Sensex

વિગતવાર સમાચાર

મહિલા સુરક્ષાની વાસ્તિક્તા... ઓડીએફની હકીકત... હવે મહિલા યુરિનલ્સની ઝુંબેશ ક્યારે?

                                                                                                                                                                                                      

બીજી ઓક્ટોબર-ર૦ર૪ થી ભારત સરકારે સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) શરૂ કર્યું હતું, અને વર્ષ ર૦૧૪ થી વર્ષ ર૦૧૯ સુધીમાં ભારતને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવાનું લક્ષ્ય રખાયું હતું, અને તે પછી પ્રવાહી અને ઘનકચરાના નિકાલની નક્કર વ્યવસ્થા કરીને ઉકરડા તથા ગંદકી નાબૂદ કરવાનો બીજો તબક્કો નક્કી કરાયો હતો, પ્રથમ તબક્કાને ઓડીએફ તથા બીજા પંચવર્ષિય તબક્કાને ઓડીએફ પ્લસનું નામ અપાયું હતું.

આ અભિયાનો હેઠળ ભારતના ગામડાઓને ઓડીએફ એટલે કે ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરી દેવાની ઝુંબેશ ચલાવીને ઘેર-ઘેર શૌચાલયો બનાવાયા, મહિલાઓને શૌચક્રિયા માટે ગામડાઓમાં રાત પડવાની રાહ જોવી પડતી હતી અને મહિલા સુરક્ષા પર પણ સતત ખતરો ઝળુંબી રહ્યો હતો. ભારત સરકારે ગામેગામ કરોડો શૌચાલયો બનાવીને પ્રત્યેક ઘરમાં કે નજીકમાં શૌચાલયની સુવિધા આપવાની યોજનાઓ ચલાવી અને  શૌચાલયો બન્યા પણ ખરા, પરંતુ તેમાં ઘણાં સ્થળેથી ગરબડ, ગોલમાલ કે ભ્રષ્ટાચાર થઈ હોવાની ફરિયાદો પણ આવી, પરંતુ એકંદરે ઓડીએફ જાહેર થયેલા નામોમાં મહિલાઓને ઘરઆંગણે સુરક્ષિત શૌચક્રિયાની સુવિધા મળી હોવાના દાવાઓ કરાયા.

ખુલ્લામાં શૌચક્રિયા કરવા પર કેટલાક અંકુશો પણ મૂકાયા અને ખુલ્લામાં શૌચક્રિયા સાથે સામાજિક સેવા કરવાની સજા તથ દંડ વસૂલ કરવાના પ્રયોગો પણ થયા.

એ પછી બીજા તબક્કામાં પ્રવાહી અને ઘનકચરાના નિકાલ માટે ડોર-ટુ-ડોર કચરા કલેક્શન તથા સ્વચ્છતાના સાધનો પૂરા પાડવાની ઝુંબેશો ચાલી અને ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત મેટ્રોપોલિટન સિટીઝમાં તો આ પ્રકારની સુવિધાઓ પહેલેથી જ હોવાથી ત્યાં શેરી-ગલી-મહોલ્લાઓમાં સ્વચ્છતા તથા ગટર વ્યવસ્થાઓ પર ભાર મૂકાયો હતો. આમ છતાં જે સ્થિતિ છે, તે આપણી સામે જ છે ને?

વાસ્તવમાં આ પ્રકારના અભિયાનોની સફળતાઓ અને સુવિધાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા પર વધુ ભાર મૂકાતો રહ્યો છે, અને પબ્લિકનો એક મોટો હિસ્સો હજુ પણ જાહેરમાં લઘુશંકા અને ગુરૂશંકા અંગે જોઈએ તેટલો જાગૃત નથી, તેથી દસ વર્ષથી ચાલતા સ્વચ્છતા અભિયાનોના ધાર્યા પરિણામો આવ્યા હોય તેમ જણાતું નથી.

હવેના તબક્કામાં સ્વચ્છતા ઉપરાંત જળશક્તિ, જળસંચય, જળબચત અને સ્વચ્છ પેચજળના અભિયાનો ચાલવાના છે, ત્યારે શહેરી વિસ્તારો સહિત સમગ્ર વસ્તી ધરાવતા વિસ્તારોમાં પહેલા મૂળભૂત વ્યવસ્થાઓને વધુ વ્યાપક અને મજબૂત કરવાની જરૂર છે.

મોટા શહેરોમાં ઘણાં જાહેર સ્થળોમાં પુરુષો માટે તો ચોરે-ચૌટે અને મોટા સંકુલોમાં જાહેર યુરિનલ્સ એટલે કે મૂતરડીઓ તો છે જ, પરંતુ મહિલાઓ માટે એ પ્રકારના નિઃશુલ્ક જાહેર યુરિનલ્સ જ નથી. આથી હવે 'ઓડીએફ'ના અભિયાનની જેમ જ સરકારે મહિલાઓ માટે યુરિનલ્સની પણ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવવી જોઈએ. કેટલાક સ્થળે પે એન્ડ યુઝ શૌચાલયો હોય છે અને ત્યાં માત્ર લઘુશંકા માટે મહિલાઓ જાય, તો પણ પૂરેપૂરી ચાર્જની રકમ વસૂલવામાં આવે તો તે ગરીબ-નિમ્ન-મધ્યમવર્ગિય મહિલાઓને પોષાય નહી, તે પણ સ્વાભાવિક છે.

જેવી રીતે એસ.ટી. ડેપોમાં લઘુશંકા-ગુરૂશંકા જેવી શૌચક્રિયાઓ માટે ચાર્જ હટાવી લઈને તદ્ન નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવાનો કોન્સેપ્ટ સ્વીકારાયો છે, તેવી જ રીતે તમામ સ્થળે સુલભ શૌચાલયોમાં મહિલાઓની શૌચક્રિયાની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે, તો જ નેતાગીરીના મહિલા સુરક્ષાના દાવાઓમાં દમ છે, તેમ માની શકાય, અન્યથા આ પ્રકારના દાવાઓને ડંફાસો કે જુમલાઓ ગણાવીને તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર વિપક્ષો પણ કરી શકે છે, તે પણ હકીકત જ છે ને?

હાલમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા જાહેર શૌચાલયો-યુરિનલ્સની જે વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે, તેમાં પણ કેટલી દુર્ગંધ મારતી ગંદકી ખદબદતી હોય છે, તે આપણે જાણીએ જ છીએ. તેથી આ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવાની સાથે સાથે તેની કાયમી નિયમિત સ્વચ્છતાની વ્યવસ્થા પણ કરવી જ પડે, અન્યથા આ પ્રકારની પબ્લિક સેનિટેશનની વ્યવસ્થાઓ જ બીમારીઓ ફેલાવવાનું માધ્યમ બની જતી હોય છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે જાહેર શૌચાલયો, યુરિનલ્સ ઊભા કરવા સરળ છે, પરંતુ તેને કાયમ માટે સ્વચ્છ અને સુઘડ રાખવા, એ પડકારરૂપ કામ હોય છે, અને તેમાં પૂરેપૂરો જનસહયોગ પણ જરૂરી હોય છે.

જો આટલી મૂળભૂત અને જાહેર આરોગ્ય, મહિલા સુરક્ષા તથા સામાજિક સભ્યતાને સાંકળતી સુવિધાઓ પણ વ્યવસ્થિત રીતે આપી શકાતી ન હોય, તો રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા મિશનોનો કોઈ ફાયદો ખરો? વાર-તહેવારે કે કેટલાક અઠવાડિયા-પખવાડિયાની ઉજવણીઓ કરીને અને તેમાં હાથમાં સાવરણા લઈને ફોટા પડાવવાથી સ્વચ્છતા આવી જવાની નથી, પરંતુ સ્વચ્છતાના સંસ્કાર જનમાનસમાં પૂરેપૂરા આવી જાય, તેવા પ્રયાસો પણ જરૂરી છે.

આશા રાખીએ કે મહિલા સુરક્ષાની રેકર્ડ વગાડતા રહેતા નેતાઓ અને સરકારી બાબુઓ પબ્લિક લેડીઝ યુરિનલ્સ ઠેર-ઠેર ઊભા કરવાની વ્યાપક ઝુંબેશ પણ ચલાવશે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial