Sensex

વિગતવાર સમાચાર

ગુરૂગ્રામમાં વાડ્રાને લાંચમાં મળી સાડા ત્રણ એકર જમીન !

 

એન્ફોર્સમેન્ટ ડાયરેકટર (ઈ.ડી.) દ્વારા ગંભીર આરોપ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા.૯: ઈ.ડી.એ રોબર્ટ વાડરા સામે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે તેને ગુરૂગ્રામમાં ૩.૫ એકર જમીન લાંચ તરીકે મળી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 'રોબર્ટ વાડ્રાએ ગુરુગ્રામમાં ૩.૫ એકર જમીન લાંચ તરીકે લીધી હતી,તેના માટે ૭.૫ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ જમીન બાદમાં રિયલ એસ્ટેટ કંપની  દિલ્હી લેન્ડ એન્ડ ફાઇનાન્સ (ડીએલએફ)ને ૫૮ કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવી હતી.'

ઈડી દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ અનુસાર, ઓંકારેશ્વર પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ (ઓપીપીએલ)એ આ જમીન સ્કાયલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ (એસએલએચપીએલ)ને ચૂકવણી કર્યા વિના આપી હતી. જેથી રોબર્ટ વાડ્રા પોતાના અંગત પહોંચનો ઉપયોગ કરીને તત્કાલીન હરિયાણાના મુખ્યમંત્રી અને ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ મંત્રી ભૂપિન્દર સિંહ હુડા પાસેથી ઓપીપીએલ માટે હાઉસિંગ લાઇસન્સ મેળવી શકે.

આ ઉપરાંત તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ હોવાને કારણે રોબર્ટ વાડ્રાનો  ભૂપિન્દર સિંહ હુડા પર વ્યક્તિગત પ્રભાવ હતો. આ જમીન ૧૨મી ફેબ્રુઆરી ૨૦૦૮ના  રજીસ્ટર કરવામાં આવી હતી, જેમાં ૭.૫ કરોડ રૂપિયાની ચુકવણી ચેક નંબર ૬૦૭૨૫૧ દ્વારા દર્શાવવામાં આવી હતી. પરંતુ આ ચેક ક્યારેય ક્લિયર થયો ન હતો. છ મહિના પછી બીજા ચેક દ્વારા ચુકવણી કરવામાં આવી હતી. આ ચેક સ્કાયલાઇટ રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડનો હતો, ખરીદનાર કંપની એસએલએચપીએલનો નહીં. એસએલએચપીએલની મૂડી માત્ર ૧ લાખ રૂપિયા હતી અને એસએલઆરપીએલના ખાતામાં ૭.૫ કરોડ રૂપિયા નહોતા. ૪૫ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ વાડ્રાની કંપની દ્વારા નહીં, પણ વેચનાર દ્વારા ચૂકવવામાં આવી હતી.

ઈડીના મતે રજિસ્ટ્રીમાં ખોટી ચુકવણી બતાવીને સોદો બેનામી રીતે કરવામાં આવ્યો હતો. ઈડીએ રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલી ઓછામાં ઓછી ત્રણ મોંઘી મિલકતો જપ્ત કરી છે, જેનો ઉલ્લેખ પ્રિયંકા ગાંધીએ નવેમ્બર ૨૦૨૪માં વાયનાડથી લોકસભા ચૂંટણી દરમિયાન આપેલા સોગંદનામામાં કર્યો ન હતો. કેરળ હાઈકોર્ટે આ મામલે પ્રિયંકાને નોટિસ ફટકારી હતી.

જનપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ હેઠળ ચૂંટણી સોગંદનામામાં ખોટી અથવા અધૂરી માહિતી આપવી એ ભ્રષ્ટ પ્રથા માનવામાં આવે છે, જેના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે અને જેલની સજા પણ થઈ શકે છે. ૧૬મી જુલાઈ ૨૦૨૫ના ઈડીએ ૩૭ કરોડ રૂપિયાથી વધુની મિલકતો જપ્ત કરી હતી. ૧૭મી જુલાઈ ૨૦૨૫ના ગુરુગ્રામ જમીન ડીલ પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ૨૮મી ઓગસ્ટ ૨૦૨૫ના ખાસ પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ એક્ટ હેઠળ કોર્ટ કેસની સુનાવણી કરશે અને આરોપો ઘડવાનો નિર્ણય લેશે. આ કેસમાં કુલ ૧૧ આરોપીઓ છે, જેમાં રોબર્ટ વાડ્રા અને ઓપીપીએલ પ્રમોટરો સત્યાનંદ યાદવ અને કેવલ સિંહ વિર્કનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial