ગુજરાતમાં વર્ષ-૨૦૧૫માં અનામત મુદ્દે પાટીદાર આંદોલન થયું હતું. અને તે સમયની આનંદીબેન પટેલની ભાજપ સરકાર હચમચી ગઈ હતી. એ સમય એવો હતો જ્યારે આ આંદોલને કારણે રાજ્યમાં શાસનવિરોધ લહેર દોડી ગઈ હતી. તે પછી વર્ષ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓ ભાજપે જેમ તેમ કરીને પાતળી બહુમતી થી બચાવી લીધી હતી, પરંતુ તે પહેલા મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા. તે સમયે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા, જેઓ આજે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ છે, અને તેના અનુગામી બનીને મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપનાર વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે રહ્યા નથી, અને અમદાવાદની ગોઝારી પ્લેન દુર્ધટનામાં દિવંગત થઈ ગયા છે.
તે સમયે પાટીદાર આંદોલનના હીરો તરીકે ઉભરી આવેલા યુવાનેતા હાર્દિક પટેલ આજે ભાજપના ધારાસભ્ય છે, તેવી જ રીતે તાજેતરમાં વિસાવદરથી ભાજપ તથા કોંગ્રેસને હરાવીને આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા પણ એ સમયે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા હતા. સરદાર પટેલ ગ્રુપના લાલજીભાઈ પટેલ તથા પાટીદાર અનામત સમિતિના હાર્દિક પટેલના નેતૃત્વમાં આંદોલન ચાલ્યું હતું, જેમાં કે.ડી. શેલડિયાની અખિલ ભારતીય પાટીદાર સેવા સમિતિ, પાટીદાર સંકલન સમિતિ, પાટીદાર આરક્ષણ સમિતિ, સરદાર પટેલ સેવાદળ વગેરે પણ સામેલ રહ્યા હતા, પરંતુ છેલ્લે હાર્દિક પટેલની "૫ાસ" દ્વારા સામૂહિક નેતૃત્વ કરાયું હતું.
તે સમયે રાજ્યવ્યાપી બનેલા પાટીદાર આંદોલનમાં ડિવિઝન તથા જિલ્લાઓમાંથી ઘણાં બધા કન્વીનરો બન્યા હતા., જેમાંથી કેટલાક અત્યારે સક્રિય રાજકારણમાં છે, તો કેટલાક અન્ય સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે, જ્યારે કેટલાક વિસરાઈ ગયા છે.
હવે ફરીથી પાટીદાર યુવાનો એકઠા થઈને નવી જ માંગણીઓ સાથે સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ મુકવાના છે અને પૂર્વ કન્વીનરોની એક મિટિંગ (સંમેલન) પણ વાદ-વિવાદોની વચ્ચે યોજાઈ ગયું તથા આ ચળવળને સામાજિક ગણાવીને સરકાર સમક્ષ કેટલીક સામાજિક સુધારણાઓ સહિતની રજૂઆતો થઈ રહી છે, તે જોતાં કંઈક જવાજૂનીના એંધાણ ઘણાં લોકોને દેખાઈ રહ્યા છે. આ નવેસરથી શરૂ થનારી ચળવળ અંગે ભિન્ન ભિન્ન અટકળો શરૂ થઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પક્ષના રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના અધ્યક્ષોની સાથે સાથે ભાજપ શાસિત રાજ્યોમાં કેટલાક મુખ્યમંત્રીઓ બદલવાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે, ત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ કે હરિયાણા જેવા રાજ્યો સાથે ગુજરાતનો વારો પણ આવી ન જાય, તેવો કટાક્ષ કરતી કોમેન્ટો પણ થવા લાગી છે, જોઈએ, હવે શું થાય છે તે...
બીજી તરફ આમઆદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા પછી રાજકીય સમીકરણો ગુંચવાયા છે., સામાન્ય રીતે ભાજપ કે કોંગ્રેસમાં વિદ્રોહ થાય ત્યારે ભારતીય જનતાપક્ષના ઈશારે થતું કૃત્ય ઠરાવવામાં આવે છે, પરંતુ અહીં ઉલટી ધારા વહેતી થઈ હોય તેમ ઉમેશ મકવાણાએ જ એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાતનું આમઆદમી પાર્ટીનું આખેઆખુ માળખું ભાજપના ઈશારે ચાલે છે., તેમણે પોતે હજુ પણ આમઆદમી પાર્ટીમાં જ હોવાનો દાવો કરીને કહ્યું છે કે પાર્ટીના પ્રદેશ એકમને પોતે રાષ્ટ્રીય નેતા હોવાથી સસ્પેન્ડ કરવાનો અધિકાર જ નથી. તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપવાનો ઈન્કાર કરીને અરવિંદ કેજરીવાલને મળવાનો સમય માંગ્યો છે, ત્યારે, જોઈએ હવે શું થાય છે તે...
ગુજરાત ભાજપમાં પણ આંતરિક ખેંચતાણ ચાલી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. વિસાવદરમાં નિષ્ફળતા પછી હવે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર ના કોઈ દિગ્ગજ નેતાને જવાબદારી સોંપાય અને કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા મહત્વાકાંક્ષી અસંતુષ્ટ નેતાઓ, ભાજપના જૂના સંનિષ્ઠ એવા નેતાઓ કે જેની સતત અવગણના થઈ રહી હોય તથા એવા અસંતુષ્ટો, જેઓ તાજેતરમાં આમઆદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા, પરંતુ તેઓને મનવાંચ્છિત ફળ (ટિકિટ) મળી ન હોય, તેવા નેતાઓને "સાચવી લેવા" ની કવાયત હાઈકમાન્ડ કક્ષાએથી હાથ ધરાય, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે. ટૂંકમાં પ્રદેશ ભાજપમાં ઉકળતો ચરૂ જોતા મોટા ફેરફારો સાથે નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદેથી નૈતિક કારણોસર શક્તિસિંહ ગોહિલના રાજીનામા પછી હવે આ કાંટાળો તાજ કોને પહેરાવવો તેની મથામણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે કોંગ્રેસની હાઈકમાન્ડે આ અંગે આ વખતે કેટલાક ફિડબેક મેળવ્યા છે. એવી ચર્ચા પણ ચાલે છે કે રાહુલ ગાંધીની વ્યાખ્યા મુજબ દિવ્યાંગ ઘોડાઓ અને લગ્નના ઘોડાઓ તથા યુદ્ધના ઘોડાઓની તારવણી થઈ રહી છે. એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે એમાંથી વધે તેને પ્રદેશ કોંગ્રેસની ઘોડાગાડીમાં જોડી દેજો !
ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ઘમાસાણ મચ્યું છે અને ત્રણેય મુખ્ય પક્ષોના પ્રદેશકક્ષાના એકમોમાં આંતર્યુદ્ધ છેડાયું છે, તેવા સમયે ત્રણેય પક્ષોના અસંતુષ્ટો સાથે મળીને કોઈ નવું જન આંદોલન છેડવાના વ્યૂહો રચાયો નથી ને ? તેવો અણિયાળો સવાલ સ્વયં જવાબ શોધી રહ્યો છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial