને જે સરપંચ અને પેનલો ચૂંટાય, તે ચૂંટણીના પરિણામો પછી હવે સૌ સાથે મળીને ગ્રામ વિકાસ અને લોકકલ્યાણના કામો કરતા રહેશે, તેવું ઈચ્છીએ.

આજે ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદરની બેઠકોની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, ત્યારે વિસાવદરમાં આમઆદમી પાર્ટીએ પહેલા બે રાઉન્ડમાં લીડ મેળવી અને તે પછીના રાઉન્ડમાં પાછળ રહી ગઈ હતી, જ્યારે કડીમાં ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ મોટી લીડ મેળવી લીધી હતી. વિધાનસભાની આ પેટા ચૂંટણીના પરિણામો રાજ્યની રાજનીતિ પર વ્યાપક અસર કરશે તેમ જણાય છે.

આજે સવારથી મતગણતરી શરૂ થઈ, ત્યારથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા આગળ હતા, પરંતુ ત્રીજા રાઉન્ડમાં ભાજપના કિરીટ પટેલે લીડ લીધી હતી, પરંતુ બે-ત્રણ રાઉન્ડ પછી રસાકસી વધુ તિવ્ર બની હતી અને ૧૦ રાઉન્ડના અંતે તો ગોપાલ ઈટાલીયાએ ચાર હજારથી વધુ મતોની લીડ મેળવી લીધી હતી, જે ભાજપ માટે ઝટકા સમાન હતું. અહીં કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં હોય તેમ જણાતું નહોતું અને નીતિન રાણપરીયા પહેલેથી જ પાછળ હતા, પરંતુ આમઆદમી પાર્ટીએ પહેલા ૧૦ માંથી ૬ રાઉન્ડમાં સરસાઈ મેળવી હતી, અને તે પછી આમઆદમી પાર્ટીની સરસાઈ વધતી રહી હતી. બીજી  તરફ કડીમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો સતત પાછળ રહ્યા હતા અને ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા સતત સરસાઈ મેળવતા હતા, તેઓ ૧૦ રાઉન્ડના અંતે પાંચ હજાર જેટલા મતે આગળ હતા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમઆદમી પાર્ટીના જગદીશ ચાવડા સતત પાછળ રહ્યા હતા.

આ પેટા ચૂંટણીનું પોસ્ટમોર્ટમ કરીએ, તો વિસાવદરમાં આ વખતે ભાજપને આંતરિક અસંતોષના કારણે પ્રારંભથી જ ફટકો પડયો હોય તેમ જણાતું હતું. આ પહેલા પણ કેશુબાપા પછી આ બેઠક પર વિપક્ષનું વર્ચસ્વ રહ્યું હતું, પરંતુ ભાજપે વિપક્ષના જીતેલા ઉમેદવારોના રાજીનામા અપાવીને પક્ષપલટાનો જે ખેલ રચ્યો હતો, તેમાં ધાર્યા મુજબની સફળતા મળી હોય તેમ લાગતું નથી.

૧૫-૧૬ રાઉન્ડ ગણાયા પછી વિસાવદરમાં ગોપાલ ઈટાલીયા અને કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની લીડ કપાય તેમ નહીં હોવાથી ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું હતું, અને આ પરિણામો ભાજપ માટે આ વખતે પણ વિસાવદરમાં ઝટકા સમાન અને કડીમાં રાહતરૂપ રહ્યા હોય, ભલે રાજ્ય સરકારની બહુમતિને કોઈ મોટી અસર કરે તેમ નહીં હોવા છતાં આમઆદમી પાર્ટી માટે પ્રોત્સાહક છે, જ્યારે કોંગ્રેસને મનોમંથનનો સમય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial