
પુતિન ભારતની મુલાકાતે આવ્યા છે, ત્યારે બન્ને દેશોની પાક્કી દોસ્તીની દાસ્તાન યાદ કરવી જ પડે ને?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા છે, અને ગઈકાલે સ્વયં વડાપ્રધાને તેઓનું દમદાર સ્વાગત પછી આજે મોદી-પુતિનની શિખર મંત્રણા પર સૌ કોઈની મીટ મંડાયેલી હતી. વર્તમાન સમયમાં ટ્રમ્પના ટેરિફ અને યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સમિકરણો બદલાઈ રહ્યા હોવા છતાં ભારત અને રશિયાની દોસ્તી એટલી ગાઢ છે કે આખી દુનિયામાં તેની ચર્ચા છે. છેલ્લા તબક્કામાં 'અબ કી બાર, ટ્રમ્પ સરકાર' તથા 'હાઉડી મોદી' જેવા કાર્યક્રમો તથા અમેરિકા અને ખાસ કરીને ટ્રમ્પના પ્રથમ ચાર વર્ષના સમયગાળામાં અમેરિકાને વધારે મહત્ત્વ અપાયું હોવાના કારણે ભારત-રશિયા વચચે ઓટ આવી રહી હોવાની છાપ ઉપસી હતી, પરંતુ બીજા સમયગાળામાં ટ્રમ્પે પલટી મારીને ભારત સામે ટેરિફનો દંડો ઉગમાગ્યા પછી ભારત અને રશિયા વચ્ચેની દોસ્તી ફરીથી ગાઢ બનવા લાગી છે, અને કદાચ આ બન્ને દેશોની દાયકાઓ જુની રણનીતિનો એક ભાગ પણ છે. સોવિયત યુનિયનની રચના થઈ તે પહેલાથી ભારત અને રશિયા વચ્ચે કેવા સંબંધો હતા અને ભારત પર બાહ્ય સંકટ આવ્યું ત્યારે રશિયા ભારતની પડખે કેવી રીતે ઊભું રહ્યું, તેવી જ રીતે વૈશ્વિક રાજનીતિમાં ભારત (સરકારો બદલાતી રહ્યા પછી પણ) કેવી રીતે રશિયાની પડખે અડીખમ ઊભું રહ્યું તેનો લાંબો ઈતિહાસ છે. આજે, આપણે સંક્ષિપ્તમાં મુખ્ય મુખ્ય ઘટનાક્રમોનું વિહંગાવલોકન કરવાનો પ્રયાસ કરીએ અને સાંપ્રત સમયની રાજનીતિ સાથે તેને મુલવવાનો પ્રયાસ કરીએ.
'કીવન રસ'થી લઈને રૂસની સ્થાપના સુધી
કીવન રસ સામ્રાજ્યની સ્થાપના ૯ મી સદીમાં થઈ હતી, અને તેમાં અત્યારના રશિયા, યુક્રેન અને બેલારૂસ વગેરે સામેલ હતાં. ૧૩ મી સદીમાં મોગલોએ આક્રમણ કરીને કીવન રસ પર વિજય પ્રાપ્ત કર્યો તે પછી મોસ્કોનો ઉદય થયો. તે પછી ૧૮ મી સદીના પ્રારંભે રૂસી સામ્રાજ્ય સ્થપાયું, જેની સ્થાપના વર્ષ ૧૭ર૧ માં થઈ હતી અને તે પછી આ સામ્રાજ્ય પ્રશાંત મહાસાગરથી બાલ્ટિક સાગર સુધી વિસ્તર્યું હતું, જેને જાર અથવા ઝાર સામ્રાજ્ય કહેવાય છે.
રશિયન ક્રાંતિ
રૂસી ક્રાંતિ અથવા રશિયન ક્રાંતિ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આવેલી ગરીબી અને ઉકળતા અસંતોષમાંથી પ્રગટી હતી. તેના કારણે નિકોલસ (દ્વિતીય) ને ગાદી છોડવી પડી હતી અને ઝાર સામ્રાજ્યનો અંત આવ્યો હતો.
સોવિયત યુનિયનની રચના
તે પછી ર૦ મી સદીમાં વ્લાદિમીર લેનિનના નેતૃત્વમાં બોલ્શેવિક સત્તામાં આવ્યા અને તેઓએ વર્ષ ૧૯રર માં સોવિયત સંઘની રચના કરી. બીજા વિશ્વ યુદ્ધમાં સોવિયત સંઘનો હાથ ઊંચો રહ્યા પછી સૌથી જુની લોકતાંત્રિક વ્યવસ્થા ધરાવતા શક્તિશાળી દેશ અમેરિકા અને રશિયા પ્રતિદ્વન્દ્વી બની ગયા અને કોલ્ડવોર તરીકે ઓળખાતા અને શિતયુદ્ધ કહેવાતા તંગ માહોલમાં વિશ્વ જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું અને સોવિયત યુનિયન અને યુએસએ એટલે કે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એવી બન્ને મહાસત્તાઓ વચ્ચે ગજગ્રાહ શરૂ થયો હતો, અને તે સમયે ભારત અને સોવિયત યુનિયન ખૂબ જ નજીક હતાં, અને દોસ્તી ગાઢ બની રહી હતી.
એવું કહેવાય છે કે, સોવિયત યુનિયનની રચના થઈ તે પહેલાથી ભારતીય ઉપખંડ અને કેટલાક એશિયન દેશોને રૂસ અને ઝાર સામ્રાજ્યના સમયગાળામાં પણ કેટલાક વ્યવહારો તથા રાજનૈતિક સંબંધો પણ રચ્યા હતાં, જેના છૂટક છૂટક વિવરણો રશિયન ક્રાંતિ તથા યુએસએના તે સમયના ઉલ્લેખોમાં જોવા મળે છે.
ભારત-રશિયા સંબંધોની ગાઢતા
ભારત અને રશિયા વચ્ચે ૧૯પ૦ ના દસકમાં સોવિયત સંઘના સામ્રાજ્યનો ગોલ્ડન યુગ હતો અને અમેરિકાને ટક્કર અપાઈ રહી હતી. તે સમયે ભારત અને રશિયા નજીક આવ્યા અને રશિયાએ ભારતને આર્થિક અને સૈન્ય સહાયતા પૂરી પાડી. ભારત આઝાદ થયું, તે પછી ભારતને જ્યારે સપોર્ટની જરૂર હતી ત્યારે રશિયા ભારતની પડખે ઊભું રહ્યું હતું અને તે સમયે ભારત-સોવિયત યુનિયન વચ્ચેની મિત્રતા ગાઢ બનવા લાગી હતી, પરંતુ ભારતના પડોશી દેશ ચીને વર્ષ ૧૯પ૦ પછી ભારત સાથે દોસ્તી વધારી અને 'હિન્દી-ચીની ભાઈ-ભાઈ'ના નારા લાગ્યા હતાં. તે પછી ચીનની દગાબાજી પછી ભારત-ચીન યુદ્ધ થયું અને વૈશ્વિક સમિકરણો બદલાયા હતાં, જો કે શીતયુદ્ધ વર્ષ ૧૯૭૧ માં જ્યારે ભારત અને સોવિયત યુનિયન વચ્ચે ર૦ વૃષ માટે મિત્રતા સમજુતિ થઈ. તે પછી ભારત અને સોવિયત યુનિયનમાં સામેલ રશિયા સહિતના દેશો વચ્ચે માત્ર સૈન્ય કે વ્યાપારિક જ નહીં, પરંતુ આર્થિક અને સાંસ્કૃતિક, રાજનૈતિક તથા કુટનૈતિક સંબંધો પણ ગાઢ થતા રહ્યા હતાં. તે પહેલા ૧૯૬૦ ના દાયકામાં ભારત-સોવિયત યુનિયન વચચેના સંબંધો વ્યાપક બનતા આઈઆઈટી-મુંબઈ અને ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ જેવા પ્રકલ્પો સ્થપાયા. તે પછી રશિયા ભારતની પડખે ઊભું રહેતા અમેરિકાએ પાકિસ્તાનને કરેલી મદદ કામ લાગી નહીં.
સોવિયેત યુનિયન વિખેરાયું
સોવિયત યુનિયન વિખેરાઈ જતા ૧પ દેશો સ્વતંત્ર થઈ ગયા. રપ મી ડિસેમ્બર ૧૯૯૧ ના દિવસે મિખાઈલ ગોર્બેચોયે રાજીનામું આપી દીધું અને ક્રેમલિનમાં સોવિયત યુનિયનનો ધ્વજ હટાવી લેવાયો. તેના બીજા દિવસથી તેમાં જોડાયેલા ૧પ દેશો સ્વતંત્ર થયા. જેમાં રશિયા, યુક્રેન, બેલારૂ, તથા અન્ય ગણરાજ્યો સામેલ હતાં. આ ઘટનાક્રમ પહેલા આંતરવિગ્રહની હિંસક ઘટનાઓ બની હતી. તે પણ એક અલગ જ ઈતિહાસ છે.
ભારત-રશિયાની પાક્કી દોસ્તી
સોવિયેત યુનિયનના વિઘટન પછી પણ ભારત-રશિયા વચચે પાક્કી દોસ્તી અખંડ રહી હતી. વર્ષ ર૦૦૦ માં ભારત ભારત-રશિયા વચચે ગાઢ પાર્ટનરશીપ માટે વધુ એક સમજુતિ પર હસ્તાક્ષર થયા તે સમજુતિ પછી આઝાદ ભારતની બુનિયાદી બિનજુથવાદી નીતિ તો એવી જ જળવાઈ રહી હતી. અમેરિકા તરફ ભારતનો ઝુકાવ પહેલાની સરખામણીમાં વર્ષ ૧૯૯૧ માં આર્થિક ઉદાસીનતાની નીતિ ભારતે અપનાવ્યા પછી થોડો વધ્યો હતો, જેને વર્ષ ર૦૧૪ પછી થોડો વેગ મળ્યો હતો. આ કારણે રશિયા-ભારતના ગાઢ સંબંધોમાં કોઈ ફેરફાર તો થયા નહોતા અને ખટાશ પણ આવી નહોતી, પરંતુ પહેલા જેવી મધૂરતા રહી જ ન હોય તેવી ભ્રાન્તિ ઊભી થઈ હતી.
ટ્રમ્પના ટેરિફે બાજી પલટી
ટ્રમ્પના ટેરિફે આખી દુનિયામાં ઉથલપાથલ મચાવી હતી અને તેમાંથી ભારત પણ બાકાત રહ્યું નથી. ભારત પર રશિયા સાથે વ્યાપારિક સંબંધો ઘટાડવા અને રશિયાનું ક્રૂડ ખરીદવાનું બંધ કરવા ટ્રમ્પે દબાણ લગાવવા ઘણાં પ્રયત્નો કર્યા અને પ૦ ટકા ટેરિફનો દંડો ઊગામ્યો, પરંતુ ભારતે આઝાદીકાળથી ચાલી આવતી બિનજુથવાદી નીતિ જાળવી રાખી છે.
એકવીસમી સદીમાં ભારત-રશિયા સંબંધો
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાના સંબંધો ક્યારેય બગડ્યા નથી, પરંતુ ગાઢતા માં ઉતાર-ચઢાવ થતા રહ્યા છે. વીસમી સદીના છેલ્લા દાયકાથી લઈને એકવીસમી સદીની પ્રથમ બે સદી દરમિયાન ભારતની બિનજુથવાદી નીતિ હેઠળ જ અમેરિકા સાથે પણ દોસ્તી વધારીને સમતુલન બેસાડવાનો પ્રયાસ થયો, અને એ દરમિયાન ભારતમાં સત્તા પરિવર્તનો પણ થતા રહ્યા. નરસિંહરાવથી લઈને નરેન્દ્ર મોદી સુધીના વડાપ્રધાનોના શાસનગાળામાં તથા વાજપેયી યુગમાં રશિયા સાથે સંબંધો જાળવી રાખીને અમેરિકા સાથે પણ કેટલાક ક્ષેત્રે સંબંધો વધારાયા, પરંતુ ટ્રમ્પના ટેરિફ પછી એવું લાગે છે કે, ભારત અને રશિયાના સંબંધો ફરીથી વીસમી સદીના મધ્યાંતરે સ્થપાયેલી ગાઢતા તરફ આગળ વધી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial