Sensex

વિગતવાર સમાચાર

શરમ કોને કોને આવવી જોઈએ...? બેશરમ કોણ ?

                                                                                                                                                                                                      

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ નોબેલ પુરસ્કાર મેળવવાના હવાતિયાં નિષ્ફળ ગયા અંતે આ સન્માન નોર્વેજિયન નોબેલ કમિટીએ વેેનેઝુએલામાં વિપક્ષના નેતા અને ગાંધીવિચારોથી પ્રભાવિત મનાતા મહિલા નેતા મારિયા કોરિના માચાડોને આપવાની જાહેરાત કરી તે પછી ટ્રમ્પ અને વ્હાઈટ હાઉસે જે પ્રત્યાઘાતો આપ્યા તે આપણી સામે જ છે. ટ્રમ્પને આ વર્ષે શાંતિ નોબેલ પ્રાઈઝ મળ્યું નહીં, અને માદુરો સરકાર સામે લડત આપીને તાનાશાહી સામે લોકતાંત્રિક વ્યવસ્થા માટે શાંતિપૂર્વક અનેક પ્રકારના કષ્ટો વેઠીને ઝઝુમનાર મારિયાને મળ્યું તેના કરતાં પણ વધુ ટ્રમ્પની નારાજગી ભૂતકાળમાં બરાક ઓબામાને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું, તેની સામે હોય, તેમ જણાય છે. અવાર નવાર ભારત-પાકિસ્તાન સહિત સાત યુદ્ધો અટકાવવાનો દાવો કરીને નોબેલ પીસપ્રાઈઝનો દાવો કરતા ટ્રમ્પ ભલે શરમજનક સ્થિતિમાં મુકાયા હોય, છતાં તેમના નિવેદનો તો હજુ પણ દુનિયાને વિસ્મયમાં મૂકી દેનારા અસાધારણ જ હોય છે.

ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથેની સૂચિત મુલાકાત કેન્સલ કરી નાંખી હોવાના નિવેદનમાં પલટી મારી પરંતુ ચીન પર ૧૦૦ ટકા ટેરિફની જાહેરાત કરી, તેથી આ બંને શક્તિશાળી દેશો વચ્ચે કોલ્ડવોરની શરૂઆત થઈ ગઈ હોવાના અહેવાલો જોતાં વૈશ્વિક આર્થિક અને રાજનૈતિક ઉથલ-પાથલો માટે જવાબદાર કોણ ? બેશરમ કોણ ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

આ તરફ પોતાનું એક સોશ્યલ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જતાં ગિન્નાયેલા સમાજવાદી નેતા અખિલેશ યાદવે આ માટે મોદી સરકારને જવાબદાર ગણાવીને મેટા સામે નારાજગી વ્યક્ત હોવાના અહેવાલોએ પણ અલગ જ પ્રકારની ચર્ચા શરૂ કરી છે.

ગઈકાલે વિદેશમંત્રી એસ.જયશંકરે અફઘાનિસ્તાનની તાલીબાન સરકારના ભારતની મુલાકાતે આવેલા વિદેશમંત્રી અમીરખાન મુત્તાકી સાથે બંધ બારણે વાટાઘાટો કરી અને તે પછી તેમણે તાજમહેલ તથા યુ.પી.માં દેવબંધની મુલાકાતનો કાર્યક્રમ જાહેર કર્યો તે પછી સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉલ-રહેમાન-બર્કે તેનો વિરોધ કર્યો છે, અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ પર શાબ્દિક પ્રહારો કર્યા, તે ઘણાં જ સૂચક, હકીકતલક્ષી અને પ્રવર્તમાન પ્રવાહોમાં સુસંગત જણાય છે., એટલું જ નહીં, "ગરજે ગધેડાને...." વાળી કહેવત ની યાદ અપાવી જાય છે.

બર્કે સોશ્યલ મીડિયાના માધ્યમથી સવાલ ઉઠાવ્યો છે કે, સંભલના પૂર્વ સાંસદ ડો.શફીકૂર રહેમાને તાલિબાન સરકારની પ્રશંસા કરી હતી, ત્યારે યોગીએ કહ્યું હતું કે ડો. શફીકુર રહેમાનને શરમ આવવી જોઈએ, હવે જ્યારે એ જ તાલીબાની સરકારના મૈત્રી દેવબંદના આગ્રામાં તાજમહલની મુલાકાત લેશે, ત્યારે યોગી સરકાર કોની સામે એફઆરઆઈ નોંધશે ? કોને શરમ આવવી જોઈએ ?

ગુજરાતમાં પણ અલગ જ પ્રકારની ચર્ચા ચાલે છે, મીઠાપુર વિસ્તારમાં કાર્યરત ખંડણીખોર અને અપહરણ જેવા સિન્ડિકેટ ક્રાઈમ કરતી મહાદેવ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધીને રિમાન્ડ મેળવાયા હોય કે લૂંટનો પ્લાન બનાવતી પાંચ સભ્યોની લૂંટારૂ ટોળકીને ઝડપી લેવાની કાર્યવાહી હોય, તે માટે એલસીબીની પીઠ થાબડવી પડે, તો બીજી તરફ આ પ્રકારની ગુન્હાખોરી તરફ જો યુવાનો વળવા લાગ્યા હોય અને સિન્ડિકેટ ક્રાઈમમાં છાપેલા કાટલા જેવા ગુન્હેગારો જોડાવા લાગ્યા હોય તો તે કોના માટે શરમજનક ગણાય ?

આ પ્રકારની ગુન્હાખોરી તથા સિન્ડિકેટ ક્રાઈમમાં વ્યાપ વધવા પાછળ બેરોજગારી જવાબદાર છે, સોશ્યલ મીડિયાની નેગેટિવ અસરો જવાબદાર છે કે પછી શોર્ટકટથી ધનવાન બની જવાની ઘેલછા જવાબદાર છે, તેનું સંશોધન કરીને બુનિયાદી કારણો પર જ પ્રહાર કરીને લોકો ગુન્હાખોરી તરફ ધકેલાતા અટકાવવા જોઈએ, તેમ નથી લાગતું ? આ પ્રકારની વધતી જતી ગુન્હાખોરી માટે રાજકીય અને સામાજિક નબળી નેતાગીરી, શાસનની નીતિઓ તથા પ્રશાસનની પોકળતા જવાબદાર ન ગણાય ? અવારનવાર ઝડપાયા પછી પણ કેટલાક રીઢા ગુન્હેગારોને જરાયે શરમ જ આવતી ન હોય તો તેની પાછળ જવાબદાર કોણ ? તે સમાજ અને સમુદાયોએ પણ વિચારવું પડે તેમ છે.

હાલારમાં એક તરફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સામે કાર્યવાહી થઈ રહી છે, તો બીજી તરફ ઓર્ગોનાઈઝ્ડ એન્ક્રોચમેન્ટ સામે તંત્રો આંખ આડા કાન કરતા હોવાથી જામનગરમાં કેટલીક સોસાયટીના રહીશોએ ઘંટરાવ કરવો પડી રહ્યો છે. જામનગરની ચોતરફ વિકસેલી સોસાયટીઓ-ટાઉનશીપો તથા એપાર્ટમેન્ટ-ટેનામેન્ટની વસાહતોમાં પણ સાર્વજનિક પ્લોટ્સ અને સાર્વજનિક સ્થળો પર થતા ગેરકાયદે કૃત્યો, દબાણો અને માર્ગો-ફૂટપાથો પર કામચલાઉ ગેરકાયદે કબજાઓ સામે સંબંધિત તંત્રો, જનપ્રતિનિધિઓ, શાસકો-પ્રશાસકો હકીકતમાં કડક અભિગમ દાખવે, તે અત્યંત જરૂરી છે. આ કાયદો-વ્યવસ્થાને સંબંધિત જણાતી બાબતોના મૂળમાં જઈને સામાજિક અને સૌહાર્દપૂર્ણ ઢબે જનજાગૃતિની પણ અત્યંત આવશ્યકતા છે. જો બેરોજગારી અને સંગતદોષ જેવી સમસ્યાઓનું નિવારણ થશે, તો ગુન્હાખોરી ઘણી જ ઘટી જશે.