Sensex

વિગતવાર સમાચાર

મેળો-મોજ, મસ્તી, મજાક અને પછી...માંદગી

                                                                                                                                                                                                      

મેળો એટલે કે રમેશ પારેખના શબ્દોમાં કહું તો *મનપાંચમનો મેળો*. એ તો એક મન ભરીને માણવાનો ઉત્સવ છે, સાચું કહું તો જિંદગી આખીનું સંભારણું છે. મેળો, એવો ઉત્સવ કે જ્યાં ભલે તમારું વેલેટ ખાલી થતું જાય પરંતુ મન તો એકદમ ભરાઈ જાય છે.. સાચું કહું તો મેળો  તો એક સાચા ભારતીય તરીકેની આપણી આગવી ઓળખ છે.

મેળો એટલે એક એવી જગ્યા કે જ્યાં ભીડ વધારે હોય અને રસ્તા બિલકુલ ઓછા હોય. અને કદાચ રસ્તા ન હોય તો પણ શું ? હૈયે - હૈયું દળાય  એવી જ્યાં ભીડ થતી હોય, ત્યાં રસ્તાની જરૂર પણ શું છે ?

કાઠીયાવાડમાં તો મેળાનો અર્થ જ છે ઠેરઠેર થતો ટ્રાફિક જામ, લાઉડ સ્પીકરમાં સતત સાંભળવા મળતા ભજનો, હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતો અને તેની સાથે સતત સાંભળવા મળતી વિવિધ પ્રકારની જાહેરાતો.

મેળો માણવાના અતિ ઉત્સાહમાં ઘણીવાર મા -  બાપની આંગળીએથી બાળકો છૂટા પડી જાય છે, અને શરૂ થાય છે બાળકને શોધવા માટેની ભાગદોડ. હવે આ છૂટું પડેલું બાળક તો થોડીક વારમાં જ સ્ટેજ ઉપર પહોંચી જાય છે, અને સ્ટેજ ઉપરથી એનાઉન્સમેન્ટ થાય છે કે, *એક છ વર્ષની છોકરી કે જેનું નામ અમી છે, ભૂરા ભૂરા વાળ છે અને જેના એક હાથમાં બલૂન છે અને બીજા હાથમાં ચોકલેટ, તેના મા બાપ ખોવાઈ ગયા છે. અમીને તેના ખોવાયેલા મા બાપની ખૂબ જ ચિંતા થાય છે. જો કોઈને મળે તો સ્ટેજ ઉપર પહોંચાડશો, અમી તેનો ખૂબ ખૂબ આભાર માનશે..*

મેળામાં એવા પણ ઘણા લોકો જોવા મળે છે કે જેઓ આખું વર્ષ ઘરમાં જ રહેતા હોય, પરંતુ જન્માષ્ટમીના મેળાની જાહેરાત થતા  મેળામાં જવાની તૈયારી શરૂ કરી દે છે. કુટુંબમાં ભલે પાંચ સભ્યો હોય પરંતુ નાસ્તો તો ૧૦ - ૧૧ નો જ બનશે. કારણ કે તેમને ખાત્રી હોય કે મેળામાં તો ચોક્કસ મિત્રો કે સંબંધીઓ મળી જ જશે.

મેળામાં જવાનું થાય એટલે કુટુંબના દરેક સભ્ય પાસે પોતાનું પર્સ હોવાનું જ, જો કે પૈસા તો માત્ર પપ્પાના પર્સમાં જ હોવાના... !

આજથી લગભગ ૪૫ વર્ષ પહેલાં મને વિજયા બેંકમાં નોકરી મળી. અમારા મેનેજર સાઉથ ઇન્ડિયન હતા, સ્વાભાવિક રીતે જ આપણી મેળાની સંસ્કૃતિથી તેઓ બિલકુલ અજાણ. તેમની પાસેથી મેળામાં જવા માટે વહેલા જવાની રજા માંગી તો તેમણે તરત જ પૂછ્યું, *વોટ ઇસ મેલા ?*

અમે મેળા વિશે ટૂંકમાં સમજાવ્યું એટલે અમને તો રજા આપી, અને પછી  તેઓ પણ મેળામાં ફરવા પહોંચી ગયા. તેઓ યંગ હતા. તેમને મેળામાં એટલી બધી મજા આવી કે બીજા સોમવારે સવારે બેંક ખુલતા જ કેશિયરને બોલાવીને કહી દીધું કે, *દેખો ભઈ, આજ મેલા હૈ, તો કેશ જલદી બંધ કરના, મેલે મેં જાના હૈ...!!*

જોકે મેળાનું આકર્ષણ તો છે મેળામાં આવેલી અનેક નવી નવી રાઇડ્સ. જેમાંની એકનું નામ છે, *ડ્રેગન રાઈડ*. આ રાઈડમાં તો બેસવું જ પડે અને પછી રાઈડ ચાલુ થાય એટલે અંદરથી ચીસો પણ પાડવી પડે.

મેળાનું આટલું મોટું આકર્ષણ હોવા છતાં પણ ડોક્ટર રાજન અમારી સાથે મેળામાં ઓછા આવે, ખાસ કરીને છેલ્લા મેળામાં તો ન જ આવે. અમે ડોક્ટર રાજનને મેળામાં આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો એટલે તેમણે સવાલ કર્યો, *મેળામાં બધી રાઇડમાં બેસવાના ને ?*

*હા, ચોક્કસ બેસવાના..*

*અને પછી છેલ્લે નાસ્તો કરવાના ને?*

*હા, નાસ્તો તો કરવો જ પડે ને ?*

*શું નાસ્તો કરશો ?*

*લગભગ તો ફાસ્ટ ફૂડની કોઈ પણ આઈટમ.*

*અને મારે ફાસ્ટ ફૂડ ખાઈને માંદુ નથી પડવું..!!* આટલું કહીને ડોક્ટર સાહેબે ચાલતી પકડી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial