
અનેક લીલા કરનારા ભગવાન વિષ્ણુએ એક વખત કોઈ કારણોસર લક્ષ્મીજીને ભૂલોકમાં અશ્વયોનીમાં જન્મ થાય, તેવો શાપ આપ્યો. ભગવાનની દરેક લીલાઓમાં કોઈને કોઈ રહસ્ય અવશ્ય છુપાયેલું હોય છે. પરંતુ આ શાપ મળવાથી લક્ષ્મીજી અત્યંત દુઃખી અને વ્યથિત થયા. તેમણે પોતાનું દુઃખ અને વ્યથા વિષ્ણુ ભગવાન પાસે વ્યક્ત કરી.
વિષ્ણુ ભગવાને કહ્યું, ' હે દેવી, મારુ વચન અફળ તો નહીં જ થાય. પરંતુ થોડો સમય તમે અશ્વયોનીમાં રહેશો, પછી મારા જેવો જ એક પ્રભાવશાળી પુત્ર તમારે ત્યાં થશે. એ સમયે તમારી શાપમાંથી મુક્ત થશે અને તમે મારી પાસે આવી જશો.
ભગવાનના શાપનો ભોગ બનેલા લક્ષ્મીજીએ ભૂલોકમાં આવી અશ્વયોનીમાં જન્મ લીધો. કાલીન્દી અને તમસા નદીના સંગમપર ભગવાન શિવજીની લક્ષ્મીજીએ આરાધના કરવી શરૂ કરી. એક હજાર વર્ષ સુધી સતત શિવજીનું ધ્યાન તપ લક્ષ્મીજીએ અશ્વયોનીમાં કર્યું.
તેમની આ ઉગ્ર તપસ્યાથી દેવાધિદેવ મહાદેવજી અત્યંત પ્રસન્ન થયા. સાક્ષાત શિવજી માતા પાર્વતી સહિત વૃષભ ઉપર સવાર થઈ અશ્વ બનેલ લક્ષ્મીજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, 'હે દેવી, તમે તો જગતના માતા છો અને વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છો. તમે મુક્તિ-ભુક્તિ દેવાવાળા, આ સંપૂર્ણ જગતના સ્વામી વિષ્ણુ ભગવાનની આરાધના છોડી મારી આરાધના કેમ કરી રહ્યાં છો ?
વેદોમાં સ્પષ્ટ કહ્યુ છે કે, સ્ત્રીઓએ હંમેશાં પોતાના પતિની જ ઉપાસના કરવી જોઈએ. સ્ત્રી માટે તેના પતિથી વધારે કોઈ દેવતા નથી. પતિ ગમે તેવા હોય તેજ સ્ત્રીના આરાધ્ય દેવ હોય છે. ભગવાન નારાયણ તો પુરૂષોતમ છે, એવા દેવેશ્વર પતિની ઉપાસના છોડી અને તમે મારી ઉપાસના ક્યાં કરવા લાગ્યા ?
ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા, ' હે શિવજી મારા પતિ દેવના શાપથી જ મારો આ અશ્વયોનીમાં જન્મ થયો છે. આ શાપનો અંત મારે ત્યાં પુત્ર થશે ત્યારે થશે. પરંતુ હું મારા પતિદેવના સાંનિધ્યથી વંચિત છું. તેઓ વૈકુંઠમાં નિવાસ કરે છે. હે દેવાધિદેવ તમારી ઉપાસના મેં એ માટે કરી છે કે, હું શ્રી હરિ અને હરમાં કોઈ ભેદ જોતી નથી. આપ બન્નેય એક જ છો. માત્ર રૂપનો જ ભેદ છે તેવું શ્રી હરિએ મને કહેલું છે. તમારા એકત્વને જાણીને જ મેં તમારી આરાધના કરી છે. હે ભગવાન તમે મારા પર પ્રસન્ન થઈ મારું દુઃખ દૂર કરો.
ભગવાન શિવજીએ લક્ષ્મીજીના આ વચનોને સાંભળી અત્યંત પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુને આ બાબતે પ્રાર્થના કરવાનું વચન આપ્યું. અને શ્રી હરિને પ્રાપ્ત કરવા તથા મહાન પરાક્રમી પુત્ર પ્રાપ્ત થાય તેવું વચન પણ આપ્યું ત્યાર પછી શિવજી માતા પાર્વતી સહિત કૈલાસમાં ગયા.
કૈલાસમાં બુદ્ધિમાન એવા ચિત્રરૂપને બોલાવી તેને દુત બનાવી અને વૈકુંઠ મોકલાવ્યો. ચિત્રરૂપ દ્વારા ભગવાન શિવજીએ મોકલાવેલ સંદેશો સાંભળી તથા દેવી લક્ષ્મીજીની સ્થિતિને જાણી ભગવાન વિષ્ણુએ અશ્વનું રૂપ લીધું. એ રૂપ સાથે તેઓ લક્ષ્મીજી પાસે ગયા. સમયાન્તરે દેવી લક્ષ્મીને 'એકવીર' નામનો પુત્ર થયો. તેના દ્વારા જ 'હૈહય-વંશ'ની ઉપ્તત્તિ થઈ.
આ પ્રકારે લક્ષ્મીજીના શાપની નિવૃત્તિ થઈ અને ફરી એક વખત દિવ્ય શરીર ધારણ ધરી દેવી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠમાં ગયા. તેમની શિવ આરાધના સફળ થઈ ગઈ.
- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial