ચાલુ ટ્રકે નીકળી ગયેલા ટાયરે પ્રૌઢનો ભોગ લીધોઃ મોટરે સર્જયો અકસ્માતઃ
જામનગર તા. ૧૭: જામનગરના સિક્કામાં રહેતા બે પરપ્રાંતીય મિત્ર બુધવારે સવારે ચાલવા માટે નીકળ્યા પછી તેઓને એક સ્કૂટરે હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા એક યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે દસેક દિવસ પહેલાં ઠેબા બાયપાસ નજીક મોરકંડા ધાર પાસે એક ટ્રકમાંથી છટકી ગયેલુ ટાયર ડિવાઈડર ઠેકી સામેથી આવતા મોપેડ સાથે ટકરાઈ પડતા મોપેડચાલક ખીમલીયા ગામના પ્રૌઢનંુ મૃત્યુ થયું હતું. તે ઉપરાંત સમાણા નજીક એક બાઈકને બોલેરોએ ટક્કર મારી અકસ્માત સર્જયો હતો અને ઠેબા બાયપાસ પાસે ડબલસવારી બાઈકને રોંગ સાઈડથી ઓવરટેક કરતી મોટરે ઠોકર મારતા બે વ્યક્તિને ઈજા થઈ હતી.
જામનગર તાલુકાના સિક્કા ગામની પંચવટી સોસાયટીમાં વસવાટ કરતા મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢના વતની ઉપેન્દ્રભાઈ અંબિકાભાઈ યાદવ તથા તેમના મિત્ર શ્રીરામ તિકલધારી યાદવ (ઉ.૪૭) બુધવારે સવારે છએક વાગ્યે ચાલવા માટે નીકળ્યા હતા.
ઉપરોક્ત બંને મિત્રો જ્યારે મુંગણી ગામથી સિક્કા તરફના રસ્તા પર સીઆઈએસએફ હાઉસીંગ સોસાયટી પાસે પહોંચ્યા ત્યારે જીજે-૧૦-ઈજી ૯૯૯૧ નંબરનું એક્સેસ સ્કૂટર પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું. આ સ્કૂટરના ચાલકે શ્રીરામ યાદવને હડફેટે લઈ પછાડ્યા હતા અને ઉપેન્દ્રભાઈને ઠોકર મારી હતી. રોડ પર પછડાયેલા બંને મિત્રોને ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવેલા શ્રીરામ યાદવનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. સ્કૂટરના ચાલક સામે ઉપેન્દ્રભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં સતવારા સમાજની વાડી પાસે રહેતા દામજીભાઈ વેલજીભાઈ સોનગરા (ઉ.વ.પ૩) નામના પ્રૌઢ ગઈ તા.રની બપોરે ત્રણેક વાગ્યે જીજે-૧૦-બીએચ ૬૪૫૪ નંબરના મોપેડ પર લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ તરફ જતા હતા ત્યારે જીજે-૩૬-એક્સ ૯૮૯૯ નંબરના સામેથી આવતા ટ્રકનું ટાયર ચાલુ ટ્રકે છટક્યું હતું.
પુરપાટ દોડી આવતા ટ્રકમાંથી નીકળી ગયેલા ટાયરે રોડ વચ્ચેના ડિવાઈડરને ઠેકી ગયા પછી સામેથી આવતા મોપેડ ચાલક દામજીભાઈને હડફેટે લઈ લીધા હતા. રોડ પર પડી ગયેલા દામજીભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર પ્રવીણભાઈ સોનગરાએ પોલીસમાં ફરિયાદ કરી છે.
કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં રહેતા નરેશભાઈ દિનેશભાઈ રાઠોડ ગઈ તા.૨૬ની બપોરે ચારેક વાગ્યે જામજોધપુર તાલુકાના સમાણા ગામથી બાવરીદળ ગામ તરફ જીજે-૩-બીકયુ ૧૭૯૭ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે જીજે-૧૦-ટીવાય ૨૯૨૪ નંબરની બોલેરો તેમની સાથે ટકરાઈ પડી હતી. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા નરેશભાઈને સારવારમાં ખસેડાયા હતા. તેઓએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ઠેબા બાયપાસ નજીક આવેલા સરદાર પાર્ક-૪માં રહેતા જીજ્ઞેશભાઈ ભીમજીભાઈ બગડા અને તેમના મિત્ર કેતનભાઈ ગોપાલભાઈ જાદવ ગઈ તા.૯ની બપોરે બેએક વાગ્યે ઠેબા બાયપાસ પાસેથી લાલપુર બાયપાસ તરફ જીજે-૧૦-બીડી ૫૨૭૧ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે જીજ્ઞેશભાઈ બાઈક ચલાવતા હતા. તેમની સાથે જીજે-૩-એમઆર ૨૪૮૭ નંબરની મોટર રોંગ સાઈડમાં ઓવરટેક કરતી વખતે ટકરાઈ પડી હતી. જીજ્ઞેશભાઈ તથા કેતનભાઈને ઈજા થઈ છે. પંચકોશી બી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial