Sensex

વિગતવાર સમાચાર

ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં હવે રિવાબા સહિત ત્રણ મહિલામંત્રી

મહિલા સશક્તિકરણની પહેલ

                                                                                                                                                                                                      

ગાધીનગર તા. ૧૭: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે નવનિયુક્ત મંત્રીમંડળમાં ત્રણ મહિલા ધારાસભ્યોને સ્થાન આપીને રાજ્યની રાજનીતિમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત બનાવ્યું છે. વડોદરાના અનુભવી નેતા મનિષા વકીલની સાથે જ જામનગર ઉત્તરના રિવાબા જાડેજા અને અમદાવાદના દર્શના વાઘેલાને મંત્રીમંડળમાં સમાવેશ કરીને અનુભવ અને યુવા ઊર્જાનું સંતુલન જાળવવામાં આવ્યું છે.

આ ત્રણેય મહિલા નેતાઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે, જે પ્રાદેશિક સંતુલન જાળવવામાં અને વિવિધ સમાજની મહિલાઓના મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.

 જામનગરના ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા યુવા નેતા અને સામાજિક કાર્યકર, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક. પિતા હરદેવ સિંહ સોલંકી ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર છે. તેઓએ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી 'માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ' નામનું એનજીઓ શરૂ કર્યું છે.

તેઓ વર્ષ ૨૦૧૯માં ભાજપમાં જોડાયા હતાં. અગાઉ કરણી સેનાના સભ્ય તરીકે ફિલ્મ 'પદ્માવત'ના વિરોધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને બાદમાં કરણી સેનાની મહિલા વિંગના વડા બન્યા હતા. તેણીએ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે ૨૦૧૬માં લગ્ન કર્યા છે અને તેમને એક પુત્રી છે.

મનીષા વકીલ શિક્ષણ અને રાજકીય અનુભવનું સંમિશ્રણ ધરાવે છે. વડોદરા શહેર (અનામત બેઠક)ના ધારાસભ્ય છે. તેણીએ એમ.એ., બી.એડ., (અંગ્રેજી સાહિત્ય) અને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા બ્રાઈટ ડે સ્કૂલમાં શિક્ષિકા અને સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી હતી. તેઓ ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨માં સતત ત્રણ વખત ચૂંટણી જીત્યા છે. ૨૦૨૨ની ચૂંટણીમાં ૧,૩૦,૭૦૫ મતોના મોટા માર્જિનથી જીત મેળવી હતી. અને ૨૦૨૧માં પ્રથમ વખત મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી બન્યા હતાં. હવે ફરીથી ૨૦૨૫ના નવા મંત્રી મંડળમાં ફરી સ્થાન મેળવ્યું છે.

દર્શના વાઘેલા એક અનુભવી નેતા છે. અમદાવાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ (એસસી) સમુદાય માટે અનામત અસારવા મતવિસ્તારના ધારાસભ્ય છે. તેણીએ બી.કોમ.સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો છે. રાજ્યની રાજનીતિમાં પ્રવેશતા પહેલા અમદાવાદ મહાનગરપાલિકામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને બે વખત (એક-એક વર્ષના કાર્યકાળ માટે) અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે.

તેઓ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ૨૦૨૫ના મંત્રીમંડળમાં તેમને સ્થાન મળવાથી અમદાવાદ શહેરનું પ્રતિનિધિત્વ મજબૂત બન્યું છે.

મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાતની મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ વધવાનો મજબૂત સંદેશ મળ્યો છે, સાથે જ પ્રાદેશિક અને અનુભવી પ્રતિનિધિત્વનું સંતુલન જળવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial