Sensex

વિગતવાર સમાચાર

દેશમાં જેન-ઝેડ ફેઈમ આંદોલનનો પ્રારંભ...? ગાંધીનગર, લેહ-લદાખની હિંસા માટેં કોણ કોણ જવાબદાર ?

                                                                                                                                                                                                      

લદાખમાં નેપાળના જેન-ઝેડ જેવું આંદોલન ફાટી નીકળ્યું, અને ચારોક લોકોના જીવ ગયા, સંખ્યાબંધ ઘાયલ થયા, તોડફોડ અને આગજની થઈ. દુકાનો-વાહનો તથા ભાજપના સ્થાનિક કાર્યાલયને સળગાવાયા, સુરક્ષા જવાનો પર પથ્થરમારો થયો અને શાંતિપ્રિય ગણાતું આ ક્ષેત્ર અશાંતિ તથા હિંસાની આગમાં હોમાયું, તેનું જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન પુછાઈ રહ્યો છે. આ કેન્દ્રશાસિત પ્રદેશ સીધો કેન્દ્ર સરકારના શાસન હેઠળ આવતો હોવાથી કેન્દ્રના ગૃહમંત્રાલય અને મોદી સરકાર પર તડાપીટ બોલી રહી છે, તો બીજી તરફ આ પ્રકારની નેપાળ જેવી હિંસા ફેલાવવા પાછળ રાજકીય બદઈરાદો ધરાવતા પરિબળો શાંત આંદોલનમાં ઘુસી ગયા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

લદાખની આ હિંસક ઘટના પછી એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે બાંગલાદેશ અને નેપાળની જેમ શું આપણાં દેશમાં પણ જનરેશન ઝેડ પ્રકારના હિંસક આંદોલનનો પ્રારંભ થઈ ગયો છે ? લદાખથી લાગેલી આગ દેશવ્યાપી બને, તે પહેલાં જ પાણી પહેલા પાળ બાંધવા તથા જો કોઈ તોફાની પરિબળો શાંતિ ડહોળવા ઈચ્છતા હોય તો તેને ખુલ્લા પાડવા તથા જો લદાખના લોકોની માંગણીઓમાં તથ્ય હોય તો તેની ગંભીરતાથી વિચારણા કરીને રોજગારી તથા નાગરિક હક્કો અને રિઝર્વેશન જેવા મુદ્દે તત્કાળ નિર્ણય લેવાના સૂચનો થઈ રહ્યા છે. આ આંદોલન ચલાવતા ઉપવાસી નેતાએ પોતાના ભાષણમાં નેપાળના જેન-ઝેડ આંદોલનનો ઉલ્લેખ કર્યા પછી આ તોફાનો ફાટી નીકળ્યા હોવાના પ્રતિઆક્ષેપો થયા પછી તે ઉપવાસી નેતાએ શાંતિની અપીલ કરીને ઉપવાસ આંદોલન સમાપ્ત કર્યું હોવાના અહેવાલો વહેતા થયા પછી હવે પૂર્વઘોષિત ૬ઠ્ઠી ઓકટોબરની હાઈલેવલ બેઠકો પછી આ મુદ્દે મોદી સરકારને પરોઠના પગલા ભરવા પડશે, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.

હકીકતે લદાખને કેન્દ્રશાસિત પ્રદેશના બદલે રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે સોનમ વાંગચૂકે ઉપવાસ આંદોલન આદર્યું હતું. તેની ટ્રાયબલ રિઝર્વેશનની ટકાવારી, મહિલા અનામત, સ્થાનિક ભાષાઓને વિધિવત માન્યતા જેવી માંગણીઓ કેન્દ્રની એચ.પી.સી.ના માધ્યમથી પાઈપલાઈનમાં હતી, અને અમલવારી પણ શરૂ થઈ ગઈ હતી, તેવા સમયે વાંગચૂકે કરેલી કેટલીક ટિપ્પણીઓના કારણે હિંસક તોફાનો ફાટી નીકળ્યા હોવાનો દાવો કેન્દ્રીય સત્તાધીશો કરી રહ્યા છે, જ્યારે વાંગચૂક હિંસક તોફાનો માટે પોતે જવાબદાર નહીં હોવાનું જણાવી રહ્યા છે.

બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક નિવેદન જાહેર કરીને વાંગચૂક પર આરોપ લગાવ્યો હતો કે વાંગચુકે આરબ સ્પ્રિંગ અને જેન-ઝેડનો ઉલ્લેખ કરીને ટોળાંઓને ઉશ્કેર્યા પછી આઈસીની ઓફિસ સળગાવીને પોલીસના વાહનો ફૂંક્યા, તથા ૩૦ થી ૩૬ સુરક્ષા જવાનોને ઘાયલ કરી દીધા પછી ના છૂટકે પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો. ગઈકાલે સાંજે ચાર વાગ્યાથી સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો થયો હોવા છતાં ભારેલ અગ્નિ જેવી સ્થિતિ હોવાથી જ પ્રતિબંધાત્મક આદેશો તથા વધારાના સુરક્ષાદળો ઉતારવા પડ્યા છે.

લદાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવા અને રાજ્યનો દરજ્જો આપવા માટે લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન અને અનેક રાઉન્ડની વાતચીત છતાં નિવેડો નહીં આવતા આંદોલનનું આ કલાઈમેક્સ હોય તેમ જણાય છે.

સોનમ વાંગચૂકે પણ હિંસક ઘટનાઓ માટે ચિંતા દર્શાવી અને યુવાવર્ગની બેરોજગારી તથા સ્થાનિક મુદ્દાઓનો ઉલ્લેખ પણ કર્યો. નેશનલ કોન્ફરન્સના નેતા શેખ બશીર અહેમદે કલમ-૩૭૦ હટાવ્યા પછી લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા પ્રત્યેની લદાખના લોકોની નારાજગીને કારણભૂત ગણાવીને હિંસક તોફાનોને દુભાગ્યપૂર્ણ ગણાવ્યા.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પ્રત્યાઘાતો આપતા સોશ્યલ મીડિયામાં પોષ્ટ મૂકીને લદાખને રાજ્યનો દરજ્જો આપવાનો કોઈ વાયદો કરાયો નહોતો અને વર્ષ ૨૦૧૯માં લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો ત્યારે ત્યાં ઉજવણીઓ પણ થઈ હતી, પરંતુ હવે તેઓને (કેન્દ્રની) દગાબાજીનો અહેસાસ થાય છે. જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાના વાયદાનો પણ પૂરેપૂરો અમલ થયો નથી. જો કે, તેમણે લોકતાંત્રિક, શાંતિપૂર્ણ અને જવાબદારીપૂર્વક માંગણીઓ રજૂ કરવા પર ભાર મૂક્યો છે.

ગુજરાતની રાજધાની ગાંધીનગર નજીક આવેલા દહેગામ તાલુકાના બહિયાલમાં ગઈ રાત્રે ગરબીના મંડપ પર પથ્થરમારો થયો, દુકાનોમાં તોડફોડ અને લૂંટફાટ થઈ તો વાહનોને સળગાવાયા પછી આજે ત્યાં શાંતિ છે અને સ્થિતિ કાબૂમાં છે, પરંતુ નાનકડી તકરારે ભયંકર હિંસક સ્વરૂપ પકડી લીધું તેમાંથી શાંતિપ્રિય ગણાતા વિસ્તારોમાં હિંસા ભડકાવવાનો તણખો ક્યાંથી મુકાય છે અને કોઈપણ ઘટના કેવી રીતે ઝડપભેર હિંસક તથા જોખમી બની જાય છે, તે લદાખ અને ગાંધીનગરના આ ઘટનાક્રમો પરથી પૂરવાર થાય છે. લદાખમાં પણ શાંતિપૂર્ણ ચાલી રહેલા આંદોલનને હિંસક બનાવવામાં વાયરલ થયેલા કેટલાક નિવેદનોને કારણભૂત માનવામાં આવી રહ્યા છે, જ્યારે ગુજરાતના ગાંધીનગરના નાના સરખા ગામડામાં પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી વાયરલ થયેલી કોઈ પોષ્ટને જવાબદાર ગણવામાં આવી રહી છે. જો કે, ગાંધીનગર પંથકના આંદોલનને જેન-ઝેડ સાથે કોઈ સંબંધ નથી. તે નક્કર હકીકત છે.

જો કે, હાલમાં આ તમામ બાબતો તપાસનો વિષય છે અને બંને સ્થળે સ્થિતિ કાબુ હેઠળ છે, પરંતુ અત્યારે ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના યુગમાં કોઈપણ નિવેદન, શબ્દપ્રયોગ કે કોમેન્ટો કે વીડિયો સોશ્યલ મીડિયામાં પોષ્ટ કરતી વખતે ખૂબ સાવધાન રહેવું પડે તેમ છે. ઘણી વખત દુષિત ભાવનાથી કે ઈરાદાપૂર્વક નહીં, પરંતુ અજાણતા કે મજાકમાં કોઈ પોષ્ટ થઈ જાય, તો તે વિસ્ફોટક બની જતી હોય છે. અને તેવા દૃષ્ટાંતો પણ છે. બીજી તરફ રાજ્ય અને ક્ેન્દ્ર સરકારોએ યુવાવર્ગ સહિત જનતામાં પ્રવર્તતી નારાજગી, અસંતોષ કે અજંપાને નજરઅંદાજ કરવા જેવો નથી, કારણ કે આવી અવગણનામાંથી હવે જેન-ઝેડ જેવા આંદોલનો ફેલાવાની શક્યતાઓ વધી ગઈ હોય તેમ લાગે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial