
આઈએમએફની ચેતવણી તથા રાજનાથસિંહના નિવેદનો પછી ફફડતું પાકિસ્તાનઃ
પાકિસ્તાનને આઈએમએફ એટલે કે ઈન્ટરનેશનલ મની મોનિટરી ફંડ (આંતરરાષ્ટ્રીય મુદ્દા કોષ) દ્વારા અપાયેલી ચેતવણી પછી પડોશી દેશ પાકિસ્તાન માટે શરમજનક સ્થિતિ ઊભી થઈ છે. આઈએમએફ દ્વારા પાકિસ્તાનમાં છેક ઉચ્ચ કક્ષા સુધી વ્યાપી ગયેલા ભ્રષ્ટાચાર સામે લાલબત્તી ધરી છે, તો બીજી તરફ અફઘાનિસ્તાનના ભારત સાથે ઘનિષ્ઠ બની રહેલા સંબંધો તથા ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે પીઓકે પછી હવે સિંધ અંગે કરેલા નિવેદને પાકિસ્તાનમાં હલચલ મચાવી છે. આ તરફ તાઈવનના મુદ્દે ખેંચાયેલી તલવારો તથા જાપાન-ચીન વચ્ચે વધેલી તંગદિલીએ રશિયા-યુક્રેન યુદ્ધ સહિતની અશાંતા વૈશ્વિક સ્થિતિમાં વધારો કરતા બળતામાં ઘી હોમાયું છે, ત્યારે ટ્રમ્પ પોતાને શાંતિદૂત બનાવવાની વાતો કરતાં કરતાં નાના નાના દેશો પર હુમલા કરવા કે કરાવવા અને ટેરિફનો ડર બતાવીને દુનિયાના શક્તિશાળી દેશોને દબાવવાના ચક્કરમાં અમેરિકાની જનતાને મોંઘવારી, અનિશ્ચિતતા અને અસુરક્ષાની દિશામાં ધકેલી રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય પ્રવાહો વચ્ચે ભારત દ્વારા થતી નવી નવી સમજુતિઓ તથા બ્રાઝીલ અને દ. આફ્રિકા જેવા દેશોએ પણ આંખો બતાવતા મહાસત્તા ચક્કર ખાઈ ગઈ છે.
પાકિસ્તાનમાં પળોજણ
પાકિસ્તાન પર આઈએમએફ દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દે તડાપીટ બોલી રહી છે, અને ભારતના હુમલાનો ભય હજુ ઓસર્યો નથી, ત્યાં પાકિસ્તાને પાળેલા સાપ તેને જ ડંખી રહ્યા હોય તેમ ત્યાં આતંકવાદી હુમલા વધી રહ્યા છે. પાકિસ્તાનની શાહબાઝ સરકાર તહરીક-એ- તાલીબાન અને બલુચિસ્તાનને આતંકી સંગઠનો માનવા લાગી અને દુનિયામાં વિક્ટીમ કાર્ડ રમવા લાગી, ત્યાં હવે જમાત-ઉલ-અહરાર નામના આતંકી સંગઠને પેશાવરમાં અર્ધલશ્કરી દળો પર હુમલા કરીને પાકિસ્તાનની સેનાને પડકાર ફેંક્યો છે. આ આતંકી સંગઠનના તાર ટીટીપી સાથે જોડાયેલા હોવાથી પાકિસ્તાનમાં પળોજણ વધી રહી છે, જે મુનિર-સાહબાઝની જોડી માટે ખતરાની ઘંટડી ગણાય છે.
રાજનાથસિંહના નિવેદનો
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવેદનોએ પાકિસ્તાનમાં ફફડાટ મચાવ્યો છે. મોદી સરકારના મંત્રી મંડળમાં સૌથી ઓછું પણ સમજી-વિચારીને બોલતા રાજનાથસિંહની છાપ એવી છે કે, તેના પ્રત્યેક શબ્દ પાછળ ગંભીર સંકેતો હોય છે. તેઓ ઘણી વખત એવું કહી ચૂક્યા છે કે, પીઓકે ભારતનો અવિભાજ્ય હિસ્સો છે તે હકીકત છે અને એક સમય એવો આવશે, જ્યારે પીઓકે પોતે જ બોલશે કે 'હું ભારત છું!'
હવે રાજનાથસિંહે પહેલી વખત સિંધને સાંકળીને કાંઈક એવી જ વાત કરી છે, જેથી પાકિસ્તાન સરકાર અને ત્યાંના સેનાધ્યક્ષ આકૂળ-વ્યાકૂળ થઈ ગયા છે. રાજનાથસિંહના નિવેદને પાકિસ્તાનની રાષ્ટ્રીય ધરાને ધ્રુજાવી દીધી છે, તો સિંધમાં કાંઈક અલગ જ પ્રકારની હિલચાલ શરૂ થઈ ગઈ છે.
દિલ્હીમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં રાજનાથસિંહે કહ્યું હતુંકે, 'ભલે ભૌગોલિક રીતે આજે સિંધ ભારતનો હિસ્સો નથી, પરંતુ સભ્યતાની દૃષ્ટિએ સિંધ હંમેશાં ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને ભવિષ્યમાં તે ભારતમાં પાછું આવી શકે છે. તેમણે ઉમેર્યું કે તેમની પેઢીના સિંધના વિલયને ક્યારેય સ્વીકાર્યું નથી. આ નિવેદન પછી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે.'
જો કે, પાકિસ્ચતાનના વિદેશ મંત્રાલયે પણ વળતો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે બૂમરેંગ પૂરવાર થયો છે. પાકિસ્તાને રાજનાથસિંહના નિવેદનની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'આ પ્રકારના નિવેદનો વિસ્તારવાદી હિન્દુત્વની વિચારધારાને ઉજાગર કરે છે, જે સ્થાપિત સત્યોને પડકારે છે અને આંતરરાષ્ટ્રીય કાયદા, માન્ય સરહદોન અખંડિતતા અને રાજ્યોની સંપ્રભૂતાનું સપષ્ટ ઉલ્લંઘન કરે છે.'
પાકિસ્તાને રાજનાથસિંહ અને અન્ય ભારતીય નેતાઓને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકતી ઉશ્કેરણીજનક નિવેદનબાજીથી બચવા જણાવ્યું છે.
પાકિસ્તાને ભારતને વણમાગી સલાહ આપતા કહ્યું હતું કે, ભારત સરકારે પોતાના નાગરિકો, લઘુમતિઓના સંરક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.
પાકિસ્તાનને આ મુદ્દે ભારતના વિશ્લેષકો સવાલ પૂછી રહ્યા છે કે આ બન્ને દેશો એક સાથે આઝાદ થયા, તે પછી ભારતમાં લઘુમતિઓમાં એકંદરે વૃદ્ધિ થઈ રહી છે, જ્યારે પાકિસ્તાનમાં ત્યાંની લઘુમતિ ગણાતા હિન્દુ, સિખ, ક્રિશ્ચયન્સ વિગેરે નામશેષ થઈ રહ્યા છે, તેનું કારણ શું છે?
ટૂંકમાં પાકિસ્તાનમાંથી પીઓકે ભારતનું અંગ છે, બલુચિસ્તાનીઓ તો પોતાને પાકિસ્તાનથી અલગ જ માને છે અને સિંધ પણ ભારતમાં આવી જાય, તો પાકિસ્તાન પાસે પંજાબ જ રહે, કારણ કે અન્ય નાના-નાના પ્રદેશો તો પોતાની સુરક્ષા અને સલામતિ તથા વિકાસ માટે ભારત તરફ જ ઢળી જાય ને?
જાપાન-ચીન વચ્ચે તંગદિલી
જાપાન અને ચીન વચ્ચે તાઈવાનને લઈને તંગદિલી હવે પરાકાષ્ટાએ પહોંચી છે, જ્યારે જાપાનના પુનાગોની ટાપુમાં ટ્રમ્પને પણ રસ છે. જાપાને આ ટાપુ પર મિસાઈલ્સ ગોઠવી દેતા બળતામાં ઘી હોમાયું છે. ચીનના વિદેશમંત્રીએ કરેલા કેટલાક નિવેદનો પછી હવે આ તંગદિલી ક્યારે સશસ્ત્ર સંઘર્ષમાં ફેરવાઈ જાય તે નક્કી નથી.
યુદ્ધનો જવાળામુખી
દુનિયામાં રશિયા-યુક્રેન યુદ્ધ, હમાસ-ઈઝરાયેલ તંગદિલી, ભારત-પાક. વધ્ધે સતત તંગદિલી અને ઓપરેશન સિંદૂરની લટકતી તલવાર તથા જાપાન-ચીન વચ્ચે વધી રહેલી તંગદિલી ઉપરાંત કોલંબિયાએ અમેરિકા પર કરેલા આક્ષેપો જોતા આખું વિશ્વ યુદ્ધના જવાળામુખી પર હોય, તેમ જણાય છે. જે ત્રીજા વિશ્વયુદ્ધનો ઝળુંબતો ખતરો દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial