મહિલા સરપંચનું અચાનક રાજીનામું: દબાણકારોમાં નોટીસો પછી ફફડાટ હતો
ગાંધીનગર તા. ૯: બહિયલ તોફાનકાંડ પછી હવે બુલડોઝર એકશન લેવાયુ છે અને આજે વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાનું શરૂ થયું છે. આ દબાણ હટાવ ઝુંબેશ હેઠળ કુલ ૧૯૦ કાચાં-પાકાં દબાણો દૂર કરાશે તેમ જાણવા મળે છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટના મામલે થયેલા હિંસક તોફાનકાંડ બાદ વહીવટી અને પોલીસતંત્ર એક્શન મોડમાં આવી ગયાં છે. ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોને આગ ચાંપવાના ગંભીર બનાવ બાદ કાયદાનું કડક પાલન કરાવવા માટે આજે(૯ ઓક્ટોબર) વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે કાચાં-પાકાં દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તોફાનકાંડ બાદ બરેલી-યુપીની જેમ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર એક્શનની માગણી ઊઠી હતી, જેને પગલે તંત્ર દ્વારા તોફાની તત્ત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત ૧૯૦ જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ દબાણકારોને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેની સમયમર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સમયગાળામાં એક પણ દબાણકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) વિભાગીય દહેગામ તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પાટનગર યોજના પેટા વિભાગ (સ્ટેટ) સમક્ષ બાંધકામનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. પુરાવાના અભાવે, આજે ગુરુવાર વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
કુલ ૧૯૦ દબાણમાંથી રાયપુર ઘમીજ કરોલી રોડ પર ૧૩૫ દબાણ અને હાથીજણથી બહિયલ રોડ પર ૫૧ દબાણને નોટિસ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી દબાણો હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. નોટિસ મળતાંની સાથે જ દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમણે પોતાનો માલસામાન હટાવવાનું શરૂ કરી દીધું હતું.
હિંસક તોફાનની ઘટના બનતાંની સાથે જ પોલીસતંત્ર સક્રિય બની ગયું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ૮૩ લોકો સામે નામજોગ અને ૨૦૦ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી. અત્યારસુધીમાં ૬૬થી વધુ શંકાસ્પદ તોફાનકારોની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસતંત્ર દ્વારા તોફાની તત્ત્વો પર કાયદાનો ગાળિયો કસવામાં આવી રહૃાો છે.
ઉલ્લેખનિય છે કે, બહિયલ ગામ અંદાજે ૧૬થી ૧૭ હજારની વસતિ ધરાવતું ગામ છે, જેમાં ૭૦ ટકાથી પણ વધુ મુસ્લિમ સમુદાયના લોકો રહે છે. જ્યારે બાકીની ૩૦ ટકા જેટલા લોકો હિન્દુ સમુદાયના છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે બહિયલનાં મહિલા સરપંચ અફસાનાબાનુ સજ્જાદહુસૈન ચૌહાણે 'અગમ્ય કારણોસર' પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપ્યું હતું.
સરપંચના આ અચાનક નિર્ણયથી ગામ આગેવાન વિનાની નોધારી સ્થિતિમાં મુકાઈ ગયું છે અને રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અત્રે નોંધનીય છે કે બહિયલ ગામ ગાંધીનગરથી ૪૦ કિલોમીટર અને દહેગામથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલું છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં આઈ લવ મહોમ્મદ લખાયેલાં બેનર લાગ્યાં હતો તેવા જ બેનર સોશિયલ મીડિયામાં મુકાવા લાગ્યાં. એમાં ગાંધીનગર પાસેના બહિયલ ગામના એક હિન્દુ યુવકે આ સોશિયલ મીડિયા પોસ્ટમાં ટિપ્પણી કરી.
આ ટિપ્પણીને કારણે બહિયલના મુસ્લિમ યુવાનો રોષે ભરાયાને એ યુવાનની દુકાન અને આસપાસની દુકાનોમાં તોડફોડ કરી, આગચંપી કરી. પછી નવરાત્રિના રાસ રમાતા હતા એ મંડપ પાસે જઈને પથ્થરમારો કર્યો. જોતજોતાંમાં ગામમાં વાતાવરણ તંગ બની ગયું તે પછી પોલીસે અને તંત્રે શ્રેણીબદ્ધ કદમ ઉઠાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial