એક વખત દેવાધિદેવ શિવજીએ માતા પાર્વતીજી સમક્ષ પોતે રૂંઢમાળા શા માટે ગળામાં ધારણ કરે છે તેનું રહસ્ય પ્રગટ કરતા જણાવ્યું કે, 'તમારા દરેક અવતાર બાદ તમારો દેહવિલય થાય ત્યારે તે સમયે તમારી ખોપરીને હું મારી આ રૂંઢમાળામાં પોરવી દઉં છું. કારણ કે, તમે મને અત્યંત પ્રિય છો.'
આ સમયે શિવજી અજર-અમર છે અને પોતાને વારંવાર અવતાર લેવા પડે છે એ વાત માતા પાર્વતીજીએ જાણી ત્યારે પોતે પણ અમર થવા માટેની જીદ્દ પકડી ત્યારે મહાદેવજીએ માતા પાર્વતીજીને જણાવ્યું કે, ' અમર થવા માટે અમર કથા સાંભળવી પડે. આ કથા કોઈ એકાંત પ્રદેશમાં જ થઈ શકે.'
માતા પાર્વતીજી એકાંત પ્રદેશમાં અમર કથા સાંભળવા તૈયાર થયા. ત્યારે શિવજી અને પાર્વતીજી કૈલાસથી નીચે નિર્જન પહાડીઓમાં આવ્યા. કાલાગ્ની રૂદ્રને શિવજીએ આજ્ઞા આપી કે આ પહાડોની આસપાસ કોઈ જીવ, જંતુ, પશુ-પક્ષી કે વૃક્ષ-ઝાડ-પાન ન રહેવા જોઈએ.
કાલાગ્ની રૂદ્રએ તે બધાયને બાળી નાખ્યા. પછી પહાડોમાં એક ગુફામાં બેસી અને શિવજીએ માતા પાર્વતીને કહ્યુ, 'હુ હવે અમર કથાનો પ્રારંભ કરું છું. તમે હોંકારો ભણતા રહેજો. કારણ કે, આ અમરકથા હું સમાધિ અવસ્થામાં તમને કહીશ. તમને મુક્તિની પ્રાપ્તિ થાય તેવું જ્ઞાન હું તમને આપીશ.'
આમ કહી શિવજી તો સમાધિ લગાડીને બેસી ગયા. તેમના મુખમાંથી અમરવાણીનું જ્ઞાન વહેલા લાગ્યું. પાર્વતીજી કથા સાંભળતાં સાંભળતાં હોંકારો દેવા લાગ્યા. પરંતુ આ કથા સાંભળતા પાર્વતીજીને તો ઝોંકુ આવી ગયું તેઓ નિદ્રાધિન થઈ ગયા.
જ્યારે અમરકથા પૂરી થઈ તો શિવજીએ આંખો ખોલીને જોયું તો માતા પાર્વતીજી તો ઘસઘમાટ નિદ્રામાં હતા ત્યારે શિવજીને પ્રશ્ન થયો કે, તો પછી પાર્વતીજીના બદલે હોંકારો કોણ દેતું હતું? તેમણે ગુફામાં ઉપર દૃષ્ટિ કરી તો તે કબુતરના બચ્ચાં દેખાયા. તે બોલ્યા, ' પ્રભુ, અમે આ માળામાં ઈંડા ના સ્વરૂપમાં હતા. આપે જ્યારે ગુફામાંથી પ્રાણવાયુ સમેટી લીધેલો ત્યારે અમારી માં અમને ઈંડા સ્વરૂપે મૂકી અને ઉડી ગઈ હતી. ત્યાર પછી ઈંડામાંથી અમે બહાર નીકળ્યા અને આપની અમરવાણી સાંભળી અમે જ હોંકારો દેતા હતા.
ત્યારે દેવાધિદેવ મહાદેવે કહ્યુ, ' અમર કથા સાંભળી તમે અમર થઈ ગયા પરંતુ પાર્વતીજી અમર ન થઈ શક્યા.' આજે પણ અમર થયેલા તે કબુતરના અમરનાથજીની ગુફામાં દર્શન થાય છે.
આ અમરનાથજીની ગુફામાં સ્વયંભુ બરફનું શિવલીંગ થાય છે. જે એકમના નાનું થઈ જાય છે અને પૂનમના પરિપૂર્ણ થાય છે. ત્યાં બરફના સુતેલી સ્થિતિમાં પાર્વતી માતા અને ગણેશજી પણ બિરાજે છે. અષાઢ સુદ પૂર્ણિમાથી શ્રાવણ સુદ પૂર્ણિમા સુધી અહીં દર વર્ષે મેળો ભરાય છે. આ અમરનાથજીની યાત્રા કરી ભાવિકો ધન્યતાનો અનુભવ કરે છે.
- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)