Sensex

વિગતવાર સમાચાર

દીકરી ઘર છોડે અને દીકરો તરછોડે, તે બન્ને પ્રકારના દુઃખમાં છે મૂળભૂત તફાવત...

જેને દીકરી ન હોય, તેની ઝંખના અને દીકરો ન હોય તેની વેદનાની વ્યથા સમજવી પડે

                                                                                                                                                                                                      

મારા એક મિત્ર છે, જેઓ રિટાયર્ડ લાઈફ જીવે છે. ત્રણ દીકરા છે, એક વિદેશમાં છે, એક દીકરો ઉચ્ચ સનદી અધિકારી છે અને ત્રીજો દીકરો બિલ્ડર છે. દીકરી નથી, તેનો તેને કાયમી વસવસો રહે છે. એ મુરબ્બીને પોતાને મોટી રકમનું પેન્શન આવે છે. થોડું શેરબજારમાં અને કેટલુંક બચત યોજનાઓમાં રોકાણ કર્યું છે. બન્ને પતિ-પત્ની નાની-મોટી બીમારીઓને બાદ કરતા એકંદરે તંદુરસ્ત છે. પોતે રહે છે, તે ફ્લેટમાં ત્રણ બેડરૂમ, ગેસ્ટરૂમ, હોલ, કીચન, ટેરેસ અને આધુનિક સેનીટેશનની તમામ સુવિધાઓ છે અને એક બહેન બન્ને સમય રસોઈ બનાવી જાય છે, તે ઉપરાંત બે બહેનો ઘરનું કામ કરી જાય છે, અને એક ભણેલો યુવાન આ દંપતીના નાના-મોટા કામ કરી આપે છે. ટૂંકમાં તમામ પ્રકારની આધુનિક સુખ-સુવિધાઓ તથા એકંદરે સારી તંદુરસ્તી સાથે આ દંપતી નિવૃત્ત જીવન ગાળે છે. દર વર્ષે બે-ત્રણ વખત પ્રવાસ-પર્યટન કરી આવે છે, અને બે-ત્રણ વર્ષે એકાદ વખત હરવા-ફરવા માટે ફોરેન ટ્રીપ પણ કરે છે. આ બધું જોઈને બધાને એવું જ લાગે કે આ દંપતી દુનિયાનું સૌથી સુખી દંપતી છે, કારણ કે તેઓ તમામ સુખ-સુવિધાઓ સાથે મસ્ત જીવન ગુજારી રહ્યા છે. કોઈ ચીજની કમી નથી. ઈશ્વરે બધું આપ્યું છે. બસ, દીકરી નથી, તેનું દુઃખ તેઓ કાયમી વ્યક્ત કરતા રહે છે.

મારા એક અન્ય મિત્ર, જેઓ મારા કુટુંબી સગા થાય છે, તેઓ પણ એકંદરે સુખી-સંપન્ન જીવન વિતાવી રહ્યા છે. તેઓને ઈશ્વરે ત્રણ દીકરી આપી, જે ત્રણેય સાસરે છે અને સુખી છે. આ દંપતી પણ સુખ-સુવિધાઓ તથા અદ્યતન સગવડો સાથેનું નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. મારા મિત્ર સેવાભાવી સ્વભાવના હોવાથી એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ચાલતી સેવાપ્રવૃત્તિઓમાં ભાગ લેવા જાય છે, આમ પણ વધતી ઉંમર સાથે શરીરની તંદુરસ્ત તથા મન-દુરસ્તી જાળવી રાખવા માટે કોઈકને કોઈક પ્રવૃત્તિ તો કરવી જ જોઈએ, તેવા કોન્સેપ્ટના કારણે પણ તેઓ આ પ્રકારની સેવાપ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે.એ સજ્જનને બધું સુખ હોવા છતાં દીકરો નહીં હોવાનું દુઃખ છે. આ દંપતીમાંથી કોઈપણ વ્યક્તિને થોડી ઘણી પણ તકલીફ હોય કે બીમાર પડે, તો માત્ર દીકરીઓ જ નહીં, પરંતુ ત્રણેય જમાઈઓ પણ દોડતા આવી જાય. મોટી દીકરીનો કિશોરાવસ્થાનો દીકરો તો કદાચ સગો દીકરો પણ ન કરે તેવી સેવા કરવા દોડી આવે. બીજી દીકરીની યુવાન દીકરી પણ આ દંપતીના બેંક, ટપાલ, મોબાઈલ ફોન અને ઘરના અન્ય નાના-મોટા ઓફિશિયલ કામો પણ કરી આપે. ઘરમાં કામવાળા કામ કરી જાય, કોઈ દુઃખ નહીં, પરંતુ દીકરો નહીં હોવાનું દુઃખ તેઓની વાતોમાંથી કાયમ ટપકતું રહે.

આ દંપતીએ પોતાની ત્રણ-ત્રણ દીકરીઓ પરણાવી, ત્યારે તેઓ ખૂબ રડ્યા હતાં. એમાં પણ ત્રીજી દીકરીને સાસરે વળાવી, ત્યારે તો તદ્ન ભાંગી પડ્યા હતાં. તેઓએ ત્રણ-ત્રણ દીકરીઓને સાસરે વળાવી હતી, તેથી દીકરીઓ ઘર છોડીને સાસરે જાય, એ વસમી વિદાયનું સુખમિશ્રિત દુઃખ કેવું હોય, તે તેઓ જેટલું જાણે એટલું બીજુ કોણ જાણતું હોય?

દીકરીઓને સાસરીયે વળાવ્યા પછી ઘર તદ્ન ખાલી થઈ ગયું હતું, અને બન્નેને ક્યાંય ગમતું નહોતું. પહેલી બે દીકરીઓ તેના સંતાનો સાથે વાર-તહેવારે આંટો દઈ જતી, પરંતુ ત્રીજી દીકરીને મુંબઈમાં વળાવી હોવાથી તે અને તેના પતિ ચાર-છ મહિને આંટો દઈ જતા હતાં, અને કુટુંબ-સગા-સંબંધીને ત્યાં કોઈ પ્રસંગ હોય ત્યારે આવતા, પરંતુ જ્યારે દંપતીને કોઈ જરૂરી કામ હોય કે બીમાર હોય, ત્યારે તેઓ પણ દોડીને શક્ય તેટલી ઝડપે માતા-પિતાને મદદરૂપ થવા દીકરી-જમાઈ અવશ્ય પહોંચી જતા, જો કે આમ છતાં આ દંપતીને દીકરો નહીં હોવાનો કાયમી વસવસો રહેતો હતો.

આ બન્ને સ્નેહી-મિત્રોના જીવનના પ્રત્યેક પ્રસંગો, અનુભવો અને ઉતાર-ચઢાવનો હું સાક્ષી રહ્યો છું, અને વખતોવખત તેઓ પોતાની દરેક વાત મારી સાથે શેર કરતા હોવાથી તેઓની આકાંક્ષાઓ અને ફલશ્રૂતિઓ, ખુશીઓ અને વેદનાઓથી પૂરેપૂરો માહિતગાર રહ્યો છું. આ બન્ને દંપતી એકબીજાને કદાચ ઓળખતા નહીં હોય, પરંતુ મારી સાથે બન્ને પરિવારોની ઘનિષ્ઠતા તથા તેઓની આંતરિક સંવેદનાઓએ મને પણ ઝંઝોળીને રાખી દીધો છે.

મને એવો વિચાર આવે છે કે, એક મિત્રને દીકરો નથી, તેનું દુઃખ છે, અને બીજા મિત્રને દીકરી નથી, તેનું દુઃખ છે, પરંતુ બન્ને આ દુઃખના પ્રભાવમાં ઈશ્વરે આપેલી વર્તમાન સુખ-સાહ્યબી પણ ભોગવી શકતા નથી.

આ બન્ને દંપતીની મનોસ્થિતિ સ્વાભાવિક છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે, જેને દીકરી નથી અને ત્રણ-ત્રણ દીકરાઓ છે, તેને એ વાતનું પણ વધુ દુઃખ છે કે દીકરાઓ જે જોઈએ તે આપી શકે છે, કોઈપણ ચીજવસ્તુ કે રોકડની જરૂર પડે, તો તરત જ મોકલી આપે તેમ છે. દીકરાઓએ મોંઘા પ્રિમિયમ ભરીને આ દંપતીના ઈન્સ્યોરન્સ પણ ઉતરાવ્યા છે, પરંતુ તેને માતા-પિતા પાસે એકાદ કલાક બેસીને વાત કરવાનો પણ ટાઈમ નથી!!

દીકરીઓ હોત તો દીકરી જમાઈને સાથે લઈને જરૂર અવાર-નવાર આવતી હોત. પોતાના સંતાનો સાથે લઈને આવતી પોતાના અડોશી-પડોશીઓની દીકરીઓને જોઈને તેઓને વસવસો રહેતો કે ભગવાને ત્રણ-ત્રણ દીકરાઓ આપ્યા, પરંતુ તેઓએ તો માતા-પિતાને તરછોડી જ દીધા હોય, તેવું વલણ રાખે છે. સુખ-સુવિધાના સાધનો, વીમો અને જરૂર પડ્યે નાણા મોકલતા દીકરાઓને પોતાના સાસરિયાના નાના-મોટા તમામ પ્રસંગોમાં જવાનો ટાઈમ મળતો, પરંતુ પોતાના માતા-પિતા પાસે અઠવાડિયે કે દૂર રહેતો દીકરો જ્યારે આંટો દેવા આવે, ત્યારે થોડો સમય આદરપૂર્વક બેસીને ખબર-અંતર પૂછવાનો ટાઈમ તો ઠીક, પરંતુ તેઓના સંતાનો દાદા-દાદી સાથે વીડિયો કોલથી વાત કરતા હોય, ત્યારે પણ તેઓને હાય-હલ્લો કરીને પોતાના દીકરાઓ નીકળી જતા અને પ્રેમપૂર્વક થોડીઘણી વાત પણ કરતા નહીં, ત્યારે આ દંપતી પર જાણે દુઃખનો પહાડ તૂટી પડતો.

અનાયાસે કોઈ સગા-સંબંધીના પ્રસંગમાં સાથે જવાનું થાય કે ત્યાં મુલાકાત થાય, ત્યારે પણ ત્રણમાંથી એક પણ દીકરાને માતા-પિતા પ્રત્યે હૃદયનો પ્રેમ જાગે નહીં, અને દૂર-દૂર રહે, ત્યારે આ માતા-પિતાનું કાળજુ જાણે ચીરાઈ જતું હોય તેવી ચીસો પાડવા લાગતું હતું, પરંતુ તેની કોઈ વેદનાની અનુભૂતિ ત્રણમાંથી એક પણ દીકરાને થતી નહીં.

બીજી તરફ મારા જે મિત્ર દંપતીને સંતાનમાં દીકરો નહોતો, તેને દીકરીઓ ઘર છોડીને ગઈ, તે દિવસથી ઘરનો ખાલીપો તો ભરાયો જ નહોતો, પરંતુ હૃદયનો ખાલીપો પણ ભરાયો નહોતો.

મને મનમાં આ બન્ને મિત્રોના જીવન પરથી એવો પ્રશ્ન ઊઠતો કે જેને દીકરો નથી, તેનું દુઃખ મોટું કે જેને દીકરી નથી, તેનું દુઃખ મોટું? આ એક વણઉકેલ કોયડો જ છે, કારણ કે જેને દીકરી અને દીકરા બન્ને હોય, તેઓ પણ ઘણી વખત દુઃખી હોય અથવા વિવેકી સંતાનો હોય તો ઘણાં જ સુખી પણ હોય છે, ખરૃં ને?

હકીકતે આપણે અપેક્ષાઓ જ ન રાખીએ, તો આપણે સુખી જ છીએ. ઘણાં બધા ભાગ્યશાળી દંપતીઓના દીકરાઓ કહ્યાગરા અને સહૃદયી પણ હોય જ છે. સુખી થવું કે દુઃખી થવું એ આપણી મનોદશા પર આધારિત છે. ટૂંકમાં દીકરી ઘર છોડે અને દીકરાઓ તરછોડે એ બન્ને દુઃખોમાં આસમાન જમીનનો તફાવત હોય છે, ખરૃં કે નહીં?

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial