
આ વાત તો બિલકુલ સાચી છે કે *આળસુ માણસ કદી નવરો નથી હોતો.* આળસુ માણસ તો સતત વિચારતો હોય છે કે કયુ કામ સૌથી પહેલા કરૃં? કયુ કામ કરવામાં મહેનત ઓછી પડે? અને સાથે સાથે જ દરેક કામ કરવાના શોર્ટકટ પણ તે ગોતતો જ હોય છે.
સાચી વાત તો એ છે કે આપણી રોજિંદી જિંદગીને સરળ બનાવતી કેટલીય શોધખોળ જાણે કે આળસુ માણસો માટે જ કરવામાં આવી છે. દા.ત. ટીવીનું રીમોટ કંટ્રોલ. આળસુ માણસને પણ ટીવી તો જોવું જ છે. પરંતુ ટીવીની ચેનલ બદલાવવા માટે ઊભા થવાની આળસ આવે છે !
હમણાં જ થયેલા એક સંશોધનમાં એ વાત પણ સામે આવી છે કે આળસુ માણસને ટીવીનું રીમોટ કંટ્રોલ જેટલું દૂર હશે તેટલો જ ટીવીનો અત્યારનો પ્રોગ્રામ વધુ પસંદ પડશે. રિમોટ લેવા માટે કોણ લાંબુ થાય?
આવી જ એક બીજી શોધ એલાર્મની પણ છે. સવારે જ્યારે પણ એલાર્મ વાગશે ત્યારે એક અદમ્ય ઈચ્છા થશે કે હજુ પાંચ મિનિટ વધારે સુઈ લો. અને પછી તો પાંચ પાંચ મિનિટે એલાર્મ વાગે છે. અને છેવટે મોડા મોડા જ્યારે તમે જાગો છો ત્યારે ખબર પડે છે કે તમે આજનો નાસ્તો ગુમાવ્યો છે.
આ દુનિયામાં આળસને દુશ્મન ગણનારા માણસોનો તોટો નથી. આળસ આપણી દુશ્મન નથી. આળસને દુશ્મન ગણવી એ તો એક ગેરસમજણ છે. આળસ તો શ્રેષ્ઠ શિક્ષક છે એ આપણી ધીરજની કસોટી કરે છે કે તમે કોઈ કામ વધુમાં વધુ કેટલું પેન્ડિંગ રાખી શકો છો.
વળી આળસુ માણસમાં ક્રિએટિવિટી પણ ખૂબ જ હોય છે. કશું જ કર્યા વગર પણ પોતાનું કામ કઈ રીતે પૂરૃં કરવું એ આળસુ માણસ ખૂબ જ સારી રીતે જાણતો હોય છે. અને જો તે કામ પોતાને કરવું જ પડશે તો આળસુ માણસ તેનો શોર્ટકટ પણ સારી રીતે શોધી કાઢશે.
આળસુ માણસ બીઝી દેખાવાની કળામાં પણ એકદમ પારંગત હોય છે. તેને તમે આળસુનું રિચાર્જિંગ પણ કહી શકો. દા.ત. જો તે સ્માર્ટ ફોન ઉપર કામ કરતો હશે તો તે સતત સ્ક્રોલિંગ કરતો રહેશે. પોતાનું કામ પૂરૃં કરવાની બદલે પોટેટો ચિપ્સ ઝાપટતો રહેશે. અને જો પરીક્ષાની તૈયારી કરતો હશે તો વારંવાર પોતાની વાંચવાની ચોપડીઓ બદલતો રહેશે. અને છેવટે કહેશે કે હવે આ ચોપડી તો હું રાત્રે ચોક્કસ વાંચીને પૂરી કરીશ.
હવે આ રીતે કોઈપણ જાતની તૈયારી કર્યા વગર સ્કૂલે ગયેલા વિદ્યાર્થીને સાહેબે આળસ વિશે નિબંધ લખવાનું કહ્યું. ક્લાસમાં જ્યારે બાકીના વિદ્યાર્થીઓએ બે ત્રણ પાનાં ભરીને મુદ્દાસર આળસ વિશે નિબંધ લખ્યો ત્યારે આ આળસુ વિદ્યાર્થીએ ત્રણ પાના કોરા છોડીને એટલું જ લખ્યું કે, *... આને આળસ કહેવાય..*
બિલ ગેટ્સે એક વખત કહેલું કે, *હું કોઈપણ અઘરૃંં કામ કરવા માટે હંમેશાં એક આળસુને જ પસંદ કરીશ. કારણ કે આળસુ માણસ અઘરૃં કામ કરવાના પણ સરળ રસ્તાઓ શોધી કાઢશે..!*
માફ કરજો આટલું બધું લખ્યું છે. હવે વધુ લખવાની આળસ આવે છે.. એટલે અહીં જ અટકું છું .. એક નાનકડું ઝોકું ખાવા. કદાચ મારા સારા ભવિષ્યના સપના આવે.. મારૃં ભવિષ્ય પણ સુધરી જાય.
વિદાય વેળાએ : તમારૃં ભવિષ્ય તમે જોયેલા સપનાઓ પર આધાર રાખે છે. માટે મોટા સપનાઓ જુઓ. અને મોટા સપના જોવા માટે બધા જ કામ પડતા મૂકીને સુઈ જાવ.
....બાકી કામ તો ચાલ્યા કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial