Sensex

વિગતવાર સમાચાર

કુદરતી કે માનવસર્જીત આફત ? પ્રકૃતિએ કોની ખોલી પોલ ? સમજદાર કો ઈશારા બહોત...

                                                                                                                                                                                                      

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને ઘણાં લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે ત્યાંની ચારધામ યાત્રા સ્થગિત કરવી પડી હોવાના અહેવાલો છે. ઠેર-ઠેર લેન્ડસ્લાઈડના કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે, ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને માળખાકીય સુવિધાઓ તબાહ થઈ જવાથી હિમાચલપ્રદેશમાં હાહાકાર વ્યાપ્યો છે, ત્યારે ત્યાંના સાંસદ કંગના રનૌત પોતાના મતવિસ્તારમાંથી ગાયબ હોવાની આલોચના ત્યાંના ભાજપના જ કોઈ નેતાએ કરી હોય તો, કહી શકાય કે કાચના ઘરમાં રહેતા લોકોએ બીજાના ઘર પર પથ્થર ફેંકવો ન જોઈએ. જો કે, કંગનાબેને પણ પોતે ટૂંક સમયમાં પોતાના મતવિસ્તારમાં પહોંચી જશે, તેવા અહેવાલો પણ આવ્યા છે, ત્યારે મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વહેતી થયેલી આ વાતોની અસર ક્યાંક ને ક્યાંક પોતાના મતવિસ્તારમાંથી ખરા સમયે ગાયબ રહેતા સાંસદો અને ધારાસભ્યોને પણ થવાની જ છે, કારણ કે આવી વાતો પબ્લિક તરત જ ગ્રહણ કરી લેતી હોય છે, અને પોતાના મતવિસ્તારના જન-પ્રતિનિધિઓ જો લાંબા સમયથી દેખાયા ન હોય, તો સ્થાનિક કક્ષાએ અવાજ પણ ઉઠાવવામાં આવતો હોય છે.

ગુજરાતમાં પણ ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં માઠી અસરો પડી રહી છે અને હજુ પણ અતિભારે વરસાદની આગાહી હોવાથી તંત્રો પણ સાબદાં થઈ ગયા છે. આ વખતે દેશમાં ચોમાસું એકાદ અઠવાડિયુ વહેલું બેસી જતા ચોતરફ વરસાદ પડી રહ્યો છે, અને સૌરાષ્ટ્રમાં તો ૪૦% જેવો વરસાદ વરસી ગયો છે. લગભગ ૬૦% જેવો જળસંગ્રહ થયો છે અને મોટાભાગનું વાવેતર પણ થવા આવ્યું છે, ત્યારે હવે જ્યાં ભારે વરસાદથી તબાહી મચી છે, ત્યાં મેઘરાજા વિરામ લ્યે અને ખમૈયા કરે તેવી પ્રાર્થનાઓ પણ થવા લાગી છે.

જામનગરમાં હજુ તો અતિભારે વરસાદ થયો જ નથી, ત્યાં નગર જળબંબાકાર થઈ ગયું, રંગમતી ડેમના દરવાજા ખોલ્યા પછી કેનાલો દ્વારા લાખોટા તળાવમાં સડસડાટ પાણી પહોંચવાના બદલે ભર ચોમાસે ચાલી રહેલી પ્રિ-મોન્સુનની કામગીરી તથા દીવાલ પડી જવાથી અવરોધ ઊભો થતાં અણધારી મુશ્કેલીઓ સર્જાઈ ગઈ. શહેરના લાલબંગલો સર્કલ, જિલ્લા પંચાયત પાસે તથા ટાઉનહોલ સુધીના માર્ગે તો થોડી વારમાં જાણે સરિતાઓ વહેતી થઈ હોય અને કચેરીઓના મેદાનોમાં સરોવરો ભરાયા હોય, તેવા દૃશ્યો સર્જાયા, જે નગરના શાસકો, તંત્રવાહકો અને જન-પ્રતિનિધિઓ માટે બોધપાઠ લેવા જેવા છે. જલભરાવના કારણો શોધીને હવે તેના કાયમી ઉપાયો કરવાનો સમય આવી ગયો છે, અને કુદરતી જલપ્રવાહોને અટકાવતા હોય તેવા સિમેન્ટના જંગલો હટાવવા તથા જ્યાં સ્કોપ હોય ત્યાં હરિયાળા વૃક્ષોના જંગલો ઊભા કરવાનો સમય આવી ગયો છે. લોકજીવનને ખોરવી નાખતા વિકાસના માચડાઓ અંગે પણ પૂનર્વિચાર કરવો પડે તેમ છે.

હિમાચલપ્રદેશમાં તો તોફાની વરસાદે તબાહી મચાવી અને માર્ગો તૂટી ગયા, પરંતુ જામનગરમાં તો માત્ર પ્રારંભિક વરસાદ થયો ત્યાં જ તંત્રવાહકોના તકલાદી કામોની પોલ ખૂલી ગઈ. જામનગરમાં ઠેર-ઠેર જલભરાવ થતાં તેના દૃશ્યો ટેલિવિઝન ન્યુઝ ચેનલોમાં નિહાળીને જામનગરમાં રહેતા કેટલાક લોકોને તો તેના ચિંતાગ્રસ્ત સગા-સંબંધી-સ્નેહીમિત્રોના ફોન આવવા લાગ્યા હતા અને ક્ષેમકુશળ પુછીને કાંઈ નુકસાન તો થયું નથી ને ? બધા સહી-સલામત છે ને ? તેવા સવાલો વ્હોટ્સએપ ચેટીંગના માધ્યમથી પણ પુછાવા લાગ્યા હતા. જો કે, એકાદ કલાકમાં વરસાદ ધીમો પડી ગયા પછી પાણી ઓસરવા લાગતા ગભરાયેલા નગરજનોને પણ નિરાંત થઈ હતી, અને છેક સુધી સબ સલામતની કેસેટ વગાડતા રહેતા તંત્રોનો શ્વાસ પણ હેઠો બેઠો હશે, કારણ કે જો થોડોક વધારે જોરદાર વરસાદ પડ્યો હોત તો સ્થિતિ વધુ વણસી ગઈ હોત.

આવું જ હાલારના અન્ય નગરોમાં પણ થયુું હતું, જામનગર સહિત હાલારના શહેરોના માર્ગો પ્રારંભિક વરસાદમાં જ તૂટીફૂટી ગયા છે અને રોડ પર ઠેર-ઠેર ભરાયેલા પાણીમાં ક્યાં ખાડો છે અને ક્યાં રોડ છે, તે જ ખબર નહીં પડતી હોવાથી ઘણાં વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

જામનગર સહિત હાલારમાં ઘણાં સ્થળે કલાકો ના કલાકો સુધી વીજપૂરવઠો પણ ખોરવાઈ ગયો હતો અને મોડી રાત્રિ સુધી વીજળી ગૂલ રહેવાથી પણ જનજીવન ખોરવાયું હતું, અને દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી.

હજુ તો ચોમાસું બઠું છે, અને રોજ-બ-રોજ ભારે થી અતિભારે વરસાદની આગાહીઓ થઈ રહી છે. કેટલાક લોકો તો ડરામણી ભાષામાં આગાહીની વાતો કરતા હોય છે, ત્યારે આ સ્થિતિને કુદરતનો ખેલ માનીને સ્વીકારી લેવાની શિખામણ પણ અપાતી હોય છે. એવી ચર્ચા પણ થતી હોય છે કે ઠેર-ઠેર જલભરાવ, લેન્ડ સ્લાઈડ, જલપ્રવાહમાં અવરોધ અને ઘરોમાં પાણી ભરાઈ જવાની  સમસ્યાને કુદરતનો કહેર ગણવો કે માનવસર્જીત આફત ગણવી ?

ભારે વરસાદ થાય, નદીઓ બે કાંઠે વહેવા લાગે અને જળાશયો છલકાઈ જાય, આકાશી વીજળી થાય તથા દરિયો તોફાની બને, તે બધી કુદરતી ઘટનાઓ છે, જેના પર આપણો કોઈ અંકુશ નથી, પરંતુ જલભરાવ, જલપ્રવાહમાં અવરોધ અને પ્રકૃતિનું દોહન તથા પ્રકૃતિ સાથે ખિલવાડ કરવાના મૂળ કારણોસર ઊભી થતી આફતોને માનવસર્જીત જ ગણી શકાય. તેમાં પણ પ્રિ-મોન્સુનના નામે ચાલતી બોગસ અને ભ્રષ્ટ રીત-રસમોના પાપે પણ ઘણાં સ્થળે આ પ્રકારની અણધારી મુસીબતો જનતાને પરેશાન કરતી હોય છે, ત્યારે જન-પ્રતિનિધિઓ આફતના સમયે જોવા ન મળે, ત્યારે સવાલો ઊભા થતાં હોય છે. આ માત્ર હિમાચલપ્રદેશ કે કોઈ એકાદ ચોક્કસ જન-પ્રતિનિધિની નહીં, પરંતુ જનતાના દિલને દુભાવતી દેશવ્યાપી "આહ" છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial