Sensex

વિગતવાર સમાચાર

જેને પ્રેમ કરો છો એ તમારૃં સન્માન જાળવશે?

                                                                                                                                                                                                      

હમણાં એક નવાઈના સમાચાર વાંચ્યા... ચારેક વર્ષના પ્રેમસંબંધ પછી યુવતીએ કોઈ કારણસર લગ્નની ના કહી અને સંબંધ છોડી દીધો. યુવકે ચાર વર્ષના ખર્ચનો હિસાબ કર્યાે અને યુવતીને કહ્યું કે આ વર્ષાેમાં મેં તારી પાછળ બે લાખ રૂપિયા ખર્ચ કર્યા છે, તે પાછા આપી દે, નહી તો તારા ફોટા વાયરલ કરી દઈશ.

બીજા કિસ્સામાં પ્રેમસંબંધ પછી યુવતીએ બ્રેકઅપ કરીને બીજે લગ્ન કરી લીધા. યુવકે ધમકી આપી કે મને મળતી રહેજે... મારી સાથે સંબંધ ચાલુ રાખજે... નહી તો ફોટા વાયરલ કરી દઈશ... યુવતી ધમકીને તાબે ન થઈ અને ગુસ્સે થયેલા યુવકે ખરેખર તેના ફોટા વાયરલ કરી દીધા... યુવતી પરિણીત હતી અને ફોટા વાયરલ થયા પછી તેના લગ્ન તૂટી ગયા.

પ્રેમ... દુનિયાની સૌથી ખૂબસૂરત લાગણી... પ્રેમમાં પડેલા માટે સ્વર્ગ પણ ઓછું પડે એટલી ખુશી હોય છે. વીસ-પચ્ચીસ વર્ષ સુધી માતા-પિતાનો પ્રેમ મેળવનાર યુવક કે યુવતી વિજાતીય પ્રેમ મેળવીને પાગલ થઈ જાય છે, તેને બધું જ માની લે છે. તેની દરેક વાત, દરેક વર્તન, દરેક વચન, દરેક માગણી આંખ મીંચીને સ્વીકારી લે છે અને એ જ તો પ્રેમ છે. પ્રેમમાં પડેલા કંઈપણ કરતા પહેલા વિચારતા જ નથી અને એટલે જ તો કહેવાય છે ને કે પ્રેમ આંધળો છે. પ્રેમી કે પ્રેમિકા એકબીજાનો દરેક શબ્દ પથ્થરની લકીર છે, દરેક માગણી વ્યાજબી છે એમ માનીને બધું જ માની લે છે. પણ એ કેમ નથી સમજતા કે પ્રેમ આંધળો છે, પણ બુદ્ધિ તો આંધળી નથી ને... દરેક માગણી પૂરી કરતા પહેલાં થોડું તો વિચારો... અને એ જ પ્રેમ તૂટે ત્યારે...?

ધારો કે તમે કોઈના પ્રેમમાં છો. એ વ્યક્તિએ તમને લાગણી, પ્રેમ, કદર, સલામતી, આધાર બધું જ આપ્યું છે. તમને તેની સાથે સાતમા આસમાનની સફરનો અનુભવ થાય છે એ તમારા માટે ક્યારેક સહારો, તો ક્યારેક આધાર, ક્યારેક તમારી તકલીફ સામે દીવાલ તો ક્યારેક તમને મુક્ત રહેવા દેવા દરવાજો બની જાય છે. તેણે તમારા માટે બધું જ કર્યું છે, ક્યારેક તેના વર્તનથી તમને દુઃખ થાય તો માફી પણ માંગી છે, તમે નારાજ થાવ તો મનાવી પણ લે છે, તમને દુઃખ ન પહોંચે એ રીતની તમામ કોશિશ કરી છે. તમારી ખુશી, તમારી કેરિયર, તમારી આજની જિંદગી, તમારી સોશિયલ એક્ટિવિટી બધામાં તેનો મહત્ત્વપૂર્ણ ફાળો છે. ટૂંકમાં તમારી દરેક ક્ષણે, દરેક કાર્યમાં તેમનો હિસ્સો હોય અને હવે ક્યારેક એવી પળ આવી જાય કે સંબંધ તૂટી જાય... તો તમે શું કરશો?

આવી સ્થિતિ આવે એટલે હિન્દી ફિલ્મોમાં કે સિરિયલમાં એક ડાયલોગ આવે... 'તું મેરી કે મેરા નહી, તો ઔર કીસીકા કે કીસીકી નહી...' ફિલ્મો તો કાલ્પનિક છે, તેમાં જે થાય છે તે ત્રણ કલાકમાં પતી જાય છે, પણ વાસ્તવિક જીવનમાં શંુ આવું કરાય? તમારે પ્રેમસંબંધ તૂટે તો શું કરશો? પ્રેમની ક્ષણોમાં પાડેલા ફોટા વાયરલ કરી દેશો? હસી ખુશીથી એકબીજાને આપેલી ગિફ્ટ પાછી માંગી લેશો? અડધી રાત સુધી જાગીને કરેલી ચેટ સ્ક્રીન શોટ લઈને સોશિયલ મીડિયા પર મૂકી દેશો, સાથે વિતાવેલો સમય, ફોટા, વીડિયો બધું જ તેના કુટુંબીજનોને જણાવી દેશો? કે પછી ચૂપચાપ તેના જીવનમાંથી દૂર થઈ જશો?

છેલ્લા થોડા સમયથી સંબંધ તૂટ્યા પછી ફોટા કે વીડિયો વાયરલ કરી દેવાની ઘટના વધી રહી છે. એક યુગલની વાત... છોકરીએ પ્રેમમાં પાગલ બનીને પ્રેમીને પોતાના ટોપલેસ ફોટા મોકલ્યા... થોડા સમય પછી પ્રેમ પૂરો થયો, બંને છૂટા પડ્યા, તો પ્રેમીએ તે ફોટા તેના નામ સાથે વાયરલ કરી દીધા. હવે એ છોકરીની હાલત શું એ વિચારો? આમાં વાંક કોનો?

સૌથી પહેલાં તો એમ જ કહીશ કે આવા ફોટા મોકલવાની જરૂર શું? એકલાના ફોટા કે બંને સાથે હોય ત્યારની પ્રેમની ક્ષણોના ફોટા પાડવાની જરૂર શું? ફોટા મોકલવા જ હોય તો ચહેરો ક્રોપ ન કરાય? હવે અહી પ્રેમીઓ દલીલ કરશે કે જેને પ્રેમ કર્યાે છે તેના પર વિશ્વાસ તો હોય ને... હા.. હોય જ... હોવો જ જોઈએ... પણ એ વ્યક્તિ વિશ્વાસ જાળવશે એ ખાતરી છે? પ્રેમ રહે કે ન રહે તે તમારી આબરૂ, તમારૂ માન, તમારી ડિગ્નિટી જાળવશે? અત્યારે પ્રેમ-લાગણી અને સન્માન આપે  આપણે આપણા આધાર કાર્ડ, ઓટીપી, પાસવર્ડ કોઈને નથી આપતા તો આવા ફોટા આપતા પહેલા વિચાર તો કરો...

પ્રેમમાં પડેલા શું કરી શકે, તેના કરતા પ્રેમ તૂટી ગયા પછી તે શું કરી શકે તે પણ જાણવું જોઈએ. જેના પર વિશ્વાસ રાખીને ફોટા આપ્યા તે વ્યક્તિ ફોટા વાયરલ કરે ત્યારે સમજવું કે તેને પ્રેમ હતો જ નહી... છોકરીઓએ ખાસ આ વાત સમજવાની જરૂર છે કે પ્રેમ હોય ત્યાં આવી માગણી હોય જ નહીં.

હવે મોબાઈલના યુગમાં વીડિયો કોલ, વીડિયો સેક્સ સામાન્ય બની ગયું છે. વીડિયો સેક્સ દરમિયાન સ્ક્રીન શોટ્સ લેવાય છે અને આ શોટ્સ ટાઈમ બોમ્બ બનીને મોબાઈલમાં સચવાયેલા રહે છે અને સંબંધ તૂટે એટલે આ બોમ્બ તરત જ ફટાક દઈને ફાટે છે, મને લાગે છે કે હવે આપણે માતા-પિતાએ પોતાની વિચારસરણી બદલવાની જરૂર છે. 'પ્રેમમાં પડતા નહી' એમ કહેવાનું નથી, કારણ કે આજના યુવાનો પ્રેમમાં પડ્યા વગર રહેતા જ નથી, પણ હવે બાળકોને એ સમજાવવાનું છે કે 'પ્રેમમાં પડો તો શું ન કરવું, શેનું ધ્યાન રાખવું.'

આપણું સન્માન આપણે જાતે જ જાળવવાનું છે. માતા-પિતા તરીકે સંતાનોને સમજાવો કે આપણા સન્માનની જવાબદારી આપણી જ છે, સંતાનોને પ્રેમની સાથે સાથે બ્રેકઅપનો અર્થ પણ સમજાવવો પડશે. કોઈ સાથે બ્રેકઅપ થાય એટલે બદલો લેવાની જરૂર નથી. આપણા કાનૂનમાં ખૂનની સજા છે, પણ વિશ્વાસના ખૂનની સજા નથી... એટલે જ વિશ્વાસઘાત થાય ત્યારે બદલો લેવાની બદલે ચુપચાપ ખસી જવું યોગ્ય છે. પણ પહેલાં તો વિશ્વાસઘાતનો આઘાત લાગે એટલો વિશ્વાસ કરવા પહેલાં વિચારવું જોઈએ.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial