Sensex

વિગતવાર સમાચાર

વૈશ્વિક ઘટનાક્રમોના ત્રિવેણી સંગમ સાથે ઉજવાયું જન્માષ્ટમી પર્વ... ચાલો, હવે ગણેશોત્સવની કરીએ તૈયારી...

                                                                                                                                                                                                      

જન્માષ્ટમીના તહેવારો ઉમંગભેર ઉજવાયા અને લાખો શ્રદ્ધાળુઓએ યાત્રાધામ દ્વારકામાં દર્શન કર્યા. આ વખતે બેટદ્વારકા પણ યાત્રિકોથી ઉભરાયું તો વરસાદી ઝાપટાઓ વચ્ચે પણ લોકોએ તહેવારોને મન ભરીને માણ્યા. જામનગર સહિત ઠેર-ઠેર નાના-મોટા લોકમેળાઓની મોજ પણ લોકોએ માણી. જામનગરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રાઓ તથા મટકીફોડના કાર્યક્રમોએ પણ રંગ જમાવ્યો હતો.

ધ્રોલના ભૂચર મોરીમાં પણ આ વખતે સ્વાતંત્ર્ય પર્વ, ભૂચર મોરીમાં શિતળા સાતમના દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ અને સાતમ-આઠમના તહેવારોનો ત્રિવેણી સંગમ રચાયો હતો અને ધ્વજવંદન પછી ઘોડાદોડ તથા તલવારબાજી સહિતની સ્પર્ધાઓ સાથે દેશભક્તિ, સંસ્કૃતિ અને શોર્યના ત્રિવિધ કાર્યક્રમો સાથે આન-બાન અને શાનથી તિરંગો લહેરાવાયો હતો. આ ગરિમામય માહોલ કાંઈક અલૌકિક જ જણાયો હતો.

આપણો દેશ વિવિધતામાં એકતા અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને વરેલો છે, અને તમામ તહેવારો મોટાભાગે સાર્વજનિક અને સામૂહિક ઉત્સવો બની જતા હોય છે. આપણો દેશ આખી દૂનિયાની વિવિધ સંસ્કૃતિઓ અને સભ્યતાઓને સમાવીને બેઠો છે અને આપણી ભવ્ય પ્રાચીન વિરાસતને અનુરૂપ ગરિમામય ઢબે માનવતા, સભ્યતા અને સંસ્કારોની ત્રિવેણી સમગ્ર વિશ્વમાં વહાવતો રહ્યો છે.

એક તરફ દેશમાં જન્માષ્ટમીના તહેવારો ઉજવાઈ રહ્યા હતા, ત્યારે વિશ્વમાં અનેક ઘટનાક્રમો એવા સર્જાઈ રહ્યા હતા, જેથી ભારત સહિત વિશ્વના મહત્તમ રાષ્ટ્રોનું ધ્યાન પણ ખેંચાયું હતું અને પ્રભાવિત પણ થયા હતા. ખાસ કરીને ટ્રમ્પ-પુતિનની મુલાકાત અને તેની ફલશ્રુતિની ચર્ચા "ગ્લોબલ ટોક" નો વિષય બની ગઈ હતી.

અમેરિકા-ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદના સંદર્ભે વડાપ્રધાને જયારે ગઈકાલે કેન્દ્ર સરકારની ઈકોનોમિક બોર્ડની મહત્ત્વપૂર્ણ મિટિંગનો નિર્ણય લીધો હોવાના અહેવાલો આવ્યા, ત્યારે જ ભારત સરકાર ટેરિફના મુદ્દે કોઈ મહત્ત્વપૂર્ણ રણનીતિ ઘડવા જઈ રહી હોવાના સંકેતો મળ્યા હતા. આ બેઠક એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ૫૦ ટકા ટેરિફના કારણે ૪૦અબજ અમેરિક ડોલરના મૂલ્યની ભારતીય નિકાસને અસર પહોંચે તેવી સંભાવનાઓ જણાવાઈ રહી હતી.

બીજો ઘટનાક્રમ ચીનના વિદેશમંત્રી વાંગ-ચી ની ભારતની મુલાકાત પછી વડાપ્રધાનનો ચીનનો ગોઠવાઈ રહેલો કાર્યક્રમ છે. આ પ્રવાસ દરમ્યાન ચીન-ભારત વચ્ચે નોંધપાત્ર કરારો થાય છે કે કેમ ? તે જોવાનું પણ ઘણું જ રસપ્રદ રહેશે.

આ તરફ વડાપ્રધાન યુનોની સામાન્ય સભા માટે અમેરિકા જાય, તે સમયે ટ્રમ્પ-મોદીની મુલાકાત દરમ્યાન ભારતને રાહત મળશે, તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી હતી, પરંતુ અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારત-યુએસએ વેપાર કરાર માટે છઠ્ઠા તબક્કાની વાતચીત કરવા ભારત આવવાનું હતું, તે પ્રવાસ જ રદ થઈ જતા ગુંચવણ સર્જાઈ છે, અને અમેરિકા અને ખાસ કરીને વડાપ્રધાનના મિત્ર હોવાનો દાવો કરતા ટ્રમ્પ ટેરિફ મુદ્દે ભારતને કોઈ રાહત આપવાના મૂડમાં જ નહીં હોવાના અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.

આ અંગે એક અભિપ્રાય એવો પણ સામે આવી રહ્યો છે કે પુતિન-ટ્રમ્પની વાટાઘાટો દરમ્યાન પુતિને ભારત સાથેના વ્યાપાર માટેની મુખ્ય શરત રાખી હોવાથી રશિયા-યુક્રેનનો યુદ્ધવિરામ થતાં જ ભારત પરથી વધારાનો તમામ ટેરિફ ઉઠાવી લેવાનું નક્કી થઈ ગયું હોય તો પણ છઠ્ઠા તબક્કાની વાટાઘાટો નિરર્થક બની ગઈ હોય, તેવું પણ બની શકે. જે હોય તે ખરૃં, ટેરિફ સંબંધિત ઘટનાક્રમોના આ ત્રિકોણે એ પૂરવાર કરી દીધું છે કે બધાને વહાલા થવા જવાની લ્હાયમાં કોઈ પોતાનું જ ન રહે, તેની તકેદારી રાખવી પણ અત્યંત જરૂરી છે !!!

હવામાન ખાતાએ ૬ દિવસ માટે વિવિધ આગાહી કરી છે, ત્યારે ગુજરાતમાં શ્રીકાર વરસાદ પડ્યો છે, ત્યાં ત્યાં મોસમ ખીલી ઉઠી છે અને જગતનો તાત ખુશખુશાલ છે, પરંતું જ્યાં હજુ વરસાદની જરૂર છે, ત્યાં ત્યાં આગામી અઠવાડિયા દરમ્યાન શ્રીકાર વરસાદ થઈ જાય તેવું ઈચ્છીએ, અને હવે આગામી ગણેશોત્સવ ઉજવવાની તૈયારીમાં લાગી જઈએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial