Sensex

વિગતવાર સમાચાર

જામનગરની હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ સેન્ટરમાં અપાઈ કિચન ગાર્ડનની તાલીમઃ સમયાંતરે વર્કશોપ

'નોબત' સાથેની વાતચીતમાં બાગાયત અધિકારીએ કહ્યું, કોરોના પછી સ્વાસ્થ્ય પ્રત્યેની લોકજાગૃતિ વધીઃ

                                                                                                                                                                                                      

જામનગરની જનતા હવે સ્વાસ્થ્ય પ્રત્યે સમયની માંગ મુજબ વધુને વધુ જાગૃત બની રહી છે અને કેમિકલ યુક્ત શાકભાજી અને ફળોથી થતા શારીરિક નુકસાનથી બચવા કિચન/ટેરેસ ગાર્ડનના અભિગમને અપનાવી રહી છે. તાજેતરમાં ૧૬ જુલાઈના જામનગરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ગુજરાત રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા આયોજિત અર્બન હોર્ટિકલચર ડેવલપમેન્ટ સેન્ટરની એક દિવસીય તાલીમમાં બહોળી સંખ્યામાં જામનગરવાસીઓ જોડાયા હતા.

નોબત દૈનિક સાથેની વાતચીતમાં બાગાયત અધિકારી (કેનિંગ) જિજ્ઞાસાબેન ડેરે જણાવ્યું હતું કે, *ખાસ કરીને કોરોનાની મહામારી બાદ લોકોમાં સ્વાસ્થ્ય અંગે ખૂબ જાગૃતિ આવી છે તેથી પેસ્ટીસાઈડ વાળા શાકભાજી અને ફળોના ઉપયોગથી બચવા ઓછી જગ્યામાં પણ અનુકૂળતા સાધીને લોકો અગાસી, રસોડાની બાલ્કની જેવી જગ્યાઓમાં ટેરેસ કિચન ગાર્ડન બનાવી રહૃાા છે.*

કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કિચન ગાર્ડન અંગેના તાલીમી વર્કશોપમાં ૧૮ થી ૬૦ વર્ષની વય જૂથના લોકો  જોડાયા હતા અને તાલીમ બાદ નજીવા દરે એટલે પાંચ રૂપિયાના પ્રતિ પેકેટ લેખે શાકભાજીના બિયારણ તથા ખાતરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

તાલીમાર્થીઓને કિચન ગાર્ડનના વિશિષ્ટ વિકલ્પ અંગે માહિતી આપતા જીજ્ઞાબહેને જણાવ્યું હતું કે, આજના સમયમાં ઘણી જગ્યાએ વધુ પાક મેળવવા પાકમાંથી જીવાત દૂર કરવા કેમિકલયુક્ત જંતુનાશકો વાપરવામાં આવે છે, પાકને નિયત સમય પહેલા ઉતારી લેવામાં આવે છે, બજારમાં સિઝન વગર કોલ્ડ સ્ટોરેજના શાકભાજી - ફળો મળે છે ; દવા વારંવાર ન છાંટવી પડે એટલે એક વખતમાં વધુ દવાનો છંટકાવ કરવામાં આવે છે,  આ તમામ બાબતો શાકભાજી અને ફળોને આહાર યોગ્ય રહેવા દેતા નથી અને કેન્સર જેવા રોગોને આવકારે છે.આ સમસ્યાના આંશિક વિકલ્પ રૂપે ગૃહિણીઓ ઘરમાં અથવા અગાસીમાં શાકભાજી અને અમુક ફળો ઉગાડી ખપ પૂરતો પાક લઈ શકે છે. જામનગર નિવાસી તાલીમાર્થીઓ જીગ્નેશભાઈ સ્વાદિયા અને અરુણાબેન પાઠક દ્વારા તેમના ઘરે ટેરેસ ગાર્ડનના વિકલ્પને સુંદર રીતે સાકાર કરવામાં આવ્યો છે.

કિચન ગાર્ડનમાં મેથી, કોથમરી, ટીંડોરા રીંગણા, મરચા, ટમેટા જેવા શાકભાજી ઉગાડવામાં આવે ત્યારે આજની પેઢીના બાળકો માટે પણ આ એક રોમાંચક અને જ્ઞાનવર્ધક પ્રયાસ બની રહેશે. નહીં તો હવે *રીલ*ની દુનિયામાં વ્યસ્ત પેઢી આવનારા સમયમાં શાકભાજી જમીનમાં ઉગે કે ફેક્ટરીમાંથી આવે તેવા મૂંઝવી દેતા પ્રશ્નો કરે તેવો સમય પણ દૂર નહીં રહે! હાલમાં ઘણી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને કિચન ગાર્ડનની તાલીમ આપવામાં આવી રહી છે.

શાકભાજી અને ચોક્કસ ફળો જ નહીં ઔષધીય બગીચો એટલે કે શતાવરી, તુલસી, હળદર, અરડૂસી, જેઠીમધ જેવી વનસ્પતિઓ પણ કિચન ગાર્ડનનો ભાગ બની શકે છે. મેથીનો ઉછેર તો  ટ્રે માં માટી પાથરી પણ કરી શકાય છે. જીવાતથી બિયારણના કુંપણ અને છોડને બચાવવા સીતાફળના પાનને વાટીને તેના પાણીનો છંટકાવ અથવા લીંબોળીમાંથી બનતી દવાનો યોગ્ય માત્રામાં છંટકાવ છોડને રક્ષણ આપે છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના (વૈજ્ઞાનિક) પ્રોફેસર અંજનાબેન બારૈયાએ ફળો અને શાકભાજીના પોષક તત્ત્વો અંગે વિસ્તારપૂર્વક સમજણ આપી હતી અને ફળોના એન્ટિઓક્સિડન્ટ ગુણો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેથી શરીરની પ્રકૃતિને અનુકૂળ હોય તેવા ફળો સિઝન મુજબ અને દૈનિક રીતે આહારમાં સમાવી લેવા જોઈએ તેવું સૂચન કર્યું હતું.

આ પ્રસંગે જીજ્ઞાબહેને જણાવ્યું હતું કે, બાગાયત વિભાગ દ્વારા સમયાંતરે વિવિધ તાલીમી વર્કશોપનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત સ્થળ અને શાકભાજી પરીક્ષણ અંગે મહિલા તાલીમાર્થી વૃતિકા યોજના, કિચન ગાર્ડન અને અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ તાલીમ જેમાં કિફાયતી દરે શાકભાજીના બિયારણ અને ખાતરનું વિતરણ તેમજ માળી કામની ત્રણ દિવસીય તાલીમ માટે અર્બન ગ્રીન મિશન  વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારના તાલીમી કાર્યક્રમમાં નિશુલ્ક દરે જોડાવા જામનગર જિલ્લાના નાગરિકો કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત નિયામકની કચેરી ૦૨૮૮ (૨૫૭૧૫૬૫) જામનગરનો સંપર્ક કરી શકે છે.

કઈ ઋતુમાં કયા શાકભાજી પાક વાવવા જોઈએ?

શિયાળુઃ રીંગણ, ટમેટા, મરચા, ગાજર, મૂળા, કોબીજ, ફુલાવર, શક્કરીયા, ડુંગળી, લસણ, ધાણા વગેરે.

ઉનાળુઃ ભીંડા, ગુવાર, રીંગણ, દુધી, તુરીયા, કારેલા, ચોળી, તાંદળજો વગેરે.

ચોમાસુઃ રીંગણ, તુરીયા, ગલકા, પાપડી, દુધી, પરવળ, કાકડી, ગીલોડા, ભીંડા વગેરે.

શહેરી ખેતીના વિવિધ પ્રકાર

કિચન ગાર્ડનઃ ઘરની આસપાસની ખુલ્લી જગ્યામાં શાકભાજી અને ફળો ઉગાડવાની પધ્ધતિ.

ટેરેસ કે રૂફટોપ ગાર્ડનઃ ઘરની છત પર કે છાપરા પર ફળ, શાકભાજી કે ફૂલ છોડ ઉગાડવાની પદ્ધતિ.

બાલ્કની ગાર્ડનઃ બહુમાળી મકાનમાં અગાશી કે ઝરૂખામાં ફળ, શાકભાજી કે ફૂલછોડ ઉગાડવાની પદ્ધતિ.

વર્ટીકલ ગાર્ડનઃ જમીન સિવાયના મકાનના ભાગો જેવા કે ઊભી દીવાલ, બાલ્કની કે વરંડાની જાળી, લટકતા કુંડા વગેરે પર શાકભાજી કે ફૂલછોડ ઉગાડવાની પદ્ધતિ.

જળકૃષિઃ માટી વગર ફક્ત પોષક દ્રવ્યોના દ્રાવણ અને પાણીથી ફળ, શાકભાજી કે ફૂલછોડ ઉગાડવાની પદ્ધતિ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial