આખરે ટ્રમ્પનો ટેરિફ ટેરરનો બોમ્બ ફૂટયો -- ભારતથી થતી આયાત પર ૫૦% ટેરિફ. અને એ સાથે જ આપણા ભારતવાસીઓના સંકલ્પોનો વરસાદ વરસ્યો, અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરો. અહીં જોવાની ખૂબી એ છે કે અમેરિકન વસ્તુઓના બહિષ્કારના આ સંકલ્પની જાહેરાત પાછી અમેરિકન કંપનીઓના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી જ થઈ..!
એમ તો આપણે વર્ષો થયા ચીનની વસ્તુઓના બહિષ્કારનો સંકલ્પ કરીએ છીએ, અને પછી એ શુભ સંકલ્પની જાહેરાત આપણે નવા જ ખરીદેલા મેઇડ ઈન ચાઇનાના સ્માર્ટ ફોન ઉપર કરીએ છીએ... બોદા સંકલ્પો -- બિલકુલ પ્લાસ્ટિક જેવા જ તકલાદી...!!
પ્લાસ્ટિકનું પ્રદૂષણ પણ આજકાલ ખૂબ જ વધતું જાય છે. સરકાર પણ આ ઘટાડવા ખૂબ જ જાગૃત છે. અને એટલા માટે જ સરકાર વારંવાર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ પણ મૂકે છે. પરંતુ પ્લાસ્ટિક પરના વપરાશનો આ પ્રતિબંધ તો પ્લાસ્ટિક કરતા પણ વધુ તકલાદી પુરવાર થાય છે.
લોકોમાં પ્લાસ્ટિકના પ્રદૂષણ વિશે જાગૃતિ લાવવા માટે અવારનવાર સભા, સરઘસ કે સેમિનાર જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આવા જ એક કાર્યક્રમમાં નટુ ગયેલો જ્યાં તેને એક ટીશર્ટ મળેલું તેના પર લખેલું હતું કે, *પ્લાસ્ટિકનો ત્યાગ કરો.* .
નટુ આ *પ્લાસ્ટિકનો ત્યાગ કરો* એવું લખેલું ટીશર્ટ પહેરીને બજારમાં ગયેલો, અને પછી બજારમાંથી પાછો આવ્યો ત્યારે તેની પાસે દસ ઝભલા થેલી, થોડા પ્લાસ્ટિકના કપ અને પ્લાસ્ટિકના રેપર વિટેલા નાળિયેર હતા..!
આપણા જીવનમાં પ્લાસ્ટિકનો પ્રવેશ તો બિલકુલ ચૂપચાપ રીતે થયો છે, નાજુક, નમણી શોપિંગ બેગ તરીકે. અને આજે તો આપણા શહેરમાં, નદી-નાળાઓમાં, પ્રાણીઓના પેટમાં, ટૂંકમાં કહું તો અત્ર, તત્ર, સર્વત્ર, પ્લાસ્ટિકનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.
પ્લાસ્ટિકની સૌથી મોટી તકલીફ એ છે કે તેનો કુદરતી રીતે ઝડપથી નાશ થતો નથી, જાણે કે તે અમર પટ્ટો લખાવીને આવ્યું છે. માટે જ પ્લાસ્ટિકને રિસાઈકલ કરવું અત્યંત જરૂરી છે.
તમે જ્યારે કોઈપણ ઇન્ડિયન આંટીને પ્લાસ્ટિક વિશે પૂછશો એટલે તરત જ તે તમને એક મોટું ડ્રોઅર દેખાડશે કે જેમાં ખાલી દૂધની થેલીઓ, જન્મદિવસના બલૂન, મેળામાંથી લીધેલા રમકડાના પ્લાસ્ટિકના પેકિંગ, દિવાળીની ગિફ્ટના સાચવી રાખેલા રેપર, અને એવી બીજી અનેક નકામી પ્લાસ્ટિકની વસ્તુઓનો સંગ્રહ દેખાડશે. જી હા આપણે પ્લાસ્ટિકનો રીયુઝ નથી કરતા, આપણે તો પ્લાસ્ટિકનો સંગ્રહ કરીએ છીએ.
આપણે જ્યારે ફરવા જઇએ છીએ ત્યારે રસ્તામાં નાસ્તો તો કરવો જ જોઈએ ને ? આ નાસ્તો કરવા માટે જ આપણે પોટેટો ચિપ્સના પેકેટ, બિસ્કીટના પેકેટ, ફાસ્ટ ફૂડ ના પેકેટ, વગેરે આપણી સાથે લઈ જઈએ છીએ અને નાસ્તો કરીને પછી તેના રેપર, મોટરનો કાચ થોડો ખોલીને, એક ઓલિમ્પિકના નિશાનેબાજની જેમ, સીધા કોઈ ઉભરાઈ રહેલી ગટરમાં નાખીએ છીએ.! સાથે સાથે એવી કોમેન્ટસ પણ કરીશું કે, *સ્વચ્છતા અભિયાન તો મોદીજી ચલાવે છે, હવે પછી એ જોઈ લેશે..!!*
વિદાય વેળાએ : આ પ્લાસ્ટિક પરના પ્રતિબંધની વાત કરતા જ મને મારા વાચક મિત્ર શશીકાંત મશરૂએ કહેલી એક વાત યાદ આવે છે કે, આ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા આવેલા અધિકારીઓ, વરસાદ થતા જ એક નાના વેપારીની દુકાનમાં ગયા, અને પોતાના પર્સ, મોબાઇલ, વગેરે સાચવવા માટે, એ દુકાનદાર પાસેથી જ પ્લાસ્ટિકની કોથળીઓ માંગવા લાગ્યા..!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial