Sensex

વિગતવાર સમાચાર

અસંતોષ ફેરવાઈ રહ્યો છે જનાક્રોશમાં...સાવધાન ! કૂવામાં હોય તો હવેડામાં આવે ને ? ખાવાના જુદા અને દેખાડવાના દાંત જુદા ?

                                                                                                                                                                                                      

જામનગરમાં જીવંત પશુ જાહેર માર્ગો, શેરી-ગલી-મહોલ્લા, સોસાયટીઓ કે સંકુલોમાં અડીંગા ન જમાવે અને કેટલ પોલિસી મુુજબ પશુપાલનના નિયમોનું ચૂસ્ત પાલન માટે જામ્યુકોની ટીમો ઘેર-ઘેર ફરીને જનજાગૃતિના પ્રયાસો કરી રહી હોય, અને બીજી તરફ જામનગરની આજુબાજુના ગ્રામ્ય અને વાડી વિસ્તારમાંથી મૃત પશુઓના હાડકા અને અવશેષો મળી રહ્યા હોય, અને મરેલા પશુઓના માંસ-ચામડીના ગોરખધંધા થતા હોવાની આશંકા ઉઠી રહી હોય, ત્યારે સંઘ-ભાજપ પ્રેરિત શાસન અને સંવેદનશીલ સુશાસન-પ્રશાસનના થતા દાવાઓ પોકળ લાગે, તે સ્વાભાવિક છે. બીજી તરફ ભગિનિ સંસ્થાઓ દ્વારા જ થતાં રહેતા વિરોધ-પ્રદર્શનો તથા જનભાવનાઓની પણ બહુ અસર ન થતી હોય, ત્યારે એવું કહી શકાય કે ખાવાના (ચાવવાના) દાંત જુદા છે, અને દુનિયાને દેખાડવાના દાંત કદાચ જુદા જુદા જ છે.

ગુજરાતમાં અત્યારે ત્રિપલ એન્જિનનું શાસન છે, અને વિધાનસભા, મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓમાં મહત્તમ શાસન ભારતીય જનતા પક્ષના હાથમાં જ છે. તાજેતરમાં થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ચૂંટાયેલા મહત્તમ સરપંચો પણ ભાજપની વિચારધારા ધરાવતા હોવાનો દાવો કરાયો છે. આ પ્રકારની સ્થિતિમાં ગામડાઓથી ગાંધીનગર સુધી જો લોકોની મૂળભૂત સુવિધાઓ તથા જરૂરિયાતોને લઈને જ જો રજૂઆતોનો રાફડો ફાટતો હોય, આક્ષેપોની આંધી ઉઠતી હોય અને પ્રચંડ પ્રજાક્રોશ પ્રસરી રહ્યો હોય, તો તે નિષ્ફળતા કોની ? તેવો સવાલ ઉઠે અને તે માટે ભારતીય જનતાપક્ષ તથા રાજ્ય સરકારે આત્મમંથન કરવું જોઈએ.

જામનગર સહિત રાજ્યોના આઠ મહાનગરપાલિકાઓને ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાપડની થેલી, વેન્ડીંગ મશીનો અને રિવર્સ વેન્ડીંગ મશીનો દ્વારા પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરવાના સંદર્ભે કરેલા આદેશો ઉપરાંત દ્વારકા-સોમનાથ જેવા પર્યટન સ્થળોમાં નગરપાલિકાઓને પણ આ પ્રકારના મશીનો ભીડભાડવાળા સ્થળોએ સ્થાપિત કરવાનું જે સૂચન કર્યું છે, અને તેના સંદર્ભે સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીનું એફિડેવિટ માંગ્યું છે, તે દર્શાવે છેે કે ગુજરાતમાં પ્રદુષણ અને ગંદકીનું સામ્રાજ્ય કેટલું ફેલાયેલું છે. હાઈકોર્ટે જો આ પ્રકારના મુદ્દે પણ શાસન-પ્રશાસનોને વારંવાર સૂચનાઓ આપવી પડતી હોય તો તે સરકાર તથા રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે શરમજનક જ કહેવાય ને ?

ગુજરાત હાઈકોર્ટે રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરોને સારા શબ્દોમાં ટકોર કરી છે કે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનને માત્ર ફાઈલો-પરિપત્રોમાં મર્યાદિત રાખવાના બદલે હકીકતે તેનો અસરકારક અમલ થવો જોઈએ.

હકીકતે એક એડવોકેટે રાજ્યના મુખ્ય પર્યટન સ્થળો તથા નગરો-મહાનગરોમાં એક જાહેરહિતની અરજી કરી હતી. જેની સુનાવણી દરમ્યાન અદાલતે એમઆરએફનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો અને તેનો ચૂસ્ત અમલ કરવાની અનિવાર્યતા જણાવી હતી. એમઆરએફ એટલે મટીરીયલ રિકવરી ફેસિલિટી, જેમાં મશીનો દ્વારા પ્લાસ્ટિક કચરાને રિસાયકલીંગ કરવાનો પ્લાન...

રાજ્યની વડી અદાલતે તો આ આદેશનો આયોજનપૂર્વક ત્વરીત અને ચૂસ્ત અમલ માટે રાજ્ય મોનીટરીંગ કમિટી, રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરો, નગરપાલિકાઓના ચીફ ઓફિસરો અને પદાધિકારીઓ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અંતર્ગત નોંધાયેલા પ્લાસ્ટિક કચરાની પ્રક્રિયા કરતા યુનિટોને સાંકળીને રાજ્યકક્ષાએ રાજ્યવ્યાપી સંકલન સાથે ગાઈડલાઈન્સ અને ટાઈમલાઈન (સમયમર્યાદા) નક્કી કરવાની સૂચના પણ આપી છે, અને તેનો ભંગ થયેથી પાલિકા-મહાપાલિકાઓના મુખ્ય અધિકારીઓને વ્યક્તિગત રીતે જવાબદાર ઠરાવવાની ચેતવણી પણ આપી છે. બીજી તરફ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્લાસ્ટિક વેસ્ટનો કારભાર સંભાળતા સેલના ઉચ્ચ અધિકારી દ્વારા પણ અદાલત સમક્ષ એક એફિડેવિટ રજૂ કરીને અમદાવાદ-સુરતમાં કાપડની થેલીના વેન્ડીંગ મશીનોની સ્થાપના તથા પ્લાસ્ટિક બોટલો એકત્રિત કરવાના રિવર્સ વેન્ડીંગ મશીનો મુકવાની શરૂઆત કરી રહ્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ તેમાં જણાવેલી મશીનોની સંખ્યા મેટ્રોપોલિટન શહેરોના વિસ્તારો તથા વસતિની સરખામણીમાં ઉંટના મુખમાં જીરાની જેમ ઘણાં ઓછા છે. આ જાહેર હિતની અરજીની સુનાવણી ૧૨મી સપ્ટેમ્બરે થવાની છે, ત્યાં સુધીમાં રાજ્યની તમામ પાલિકા-મહાપાલિકાઓ (હાલાર સહિત) આ મુદે કેવા અને કેટલા પગલા ક્યારે અને કેવી રીતે ઉઠાવે છે, તે જોવું રહ્યું...

ગુજરાત હાઈકોર્ટે હમણાંથી અપનાવેલા અભિગમ મુજબ આ પ્રકારના વિષયોમાં રાજ્યવ્યાપી જનહિતને ધ્યાનમાં રાખીને અમદાવાદ કે કોઈ ચોક્કસ પાલિકા-મહાપાલિકાને સાંકળીને જાહેરહિતની અરજી થઈ હોય, ત્યારે તેની સુનાવણી તથા આખરી આદેશો કરે ત્યારે તે સંબંધિત શહેર કે વિસ્તાર પૂરતા મર્યાદિત નહીં રાખતા રાજ્યવ્યાપી આદેશો કરે છે, તો તે આવકારદાયક રહે છે.

રાજ્યમાં શહેરો-નગરોમાં અત્યારે જે અસંતોષ છે, તે ધીમે ધીમે જનાક્રોશમાં બદલી રહ્યો છે અને હવે તો રાષ્ટ્રીયકક્ષાએ વિચારધારા ધરાવતા લોકો પણ નગરો-મોટા શહેરો જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક સુવિધાઓને લઈને એટલા બધા નારાજ થવા લાગ્યા છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેઓ 'નોટા'માં મતદાન કરીને આ અસંતોષ સામૂહિક રીતે વ્યક્ત કરશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, જ્યારે ભાજપ-કોંગ્રેસથી કંટાળેલા લોકો આમઆદમી પાર્ટીનો ત્રીજો વિકલ્પ પસંદ કરે, તેવી સંભાવનાઓ પણ વધી રહી છે, તેવામાં "આપ"ના પ્રદેશપ્રમુખ ઈશુદાન ગઢવીએ આગામી મેયર આમઆદમી પાર્ટીના હશે, તેવો કરેલો દાવો આ બન્ને રાષ્ટ્રીય પક્ષોએ હળવાશમાં લેવા જેવો નથી, કારણ કે લોકો પાસે "મત"ની એ તાકાત છે, જેમણે જરૂર પડ્યે ઘણી વખત દેશની મજબૂત સરકારોને પણ ઘેર બેસાડી દીધી હોવાનો ઈતિહાસ છે !

કોંગ્રેસે ફરીથી અમિત ચાવડાને ગુજરાતનું સુકાન સોંપ્યું, પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક હજુ સુધી થઈ નથી, અને રાષ્ટ્રીય કક્ષાએ પણ એવું જ છે, ત્યારે ધનખડના રાજીનામા પછી તેના સ્થાને હરિવંશને બેસાડાયા છે, રાજનાથસિંહને આ પદ આપીને બંધારણીય સન્માન સાથે પરોક્ષ રીતે વિદાય કરી દેવાય છે કે પછી કોઈ નવો જ ચહેરો ગોઠવાય છે, તેની રાષ્ટ્રીય કક્ષાની સ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ અધ્યક્ષ નિમાયા પછી જ ગુજરાતનો વારો આવશે, તેથી એવી ટકોર પણ થઈ રહી છે કે "કૂવામાં હોય તો હવેડામાં આવે ને ?"

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial