આજે રાજ્યસભાનું નવુ મંત્રીમંડળ રચાયુ, પરંતુ એ પહેલા ઘેરૃં સસ્પેન્સ રહ્યું, ગઈકાલે રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવા મંત્રીમંડળની યાદી સોંપવા જવાના હતા, પરંતુ તેના બદલે આજે સવારે ગયા અને તે પછી શપથવિધિ સમારંભ યોજાયો, અને નવા-જૂના ચહેરાઓ અંગે છેલ્લા બે-ત્રણ દિવસથી ઉઠી રહેલા સવાલોના જવાબ પણ મળી ગયા, પરંતુ આ ફેરફારો ભાજપ હાઈકમાન્ડે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં અપનાવેલી નવી રણનીતિ મુજબ છે, કે પછી ભૂપેન્દ્ર સરકાર સામેની એન્ટી ઈન્કમ્બન્સી, રાજ્યમાં આમઆદમી પાર્ટીનો વધી રહેલો પ્રભાવ, કોંગ્રેસની વધી રહેલી સક્રિયતા છે કે પછી ટોપ ટુ બોટમ વ્યાપેલા ભ્રષ્ટાચારના કારણે જનતામાં ઘટી રહેલી લોકપ્રિયતાના ગૂપ્ત ફીડબેક પછી "હાઈકમાન્ડે" આ નિર્ણય લીધો છે., તેની ચર્ચા થઈ રહી છે.
આ પહેલા આ પ્રકારના ફેરફારો ભાજપ શાસિત રાજયોમાં થયા, ત્યારે મોટેભાગે આગળની રાત્રે જ તે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવાના હોય, તેને જાણ કરાતી અને આગળની રાત સુધીમાં ફોન આવતા હતા. તેવું આ વખતે થયું નથી, તેથી આજે સવારે મહાત્મા મંદિરમાં મંચ પર ગોઠવાયેલી ખુરશીઓની સંખ્યાના આધારે પ્રેસ-મીડિયાના મિત્રોએ પણ અટકળો કરવી પડી રહી હતી. જો કે, આજે સવારથી ફોન-કોલ્સ આવવા લાગ્યા પછી ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું હતું.
બીજી તરફ અંદાજો, અટકળો અને અફવાઓની આંધી વચ્ચે વિપક્ષી નેતાઓ આ ફેરબદલ અંગે કટાક્ષ કરી રહ્યા હતા, અને ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર, પ્રજા પ્રત્યેની વિમુખતા, ભાજપમાં આંતરિક જૂથવાદ અને અસંતોષ અને એક હથ્થુ (દ્રિહથ્થુ) નેતૃત્વના દુષ્પ્રભાવથી ગ્રસ્ત શાસન-પ્રશાસન વ્યવસ્થાઓ અંગે પ્રહારો કરી રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા ગાંધીનગર આવ્યા અને અમિત શાહનો ગુજરાતનો પ્રવાસ રદ કરીને બિહારના પ્રવાસ નક્કી કરાયો, તે અંગે પણ વિવિધ પ્રકારની અટકળો થઈ રહી છે. આજના ઘટનાક્રમ પરથી એટલું તો ફલિત થાય જ છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને તથા વિરાટ કદની બની ગયેલી સત્તાધારી પાર્ટીમાં ઉકળતો અસંતોષ ખાળવા માટે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અને જે અટકળો થઈ રહી હતી, તેમાં કેટલાક અંશે તથ્ય હતું, તેવું પણ ચર્ચાય છે.
કેટલાક મંત્રીઓના વ્યક્તિગત રાજીનામાઓ સ્વીકારાયા નહીં તેથી તેઓની પુનઃ શપથવિધિ થઈ નથી.
કેટલાક વિશ્લેષકો ચારેક દાયકા પહેલા જયારે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા હતા અને કોંગ્રેસે ૧૪૯ બેઠકો મેળવી હતી., તેથી વિપક્ષનું જોર વિધાનસભામાં ઘટી ગયું હતું, તે પછી સોલંકી સરકાર સામે તબક્કાવાર અસંતોષ ઊભો થયો હતો, જેના કારણે કોંગ્રેસમાં જ અભૂતપૂર્વ જૂથવાદ સર્જાયો હતો, તેને યાદ કરીને હાલમાં ભાજપ અને તેની રાજય સરકારની સ્થિતિ લગભગ એવી જ હોવાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક વિશ્લેષકો ૧૮૨ની વિધાનસભામાં ૧૬૦થી વધુ ધારાસભ્યો ધરાવતી પાર્ટીમાં નવા ચહેરાઓને સ્થાન મળે અને અનુભવી વરિષ્ઠોનો લાભ પણ મળે, તે માટે મધ્યાંતરે થયેલા આ ફેરફારને યોગ્ય પણ ગણાવી રહ્યા છે.
હાલારમાં આ ફેરફારોની શું અસરો થશે, હાલારના બે કેબિનેટ મંત્રીઓ રિપિટ થશે કે બદલાશે ? હાલારમાં અને સૌરાષ્ટ્રમાંથી નવા મંત્રીઓ કોણ હશે ? હાલારને પુનઃ પ્રતિનિધિત્વ કેબિનેટમાં મળશે કે કેમ ? તે પ્રકારના પ્રશ્નોનો જવાબ પણ આજે મળી ગયો છે, અને જે નામો ચર્ચાઈ રહ્યા હતા, તેના સંદર્ભે જે કુતૂહલ હતું તેનો જવાબ પણ મળી ગયો છે. જામનગર શહેરમાંથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની અને ભાજપના મહિલા ધારાસભ્ય રિવાબા જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
નવા મંત્રીમંડળમાં પ્રાદેશિક, જ્ઞાતિ, જાતિ, સમાજ, વિવિધ વયજૂથના સમતુલન સાથે તથા શૈક્ષણિક લાયકાત તથા નવા ચહેરાઓ સાથે અનુભવી વરિષ્ઠ ધારાસભ્યોનું સંયોજન કરાયું હોવા છતાં કેટલીક કસર કે ચૂક રહી ગઈ હોય અને કાચુ કપાઈ ગયું હોય તેમ જણાય છે, તો બીજી તરફ પ્રદેશ ભાજપમાં નવી ટીમ માટે પણ કેટલાક દિગ્ગજોને સમાવાશે, તેવી ચર્ચા છે; જોઈએ હવે શું થાય છે તે...
હાલારમાંથી રાઘવજીભાઈ અને મૂળુભાઈ પડતા મુકાયા, પરંતુ તેની સામે રિવાબા જાડેજાને મંત્રીમંડળમાં સમાવાતા નગરના કાર્યકર્તાઓ તથા નેતાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
નવા મંત્રીમંડળમાં બહુચર્ચિત શંકર ચૌધરી અને જયેશ રાદડિયાના નામો નહીં આવતા અને હાલાર સહિતના સૌરાષ્ટ્રમાં કેટલીક ચોક્કસ કોમ્યુનિટીને પ્રતિનિધિત્વ નહીં મળતા તેથી ભાજપને નુકસાન થશે, તેવા અભિપ્રાયો પછી હવે સંગઠનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કોને-કોને-, ક્યુ-ક્યુ પદ આપશે તેના પર સૌની નજર રહેવાની છે.
બીજી તરફ નવા મંત્રીમંડળ પાસેથી પ્રજા કેવી કેવી આશાઓ રાખી રહી છે, તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે અને રાજ્યની જનતાને દરરોજ હવે લાઈનોમાં ઊભવું ન પડે, સરકારી કચેરીઓના રોજીંદા ધક્કા ખાવા ન પડે, યુવાવર્ગને સરળતાથી અને પારદર્શક ઢબે રોજગારી મળી રહે, રાજ્યમાં ટોપ ટુ બોટમ વ્યાપેલા ભ્રષ્ટાચારમાં અંકુશ આવે, વિકાસના વિશાળ માચડાઓની આડમાં છેવાડાના વિસ્તારો સુધીની મૂળભૂત સુવિધાઓ તથા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનતાને માળખાકીય સગવડો વાસ્તવામાં મળી રહે, એવું રાજ્યની જનતા ઈચ્છે છે. હકીકતમાં શાસન અને પ્રશાસન દ્વારા પારદર્શક તથા ભ્રષ્ટાચારથી મૂક્ત વહીવટ તત્કાળ થઈ જશે, અને સુશાસન સ્થપાઈ જશે, તેવી અપેક્ષા તો વધારે પડતી ગણાય તેમ છે, પરંતુ ગરીબ-મધ્યમવર્ગોની વેદના, યુવાવર્ગનો અજંપો તથા પંચાયત-પાલિકા-મહાપાલિકાઓથી લઈને બોર્ડ નિગમો તથા રાજ્ય-કેન્દ્ર સરકારને સંબંધિત કામો તથા યોજનાકીય લાભો માટે "ધક્કા અને લાઈનો મૂક્ત પારદર્શક" વ્યવસ્થાઓ ઊભી થાય, તેવી પણ લોકોની અપેક્ષા છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફારો કેમ કરવા પડ્યા, તેવો સવાલ ઉઠાવતા કેટલાક ચોક્કસ ભ્રષ્ટ મંત્રીઓના જાહેર થયેલા કારનામા ઉપરાંત પણ વ્યાપક ભ્રષ્ટાચારના કારણે રાજ્યમાં ઘટેલી ભાજપની લોકપ્રિયતા અને એન્ટી-ઈન્ક્યલન્સીને કારણભૂત ગણાવીને કહ્યું હતું કે આ બધા સવાલોનો જવાબ મુખ્યમંત્રીએ આપવો જોઈએ.
ગુજરાતના મંત્રીમંડળમાં ફરીથી એક વખત નાયબ મુખ્યમંત્રીની પોષ્ટ પૂનર્જિવિત થઈ અને હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા તે અપેક્ષિત જ હતું. ઘણી વખત આ હોદ્દો માનભેર ગાઈડલાઈન કરવા માટે પણ ભૂતકાળમાં વિવિધ સરકારોએ આપ્યો હતો, તો કેટલીક સરકારોએ નાયબ મુખ્યમંત્રીને "વજનદાર" ખાતાઓ ફાળવીને તેઓને હકીકતમાં નેક્સ્ટ-ટૂ સી.એમ.નું બહુમાન આપ્યું હતું. હવે હર્ષ સંઘવીનું મંત્રીમંડળમાં ટેકનિકલી તો કદ વધ્યું છે, પરંતુ ખાતા ફાળવણી પછીની સ્થિતિમાં નવા મંત્રીમંડળમાં કોને કેટલું મહત્ત્વ આપ્યું, તેની ચર્ચા પણ ચાલવાની છે, કેટલાક વિશ્લેષકો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ યાદ કરી રહ્યા છે !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial