Sensex

વિગતવાર સમાચાર

ધારાસભ્યોના લેટર બોમ્બ... જવાબદારીની ફેંકાફેંકી નહીં, જવાબદારોને નશ્યત કરો...

                                                                                                                                                                                                      

ગીરના સિંહો ગુજરાતનું ગૌરવ છે અને સિંહગર્જનાની ગુંજ ભલભલાને થથરાવે તેવી હોય છે, પરંતુ જ્યારે સિંહનો મુદ્દો જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવાય, અને તે શાસન-પ્રશાસન માટે પડકારરૂપ બની જાય, ત્યારે તેના પડઘા રાજધાની સુધી પડે એ સ્વાભાવિક છે. અત્યારે ગુજરાતમાં ચાલતી સરકાર ભાજપની ત્રિપલ એન્જિન થિયરીનું એક એવું એન્જિન છે, જેની ઓન-ઓફ અને સિગ્નલ્સની સ્વીચો તો દિલ્હીમાં જ છે, પરંતુ હવે તો અદ્યતન ટેકનોલોજીનો પ્રયોગ કરીને ગિયર પણ ઉચ્ચકક્ષાએથી બદલાતા હોય, તેવી છાપ ઉપસી રહી હોવાનો કટાક્ષ થવા લાગ્યો છે, અને તેના સંદર્ભે ગુજરાતના ત્રણ અધિકારીઓની તાજેતરની અચાનક રાતોરાત થયેલી બદલીઓ અને પોષ્ટીંગને સાંકળવામાં આવે છે. ભૂતકાળમાં કેન્દ્રની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હોવાના આક્ષેપો થતા હતા, ત્યારે હવે રાજ્ય સરકારોની ગાડી પણ રિમોટ કંટ્રોલથી ચાલતી હોવાની ચર્ચા થઈ રહી છે, જેમાં વર્તમાન અને ભૂતકાળના શાસકપક્ષોમાં ગજબની સમાનતા હોવાના તારણો પણ વિશ્લેષકો કાઢી રહ્યા છે. ગુજરાતમાં તો સિંહોના મુદ્દે શાસક પક્ષના જ ધારાસભ્યો ઓપનલી રાજ્ય સરકારને ઘેરી રહ્યા હોય, તેમ સંબંધિત મંત્રીઓને પત્ર લખીને તેને સોશ્યલ મીડિયા તથા મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં જય-વીરૂ નામના લોકપ્રિય સિંહો પર અન્ય સિંહોના હૂમલાઓના કરણે મૃત્યુ થયા હોવાની ઘટના એટલા માટે ચર્ચામાં આવી ગઈ કે આ બંને સિંહો ખૂબજ લોકપ્રિય બન્યા હતા અને એક પછી એક તેના મૃત્યુ પછી ખ્યાતનામ સિંહપ્રેમીઓ તથા કેટલાક મોટા માથાઓએ તેનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ સાસણ-ગીરમાં સિંહો-સિંહણો અને બાળસિંહોના મૃત્યુના અવારનવાર અહેવાલો આવતા હોય છે, ત્યારે એકાદ દિવસ માટે નાનકડા ન્યુઝ બનીને રહી જતા હોય છે. જો કે, હવે ભારતીય જનતા પક્ષના જ ધારાસભ્યોએ આવા મુદ્દાઓ ઉઠાવ્યા હોવાથી તેની ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની છે.

ગઈકાલથી વાયરલ થઈ રહેલા અહેવાલો મુજબ ભાજપના જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વનમંત્રીને પત્ર લખીને ગીરમાં ઉપરાછાપરી બાળસિંહોના મૃત્યુ અંગે જોરદાર રજૂઆત કરી છે. તેમણે પત્ર દ્વારા સરકારને જણાવ્યું  છે કે બાળસિંહોના મૃત્યુ વનતંત્રની લાપરવાહી તથા નિષ્ક્રિયતાના કારણે થયા છે. જો બાળસિંહોના આરોગ્યની સમયોચિત ચકાસણી થતી હોત તો બાળસિંહોના મૃત્યુ અટકાવી શકાયા હોત. તેમણે જંગલમાં સિંહો માટે પીવાના પાણીના પોઈન્ટ વધારવા, અને બાળસિંહોના મૃત્યુના કારણોની ઉંડી તપાસ કરવાની માંગણી પણ ઉઠાવી છે.

એ ઉપરાંત અમરેલીના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ પણ રોષપૂર્ણ ભાષા સાથે સિંહોના સંદર્ભે રજૂઆતો કરી હોવાના અહેવાલો વહેતા થયા છે, તેમણે પણ વનમંત્રીને પત્ર લખીને પૂર્વ ગીર વિસ્તાર તથા પાલીતાણામાં છેલ્લા બે મહિનાથી સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે, તે અંગે સવાલો ઉઠાવ્યા છે અને પુછ્યું છે કે જંગલ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિયમ થતું હોય અને વનકર્મીઓ સક્રિય હોય તો આ રીતે સિંહોના મૃત્યુ થાય જ કેવી રીતે ?

બીજી તરફ લોકોની પ્રાથમિક જરૂરિયાતોના મુદ્દે પણ શાસકપક્ષના ધારાસભ્યો જ સંતુષ્ટ નથી, પરંતુ "શિસ્તબદ્ધતા" નું તાળુ લગાવેલુ હોવાથી તેઓ જાહેરમાં બહુ બોલતા હોતા નથી, અને પાર્ટીના પ્લેટફોર્મ કે સરકારમાં તેનું કોઈ સાંભળતુ હોતુ નથી, તે આ બધું જ  ફલસ્ટ્રેશન ઘણી વખત શાસક પક્ષના ધારાસભ્યો પણ તાલુકા-જિલ્લાકક્ષાની મિટિંગોમાં અધિકારીઓ પર ઉતારતા હોય છે. !

જો કે, આંદોલનોમાંથી નેતા બનેલા ભાજપના ધારાસભ્ય લાંબો સમય ચૂપ રહી શક્યા નહીં, તેમણે પોતાના મતક્ષેત્ર અને વતન વિરમગામમાં ગટરનો પ્રશ્ન ઉકેલવા પહેલા તો "શિસ્તબદ્ધ" રીતે રજૂઆતો કરી પરંતુ કોઈ સાંભળતું નહી હોય, તેથી પોતાનો "અસ્સલ" આંદોલનકારી સ્વભાવ દેખાડીને તેમણે આંદોલનની ચિમકી આપી દીધી, તે પછી એવું કહેવાય છે કે ગાંધીનગરથી આદેશો છૂટયા અને તંત્રોમાં હડિયાપટ્ટી પછી કેટલીક બદલીઓ પણ થઈ ગઈ. જે હોય તે ખરૃં, પરંતુ હાર્દિકભાઈનો પણ મોહભંગ થઈ ગયો હોવાથી ચર્ચા હવે મીડિયા અને સોશ્યલ મીડિયામાં થવા લાગી છે.

બીજી દૃષ્ટિએ જોઈએ, તો ભાજપના જ ધારાસભ્યો, સાંસદ કે અન્ય નેતાઓ દ્વારા પ્રગટતો આ આક્રોશ ભાજપમાં ચાલી રહેલી આંતરિક ગડમથલ અને ખેંચતાણ પણ દર્શાવે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બબ્બે વખત બદલી ગયા, પરંતુ કેન્દ્રીય મંત્રી બની ગયા પછી પણ સી.આર.પાટીલને ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે "ઓવરટાઈમ" કરવો પડી રહ્યો છે, જે દર્શાવે છે કે શાસક પક્ષમાં પણ બધું બરાબર નથી !

એક બીજો મુદ્દો આજે ચર્ચાના કેન્દ્રમાં છે. ગુજરાતમાં "નકલી" નો રાફડો ફાટ્યો છે અને આ નકલીઓ સીએમઓ અને પીએમઓ જ નહીં, અદાલતોના ક્ષેત્ર સુધી પગપેસારો કરવા લાગ્યા છે. નકલી ડોકટરો તો શેરીએ અને ગલીએ તથા ગામડે-ગામડે જોવા મળે છે, પરંતુ હવે તો ગેરકાયદે લેબોરેટરીઓ પણ ગુજરાતમાં ધમધમી રહી હોવા છતાં રાજ્ય સરકાર મૌન હોવાની આલોચના થઈ રહી છે. જો બારમું ધોરણ પાસ નકલી પેથોલોજીસ્ટ બનીને હકીકતે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જવાબદારીની ફેંકાફેંકી કરવાના બદલે જવાબદારો સામે કડક પગલા ભરવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial