Sensex

વિગતવાર સમાચાર

સિકકા મત્સ્ય ઉછેર કેન્દ્ર દ્વારા મોતીછીપોના ખજાનાની પરંપરાગત જાળવણી

૩૪ વિવિધ પ્રજાતિઓના ટેસ્ટીંગઃ સ્વચ્છતા રહે તો પક્ષીઓ માટે સ્વર્ગ બની શકે તેવું સ્થળ છે

                                                                                                                                                                                                      

ગાંધીનગરની કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત સિક્કાના મત્સ્ય સંશોધન કેન્દ્ર કે જેમાં કલ્ચર્ડ મોતી પકવી શકે તેવી મોતીછીપોનું સંવર્ધન કાર્ય કરવામાં આવે છે તે સ્થળની રૂબરૂ મુલાકાત *નોબત દૈનિક*ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ સંશોધન કેન્દ્રના રિસર્ચ ઓફિસર ડોક્ટર હિતેશ કરડાણી દ્વારા  મોતીછીપોના રસપ્રદ ઇતિહાસ તથા સંશોધનની વિગતો નોબત દૈનિકને આપવામાં આવી હતી.

છીપમાં સાચા મોતી કેવી રીતે બને તે અંગે તે અંગે ડો હિતેશે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કુદરતમાં દરિયાની અંદર રહેલી છીપોના શરીરમાં આકસ્મિક રીતે કોઈ પદાર્થ ચાલ્યો જાય ત્યારે તે તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને તે અસમર્થ થાય તો તે પદાર્થની આસપાસ કેલ્શિયમ કાર્બોનેટથી બનેલ નેકરનો સ્ત્રાવ થાય છે અને તે જ પ્રક્રિયાથી તેમાં મોતી બને છે જેને કુદરતી મોતી કહેવાય છે. જ્યારે મનુષ્ય દ્વારા છીપમાં મોતી મેળવવાના હોય ત્યારે મોતી બનાવનારી છીપના શરીરમાં કોઈ બીડ દાખલ કરવામાં આવે છે અને તેનાથી જે મોતી બને છે તેને કલ્ચર્ડ મોતી કહેવાય છે. બંને મોતીની બનાવટ છીપમાંથી સ્ત્રાવ થતા પદાર્થથી એક સમાન રીતે જ બનતી હોય તેથી બંનેને સાચા મોતી જ કહી શકાય; ફર્ક માત્ર એટલો છે કે માનવ દ્વારા નિર્મિત મોતીમાં ન્યુક્લિયસ દાખલ કરેલ હોય છે.

વિશ્વમાં મોતીછીપોની લગભગ ૨૦ પ્રજાતિઓ છે.જેમાંથી ૬ પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. તમિલનાડુ તથા ગુજરાતમાં કચ્છના અખાતમાં પિંકટાડા ફુકાટા નામની પ્રજાતિ જોવા મળે છે.

મોતીછીપો એક પ્રકારનો જીવ જ છે કે જે દરિયામાં ખોરાક લે છે. આ ખોરાક પ્લેન્કટોન તરીકે ઓળખાય છે. પરંતુ, દરિયામાં થતા વિવિધ માનવસર્જિત પ્રદૂષણ અને માછલી પકડવા માટે માછીમારો દ્વારા થતા રસાયણોનો ઉપયોગના લીધે પ્લેન્કટોન અને મોતી છીપનું અસ્તિત્વ ખતરામાં આવી જાય છે. વાસ્તવમાં, આ પ્લેન્કટોન એ દરિયાની શુદ્ધિ અને સફાઈનું બેરોમીટર છે. પ્લેન્કટોનની સંખ્યા જેમ ઓછી તેમ દરિયામાં ચોક્કસ વિસ્તારમાં પ્રદૂષણ વધ્યું છે એવું કહી શકાય અને પ્લેન્કટોન ઘટે તો મોતીછીપો ખાય શું? મોતીછીપોની સંખ્યા ઘટે એટલે દરિયામાં તેના પર નભતા અન્ય પરોપજીવીઓનું જીવન પણ જોખમાય અને પ્રકૃતિનું ચક્ર ક્રૂર રીતે ખોરવાઈ જાય. તેથી પ્લેન્કટોન અને મોતીછીપને માનવ સર્જિત પ્રદુષણો જેવા કે જલ પ્રદૂષણ,માટી પ્રદૂષણ, થર્મલ પ્રદૂષણ, કિરણોત્સર્ગી પ્રદૂષણ અને પ્લાસ્ટિક પ્રદૂષણ વગેરેથી બચાવવા શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવતા હોય છે.

હાલમાં મોતીછીપોને કચ્છના અખાતના ગુઝ, નરારા, પીરોટન કાળુભાર, સચાયા, દાંતિયા, અજાડ વગેરે જગ્યાઓથી ભેગી કરી પ્રયોગશાળામાં લાવવામાં આવે છે. તેમનું સંવર્ધન કરવામાં આવે છે. બાદમાં મોતીછીપના બચ્ચા ૧ થી ૨ મીમી સાઈઝ જેવડા થાય ત્યારે માર્ચ એપ્રિલમાં અનુકૂળ વાતાવરણમાં તેમને જુદા જુદા દરિયાઈ ટાપુમાં પિંજરામાં મૂકીને રાખવામાં આવે છે. મોતીછીપોને મોતી પકવવા માટે થોડી મોટી સાઇઝની છીપ થવા દેવી પડે છે. તેમાં બીડ દાખલ કરી ચાર વર્ષ સુધી, ચાર થી પાંચ સેન્ટિમીટર સાઈઝના બની જાય ત્યાં સુધી પ્રયોગશાળામાં તાપમાન અને વિવિધ ખોરાક આપી સાચવવા અનુકૂળ ન હોવાથી હાલમાં પ્રાથમિક સ્તરે નાની સાઈઝની મોતીછીપોને જ દરિયામાં મૂકવામાં આવે છે. ૨૦૦૯ના વર્ષથી લઈને અત્યાર સુધીમાં દર વર્ષે જુદી-જુદી ઉંમરના ૨ થી ૩ કરોડ મોતીછીપોને સિક્કા મત્સ્ય ઉછેર કેન્દ્ર દ્વારા કચ્છના અખાતી વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે. મોતીછીપના બચ્ચાને દરિયામાં તેમના કુદરતી નિવસન તંત્રમાં છોડવા માટે વન વિભાગ આર્થિક તેમજ વહીવટીરૂપે મદદરૂપ થાય છે. આ સાથે મત્સ્યખાતું વિવિધ સરકારી એજન્સીઓ જેવી કે, મરીન પોલીસ,કોસ્ટગાર્ડ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ વગેરે પણ સર્વે દરમિયાન  દરિયાઈ જીવોનાં કલેક્શનમાં આવશ્યક મંજૂરીની પ્રક્રિયા બાદ સહાયરૂપ બને છે.

ખારા પાણી અને મીઠા પાણીની મોતી છીપો અલગ અલગ હોય છે. હાલમાં, અહીં પ્રયોગશાળામાં ઉકાઈથી મીઠા પાણીના મોતીછીપો લાવીને સંશોધન કરવામાં આવી રહૃાું છે, જેમાં સફળતા પણ મળી રહી છે.

અહીં મત્સ્ય ઉછેર કેન્દ્ર ખાતે હાલ ૧૮૪ થી વધુ જાતની માછલી, ૭૨ જાતના કરચલા, કોડી, મૃદુકાયનું સંગ્રહાલય છે જેને આવનારા સમયમાં વધુ અદ્યતન અને ડિજિટલ બનાવવામાં આવશે. આર્થિક રીતે ફાયદાકારક સમુદ્રી જીવો તથા ઇકોલોજીકલી સહાયરૂપ દરિયાઈ જીવ સૃષ્ટિના સંવર્ધન માટેના બે પ્રોજેક્ટની સરકાર દ્વારા તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે

સમુદ્રી જીવસૃષ્ટિનો અભ્યાસ કરતા સંશોધકો અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ આ રોમાંચક સંશોધન કેન્દ્રની મુલાકાત લેવામાં આવે છે.

સિકકા મત્સ્ય કેન્દ્રનો

સંક્ષિપ્ત ઈતિહાસ

નવાનગર સ્ટેટના સમયમાં જામનગરમાં કુદરતી રીતે પીરોટન ટાપુ તથા  સિક્કાના આસપાસના વિસ્તારમાં સાચા મોતી મેળવવામાં આવતા. તેથી તે સમયમાં નવાનગર સ્ટેટના મહારાજા જામસાહેબ વિશ્વભરમાં *મોતીવાળા મહારાજા* તરીકે ઓળખાતા હતા. ત્યારે *મોતી ખાના*નામથી મત્સ્ય ઉદ્યોગની એક વસાહત સિક્કામાં જ ઉભી કરવામાં આવી હતી. આ જગ્યાએ માછીમારો દરિયામાંથી શોધેલી મોતીછીપો જમા કરાવતા હતા તેના બદલામાં તેમને નવાનગરની કોરી , અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવતી હતી. જામનગરના આ સાચા મોતી વિશ્વભરમાં પોતાની ચમકથી પ્રસિદ્ધ હતા. વર્ષ ૧૯૪૭માં રજવાડાઓના ભારતમાં વિલીનીકરણ બાદ  ગુજરાત સરકારના મત્સ્ય વિભાગ  દ્વારા અહીં મત્સ્ય સંશોધન કેન્દ્ર કાર્યરત છે.

૧૯૮૦ના વર્ષ સુધી અહીં મોતીછીપમાંથી સાચા મોતી મેળવવામાં આવતા હતા. બાદમાં, ફિશરીઝ સંશોધન કેન્દ્ર સિક્કાની સ્થાપના ગુજરાત સરકારના ફિશરિઝ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે મહત્વપૂર્ણ દરિયાઈ મૃદુકાય પ્રાણીઓ અને તેમના રહેઠાણોનો સર્વે સંરક્ષણ ઉત્પાદન અને પ્રજનન માટે ટેકનોલોજી વિકસાવવાનો હતો. આ સંશોધન કેન્દ્રનો પાયો દરિયાઈ પ્રાણી શાસ્ત્રી ડોક્ટર જેમ્સ હોર્નેલના પ્રશંસનીય કાર્યથી પ્રભાવિત હતો જેમણે ઓખા મંડળ પ્રદેશના દરિયાઈ પ્રાણીસૃષ્ટિનો વ્યાપક અભ્યાસ કર્યો હતો વર્ષ બે ૧૯૯૨માં આ કેન્દ્રને ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં તબદીલ કરવામાં આવ્યું હતું અને બાદમાં વર્ષ ૨૦૦૪ માં તેને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત એકીકૃત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાલમાં ૦૧ એપ્રિલ ૨૦૨૩ થી અન્ય મત્સ્ય ઉદ્યોગ સંશોધન એકમો સાથે કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર અંતર્ગત આ સંશોધન કેન્દ્રની કામગીરી ચાલુ છે.

સાચા મોતી પકવવા માટે મોતીછીપોનું અસ્તિત્વ મુખ્ય જરૂરિયાત બની રહે છે. તેથી આ મોતીછીપોના સંવર્ધનની કામગીરી ૨૦૦૯ના વર્ષથી અહીં કરવામાં આવી રહી છે.

મોતીની વિવિધરંગી ચમક

કચ્છના અખાતમાં મોતીછીપનું કુદરતી રહેણાંક  સચાણાથી અજાડટાપુ સુધી આવેલ છે. આ મોતીછીપોમાં પાકતા મોતીનો રંગ આછા ગુલાબી ઝાંય અને ક્રિમીશ રંગના હોય છે.જ્યારે આંદામાન નિકોબારમાં મળતી છીપ પિંકટાડા માર્ગરીટીફેરામાં કાળા રંગના મોતી પેદા થાય છે.જાપાનની વાત કરીએ તો ૭ મી.મી. થી વધુ મોટા ગોળાકાર ઓકાયા પ્રકારના મોતી માટે જાપાન પ્રસિદ્ધ છે, જેની વિશ્વ કક્ષામાં ખૂબ ઊંચી કિંમત મળે છે. મોતીના નિકાસની વાત કરીએ તો, ખારા પાણીના મોતીની વિશ્વભરમાં નિકાસમાં જાપાન અગ્રેસર છે. જ્યારે મીઠા પાણીના મોતીના ઉત્પાદનમાં વાર્ષિક ૪૫૪ ટન જેટલા ઉત્પાદન સાથે ચીન અગ્રેસર છે.

વિશ્વમાં આજકાલ વધુ પ્રચલિત 'માબેપર્લ' તરીકે ઓળખાતા મોતી એ માનવસર્જિત કલ્ચર્ડ મોતીનો એવો એક પ્રકાર છે કે જેમાં, મોતીની અંદર ઇચ્છિત આકારનું બીડ દાખલ કરી ઉદાહરણ તરીકે ઓમ, સ્વસ્તિક વગેરે, તેવા જ આકારનું મોતી મેળવવામાં આવે છે.

કચ્છના અખાતની વિવિધ દરિયાઈ જીવસૃષ્ટિનું સંવર્ધન

કચ્છના અખાતમાં જોવા મળતા વિવિધ દરિયાઈ જીવો જેવા કે ૮૫ વિવિધ પ્રકારનાં કરચલા, સી અર્ચીન, સ્ટાર ફીશ, એડીબલ ઓયસ્ટર, ૨૪  વિવિધ પ્રકારના સી સ્લગ વગેરેની ૫૦થી વિવિધ જાતોનું સિક્કા મત્સ્ય ઉછેર કેન્દ્રની લેબોરેટરીમાં કેપ્ટીવ બ્રીડીંગ કરી તેમના બચ્ચાને તેમના નીવાસન તંત્રમાં છોડવામાં આવે છે.

કચ્છના અખાતમાં દુર્લભ એવી ઈલ માછલી પણ તાજેતરમાં મત્સ્ય ઉછેર કેન્દ્રની લેબોરેટરીનું મહેમાન બની છે.

કરચલાની વિશેષ વાત કરીએ તો, ભારતમાં તેની લગભગ ૯૫૦ જેટલી અને ગુજરાતમાં ૧૯૦ જેટલી પ્રજાતિઓ જોવા મળી છે. માત્ર સિક્કા દરિયા કિનારા પરથી જ અહીંની કચેરી દ્વારા ૮૫ કરતા વધુ પ્રજાતિની નોંધણી થયેલ છે. જેમ અળસિયા જમીનની ગુણવત્તાના રખેવાળ છે તે જ પ્રકારે 'કરચલા' દરિયાના સફાઈ કામદારો છે અને દરિયાઈ જીવોનાં પોષણચક્રને જાળવી રાખવામાં મહત્ત્વની સાંકળ છે.

તાજેતરમાં ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં મૂકવા માટે મીઠા પાણીની માછલીઓનું સંવર્ધન પણ અહીંની કચેરી દ્વારા કરવામાં આવ્યું છે.

:: મુલાકાત-આલેખન :: તોરલ ઝવેરી

તસ્વીરઃ પરેશ ફલીયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial