ચોમાસુ એટલે મસ્તીની મોસમ. ચોમાસામાં પડતો પહેલો વરસાદ શહેરના બધા જ રસ્તાઓને નદીનાળા કે તળાવમાં ફેરવી નાખે છે. જો કે આમાં સરકારનો કોઈ જ દોષ નથી. ચોમાસાની મસ્તીમાં કોઈ કચાશ ન રહી જાય એટલા માટે સરકાર તો બધું જ પ્રોત્સાહન પૂરૃંં પાડે છે. ચોમાસામાં શહેરના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જાય એટલા માટે જ સરકાર ચોમાસા પહેલા કદી પણ વરસાદી પાણીના નિકાલ માટેના રસ્તાઓ સાફ કરાવતી જ નથી ને!
આપણી સરકાર આવા નાના કામ માટે કદી નવરી હોતી નથી. સરકારને તો બીજા પણ અનેક કામ હોય છે. દા.ત. વરસાદમાં રસ્તા તૂટે ત્યારે તે રીપેર કરવાનો કોન્ટેક્ટ કયા માનીતા કોન્ટ્રાક્ટરને આપવો, વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને મદદ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ કોને આપવો, વરસાદી પાણીના નિકાલ માટેનો કોન્ટ્રાક્ટ કોને આપવો, વગેરે વગેરે.
ઠીક છે, સરકાર સરકારનું કામ કરશે. આપણે તેની ચિંતા કરવાની નહીં. આપણે તો બસ વરસાદને એન્જોય કરવાનો. અને આ વરસાદને એન્જોય કરવા માટે શહેરના નદી કે તળાવમાં ફેરવાયેલા રસ્તાઓ પર યુવાનો અને બાળકો હાથમાં આવ્યું તે વાહન લઇને નીકળી પડે છે - રસ્તા ઉપર પડેલા કે પડનારા ખાડાઓની બિલકુલ ચિંતા કર્યા વગર.
આવા મદહોશ વરસાદી ? વાતાવરણમાં પોતાની તબિયત સાચવવા માટે ઘરે પુરાઈ રહેલા વડીલો પણ કાગળની હોડી બનાવીને વરસાદી પાણીમાં તરતી મુકતા મુકતા ગણગણે છે કે, *યે કાગઝ કી કશ્તી, યે બારીશ કા પાની..*
આ વરસાદી મસ્તીના અંતે ગરમાગરમ ભજીયા અને પકોડાની પાર્ટીની મસ્તી જ અનેરી છે. આખું વરસ પોતાની તબિયતની ચિંતા કરતા, અને બીજાને પણ તબિયત સાચવવાની સલાહ આપતા વડીલો પણ ભજીયાની સુગંધ આવતા જ પોતાની પાચનશક્તિની મર્યાદા ભૂલી જઈને ભજીયાની ડિશ પર તૂટી પડે છે.
આ ચોમાસું બરાબર જામ્યુ હોય ત્યારે છત્રી પણ એક રીઢા રાજકારણીની જેમ જ વર્તે છે. ઢગલાબંધ પ્રોમિસ આપવાના અને પાળવાના એક પણ નહીં. વરસાદમાં વધતા જતા પવનમાં છત્રીને તમારે એક નમણી નારની જેમ સાચવવી પડે. ક્યારેક તો એવું પણ બને કે છત્રીને સાચવતા સચવતા તમે છત્રી કરતા પણ વધુ ભિન્જાવ. વધતા પવનમાં છત્રી ઉંચી-નીચી થાય, અને ક્યારેક કાગડો પણ થઈ જાય, પરંતુ તમે તેને તરછોડી શકો નહીં.
અને છત્રીની બીજી પણ એક ખાસ વાત જાણી લો. સામાન્ય રીતે ઘરમાં એક જ છત્રી હોય, જેને સાચવવાની અને સારી સ્થિતિમાં જાળવવાની જવાબદારી તમારી. પરંતુ તમારે જ્યારે તેની ખાસ જરૂર હોય, એટલે કે વરસાદમાં તમારે ઓફિસે કે કોઈ અગત્યના કામે બહાર જવું હોય ત્યારે જ તમારા હાથમાં ન આવે.
સામાન્ય માણસ માટે તો ચોમાસુ એટલે જ બધી અગવડતાઓનો સરવાળો. ચોમાસુ એટલે તૂટેલા રોડ, ચોમાસુ એટલે ટાણે જ ઘરે ભૂલી જવાયેલી છત્રી. ચોમાસુ એટલે વરસાદી પવનમાં ઉડી જતી નાસ્તાની પ્લેટો. છતાં પણ મને ચોમાસું ગમે. કારણ કે તેનું આગમન એકદમ અનિશ્ચિત હોય છે અને એટલું જ આકર્ષક પણ હોય છે. માટે જ કહું છું તુટેલી છત્રી હાથમાં લો, રસ્તા પર વરસાદમાં ડાન્સ કરતા કરતા નીકળી પડો અને જિંદગીની શ્રેષ્ઠ પળોને મન ભરીને માણો.
વિદાય વેળાએ : ચોમાસામાં ભજીયાની મોજ તમારે માણવી છે...? તો પછી બપોરે જમવામાં ભાતની ના ન પાડો.
કારણકે બપોરે પ્રેમથી પીરસાયેલા ભાતને જ્યારે તમે ના પાડો છો, ત્યારે અજાણતાં જ તમે સાંજ માટે વઘારેલા ભાતને હા પાડો છો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial